Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Feb 9th, 2018

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image

બિહારી નારી બંદૂકધારી

નારી કભી ના હારી... એવા નારા લગાવવામાં આવે છે  નારીના, પણ બિહારમાં ખાસ કરીને પટનામાં પરનાવાળા હથિયારો ધરાવતી નારીઓ તરફ નજર કરવામાં આવે તો એમ કહી શકાય કે બિહારી નારી બંદૂકધારી... તાજેતરમાં જ લાયસન્સવાળી ગન ધરાવતી પટનાની મહિલાઓની ગણના કરવામાં આવી તો આંકડો ૭૦૦ ઉપર પહોંચ્યો હતો. આ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, મોટા રાજનેતાઓ, અફસરો અને લોકપ્રતિનિધિઓના પરિવારની મહિલાઓ છે જે લાયસન્સવાળી ગન ધરાવે છે.

હવે તો પુરુષોની જેમ જાણે બિહારની સ્ત્રીઓ માટે પાસે હથિયારપ રાખવા  એ મોભાનું પ્રતીક ગણાય છે. લાયસન્સવાળી રિવોલ્વર રાખતી મોટા ભાગની સ્ત્રીઓ પરણેલી છે. હું તો કાયમ કહું છું કે જે શબ્દને છેડે ગન આવે ત્યાં ધડાધડી  થયા વિના રહે નહીં. દાખલા તરીકે મશીન દાખલા તરીકે મશીન-ગન, હેવી મશીન-ગન. એસએલઆર-ગન અને છેલ્લે લ-ગન.

જ્યાં સાંજ સુધી રાષ્ટ્રીય પર્વની ઉજવણી નહોતી થઈ

સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા...ની ધૂન અને શાનદાર જાનદાર પરેડ સાથે રાજધાની દિલ્હીમાં દબદબાભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ, પરંતુ આજ પાટનગર દિલ્હીથી લગભગ ૧૪૫ કિલોમીટરના અંતરે આવેલા હરિયાણાના રોહનાત ગામમાં છેલ્લા સાત દાયકાથી પ્રજાસત્તાક દિન કે સ્વાતંત્ર્યદિનની ઉજવણી થઈ નહોતી. ૭૦ વર્ષમાં કદાચ પહેલી વાર ૨૬મી જાન્યુઆરીની ઉજવણી થઈ હતી.

અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયાને સાત દાયકા વિત્યા પછી પણ આ નાનું ગામ શા માટે અત્યાર સુધી પ્રજાસત્તાક દિન કે આઝાદી દિનની ઉજવણી કરતું નહીં એવો દરેકના મનમાં સવાલ થાય. એનો જવાબ છે આઝાદી પછી સત્તા પર આવેલી એક પછી એક સરકારોએ આ રોહનાત ગામ તરફ કરેલા દુર્લક્ષને કારણે રોહનાતવાસીઓના મન એવાં તો ખાટાં થઈ ગયા કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનું જ માંડી વાળ્યું.

૧૮૫૭માં જ્યારે અંગ્રેજો સામે બળવો થયો ત્યારે રોહનાતના લોકોએ પૂરજોશમાં વિપ્લવમાં ભાગ લીધે હતો. અંગ્રેજોની ઘોડેસવાર સેનાએ  રોહનાત ગામ ઘેરી લીધું અને તોપમારો તથા ગોળીબાર ચાલુ કર્યો. કેટલાય શહીદ થઈ ગયા અને કેટલાય લોકો તોપમારાથી બચવા ગામના કૂવામાં કૂદી કૂદીને મોતને ભેટયા. બળવો થયા બાદ અંગ્રેજોને ગામ ઉપર જે દાઝ હતી એ ઉતારવા આખું ગામ લીલામ કરી નાખ્યું.

