Get The App

શિમલામાં 'મન્કી' બાત: ગાંધીજીએ વાનરોને વિદેશ જતા અટકાવ્યા

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Mar 6th, 2020

GS TEAM

Google News
Google News
શિમલામાં 'મન્કી' બાત: ગાંધીજીએ વાનરોને વિદેશ જતા અટકાવ્યા 1 - image


બધે ભલે મન કી બાત સાંભળવા મળતી હોય પણ દેશ-વિદેશના પર્યટકોને આકર્ષતા શિમલામાં પગ મૂકતાની સાથે જ સહેલાણીઓ 'મન્કી' બાત કરતા થઈ જાય છે. કારણ વાંદરાનો એટલો ત્રાસ છે! વાનરોની ટોળી કોઈ ટુરિસ્ટના હાથમાંથી ખાવાનું પડાવી જાય છે, કોઈના ચશ્મા, મોબાઈલ કે ટોપી ઉપાડી જાય છે. વાનરોના આ આતંકથી સ્થાનિક  રહેવાસીઓ અને ટુરિસ્ટો ત્રાસી  જાય છે.   પણ આ ત્રાસ કંઈ અત્યારનો નથી પરતંત્ર ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારથી વાંદરાઓનો ઉપદ્રવ ચાલુ છે વાનરોના આ ત્રાસનું કાયમી સોલ્યુશન શોધવામાં ગોરાઓે પણ નિષ્ફળ ગયા હતા.

બ્રિટિશરોએ ૧૯૪૩માં  શિમલાના આ તોફાની બંદરોને વિદેશ મોકલી દેવાની યોજના બનાવી  હતી. 'એલિમિનેશન ઓફ મન્કીઝ ફ્રોમ શિમલા' નામના બ્રિટિશ રાજના વખતના ડોક્યુમેન્ટસમાં  બંદરોની વિદેશ નિકાસ કરવાનો ઉલ્લેખ છે.  પરંતુ એ વખતે મહાત્મા ગાંધીજીએ આ રીતે વાંદરાઓને  પરદેશ મોકલવા સામે સખત વિરોધ કર્યો હતો.  બાપુએ એવી દલીલ રજૂ કરી હતી કે  વિદેશીઓ  આ વાંદરાઓને મારી નાખે, અત્યાચાર ગુજારે અથવા અત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે એ સ્થિતિમાં  દુશ્મનો વાનરોનો દુરૂપયોગ કરે એવી પૂરી શક્યતા જોતાં  એક પણ વાંદરાને વિદેશ ન મોકલી શકાય. આ વાંદરાનું નિકંદન કાઢવાનો પણ ગોરાઓનો વિચાર હતો.  પરંતુ અહિંસાના પૂજારી ગાંધીબાપુના વિરોધની અસર થઈ હતી અને વાનરોનો વિદેશ 'નિકાસ' કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું. આ વાતને દાયકાઓ વિત્યા છતાં આજે પણ વાંદરાની સમસ્યાનું નિરાકરણ નથી થયું.

પોલીસ રક્ષકની રક્ષા કરે થાણેશ્વર મહાદેવ

સામાન્ય રીતે પોલીસ થાણામાં ફોજદારોના હાકોટા સંભળાતા હોય કે પછી પોલીસ કોઈ ગુનેગારને  ૧૪મું રતન દેખાડી મેથીપાક જમાડતા હોય ત્યારે માર ખાનારની રાડારાડ કાને પડતી હોય. પણ પોલીસ થાણાના પરિસરમાં પગ મૂકતાની સાથે જ હર... હર મહાદેવ... જય ભોલેનાથ... રક્ષા કરો ભોલેશંકર... આવો નાદ કાને પડતા ખરેખર આશ્ચર્ય થાય!  આ શિવમંદિર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના બૈરાગઢ પોલીસ થાણાના ગેટ ઉપર જ આવેલું છે. મહાશિવરાત્રીમાં આ પ્રાચીન મંદિરને થાણેશ્વર મહાદેવ મંદિર નામ અપાયું હતું. ભારતનું કદાચ આ પહેલું જ મંદિર હશે જે પોલીસ થાણાના નામથી થાણેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. પોલીસોને મહાદેવમાં અતૂટ શ્રદ્ધા છે. પોલીસો ફરજ પર આવે ત્યારે ગેટ પરના મંદિરમાં ભોલે શંકરને પગે લાગીને પછી કામે ચડે છે. આમ પોલીસ જનતાની રક્ષક કહેવાય છે, પણ પોલીસની રક્ષા મહાદેવ કરે છે.

