Get The App

દેશની તરતી બજારો .

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Nov 1st, 2019

GS TEAM

Google News
Google News
દેશની તરતી બજારો                                    . 1 - image


તહેવાર નજીક આવે ત્યારે જેની પાસે ત્રેવડ હોય એ જાતજાતની ચીજો ખરીદવા પાછળ બજારોમાં જઈ જઈને પૈસાનું પાણી કરે છે. બજારોમાં જઈ પૈસાનું પાણી કરવાને બદલે પાણીમાં તરતી બજારોમાં જઈ પૈસા વાપરવાના હોય તો કેવો રોમાંચ થાય? પરદેશમાં હોંગકોંગ અને થાઈલેન્ડમાં આવી તરતી બજારો જોવા મળે છે.

પાણીમાં તરતી નાની નાની  બોટમાં જાતજાતની ચીજોનું વેચાણ થાય છે. પણ હવે તો ઘરઆંગણે પણ તરતી બજારોમાં જઈ ખરીદીનો લ્હાવો લઈ શકાય છે. કલકત્તાની હુગલી નદીમાં ફલોટીંગ માર્કેટ રચવામાં આવી છે. ત્યાં લગભગ ૧૦૦ નૌકામાં જાતજાતની ચીજોનું વેચાણ કરતી બજાર ભરાય છે. એક બોટમાંથી બીજી બોટમાં જવા માટે લાકડાના નાના પુલ પણ બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા આંતકવાદીઓ અને અલગતાવાદીઓએ ધરતી પરના સ્વર્ગને નરકમાં ફેરવી નાખ્યું એ કાશ્મીરના શ્રીનગરમાં વિખ્યાત દલ સરોવરમાં તો અનેક વર્ષોથી રંગબેરંગી ફૂલો (કાશ્મીર કી કલી ફિલ્મની ફૂલવાળી યાદ છે?), ફળફળાદી, શાકભાજી અને બીજી કંઈક ચીજો શિકારામાં વેંચાય છે. જ્યારે ભગવાનની ભૂમિ તરીકે ઓળખાતા કેરળમાં એક મોટી બોટમાં મોલ જેવો તરતો સ્ટોર બનાવવામાં આવ્યો છે. આ બોટ લગભગ ૫૦ ગામોમાં ફરીને વેચાણ કરે છે. આવી તરતી બજારમાં ખરીદી કરવાની કેવી મજા આવે? બજાર તરતી હોય એનો વાંધો નહીં, છે- તરતી ન હોવી જોઈએ.

મહાત્મા ગાંધીને માર્ગે
ગાંધીજીની દોઢસોમી જન્મ જયંતી દેશ અને દુનિયામાં ઊજવાઈ. ત્યારે સહેજે મનમાં સવાલ થાય કે મહાત્મા ગાંધી રોડ પર રોજ કરોડો લોકો ચાલતા હોય છે, પણ ગાંધીએ ચિંધેલા માર્ગે કેટલા લોકો ચાલે છે? આપણાં જ દેશની વાત કરીએ તો ગામડાથી માંડીને શહેર સુધી દરેક જગ્યાએ કોઈને કોઈ માર્ગને ગાંધીજીનું નામ આપેલું જોવા મળે છે. પણ ફક્ત રસ્તાને નામ આપી દીધું એટલે કામ પત્યું એમ જ ને? આપણા દેશની જ ક્યાં વાત કરવી? પરદેશમાં પણ મહાત્મા ગાંધી માર્ગ જોવા મળે છે. 

હમણાં જ એક હિન્દી દૈનિકે આપેલી વિગતો મુજબ નેધરલેન્ડના ગામોમાં મહાત્મા ગાંધી રોડની સંખ્યા ૨૮ છે. જ્યાંથી બાપુના હૃદયમાં સત્યાગ્રહના બીજ રોપાણા એ દક્ષિણ આફ્રિકામાં બે માર્ગને ગાંધીજીનુું નામ અપાયું છે. દક્ષિણ આફ્રિકાને ગોરાઓની હકૂમતથી આઝાદ કરાવનારા નેલ્સન મંડેલાએ પણ ગાંધીજીને પ્રેરણામૂર્તિ ગણાવ્યા હતા. મોરિશિયસમાં ૬ ગાંધી રોડ છે અને યુએસએમાં પાંચ ગાંધી માર્ગ છે.

આવી જ રીતે બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જમૈકા, હંગેરી, ઈરાન, ઈટલી, જોર્ડન, લેબનન, મેક્સિકો, મોંગોલિયા, સર્બિયા, સ્પેન, શ્રીલંકા, તુર્કી અને ઈંગ્લેન્ડમાં ગાંધી માર્ગ કુરુક્ષેત્રની નજીક હોવાથી જ્યાં વધુમાં વધુ મહાભારત ખેલાય છે એ દેશની રાજધાની દિલ્હીમાં લગભગ છ રસ્તાને ગાંધીજીનું નામ આપવામાં આવ્યું છે. ગાંધીમાર્ગ પર સહુ ચાલતા હોય છે, પણ સત્ય અને અહિંસાના ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ક્યાં કોઈ પરવા કરે છે? આ જોઈને ગાંધીગીત યાદ આવી જાયઃ સતની ખાંડાની ધારે કોણ ચાલ્યું જાય... રામનામને આધારે આ કોણ ચાલ્યું જાય....

