મધમાખીની મદદથી પાણીની શોધ
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ધોમધખતા ઉનાળામાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના વડાળીના જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ પાણી માટે ટળવળતા હતા. તરસ છીપાવવા આમતેમ ભટકતા હતા. પણ નાના જળકુંડ અને ઝરણા સૂકાઈ ગયા હોય ત્યાં પીવા માટે પાણી ક્યાંથી મળે? અમરાવતી પાસેના આ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા વન અધિકારીઓએ મુંગા જીવો માટે પાણી શોધી કાઢવાની હામ ભીડી.
કેટલાય દિવસો સુધી જંગલ ખૂંદ્યા બાદ એક જગ્યાએ ઝાડ ઉપર મધપૂડા જોયા. વન અધિકારીઓની ચકોર આંખોએ પારખી લીધું કે આ જગ્યાએ પાણી હોવું જોઈએ. કારણ કે મધમાખીઓ ઉનાળામાં ભીની માટી શોષીને તરસ છીપાવતી હોય છે. આ મધપૂડાની આસપાસની જમીનને સ્પર્શ કરવામાં આવતા ભીની લાગી. એટલે એજ જગ્યાએ એ જ વખતે ખોદકામ શરૂ કર્યું.
ઉંડો ખાડો ગાળતાની સાથે જમીનના પેટાળમાંથી ઠંડા પાણીનું ઝરણું ફૂટી નીકળ્યું. જોતજોતામાં ખાડો પાણીથી ભરાઈ ગયો. આમ મધમાખીને લીધે પાણીનો કુદરતી સ્ત્રોત મળી ગયો. બસ હવે આ જંગલના પ્રાણીઓ, પક્ષીઓ કે પશુઓએ તરસ છીપાવવા ભટકવું નહીં પડે.
'ઉંદર- પ્રદેશ'ની ઊપાધી
ઊંદર મારો.... ઊંદર મારો.... ઊંદર મારોની બૂમરાણથી કંટાળીને કોઈ હળવાશથી કહે પણ ખરા કે ઊંદર મારો.... મારો શું બરાડયા કરે છે? એક વાર નહીં સો વાર તારો, બસ હવે શાંતિ? જોકે આ વાત ઊંદર મારો કે તારો કરવાની નથી. આ તો ઊંદરને મારવાની માગણી થયા કરે છે. મહાનગર મુંબઈની માનવવસ્તી વધે છે એનાથી અનેક ગણી ઝડપે ઊંદર વધતા જાય છે. સામાન્ય નાગરિકો એક તો રેટ (ભાવ) વધે એનાથી ચિંતીત રહે છે અને એક રેટ (ઊંદર) વધે એનાથી ત્રાસી જાય છે.
મુંબઈમાં મહાપાલિકામાં અત્યાર સુધી ઊંદરોનું રાત્રે નિકંદન કાઢતા નાઈટ રેટ કિલર્સ મોટી સંખ્યામાં હતા. પણ હવે પહેલા જેટલાં કિલર્સ રહ્યાં નથી. એક ઊંદર મારવાના ૧૮ રૂપિયા રોકડા ગણી આપવામાં આવે છે. છતાં નાઈટ રેટ કિલર્સ મળતા નથી. લેપ્ટોસ્પાઈરોસીસ જેવી અનેક જીવલેણ બીમારી ફેલાવતા ઊંદરોને મારવા માટે પાલિકાના જંતુનાશક વિભાગ તરફતી ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. કારણ કે ગયા વર્ષે લેપ્ટોસ્પાઈરોસીસની બીમારીએ ૧૨ મુંબઈગરાનો ભોગ લીધો હતો.
૨૦૧૮માં પાલિકાએ લગભગ દોઢ લાખ ઊંદરોને મોતને ઘાટ ઊતાર્યા હતા. પણ ઊંદરમાર 'નિષ્ણાતો'ની અત્યારે વર્તાતી કમીને પહોંચી વળવા પાલિકાએ આહવાન કરવું પડયું છે કે જે સંસ્થા ઊંદરોને મારવાની કામગીરી પાર પાડવા માગતી હોય એ આવી જાય. પાલિકાના દરવાજા ખુલ્લા છે. ઊંદરના દર અને પાલિકાના દરવાજા ખુલ્લા છે એ સાંભળીને કયું ગીત યાદ આવે ખબર છે? મેરા 'દર' ખુલા હૈ ખુલા હી રહેગા તુમ્હારે લીયે.... બીજું રેટ શબ્દની એક ઔર મજા છે. રેટનો અર્થ દર પણ થાય અને દર એટલે રેટનું 'દર' એવો પણ અર્થ થાય.
