મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
રામ મંદિર નથી બંધાયું પણ રાવણના મંદિરો ધમધમે છે
આ દેશમાં રામ મંદિરના નામે રાજકારણ ખેલાય છે, છતાં આજ સુધી રામની જન્મભૂમિમાં રામ મંદિર નથી બંધાયું. બીજી તરફ દેશમાં અનેક ઠેકાણે રાવણના મંદિરો ધમધમે છે. એમાં પણ દશેરા આવે એટલે રાવણના મંદિરોમાં રાવણ ભક્તોની ભીડ જામવા માંડે છે. રાવણના મહત્ત્વના મંદિરોની વાત કરીએ તો યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશના બીસરખમાં રાવણનું મોટું મંદિર આવેલું છે.
રાવણ શિવભક્ત હતો, પરમ જ્ઞાાની હતો પણ પોતાની શક્તિ અવળે માર્ગે વાળી એમાં એનાં રામ રમી ગયા. બીસરખને રાવણની જન્મભૂમિ માનવામાં આવે છે. એટલે દશેરામાં આ ઈલાકામાં રાવણનો વધ નથી થતો, પણ ભક્તો જઈને લંકેશને અંજલી આપે છે. આપણાં રાષ્ટ્રપતિ કાનપુરના છે અને એમના નામમાં પણ પ્રભુ રામ સમાયેલા છે.
એ કાનપુરમાં આવેલું રાવણનું એક મંદિર વર્ષમાં ફક્ત એક વાર દશેરાને દિવસે ખુલે છે. મધ્ય પ્રદેશના વિદિશામાં રાવણનું જાણીતું મંદિર છે. વિદિશા નગરી રાવણની પત્ની મંદોદરીનું પિયર છે એવી માન્યતા છે. જે મધ્ય પ્રદેશમાં આજે ભગવી સરકાર સત્તા પર છે ત્યાંના એક ગામનુ નામ જ રાવણગ્રામ છે. રાજસ્થાનના મંદોરમાં પણ દશાનનનું એક મંદિર છે. રાવણના લગ્ન મધ્ય પ્રદેશના મંદસૌરમાં થયા હતા એવી લોકવાયકા છે.
એટલે મંદસૌરમાં રાવણનું મોટું મંદિર છે. આવી જ રીતે તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને અન્યત્ર પણ રાવણના મંદિરો આવેલા છે. અમુક મંદિરમાં તો દશેરાને દિવસે રાવણનું શ્રાદ્ધ પણ થાય છે એવું સાંભળ્યું છે. આ કેવી વિચિત્રતા કહેવાય કે જે રાવણ ગંદુ રાજકરણ રમ્યો એના મંદિરો ઊભા છે અને બીજી બાજુ રામનું મંદિર બાંધવાને બદલે મંદિરને નામે રાજકારણ ખેલાય છે, હે...રામ.
ઓનલાઈન પીંડદાન
શ્રાદ્ધપક્ષમાં એવાં કેટલાય કિસ્સા સામે આવે છે જેમાં પિતૃઓને જીવતા જાળવ્યા ન હોય એમને મૃત્યુ પછી ભાવતા ભોજન છાપરે કે અગાશી ઊપર પીરસવામાં આવે છે. પિતૃતા શ્રાદ્ધ અને પીંડદાન માટે બિહારના ગયા શહેરમાં ભારે ભીડ જામતી હોય છે. આમાં એવું થાય છે કે શ્રાદ્ધની વિધિ માટે પંડિતો કે ગોરમહારાજો મળતા નથી હોતા. ગોરમહારાજો પણ એટલાં બીઝી હોય છે કે ફટાફટ વિધિ પતાવતા એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડતા રહે છે.
બિહાર સરકારે આ વખતે શ્રાદ્ધપક્ષમાં નવો ઉપાય શોધી કાઢ્યો હતો. પીંડદાનનું બુકિંગ શ્રદ્ધાળુઓ ઓનલાઈન કરાવી શકે માટે પંડિતો માટે ખાસ વેબસાઈટ શરૃ કરી હતી. આ વેબસાઈટની મદદથી લોકો પીંડદાન માટે પંડિતને બુક કરી શકે. પીંડદાનની પરંપરા પ્રાચીન છે પણ વિધિ માટે આધુનિક નુસ્ખો અજમાવાય છે.
કાંદાની કેવી કમાલ
કાંદાના ભાવ ક્યારેક પ્રજાની આંખોમાં પાણી લાવે તો ક્યારેક ખેડૂતોની આંખોમાં પાણી લાવે. ગાંધીજીએ તો ડુંગળીને ગરીબની કસ્તુરી ગણાવી હતી. છતાં ઘણાં લોકો કાંદા-લસણ નથી ખાતા એ જુદી વાત છે. બાકી ડુંગળી ઘણી ગુણકારી છે એમાં બેમત નહીં. ઈજિપ્તના જંગી પિરામિડ બાંધનારા મજૂરોનો મુખ્ય ખોરાક કાંદા અને લસણ હતાં. બ્રિટનમાં તો સાંભળ્યું છે કે દર વર્ષે ડુંગળી મેળો ભરાય છે. આ મેળામાં કાચી ડુંગળી કોણ વધુમાં વધુ ખાઈ શકે એની સ્પર્ધા પણ થાય છે.