દેશની આઝાદી માટે આટઆટલા રોહનાતવાસીઓ મરી ફિટયા છતાં દેશ આઝાદ થયા પછી તેની કદર ન થઈ તેનો રંજ ગામવાસીઓને કોરી ખાવા લાગ્યો. એટલે જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ન કરવાનો નિર્ધાર કર્યો. જોકે હિન્દી પ્રસાર માધ્યમના અહેવાલ મુજબ સમજાવટ અને આશ્વાસન બાદ સાત દાયકા પછી કદાચ પહેલી વાર રોહનાતવાસીઓએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 2 - imageબર્દવાનમાં ભૂતનું વેચાણ

ભૂતને ધૂણી ધૂણીને કાઢવાવાળા ભૂવા આજેય ઘણે ઠેકામે જોવા મળે છે, પણ કોઈ ભૂત વેંચવા નીકળે એવું સાંભળ્યું છે? અલ્લાદિનના જાદુઈ ચીરાગની વાર્તામાં આવે છે ને કે દિવો ઘસતાની સાથે જ અંદરથી જીન બહાર આવે એ માલિકની તમામ આજ્ઞાાનું પાલન કરે. પશ્ચિમ બંગાળના બર્દવાન શહેરના એક રહેવાસીને ચાર ઠગોએ ભરમાળ્યો કે દસ લાખ રૃપિયા આપ તો કાચની બોટલમાં બંધ જાદુઈ જીન આપીએ. બોટલનું ઢાકણું ખોલતાની સાથે જ જીન બહાર આવશે અને પછી તમામ ઇચ્છા પૂરી કરશે.

કહે છેને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ કહેવતની જેમ જીન મારફત ખજાનો મેળવવાના કથિત લોભમાં બર્દવાનવાસી ભાઈ તો પહોંચ્યા ચાર જણની ચંડાળ ચોકડીને મળવા અને જીન લેવા માટે એક હોટેલમાં. ચારે જણે એક કાચની બોટલ દેખાડી જેની અંદર રૃપિયાનો એક સિક્કો ગોઠવેલો હતો.

પેલા ભાઈને કહ્યું કે આ બોટલમાં જીન બંધ છે. બોટલ જોઈતી હોય તો ૧૦ લાખ રૃપિયા ગણી આપ. પેલો જણ મુંઝાયો. એણે કહ્યું કે મારી પાસે તો પૈસા નથી. આ સાંભળી ચારેય ચાલબાઝનો પીત્તો ગયો અને મેથીપાક ચખાડી એના ખીસ્સામાં જે  થોડાઘણાં પૈસા હતા એ તફડાવી 'શિકાર'ને હોટેલની રૃમમાં પૂરી ચારેય નાસી ગયા.

આ ફસાયેલા ભાઈએ જેમતેમ પોતાના એક દોસ્તનો કોન્ટ્રેક્ટ કર્યો. દોસ્તે બર્દવાન પોલીસને જાણ કરતાની સાથે જ વર્દીધારી ટીમ પહોંચી ગઈ અને ચારેય ચાલબાજોને ઝડપી લીધા. આમાંથી એક તો પોલીસ વેનનો ડ્રાઇવર જ નીકળ્યો. આ કિસ્સો જાણીને વિચાર આવે કે શું જમાનો આવ્યો છે? ભેજાબાજો ભૂતનેય વેંચવા નીકળે છે. ભૂવા ભૂતને કાઢે અને ભેજાબાજો ભૂતને વેંચવા કાઢે.

ઇમાનદાર ચોર

એક જમાનામાં ગામડામાં વચ્ચોવચ્ચ ગામનો ચોરો રહેતો અને એ ચોરા ઉપર ભેગા થઈ ગામગપાટા મારતા. હવે ગામેગામ 'ચોરો' જોવા મળે છે. જાત જાતની ચોરી થાય છે તો ક્યાંક ચોરી ઉપર સીનાજોરી થાય છે. મોર કળા કરે એમ ચોર પણ 'કળા' કરી જાય છે. પણ કરિયાણામાં પહેલીવાર એક ઇમાનદાર ચોર દેખાયો.

