Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Nov 10th, 2017

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image

તેરપ્રેમી પ્રણવ મુખર્જી

જૂનું હિન્દી ફિલ્મ ગાણું છે તેરા જલવાં જીસને દેખા વો તેરા હો ગયા... હિન્દીમાં  તેરાનો અર્થ ૧૩ તરીકે પણ કરી શકાય. ૧૩નો આંકડો આમ તો અપશુકનિયાલ ગણાય છે. પણ ભૂતપૂર્વ  રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ૧૩ના આંકડા સાથે અજબ લગાવ છે. પ્રણવદા ૧૩ને શુકનિયાળ ગણે  છે. ઘણા વર્ષો સુધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાનનું  સરનામું હતું.

૧૩, તાલકટોરા રોડ. સંસદભવનમાં  તેમની ઓફિસ રૃમ નંબર ૧૩માં હતી ૧૩મી ઓકટોબરે તેમનું પુસ્તક 'ધી કોએલીશન યર્સ' પ્રગટ થયું  તેની ૧૩ હજાર નકલ બહાર પાડવામાં  આવી હતી. અને છેલ્લે ભારતના  ૧૩મા રાષ્ટ્રપતિ બનવાનું માન પ્રણવદાને મળ્યું હતું. આ જોઈને આરાધનાનું ગીત જરા ફેરવીને ગાઈ શકાયઃ કોરા કાગઝ થા યે મન મેરા, લીખ દિયા નામ ઉસ પે ૧૩ (તેરા)...

મુન્નાભાઈ આપીએસ

શોર મચ ગયા શોર દેખો આયા માખન ચોર.... આ ગીતની કડી જરા ધ્યાનથી સાંભળવાથી ખ્યાલ આવશે કે આપણે ત્યાં પરાપૂર્વથી ચોરી થતી આવી છે.

મોટાભાગના  લોકો નાનપણમાં ચોર-પોલીસની  રમ રમ્યા જ હશે. જે પોલીસ બન્યા હોય એ ટેણિયાઓ ચોરેને પકડવા દોડધામ કરે. આમ પણ ચોરને પકડવાનું કામ પોલીસ જ કરે છેને? પણ એ જ પોલીસ તંત્રના કોઈ આલા દરજ્જાના અધિકારી  (આઈપીએસ ઓફિસર) ખુદ ચોરી કરતા પકડાય ત્યારે કેવી શરમજનક સ્થિતિ ઊભી થાય?

ખાખી  વરદી પર દાગ લાગે એવી આ ઘટના દક્ષિણ ભારતમાં સામે આવી સિવિલ  સર્વિસની પરીક્ષામાં બેઠેલા એક આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી  હાઈ-ટેક  નુસ્ખો અજમાવી ચોરી કરતા પકડાયા. આ મહાશય બ્લૂ-ટૂથના માધ્યમથી પોતાની પત્નીના  સંપર્કમાં હતા. ધીરેકથી સવાલ બોલતા  જાય અને  ઘરે બેઠેલી પત્ની જવાબ  લખાવતી જાય. જોકે આ રીતે ચોરી કરવાનો નુસ્ખો  ચાલ્યો નહીં,  તરત જ પકડાઈ ગયા. 

આ આખી ઘટના મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના પરિક્ષામાં ચોરીના સીનની યાદ અપાવે એવી હતી.  આના પરથી  નવી ફિલ્મ  બનાવી નામ આપવું જોઈએ 'મુન્નાભાઈ આઈપીએસ' ખાખીમાં ધૂળ પડી કહેવાય. પોલીસ ઊઠી ચોરી કરતા પકડાય ત્યારે કહેવું પડે કેઃ

રામચંદ્ર કહે ગયે સીયાસે
ઐસા કલજુગ આયેગા
ચોર ઘૂમેંગે ખાલી હાથ ઓર
પુલીસ ચોર કહેલાયેગા.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 2 - imageસ્વદેશી શ્વાન સેનાની શાન

દેશની સરહદોની હિફાઝત કરતા જાંબાઝ ભારતીય જવાનોને જોઈને કોઈ પણ દેશવાસીને  સલામ કરવાનું મન થાય. મોતને હથેળીમાં  લઈ ફરજ બજાવવાની તમન્ના સાથે કોઈ યુવાન સેનામાં  જોડાય ત્યારે  તેના પરિવારજનો જ નહીં ગામવાલા પણ ગર્વની  લાગણી અનુભવે છે.

હવે દેશની સુરક્ષાની કામગીરીમાં જવાનોને સાથ આપવા માટે ભારતીય સેનાના ઈતિહાસમાં  પહેલી જ વાર દેશી નસલના શ્વાન લશ્કરમાં જોડાશે. આર્મીમાં અત્યાર સુધી  જર્મન શેફર્ડ, લાબ્રાડોર અને ગ્રેટ સ્વીસ માઉન્ટન ડોગ જેવા વિદેશી નસલના કૂતરા ફરજ બજાવતા હતા. પરંતુ હવે સંપૂર્ણ દેશી નસલના છ મુધોલ હાઉન્ડ ડોગની ટુકડીનવે  મેરઠના  રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર (આરવસી) આકરી તાલીમ આપી અને વૈજ્ઞાાનિક પરિક્ષણોમાંથી પસાર કરી તૈયાર કરવામાં આવી છે.