ફળની ખાતરી કરી કર્મ કર્યે જા
ગીતાજીમાં કહ્યું છે કે ફળની આશા વિના કર્મ કર્યે જા. પરંતુ આ દેશના રાજકારણીઓ ફળની ફક્ત આશા જ નથી રાખતા ખાતરી પણ કરી લે છે, પછી જ કર્મ (અમુક કુકર્મ) કર્યે જાય છે. કોઈ વળી ફળ મેળવ્યું એ દેખાય નહીં માટે ફળના રસની કામના કરે છે. રસ- કસ વગર કોઈ રાજકારણમાં આવે એમ તમે માનો છો? દક્ષિણ ભારતના તામિલનાડુની એક પાર્ટીનું તો ચિહ્ન જ ફળનું છે.
આ પક્ષનું ચિહ્ન છે, કેરી. તાજેતરમાં જ તામિલનાડુના પર્યાવરણ ખાતાના પ્રધાન સી. શ્રીનિવાસન આ કેરીવાળા પક્ષના ઉમેદવારની પ્રચાર સભામાં ગયા હતા. હવે આ પ્રધાનસાહેબ મંચ ઉપર ચડયા પછી એકનું બીજું બોલી નાખવામાં અને ભગા કરવામાં માહેર છે. સાહેબ તો મંચ ઉપર ચડયા અને ગળુ ફાડીને માઈકમાં ભાષણ ફફડાવ્યા પછી જનતાને અપીલ કરી કે 'યાદ રાખો, સફરજનને જ મત આપવાનો છે, સફરજન.... એપલને વોટ આવવાનું ચૂકતા નહીં.'
આ સાંભળી સભાજનોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને સહુ બૂમાબૂમ કરવા માંડયા. કેરી... કેરી.... મેંગો.... મેંગો.... આ સાંભળીને મંત્રીજીને ભાન થયું કે આ તો ભૂલમાં કેરીને બદલે સફરજનને નામે વોટની અપીલ થઈ ગઈ. તરત એમણે ભૂલ તો સુધારી લીધી. પણ અકબર- બિરબલની કહાનીમાં આવે છે ને કે બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી...
સગાબાજી અને દગાબાજી
ના માનું ના માનું ના માનું રે... દગાબાજ તોરી બતિયાં ના માનું રે.... પ્રેમમાં દગાબાજી થતી હોય છે, પણ એનાથી વધુ દગાબાજી ખુરશી- પ્રેમની આલમમાં એટલે કે રાજકારણમાં જોવા મળે છે. પોતાની પાર્ટી તરફથી ચૂંટણીની ટિકિટ ન મળે ત્યારે પક્ષપલ્ટુઓ બીજી પાર્ટીમાં ઠેકડો મારે છે. આમ પોતાની પાર્ટી સાથે દગો કરે છે. જે પાર્ટીમાં ઠેકડો મારીને જાવ એ પાર્ટીવાળા કૂદીને આવેલાને ચૂંટણીમાં ઊભો રાખે છે. આમ પોતાના પક્ષના વફાદારોને દગો દઈને ઠેકીને આવેલા ઠેકેદારને ટિકિટ આપે છે.
આ પક્ષપલ્ટુઓ સૌથી વધુ દગો કોની સાથે કરે છે ખબર છે? પોતાના મતદાર સંઘના મતદારો સાથે. કારણ મતદારોએ તેમને જે પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટીને મોકલ્યા હોય છે તેની સાથે છેડો ફાડી બીજા પક્ષમાં બેસી જાય છે. દગા કિસકા સગા નહીં એવી કહેવત છે ને? પણ આ દેશના રાજકારણમાં દગાબાજી અને સગાબાજી જ ચાલે છે. સમાજવાદ, સામ્યવાદ કરતાં પણ સગાવાદ અને ભાઈ- ભત્રીજાવાદની જ ભરમાર જોવા મળે છે.
