રાજસ્થાનમાં શહીદોનું હરતુંફરતું સ્મારક
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
અય મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની... દેશને ખાતર ફના થઈ જાય એવાં જાંબાઝ જવાનોના સ્મારકો ઠેકઠેકાણે જોવા મળે છે. આ સ્મારકને ફૂલ ચડાવી લોકો આ નરબંકાઓની શહાદતને યાદ કરે છે.
પણ જે વિસ્તારના કેટલાય નરવીરોએ દેશની રક્ષા માટે કુરબાની આપી એવાં રાજસ્થાન ના બિકાનેરમાં શહીદોનું કોઈ સ્મારક ન જોવા મળે તો લોકોને હાડોહાડ લાગી જ આવેને? બિકાનેરના શ્રી ડુંગરગઢ તાલુકાના મોમાસર ગામે રહેતા ગોપાલ આહરણ નામના કોલેજીયનના મનમાં પણ આ વાતે રોષ હતો કે બિકાનેરમાં કેમ એક પણ શહીદ સ્મારક નથી? રોષમાંથી જ તેના દિમાગમાં રચનાત્મક વિચારતો ફણગો ફૂટયો.
બીજા કોઈ સ્મારક બનાવે કે ન બનાવે, પણ અત્યારે તો હું પોતે જ કેમ હરતુંફરતું સ્મારક બની ન જાઊં? તેણે તરત જ ટેટૂ આર્ટીસ્ટ પાસે જઈ બિકાનેર જિલ્લાના ૨૦ અને રતનગઢના ૯ શહીદ જવાનો તેમ જ પુલાવામાના આતંકવાદી હુમલામાં વીરમરણ પામેલા શહીદોના નામના છૂંદણાં પીઠ ઉપર છૂંદાવ્યા. વચ્ચે રાષ્ટ્રધ્વજનું ટેટૂ છૂંદાવ્યું. બોલો શહીદોનું કેવું મોબાઈલ મેમોરિયલ કહેવાય?
એક પ્લેટ બિરયાનીના લગભગ ૫૦ હજાર
બિરયાની ખાવાનું મન થાય ત્યારે ફૂડસ્ટોલ પર જઈને ખાઈ આવો તો સસ્તામાં પતી જાય. મોટી હોટેલમાં જઈને બિરયાની મગાવો તો બહુ બહુ તો હજાર બે હજારનું બિલ થાય. પણ એક પ્લેટ બિરયાનીના લગભગ ૫૦ હજાર રૂપિયા ચૂકવવા પડે તો ભલભલાની રાડ ફાટી જાયને? બિહારનો એક યુવાન ઓનલાઈન બિરયાની ઓર્ડર કરવા જતા બેન્કનું ખાતું તળિયાઝાટક કરાવી બેઠો.
બન્યું એવું કે આ યુવક ફરવા માટે પશ્ચિમ બંગાળ ગયો હતો અને ત્યાં એક દિવસ બહારથી આવતી વખતે તેને બિરયાની ખાવાનું મન થતા તેણે ફૂડ ડિલીવરી કંપનીને ઓર્ડર આપી દીધો. પણ ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે સંબંધીએ તેના માટે ભોજન તૈયાર રાખ્યું હતું. આથી ઓર્ડર કેન્સલ કરવા કંપનીના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યો.
યુવકને જણાવવામાં આવ્યું કે આ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી ઓર્ડર કેન્સલ કરાવો અટલે કેન્સલેશનના પૈસા તમારા બેન્ક-અકાઉન્ટમાં જમા થઈ જશે. યુવકે વારાફરતી ત્રણ વાર આ પ્રમાણે મોબાઈલથી કેન્સલેશનની ટ્રાય કરતા ગણતરીની મિનિટોમાં જ તેના ખાતામાંથી ૪૯,૯૯૭ રૂપિયા ઓછા થઈ ગયાનો મોબાઈલમાં મેસેજ આવ્યો. ત્યારે તેને ભાન થયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. એટલે જ સાવધ રહેવાની ચેતવણી સાથે કહેવું પડે કેઃ
ખાવાની ઉતાવળ હોય જેને
ઝટપટ, એવાં કૈંકની ઓનલાઈન
વટથી થાય છે બનાવટ.
