મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
મૈસુરની વૃદ્ધ માગણે મંદિરને અઢી લાખનું દાન કર્યું
કોઈ પણ ધર્મસ્થાન હોય ત્યાં બહાર બેસતા માગણો ભક્તો પાસે માગે છે જ્યારે ધર્મસ્થાનની અંદર જતા ભક્તો પ્રભુ પાસે માગે છે. એટલે બહારવાળા અને અંદરવાળાની ધાર્મિક લાગણીની સાથે ધાર્મિક માગણી પણ જોવા મળે છે.
પરંતુ મૈસુરના પ્રસન્ન અંજનૈયા સ્વામી મંદિરની બહાર બેસી છેલ્લાં દસ વર્ષથી ભીખ માગતી એમ.વી. સીતા-લક્ષ્મી નામની ૮૫ વર્ષની જૈફ ભીખારણે કમાલ કરી. ભીખ માગી માગીને જમા કરેલી અઢી લાખની રકમ એજ મંદિરમાં દાનમાં આપી દીધી. તેણે મંદિર પ્રશાસનને વિનંતી કરી કે આ રકમનો ઉપયોગ દર્શને આવતા ભક્તોની સુવિધા માટે તેમ જ દર હનુમાન જયંતીએ ભક્તોને પ્રસાદ આપવા માટે કરજો.
કેવી ઊંચી ભાવના કહેવાય? સીતાલક્ષ્મી આમ તો ઘરકામ કરીને પેટિયું રળતી હતી પણ દસેક વર્ષ પહેલાં વૃદ્ધાવસ્થા અને માંદગીને લીધે કામ કરી શકે એમ ન હોવાથી તે મંદિરની બહાર બેસી ભીખ માગવા માંડી. જે થોડાઘણાં પૈસા ભેગા થાય એ પોતાના બેન્ક ખાતામાં ભરી આવે. આમ તેેણે દસ વર્ષમાં જમા કરેલી પોતાની તમામ બચતના અઢી લાખ મંદિરને દાનમાં આપી દીધા. આને કહેવાય સર્વસ્વનું દાન.
અજગરને મારનારો કાનૂનના ભરડામાં
અજગર માણસને ભરડામાં લે તો જોતજોતામાં હાડકાં-પાંસળાનો ચૂરો બોલાવી પતાવી નાખે છે. આવા અજગરનેે પોતાના ગળા ફરતો વિંટાળીને સેલ્ફીથી ફોટો લઈ ફેસબુક પર મૂકનારા એક યુવકની બહાદુરીની સહુ તારીફ કરવા માંડયા. નાગપુરવાસી આ યુવકને ગળામાં ૯ ફૂટ લાંબા અજગર (રોક પાયથન)ને વિંટાળેલો જોઈ ફોરેસ્ટ ખાતાવાળા ચોંકી ગયા. યુવકનું પગેરૃં મેળવી તપાસ કરી તો તેણે આ અજગરને મારી નાખ્યા પછી ગળે વિંટાળી ફોટો પડાવ્યો હતો.
હવે રોક પાયથન અજગરનો ૧૯૭૨ના વાઈલ્ડ લાઈફ (પ્રોટેકશન) એક્ટના શેડયુઅલ વન હેઠળ રક્ષિત પ્રાણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે વાઘનો શિકાર કરવા બદલ જેટલી સજા થાય એટલી સજાની અજગરને મારવા માટે થઈ શકે છે. આમ વનખાતાના હાથમાં ઝડપાયેલા યુવકે સજા માટે તૈયાર રહેવું પડશે. અજગરે ભલે એને ભરડામાં ન લીધો, પણ કાનૂન ભરડામાંથી થોડો જ છોડે?
લતા મંગેશકરનું મૂળ નામ બદલાયું એમ તેમના જન્મસ્થાનનું નામ બદલાશે
હેમા હાર્ડિકરનો જન્મ મધ્ય પ્રદેશના ઈંદોરમાં થયો હતો તો સામેનાળો સવાલ કરે કે કોણ હેમા હાર્ડિકર? પણ જ્યારે તેને કહેવામાં આવે કે હેમા હાર્ડિકર એટલે ભારત રત્ન લતા મંગેશકર ત્યારે તેનાં આશ્ચર્યનો કોઈ પાર ન રહે.
આ હકીકત છે કે દેશમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તત્કાલીન મધ્ય ભારતમાં ઈંદોર શહેરમાં ૨૮મી સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ દિનાનાથ મંગેશકર અને શેવંતી મંગેશકરને ત્યાં આ સ્વરસામ્રાજ્ઞાીનો જન્મ થયો હતો. ત્યારે નામ અપાયું હતું હેમા. હેમા હાર્ડિકર પછી ગોવાના મૂળ વતન મંગેશકર પરથી પિતા દિનાનાથે હાર્ડિકર અટક બદલી મંગેશકર રાખી. ત્યારબાદ દિનાનાથ મંગેશકરના નાટક ભાવ બંધનમાં એક કન્યાનું પાત્ર હતું જેનું નામ લતીકા હતું.
આ લતીકા પરથી પિતાએ હેમાનું નામ બદલી લતા રાખ્યું. લતા મંગેશકરનું જેમ નામ બદલાયું એમ હવે તેના જન્મસ્થાન ઈંદોરનું નામ બદલીને ઈંદુર કરવામાં આવશે. નામ બદલવાની માગણી ઊઠાવનારાઓએ એવી દલીલ રજૂ કરી છે કે ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરથી આ શહેરનું નામ ઈંદુર પડયું હતું. પણ અંગ્રેજોએ ખોટા ઉચ્ચારણને લીધે ઈંદૌર કરી નાંખ્યું હતું.