વંશવાદ અને સગાવાદનું દૂષણ કે ઘૂષણ કયા પક્ષમાં નથી કોઈ કહી શકશે? મને તો આ જોઈને ઓશોએ સંભળાવેલો મુલ્લા નશરૂદ્દીનનો કિસ્સો યાદ આવે છે. મુલ્લા નસરૂદ્દીન બીબી- બચ્ચાને લઈ દરિયા કિનારે ફરવા ગયા હતા. બીચ ઉપર ટહેલતા નસરૂદ્દીન પાસે ધૂંઆપૂંઆ થતો એક ટુરિસ્ટ આવ્યો અને બરાડયો 'મુલ્લા આ શું માંડયું છે? હું સનબાથ લેવા માટે રેતીમાં સૂતો હતો ત્યારે મારી આંખમાં ધૂળ નાખીને ભાગ્યો એ તમારો જ બેટો હતો ને?'
મુલ્લાએ આમતેમ જોઈ જવાબ આપ્યો 'મારો બેટો આવું કરે નહીં, તમારી આંખમાં ધૂળ નાખીને ભાગ્યો એ તો મારો ભત્રીજો હતો. મારો બેટો તો જુઓ તમે જ્યાં સૂતા હતા તેની બાજુમાં લાઈમ જ્યુસનો ગ્લાસ રાખ્યો હતો એમાં જુઓ ઉભો ઉભો ટેસથી સૂસૂ કરે છે.' ભાઈ- ભતીજાવાદમાં આવા જ ફરજંદ જોવા મળે છે ને? સત્તાના સાગર કિનારે સગાવાદની ભરતીમાં મુલ્લા નસરૂદ્દીનના ફરજંદ જેવા સગા અને ગગા ફરે છે ને?
કયાંક દગાબાજી
તો કયાંક સગાબાજી
ચુનાવમાં જીતીને આ
જમાત રાજી રાજી
'જંગલે' જાય એને હાથીનો ભેટો થાય
એક વખત હતો જ્યારે ઘર ઘરમાં શૌચાલય નહોતા ત્યારે ગામડાના લોકો સીમમાં જઈને શંકા- નિવારણ કરી આવતા. સવારે શૌચક્રિયા માટે જાય એને માટે એવો શબ્દ- પ્રયોગ થતો કે જંગલે જઈએ છીએ. પણ જંગલ હોય એટલે જંગલી જનાવરનું પણ જોખમ પણ હોયને? આ જોખમનો સૌથી વસમો અનુભવ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના એક ગ્રામજનને થયો. ઘરમાં શૌચાલય ન હોવાથી લોટો લઈને એ તો ખુલ્લામાં ઝાડી- ઝાંખરા પાછળ જઈને બેઠો.
એણે હજી તો ખુલાસો કરવાની શરૂઆત કરી ત્યાં તો પાછળથી ચીંઘાડ નાખતો હાથી ધસી આવ્યો. હજી આ ગ્રામજન ભાગવાનું વિચારે એ પહેલાં તો હાથીએ એને સૂંઢથી ઉપાડયો અને માંડયો જંગલ ભણી ભાગવા. આડાબીડ જંગલમાં આ માણસની બચાવો.... બચાવોની બૂમાબૂમ કોણ સાંભળે? લગભગ ૫૦ મીટર સુધી દોડયા બાદ હાથીએ એ માણસને પૂરી તાકાતથી નીચે પછાડયો અને પછી જંગલમાં ભાગી ગયો.
જોરદાર પછડાટ વાગતા ગ્રામજનના હાડકાં ખોખરા થઈ ગયા, પણ એટલો નસીબદાર કે જીવ બચી ગયો. ઘાયલ અવસ્થામાં ત્યાં જ પડયા રહેલા આ માણસના ઉહકારા અને કણસતા કણસતા મદદ માગવાનો અવાજ પેટ્રોલિંગમાં નીકળેલા વનરક્ષકોને કાને પડયો. તરત મદદે દોડી ગયા અને જખમીને હોસ્પિટલે પહોંચાડયો એટલે જીવ બચી ગયો. હવે આ જણ ઘર ઘરમાં શૌચાલયની જે ઝુંબેશ ચાલે છે એમાં સાદ પૂરાવવા કહેશે પણ ખરો કેઃ
જાન બચી સો લાખો પાયે
અબ ખુલે મેં શૌચ કોન જાયે...
પંચ- વાણી
જીવનમાં કલરવ માટે કર-લવ