છેતરે છે એ તરે છે .
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
આજકાલના રાજકારણમાં જે છેતરે છે આડુંઅવળું વેતરે છે એ જ તરે છે. સીધાસાદા ડૂબે છે અને ચાલબાજો માલબાજો અને બબાલબાજો તરે છે. જરા વિચાર કરો, છેતરે શબ્દની કેવી કમાલ છે? 'છે' અક્ષરને આગળ ગોઠવો તો વંચાય છે-તરે અને 'છે' અક્ષરને છેવાડે ગોઠવો તો તરે-છે વંચાય. જોકે મતદારો બહુ સમજદાર બની ગયા છે.
તરત પારખી લે છે કે કોણ તરે-છે અને કોણ છેતરે છે. મને થોડા વર્ષ પહેલાં વાંચેલા સમાચાર યાદ આવી ગયા. કર્ણાટકમાં ગામંડાના એક ભેજાબાજ યુવકે પાણીમાં તરે એવી સાઈકલ બનાવી. પ્લાસ્ટિકના ચાર મોટા કેન લઈ તેના ઢાંકણા સીલ કરી દીધા પછી આ બે-બે કેન સાઈકલની આગળ અને પાછળ બાંધી દીધા ત્યારબાદ સાઈકલના પેડલમાં ફેરફાર કરી હલ્લેસા જેવાં બનાવી દીધા. જેથી પેડલ મારતાની સાથે પાણી પાછળ ધકેલાય અને સાઈકલ આગળ વધે.
પછી ગ્રામજનોને નદી કિનારે ભેગા કર્યા અને પોતાની તરતી ફલોટીંગ સાઈકલ પાણીમાં ઉતારીને માંડયો પેડલ મારી મારીને સાઈકલને તરાવવા. ગ્રામજનોએ ખુશી તાલીઓ પાડી ચિચિયારીઓ પાડી તરતી સાઈકલને વધાવી. એટલે આના પરથી પાઠ શીખવા મળ્યો કે જે જનતાને છેતરે છે એ ભલે થોડો સમય તરે છે, પણ વહેલા મોડા ડૂબે જ છે. જ્યારે દિમાગ લડાવી જે જનતાના દિલને જીતે છે એ જ લાંબો સમય તરે છે.
સગો દિકરોે વેંચાયો ૧૦ હજારમાં
દિકરી તો વ્હાલનો દરિયો... બેટી બચાવ બેટી પઢાવ... બેટી તો ખુશાલીની પેટી... આવા સૂત્રો ગજાવવામાં આવતો હોવા છતાં લગ્ન બાદ સ્ત્રીને સારા દિવસો જતા હોય ત્યારે પુત્રની ઝંખના રહેતી જ હોય છે. જ્યારે બીજી તરફ તામિલનાડુમાં ગરીબીની વરવી વાસ્તવિક્તા સામે આવી છે. જ્યાં માં-બાપે બાર વર્ષના દિકરાને દસ હજાર રૂપિયામાં વેંચી નાખવા માટે મજબૂર બનવું પડયું. ગયા નવેમ્બરમાં ગાજા વાવાઝોડાએ તામિલનાડુના તાંજવુર જિલ્લામાં ખાનાખરાબી સર્જી હતી. કેટલાયના ઘર પડી ગયા હતા. મજૂરી કરીને પેટીયું રળતા પતિ-પત્નીએ વાવાઝોડામાં ઝૂપડું ગુમાવ્યું.
ઉપર આભ અને નીચે જમીન. કોઇ આશરો ન રહ્યો. ઝૂંપડું ફરીથી બાંધવા માટે પૈસા ક્યાંથી લાવવા? એટલે એમણે એક ફાર્મના માલિકને પોતાનો દિકરો ૧૦ હજાર રૂપિયામાં વેંચી દીધો. ફાર્મ માલિકે તો ૧૨ વર્ષના આ કિશોરને બંધુઆ મજૂર તરીકે ઢોર ચરાવવાનું કામ સોંપી દીધું. પંદરેક દિવસ વિત્યા પછી પોલીસને આ વાતની ખબર પડી એટલે ફાર્મમાં જઈ કિશોરને છોડાવ્યો. આ કિશોરને તરત જ ચાઈલ્ડ પ્રોટેકશન હોમમાં મોકલી દેવામાં આવ્યો. સગા દિકરાને વેંચવો પડે એ કેવી મજબૂરી કહેવાય?