અંગ્રેજોએ જેમ વડોદરાનું બરોડા, ભરૃચનું બ્રોચ, મુંબઈનું બોમ્બે કરી નાંખ્યું હતું એમ ઈંદુરનું પણ નામ ઈંદૌર કરી નાખ્યું હતું. એટલે મૂળ નામ રાખવું જોઈએ. મહાન ગાયિકાના જન્મસ્થાનના નામમાં બદલાવનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે તેમના જ એક અમર ગીતનું મુખડું યાદ આવે છેઃ નામ ગુમ જાયેગા... ચહેરા યે બદલ જાયેગા મેરી આવાજ હી પહચાન હૈ... ગર યાદ રહે...
વિદ્યાધામમાં દિવ્યાંગની દયનીય દશા
એક મા સો શિક્ષકની ગરજ સારે છે જ્યારે બીજી તરફ એ શિક્ષક મળી એક ઉપર અત્યાચાર ગુજારે છે. આ વાક્યને સાચી પાડતી સનસનાટીભરી ઘટના પંજાબના પટિયાલા શહેરની એક સ્કૂલમાં બની હતી. સ્કૂલના શિક્ષકો પોતાની માગણી તરફ સત્તાવાળાનું ધ્યાન ખેંચવા માટે સ્કૂલના પરિસરમાં ધરણા કરતા હતા અને જોરશોરથી સૂત્રોચ્ચાર કરતા હતા.
ધરણાના સમાચાર લેવા ચેનલવાળા પણ પહોંચી ગયા. એમાંથી એક કેમેરામેનને કોણ જાણે એક ખાલી કલાસમાંથી ઊંહકારાનો અવાજ આવ્યો હશે એટલે તે જોવા માટે ગયો. જોયું તો એક દિવ્યાંગ વિદ્યાર્થીને મુશ્કેરાટ ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યો હતો. હાથ-પગ ખુરશીના હાથા સાથે બાંધી દેવામાં આવ્યા હોવાથી બિચ્ચારો ચસકી પણ નહોતો શક્તો. ધરણા ચાલે એ દરમિયાન આ દિવ્યાંગ ક્યાંક ચાલ્યો ન જાય માટે તેની શિક્ષિકાએ તેને ખુરશી સાથે બાંધી દીધો હતો.
ઉહાપોહ મચી જતા આ ફટીચર ટીચર દોડતી આવી અને દિવ્યાંગ બાળકને બંધન મુક્ત કર્યો હતો પણ ત્યાં સુધીમાં તો કેમેરામેને ઝડપેલું દિવ્યાંગની દયનિય દશાનું દ્રશ્ય ચેનલ ઉપર ચકચાર જગાવી ચૂક્યું હતું. જે શિક્ષણના મંદિરમાં માનવતાના પાઠ ભણાવવાના હોય ત્યાં આ કેવી દાનવતા?
કબૂતરોને બચાવવા બંદરનું બલિદાન
આયા બંદર ભાગો અંદર... વાંદરાની તોફાની હરકતોને લીધે છાપ જ એવી પડી ગઈ છેકે એને જોઈને લોકો આધા ભાગે છે. ઠેકાઠેક કરતા, ઉધમ મચાવતા, લોકોના હાથમાંથી ખાવાનું ઝૂંટવી જતા વાનરોના આ વાંદરાવેડાને જોઈને જ કહેવત પડી છે કે વાંદરાને નિસરણી ન દેખાડાય. પણ કલકત્તાનો એક વાંદરો કંઈક જુદી જ માટીનો નીકળ્યો.
ઉત્તર કલકત્તાના કાશીપુર વિસ્તારમાં રહેતા એક શખ્સે વાંદરો પાળ્યો હતો. આ શખ્સની પાસે પાળેલા કબૂતરો પણ હતા. એક રાતે કબૂતરોને ચોરવા માટે કેટલાક ચોર છાનામાના વાડામાં પેઠા. પાંજરામાંથી કબૂતરોને જેવાં કાઢવા ગયા એ જ વખતે વાંદરો ચોરો ઉપર તૂટી પડયો. ઘડીક તો ચોરો વાંદરાના હુમલાથી હેબતાઈ ગયા. પછી તો વાંદરાથી બચવા ઝપાઝપી કરવા માંડયા.
ચોરોએ વાંદરાને એટલો બેરહેમીથી માર્યો કે લોેહીલુહાણ થઈ વાંદરો ફસડાઈ પડયો અને શરીરમાંથી લોહી વહી જવાથી માર્યો ગયો. પણ પોતાના જીવના ભોગે તેણે કબૂતરોને બચાવ્યા. કબૂતરને બચાવવા બલિદાન આપનારા આ કપિદેવે જ્યારે ચોરોના હાથમાંથી કબૂતરોને છોડાવવા જાનની બાજી લગાવી દીધી ત્યારે મનમાં એક જ નિર્ધાર કર્યો હશે કે પ્રાણ જાય પર કપોત ન જાય...
પંચ-વાણી
કબૂતર ઉડે
ક-પૂતર ઉડાડે
અક્ષય અંતાણી