કોરિયામાં સદીઓ પહેલાં લોકો જંગલ રસ્તે નીકળે ત્યારે ખૂબ લસણ-કાંદા ખાઈને નીકળતા લોકો એવું માનતા કે લસણ-કાંદાની વાસથી વાઘ દૂર ભાગે છે, એટલે હુમલો કરવા નજીક નથી ફરક્તો. હવે જેણે દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધના કગાર પર લાવી દીધી છે એ ઉત્તર કોરિયાના માનવભક્ષી સરમુખત્યાર કિમ જોંગ ઉનને આધો ભગાડવા કોરિયાવાસીઓનો લસણ-કાંદાનો નુસ્ખો કામ ન આવે?
જાગે એ દિલની બીમારી માગે
રામ કરે ઐસા હો જાયે, મેરી નિંદિયા તો હે મિલ જાયે મેં જાગું તું સો જાયે... નવાસવા પ્રેમમાં પડે એ આવી જાગવાની વાતું કરે છે, પણ એક વાર પરણે પછી ભલભલાની ઊંઘ ઊડી જાય છે. પ્રેમિકાને પોતાની ઊંઘ બગડે એ જરાય ન પોષાય.
એટલે જ તો ગાય છે: જાદુગર સૈયા છોડો મોરી બૈંયા હો ગઈ આધી રાત અબ ઘર જાને દો... દાયકાઓ પહેલાં આ ગીત લખાયું ત્યારે ગીતકારને કલ્પનાય નહીં હોય કે રાતે જાગવાથી દિલ પર કેવી અસર થાય છે. તાજેતરમાં જ થયેલા સંશોધન મુજબ રાતપાળી કરતી વ્યક્તિને દિલની બીમારીનું જોખમ ૧૫થી ૧૮ ટકા વધી જાય છે. પરંતુ પ્રેમ ખાતર નહીં પેટ ખાતર જેણે રાતપાળી કરીને ઊજાગરા વેઠવા પડતા હોય એણે જોખમ ઉઠાવ્યા સિવાય ક્યાં છૂટકો છે?
પરંતુ આ દેશમાં જેની જાગવાની જવાબદારી છે એવાં કૈંક નેતાઓ દિવસે પણ મંચ ઊપર કે સભામાં ઝોકાં ખાતા કેમેરામાં ઝડપાઈ જતા હોય છે. સોનેવાલોં કા દેખકે હીં ક્યા લોગ કહતે હૈ કી યહ દેશ ' સોનેેકી' ચિડિયા હૈ? એવો સવાલ થાય. પરિવાર અને પેટને પાળવા જેણે નાઇટશિફટ કરવી પડે અને દિલનું દર્દ નોતરવું પડે એની કેવી દશા થતી હશે?
નેતાગણ જનતા કો કહતે હૈ
કી જાગતે રહો જાગતે રહો
ખુદ બસ ઈતના માનતે હૈ
વોટ કે લિયે ભાગતે રહો
બસ એકબાર મિલ જાય કુર્સી
ફિર દેશ-વિદેશ ભાગતે રહો.
ક્યાંક કેક કપાય તો ક્યાંક ભૂખ્યાનો જીવ કપાય
નેતાઓની જન્મદિનની ખુશાલીમાં કેટલાય ફૂટ લાંબી અને સો-બસો કિલોની કેક કપાય છે. આ સિવાય મોટી બર્થ-ડે પાર્ટીઓમાં કેક કપાયા પછી ખાવાને બદલે એકબીજાના ચહેરા પર ક્રિમના લપેડા ને થથેડા કરીને નર્યો ગોબરવાડો કરવામાં આવે છે.
આ રીતે કેક કાપનારાઓ અને ખાવાનો બગાડ કરનારાઓને ખબર હશે કે દેશમાં લાખો શિશુઓ એવાં છે જેને આવું ખાવા નથી મળતું એટલે એમનો જીવ કેવો કપાય છે? શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને ભાવતી વાનગીઓ રાંધી છાપરા કે અગાશીમાં નાખવામાં આવે છે. દર વર્ષે શ્રાદ્ધપક્ષમાં કરોડો કિલો ભોજન આમ વેડફાય છે તેને બદલે જેના નસીબમાં પેટભર ખાવાનું નથી લખ્યું એને ખવડાવવામાં આવે તો ખરેખર પિતૃઓના આત્માને શાંતિ મળે એવું નથી લાગતું?
ઘણાં જાણતા નહીં હોય કે એક મોટા મહાનગરની વસતી જેટલાં બાળકો આ દેશમાં કુપોષણથી પીડાય છે. એક-બે વર્ષ દરમિયાન હાથ આવેલા આંકડા મુજબ ભારતમાં ૪૦ લાખની આસપાસ બાળકો કુપોષણથી પીડાય છે અને કરોડ લોકો એવાં છે જેને દિવસમાં માંડ એકાદ ખાવાનું મળે છે.
આમ અડધા ખાલી પેટે સુનારાની સંખ્યા કરોડોની છે એ હકીકત સરકારની આંખ ઊઘાડવા કાફી છે. મહારાષ્ટ્રના માલશેજ અને અન્ય અંતરિયાળ વિસ્તારમાં તો કુપોષણને લીધે દર વર્ષે સંખ્યાબંધ બાળકો મોતને ભેટે છે. કુપોષણથી પીડાતા લાખો બાળકોમાંથી અચ્છે દિન આયેંગે... એ જોવા આમાંથી કેટલા જીવતા રહેશે એ કોણ કહી શકે? જે સત્તાની ભૂખ મિટાવવા મંડી પડયા હોય એને પારકાના પેટની ભૂખની ક્યાંથી દરકાર હોય?
પંચ-વાણી
પત્ની શાક સુધારે
પત્નીનો શક, પતિને સુધારે.
For more update please like on Facebook and follow us on twitter