ફતેહાબાદના સ્મશાન ઘાટ પાસે પાર્ક કરેલી બાઇક ચોરીને આ ચોર પલાયન થઈ ગયો. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ આ ચોરીની વારદાત  ઝીલાઇ ગોતાગોત શરૃ થઈ ગઈ. પરંતુ બે દિવસ પછી લોકોના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. જ્યાંથી બાઈક ચોરી જવામાં આવી હતી એ જ જગ્યાએ અજાણ્યો શખ્સ બાઇક પાછી મૂકી ગયો. એટલું જ નહીં બાઈકની પેટ્રોલની ટાંકી ઉપર સુઘડ અક્ષરોમાં માફીપત્ર લખીને ચોંટાડી ગયો.

એમાં લખ્યું હતું કે 'ભાઈસાબ, મને ચોર ન સમજતા. મારે ખૂબ જ અર્જન્ટ કામ આવી પડતા આપની બાઇક ઉઠાવી જવની મેં હરકત કરી હતી. પરંતુ આપની મોટરસાઇકલ પાછી મૂકી જાઉં છું એટલું જ નહીં બે દિવસમાં જે પેટ્રોલ વપરાયું તેમાં બદલામાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી જાઉં છું. પ્રણામ.' આજે દેશમાં બેઇમાન ચોરોનો જ ત્રાસ છે, બાકી આવા ઇમાનદાર ચોર મળે તો બેડો પાર થઈ જાય.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 3 - imageભારતનો ધ્વજ લાહોરમાં દેખાય

વિજયી વિશ્વ તિરંગા પ્યારા... ઝંડા ઊંચા રહે હમારા... પણ થાય છે એવું કે આપણા તિરંગાને શાનથી ઊંચેને ઊંચે લહેરાતો જોઈને ના-પાક પાકના પેટમાં તેલ રેડાય છે. દુશ્મનો દાઝે ભરાય છે. બેઇમાનો વળીને બેઠા થાય છે. દેશના ભાગલા પડયા પછી ભૂંડે હાલ થયેલા પાકિસ્તાનીઓ ભારતની તરક્કી સાંખી નથી શકતા. ઉન્નતિ જોઈ નથી શકતા. એટલે પછી બળતરા તો થાય જ ને?

એમાં પંજાબની વાઘા બોર્ડર ઊભું આભને આંબતો આપણો તિરંગો ઝંડો વા સાથે વાતું કરતો ફરફરાર લહેરાતો ઠેઠ પાકિસ્તાનના લાહોર શહેરથી જોઈ શકાય ત્યારે પાકિસ્તાનીઓને કેવાં મરચાં લાગે?  ભારતે વાઘા બોર્ડર ૩૫૦ ફૂટની ઊંચાઈએ ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો છે. હવે વાઘા બોર્ડરથી ૧૮ કિલોમીટરના અંતરે પાકિસ્તાનનું લાહોર શહેર આવેલું છે. લાહોરથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ચોખ્ખો દેખાય છે.

એટલે જ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકે શેખી કરી છે કે અમે એટલો ઊંચો પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ લહેરાવશું જે અમૃતસરથી જોઈ શકાશે. એ તો ભાઈ જ્યારે લહેરાવે ત્યારે સાચું. બાકી આપણો રાષ્ટ્રધ્વજ દુનિયાનો દસમો સૌથી ઊંચો ધ્વજ છે. ત્રણ મહિનાની મહેનત અને સાડાત્રણ કરોડના ખર્ચે આ ઝંડો લહેરાવવામાં આવ્યો છે. ૩૫૦ ફૂટ ઊંચા ધ્વજનો જે ૩૫૦ ફૂટ ઊંચો ધ્વજદંડ છે તેનું વજન ૫૫૦૦ કિલો છે. આ ધ્વજને લહેરાતો જોઈને કોઈ પણ ભારતીય ગાઈ ઊઠે ઈસકી શાન ન જાને પાયે, ઝંડા ઊંચા રહે હમારા...

પંચવાણી

લહેરાય તિરંગો
લહેરાય ગુજરા-તી રંગો
 

Tags :