બાઈક પર બનીઠની માંડવે પહોંચી દુલ્હન
પતિ-પત્ની તો સંસારરથના બે પૈડાં છે. બે સરખાં પૈડા પર સંસારરથ સડસડાટ દોડે છે. પણ નસીબ વાંકા હોય અને સંસારરથમાં એક પૈડું કારનું અને બીજું ટ્રેકટરનું જોડાઈ જાય તો કેવી વલે થાય? રથ ઊંચો-નીચો જ ચાલેને? પણ મહારાષ્ટ્રનીસાંસ્કૃતિક રાજધાની પુણેમાં એક દુલ્હને તો બેઉ પૈડાં સરખાં હોય એવી બાઈક પર સડસડાટ લગ્નના માંડવે પહોંચીને વરપક્ષ અને કન્યાપક્ષવાળા સહુને દંગ કરી દીધા.
લગ્ન માટેના સોળે શણગાર સજી, આંખે ગોગલ્સ ચડાવી ઔંધ તહેસીલના કડેગાંવની આ કન્યા બાઈક ઉપર માંડવે પહોંચી ત્યારે આશ્ચર્યચક્તિ થયેલા લોકોએ તેનું તાલીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું. અગાઉ પુરૂષપ્રધાન સમાજમાં ઘણી વાર મરદો કહેતા કે બાઈ અને બાઈક કિક મારે જ (સીધી) ચાલે. પણ સાહેબ હવે એ જમાનો ગયો અત્યારે તો આઝાદ ખયાલની નારીઓનો જમાનો છે.
હવે તો બાઈકને પણ કિક નથી મારવી પડતી. ટુ-વ્હીલરમાં સેલ્ફ-સ્ટાર આવી ગયા છે એટલે જ પુણેની આ કિસાનની પરાક્રમી કન્યાએ કોઈનીય સાડીબાર રાખ્યા વિના બાઈક ઉપર લગ્ન કરવા પહોંચીને પોતાના આઝાદ ખયાલનો પરચો દેખાડી દીધો.જે કોઈની શેહમાં તણાયા વગર સંસારના રસ્તે આગળ વધવા બાઈક લઈને પહોંચે એને પણ 'સેલ્ફ-સ્ટાર' જ કહેવાયને?
૫૦ વૃક્ષ વાવવાની સજા
આરોપીને આકરો દંડ ફટકારવામાં આવે કે જેલમાં ગોંધી રાખવામાં આવે તો એમાં સમાજને શું ફાયદો થાય છે? દંડ કે સજાના ખૌફથી બીજા લોકો અપરાધ કરતા અટકશે એવું માનવું ભૂલભરેલું છે. કારણ સદીઓથી અપરાધો થતા આવ્યા છે અને જન્મટીપ કે મૃત્યુદંડ જેવી આકરી સજા થતી આવી છે.
છતાં ગુનાખોરીનો સિલસિલોે ક્યાં અટક્યો છે? આ વાસ્તવિક્તા વચ્ચે દિલ્હીની વડી અદાલતે આગોતરા જામીન માગવા આવેલા એક આરોપીના જામીન મંજૂર કરતી વખતે શરત રાખી કે તેણે સરકારી સ્કૂલમાં આંગણામાં ૫૦ વૃક્ષ રોપવા પડશે. આમાં આદેશનું પાલન કરવું પડશે.