ટ્રેનિંગ પૂરી થયા  પછી આ સ્વદેશી શ્વાનની ટીમને ક્યા ફરજ સોંપાશે ખબર છે? ધરતી પરના સળગતા સ્વર્ગ કાશ્મીરમાં. કાશ્મીરને ભારતનો હિસ્સો ન ગણતા  અલગતાવાદીઓ અને પાકિસ્તાનનું  પીઠબળ ધરાવતા આતંકવાદીઓનો  મુકાબલો કરવા માટે  સ્વદેશી શ્વાનની ટુકડી મેદાનમાં આવશે.  આ જોઈને સહુ કોઈ બોલી ઉઠશે કે

મેરા ભારત મહાન
સ્વદેશી શ્વાન વધારશે દેશની શાન.

આ પેટ કે હાર્ડવેરની દુકાન?

'જબ જબ ફૂલ ખીલે' ફિલ્મનું ટાઈટલ યાદ આવે ત્યારે તેના શબ્દોનું  શબ્દ-વિચ્છેદન (પોસ્ટ-મોર્ટમ) થઈ જાય છે. સાચા અર્થમાં જબ જબ ફૂલ ખીલે એટલે જ્યારે જ્યારે ફૂલ ખીલે. પણ અળવિતરો અર્થ કાઢીએ તો માણસ જ્યારે પરણવાની મૂર્ખતા કરી ખીલે બંધાય એ પછી જ બધી રામાયણ શરૃ થતી હોય છેઃ જબ જબ ફૂલ (મૂર્ખ) ખીલે... કોઈ હસમુખા સ્વભાવની વ્યક્તિ હોય તો તેનો ચહેરોે અમસ્તો જ ખીલી ઉઢતો હોય છે.  પણ પેટમાં 'ખીલી' જાય તો કેવી પીડા થાય?

ભીંત કે લાકડાને  વિંધી નાખતી ધારદાર ખીલી પેટમાં જાય ત્યારે બેશક દુખાવો કરે. કલકત્તામાં  આવી જ રીતે પેટની  અસહ્ય પીડા સાથે  સિઝોફ્રેેનિયાના એક દરદીને  હોસ્પિટલમાં  લાવવામાં આવ્યો.  ડોકટરોએ એક્સ-રે  કાઢી તાબડતોબ પેટ ચીરી ઓપરેશન કરતા એનાં પેટમાંથી એક...બે... ત્રણ નહીં  ૬૩૯  ખીલીઓ નીકળી પડી. કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલના તબીબોની તોે આશ્ચર્યથી આંખો ફાટી ગઈ.

ફક્ત ખીલીઓ જ નહીં પણ માટી સુદ્ધાં નીકળી પડી. તેના પરિવારજનોએ કહ્યું કે  સિઝોફ્રેનિયાની બીમારીને  લીધે કોણ જાણે તેને ખીલીઓ અને માટી ગળી જવાની ટેવ પડી ગઈ હતી. આ બધી ખીલીઓ પેટ ચીરી એમાં પાવરફૂલ લોહચુંબક  ફેરવી કાઢવામાં આવી. ૬૩૯ ખીલીનું વજન લગભગ એક કિલો થયું બોલો ખીલી નીકળી ગઈ એટલે  પીડા શમી ગઈ  અને દરદીનો ચહેરો 'ખીલી' ઊઠયો. કહે છેને જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 3 - imageજે સરકારી બાબુ દહેજ માગશે એ નોકરી ગુમાવશે

એક પ્રદૂષણ અને બીજું દહેજનું  દૂષણ નષ્ટ નથી  થતું.  દહેજવિરોધી  કાનૂન અમલમાં છે છતાં કેટલાય લગ્નોમાં  આજે પણ દહેજની લેતીદેતી  થતી જ રહે છે. એમાં પણ જો પરણવાલાયક મૂરતિયો  ભણેલગણેલ હોેય, કાયમી સરકારી  નોકરી  હોય તો તો લગ્નના બજારમાં તેના ઊંચા ભાવ બોલાય છે. જોકે હવે બિહારના  મુખ્ય પ્રધાન નીતિશકુમારે દહેજ ભૂખ્યાઓ સામે દંડુકો ઉગામ્યો છે.

તેમણે સ્પષ્ટ જાહેરાત કરીને ચેતવણી  આપી દીધી છે કે જે સરકારી કર્મચારી લગ્ન વખતે દહેજ લેશે તે  કાયમી સરકારી નોકરી ગુમાવશે. આમ તો બિહારમાં  જે વ્યક્તિ સરકારી નોકરીમાં જોડાય ત્યારે જ તેની પાસે શપથપત્ર પર સહી લેવામાં આવે છે કે તે લગ્ન વખતે દહેજ નહીં માગે.

પરંતુ દહેજ વિરોધી કાનૂનનો જ કડકાઈથી અમલ થતો ન હોવાથી શપથપત્રમાં  સહી લેવાથી  કોઈ અર્થ નહોતો સરતો. એટલે જ  મુખ્ય પ્રધાન નીતિશકુમારે આકરા થઈને આ ફળફળતો ફતવો બહાર પાડવો પડયો છે કે દહેજ લેશે એ નોકરી ગુમાવશે. છોકરી લેતા નોકરી ખોવા કોણ તૈયાર થાય?

પંચ-વાણી

આજે કેટલાક કારમાં બેસી સાહિત્ય વાંચવાનો  ડોળ કરી પોતાને ગણાવે સાહિત્ય-કાર.
 

Tags :