શૌચાલયમાં સેલ્ફી
મોટા અને માલેતુજાર પરિવારોમાં લગ્ન- પ્રસંગ આવે ત્યારે લગ્ન પહેલાં પ્રી- વેડિંગ ફોટોશૂટની ફેશન થઈ ગઈ છે. પણ મધ્ય પ્રદેશમાં તો પ્રી- વેડિંગ ફોટોશૂટથી પણ આગળ વધીને 'સેલ્ફી ઈન ટોઈલેટ'નો ટ્રેન્ડ શરૂ થયો છે. શૌચાલયમાં સેલ્ફી? એ સાંભળીને જ સુગ ચડે કે નહીં? સુગ ભલે ચડે પણ જો મધ્ય પ્રદેશ સરકાર તરફથી લગ્ન વખતે કન્યાને અપાતી ૫૧ હજાર રૂપિયાની સહાય મેળવવી હોય તો પહેલી શરત એ છે કે ભાવી ભરથારના ઘરમાં શૌચાલય હોવું જોઈએ. 

હવે આટલા બધા લગ્નો લેવાતા હોય ત્યારે સરકારી કર્મચારીઓ ઘરે ઘરે ફરીને શૌચાલય છે કે નહીં એની ક્યાંથી તપાસ કરે? એટલે. જેના લગ્ન થવાના હોય એ કન્યાએ આર્થિક રીતે પછાત વર્ગ માટેની સરકારી સહાય યોજનાનો લાભ લેવો હોય તો ફોર્મની સાથે પોતાના ભાવી પતિના ઘરમાં શૌચાલય છે તેનાં પુરાવા તરીકે પતિએ ટોઈલેટમાં ઊભા રહીને સેલ્ફી લેવાની પછી આ શૌચાલય- સેલ્ફી ફોટો ફોર્મની સાથે બીડીને સરકારને મોકલવાનો એટલે મુખ્ય- મંત્રી કન્યા વિવાહ/ નિકાહ યોજના હેઠળ ૫૧ હજાર રૂપિયા મળી જાય.  આવી સહાય મળતી હોય તો પછી કોણ શૌચાલયમાં ઉભા રહીને સેલ્ફી ન ખેંચાવે?

મકાઈ અને બટેટાની કેરીબેગ
મકાઈ અને બટેટાની કેરીબેગ એટલે કંઈ પ્લાસ્ટીકની કોથળી કે થેલીમાં મકાઈ અને બટેટા ભરવાના ન હોય. બલ્કે આ તો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે મકાઈ અને બટેટાના સ્ટાર્ચનો ઉપયોગ કરી પંજાબના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અનોખી કેરી બેગ બનાવી છે. જરા વિગતે વાત કરીએ તો પંજાબ સરકારે ગુરુ નાનકદેવના ૫૫૦માં પર્વને અનુલક્ષીને સુલતાનપુર લોધી ગામને સંપૂર્ણ પ્લાસ્ટિક- મુક્તિ ગામ બનાવવાનો સંકલ્પ કર્યો છે. 

મહાત્મા ગાંધીજીની દોઢસોમી જયંતી ઉજવાઈ એ જ દિવસથી આ ગામમાંથી પ્લાસ્ટિકને જાકારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે એ દિશામા ં પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે મકાઈ અને બટેટાના સ્ટાર્ચમાંથી અનોખી કેરીબેગ બનાવવામાં આવી છે. સ્વયંસેવકોની ટીમ સપ્તાહમાં એક દિવસ ઘરે જઈને આ કેરીબેગનું વિતરણ કરશે. 

આ બેગ કેરીબેગની વિશેષતા એ છે કે જો તેને ફેંકી દેવામાં આવે તો લગભગ ૯૦ દિવસમાં પાણી લાગવાથી અને વાતાવરણની અસરથી પોતાની મેળે માટીમાં મળી જશે અને નષ્ટ થઈ જશે. આપમેળે નષ્ટ થઈ જાય એવી કેરીબેગ જોઈને કેવી નવાઈ લાગે?

કાંદાનું કમઠાણ
જર, જમીનને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ..... એવી કહેવત છે. પરંતુ ઝવેરાત, પૈસા કે જમીન માટે નહીં, પણ કાંદા માટે મહિલાઓ વચ્ચે આપસી અથડામણ થાય ત્યારે કેવું આશ્ચર્ય થાય? આ ઘટના ઉત્તર પ્રદેશના બીજનોર ગામની છે. કાંદાના ભાવ ઊંચેને ઊંચે ચડવા માંડયા અને ગ્રાહકોની આંખોમાં રીતસર પાણી આવવા માંડયા ત્યારે બીજનોરની શાક માર્કેટમાં આ ધીંગાણું થયું હતું. એક મહિલા કાંદા વેંચતા દુકાનદાર સાથે ભાવ માટે રકઝક કરતી હતી. 

ભાવતાલનો આ સિલસિલો લાંબો ચાલતા પાછળ ઉભેલી એક મહિલાએ દુકાનદારને કહ્યું કે 'આ બહેનની કાંદા ખરીદવાની ત્રેવડ જ નથી, મૂકોને માથાકૂટ?' આ સાંભળતાની સાથે ભાવતાલ કરતી મહિલાનો પીત્તો ગયો. પછી તો ઝઘડાએ મારામારીનું સ્વરૂપ લીધું. છૂટા હાથની આ મારામારીમાં પાંચ મહિલા લોહીલુહાણ થઈ ગઈ. તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને કાંદા- સંગ્રામમાં ઘાયલ આ પાંચેય રણચંડીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. પાંચેય સામે પોલીસમાં કેસ દર્જ થયો એ લટકામાં. આ કિસ્સો વાંચીને કહેવું પડે કેઃ

ભલે ઉગે ભાણ

જ્યારે ભાવમાં થાય ખેંચતાણ

ત્યારે થાય કાંદાનું કમઠાણ.

પંચ-વાણી

ધન હોય એની ધનતેરસ

ગન હોય એની ધનાઘન તેરસ

Tags :