ઝૂંપડા ખાતર વેચવા પડે
જીવથી વ્હાલા બેટાને
એવાં લાચાર મા-બાપ માટે
તો અચ્છે દિન કાયમ છેટાને?
ચાર ભૂત ચોરાયાની ફરિયાદ
અંધશ્રદ્ધાળુઓ ભૂતનો વળગાડ કાઢવા ભૂવાને બોલાવે છે. દોરા-ધાગાના ધતીંગ કરે છે. ભૂતને શીશીમાં બંધ કરી દૂર ફેંકી આવવાનું કહેવામાં આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના નરમાહિડ ગામે તો ચાર ભૂત ચોરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા ચકચાર જાગી હતી.
ભૂતને વળી કોણ ચોરી જાય? વાત એમ બની કે નરમાડિહ ગામની મહિલાને પાડોશી સાથે કોઈ મામલે ખટરાગ થયો. ત્યાર પછી આ મહિલા સીધી પોલીસ સ્ટેશનમાં પહોંચી અને ફોજદારને ફરિયાદ કરી કે અમારા ફલાણા પાડોશી મારા ચાર (પાળેલા?) ભૂતો ચોરી ગયા છે. ફરિયાદ સાંભળીને પોલીસનું દિમાગ પણ ભમી ગયું. ભૂતની ચોરીનો બદલો લેવા માટે મહિલાના પરિવારે પાડોશી પર હુમલો પણ કર્યો. આ મામલો કોર્ટમાં પહોંચ્યો.
જ્યારે હુમલાના કારણની તપાસ માટે બંને પરિવારની પોલીસે પૂછપરછ કરી ત્યારે પણ મહિલા પાડોશી ભૂત ચોરી ગયાની વાતને જ વળગી રહી હતી. પોલીસે સમજાવટથી કામ લીધું અને ગામના બે-ચાર ડાહ્યા લોકોએ પણ સમજાવ્યા. આખરે કેસ કોર્ટમાં ચાલે એ પહેલાં જ કોર્ટની બહાર બન્ને પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું અને મહિલાએ પોલીસને જાણ કરી કે પાડોશીએ ચાર ભૂત પાછા આપી દીધા છે. આ જોઈને કહેવું પડે કેઃ
ચોરી ચોરી જ થાય છે
ક્યાંક ધનની તો ક્યાંક મનની ચોરી
થાય છે જીવતાની જ્યાં સલામતી નથી
ત્યાં હવને ભૂતોની પણ ચોરી થાય છે.
શિયાળામાં ગુંદરપાક અને ઉંદરપાક
શિયાળામાં તબિયત ટનાટન રાખવા માટે જાતજાતના પાક ખવાતા હોય છે. સૂંઠપાક, સાલમપાક, અખરોટ પાક અને ગુંદરપાક ખાઈ ખાઈને લોકો ઠંડીમાં તાજામાજા થતા હોય છે. ગુંદરપાક તો બધાએ ચાખ્યો હશે. પણ ઊંદરપાક વિશે સાંભળ્યું છે? સૂકવેલા ઊંદરનો પાક આસામના અંતરિયાળ વિસ્તારોમાં ખવાય છે. આસામના ગુવાહાટીથી દૂર ભારત-ભૂતાન સરહદ પાસે આવેલા કુમારીકારા ગામમાં મરેલા ઊંદરોનું રોજ બજાર ભરાય છે.
છાપામાં આ ઊંદર બજારનો ફોટો જોઈને ખરેખર નવાઈ લાગે. ચા વેચીને ગુજરાન ચલાવતી પ્રજાતિના લોકો શેકેલા, સૂકવેલા ભૂંજેલા અને રાંધ્યા વગરના ઊંદર પણ વેંચતા હોય છે.