વૃક્ષારોપણ થઈ રહ્યું છે તેનો અહેવાલ સ્કૂલના પ્રિન્સીપલ અને કેસના તપાસ અધિકારી આવશે. જો જામીનની મળેલી છૂટનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ થશે તો અદાલત આ આદેશ રદ કરશે. બીજી તરફ મુંબઈની અદાલતે મારપીટમાં પકડાયેલા યુવાનોને ધર્મસ્થાનકોની સાફસફાઈ કરવાની સજા ફરમાવી હતી. અદાલતના આદેશને પગલે વૃક્ષારોપણ થાય અથવા તો ધર્મસ્થાનોની સાફસફાઈ થાય એમાં સમાજને જ ફાયદો છેને?
ગોરી તેરા ગાંવ બડા પ્યારા
ગોરી તેરા ગાંવ બડા પ્યારા... હિન્દી ફિલ્મોના પડદા પર જે ગામડા દેખાડવામાં આવે એ જોતાવેંત પ્યારા લાગે. પણ આજે દેશમાં એવાં કેટલાંય ગામડા હશે જ્યાંની અવદશા જોઈને ખરેખર વિચાર આવે કે આદર્શ-ગ્રામનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે એમાંનું તો આ ગામડામાં કંઈ જોવા નથી મળતું. કાચી સડકો, પડવાને વાકે ઊભા હોય એવાં ઘર અને ઝૂંપડા, આરોગ્ય સુવિધાનું નામનિશાન ન મળે અને ગંદકીનું સામ્રાજય જોવા મળે.
પરંતુ પોતાનું ગામડું સુધરે એ માટે માત્ર સરકાર પર આધાર રાખવાથી કંઈ નહીં વળે, સહુ ગ્રામજનો મળીને મહેનત કરશે તો જ સ્થિતિ બદલાશે એવું વિચારી મધ્ય પ્રદેશના નરસિંહપુર ઈલાકામાં આવેલા બધુવાર ગામના લોકોએ સખત પરિશ્રમ આદર્યો અને સંગઠનશક્તિથી ગામડાની શકલ બદલી નાખી. આજે બધુવારની ગણના આદર્શ-આધુનિક ગ્રામમાં થવા લાગી છે. ગામમાં પગ મૂકતા જ જાણે કોઈ ઉદ્યાનમાં પગ મૂક્યો હોય એવી ટાઢક થાય, એટલી હરિયાળી જોવા મળે.
આખા ગામમાં સિમેન્ટની પાક્કી સડકો, દરેક ઘરમાં ગોબર-ગેસ, ૧૦૦ ટકા રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ખેલકૂદ માટે મિની ઈનડોર સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલની સુવિધા, ગામને ગોંદરે ધમની નદી પાસે બંધાયેલું તળાવ, ગામનું દરેક બાળક સ્કૂલમાં ભણવા જાય, દરેક ઘરની દિવાલો ઉપર સુવાક્યો અને સામાન્યજ્ઞાાનની જાણકારી વાંચવા મળે. આ બધુ જોઈને આદર્શ આધુનિક ગ્રામ કોને કહેવાય તેનો ખ્યાલ આવે. આઝાદી પછી ગામડામાં પંચાયતની ચૂંટણી થઈ જ નથી.
ગામના વિકાસ માટે એક સંઘ બનાવવામાં આવ્યો છે. દરેક ઘરની એક વ્યક્તિ સંઘની સભ્ય છે. ગામના લોકો જ પોતાના ગ્રામપ્રધાનની વરણી કરે છે, આમ 'સબકા સાથ ગાંવ કા વિકાસ'ના મંત્ર સાથે ગામડાએ વિકાસની હરણફાળ ભરી છે. કહે છેને કે જેને જોઈને ખુશીથી ગાઈ ઊઠે એ સાચું ગા-મડું. મધ્ય પ્રદેશ (એમ.પી.)ના આ ગામડાને જોઈ પેલું ગીત જરા ફેરવીને ગાઈ શકાયઃ 'એમ પી' તેરા ગાંવ બડા પ્યારા...
પંચ-વાણી
જૂનું એટલું સોનું
નવું એટલું (ફક્ત) શો-નું.