આમ દેશના બીજા ભાગોમાં ભલે ગુંદરપાક ખવાતો હોય પણ ઊંદરપાક તો ફક્ત આસામના કુમારિકાટા વિસ્તારમાં જ ખવાતો હશે એવું લાગે છે. આમ તો આપણા દુશ્મન ચીનાઓ ઊંદર ખાવા માટે જાણીતા છે. હવે ઊંદરપાક શબ્દની મજા જુઓ. આ એક જ શબ્દમાં આપણા બંને દુશ્મન દેશોનો પડઘો સંભળાય છેઃ ઊંદર એટલે ચીના અને પાક એટલે પાકિસ્તાનઃ ઊંદર-પાક.
ગાલીબનું મુંબઈ કનેક્શન
હઝારો ખ્વાહિશે ઐસી હૈ
કી હર ખ્વાહિશ પે દમ નિકલે
બહોત નીકલે મેરે અરમાન
લેકીન ફિર ભી કમ નીકલે
ઊર્દૂના શિરમોર સમા શાયર મિર્ઝા ગાલીબની હયાતીને લગભગ સવા બસો વર્ષના વહાણા વાઈ ગયા, છતાં પણ ઊર્દૂ શાયરી અને ગઝલના ચાહકો તેમને ભૂલ્યા નથી. શાયર પોતાની દમદાર શાયરીમાં જ સદાય જીવંત રહે છે. અત્યંત ગરીબીમાં અને મોટેભાગે પહેલાં મોગલ શાસક અને પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી મળતી નજીવી આર્થિક મદદ પર ગુજારો કરતા ગાલીબને એક ફરિયાદ કાયમ રહી હતી કે તે જે સન્માનને લાયક છે એ સન્માન નથી મળ્યું. થવી જોઈએ એટલી કદર નથી થઈ. પણ મુંબઈ આ મહાન શાયરને ભૂલ્યું નથી.
એટલે જ મહાપાલિકાએ દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલા મિર્ઝા ગાલીબ માર્ગ ઉપર ગાલીબનું જંગી ભાીંતચિત્ર (મ્યુરલ) ઊભું કરી ત્યાં સેલ્ફી પોઈન્ટ રચવાનો નિર્ણય કર્યો છે. જેથી શાયરની તસવીર પાસે ઊભા રહી સેલ્ફી ખેંચી શકાશે. દુનિયામાં જ્યાં જ્યાં ઊર્દૂ ગઝલ અને શાયરીના શોખીનો વસે છે એમણે ગાલીબની ૨૨૧મી જન્મજયંતી ઊજવી એમાં મુંબઈના ચાહકો પણ સામેલ થયા હતા.
ઘણાંના મનમાં સવાલ થતો હશે કે શું ગાલીબ એમના જીવનકાળ દરમિયાન ક્યારેય મુંબઈ આવ્યા હશે? ના, નહોતા આવ્યા. જાણકારોના કહેવા મુજબ ગાલીબ ભલે મુંબઈ નહોતા આવ્યા, પણ મુંબઈ સાથે કનેક્શન હતું.
કોંકણની આફૂસ કેરી અને ખાસ તૈયાર કરેલો વાઈન મુંબઈમાં વસતા ચાહકો તરફથી જળમાર્ગે ગાલીબને દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ આજથી બે શતક પહેલાં પણ મુંબઈના ચાહકોના પ્રેમનો સ્વાદ ગાલીબે ચાખ્યો હતોને? બસ એ સ્વાદ લઈને ગાલીબે વિદાય લીધી હશે ત્યારે તેમનો જ શેર ગુંજતો હશેઃ
લાયી હયાત આયે
કઝા લે ચલી ચલે
અપની ખુશી ન આયે
ના અપની ખુશી ચલે
પંચ-વાણી
સઃ માણસને ક્યો ગ્રહ સૌથી વધુ નડે છે?
જઃ આ-ગ્રહ, વિ-ગ્રહ, પૂર્વ-ગ્રહ.