ઝારખંડમાં ૧૦ રૂપિયામાં ધોતી અને સાડી

રોટી કપડાં ઔર મકાન... આમ આદમીની આ પ્રાથમિક જરૂરિયાત જે પૂરી કરે એ ચૂંટણી વખતે મત અંકે કરી શકે. બાકી  તો મોટી મોટી યોેજનાઓની ગુલબાંગો ફૂંકયા કરવાથી  મત મળતા નથી એ દિલ્હીના પરિણામના આમઆદમી પાર્ટીની  જીત અને કોંગ્રેસ-ભાજપની શિકસ્તથી સાબીત થઈ ગયું છે. એટલે જ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને વહેલાસર ચેતીને સૌથી પહેલાં ગરીબોની જરૂરિયાતો સમજી એમને માટેની યોજના ઘડી છે. ઝારખંડમાં જરૂરિયાતમંદોને હવે ફક્ત ૧૦ રૂપિયામાં  ધોતી, લુંગી અને સાડી આપવામાં આવશે.  એટલું જ નહીં દરેક ગરીબ પરિવારને  વર્ષે ૭૨ હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. સત્તાધારી  પાર્ટી કદાચ આવું સ્લોગન ગાજતું કરી શકશે:

સસ્તી સાડી, ધોતી ઔર લુંગી

સબકો દે દૂંગી

ઔર બદલે મેં અગલે ચુનાવ મેં

વોટ લે-લૂંગી

અયોધ્યામાં અનોખી અંતિમવિધિ સેવા

અયોધ્યાની રામજન્મભૂમિમાં રામ-મંદિર અને બાબરી મંદિર મસ્જિદને મામલે દાયકાઓથી વિવાદ થયા, હિંસક આંદોલનો થયા અને હિંસાચારમાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા આટઆટલા દાયકાઓ પછી હવે રામ-મંદિરના નિર્માણ જોરશોરથી તૈયારી થઈ ગઈ છે. પરંતુ અત્યારે વાત કરવી છે એવાં એક ઓલીયા શખસની જે રામ-જન્મભૂમિ અયોધ્યામાં રહીને જ હિન્દુ-મુસ્લિમ જેવાં ભેદભાવને દાટીને અત્યાર સુધીમાં સેંકડો લાવારીસ મૃતકોના મૃતદેહને વિધી અને સન્માનપૂર્વક અંતિમ-વિદાય આપી ચૂક્યા છે. અયોધ્યામાં આજીવિકા રળવા નાનકડી સાઈકલ રિપેરની દુકાન ચલાવતા અને બાકીના સમયમાં  મૃતદેહોની અંતિમક્રિયામાં વ્યસ્ત રહેતા ૮૦ વર્ષના બુઝુર્ગ મોહમ્મદ શરીફને ભારત સરકારે પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજયા છે. 

પાસે બેસુમાર દૌલત હોય અને કોઈ દાનચૂર દાન-પુણ્ય કરે એમાં કંઈ નવાઈ નથી. પરંતુ શરીફચાચા અત્યંત પાંખી આવક અને આર્થિક મુશ્કેલીઓ છતાં બેવારસ મૃતદેહોને માનપૂર્વક અવ્વલ મંઝીલે પહોંચાડવાના મહાકાર્યને  સતત આગળ વધારતા ગયા છે. આ સેવાકાર્યના મૂળમાં  શરીફચાચાની દુ:ખદ દાસ્તાન છે. એમનો ૨૫ વર્ષનો જુવાન દીકરો કોઈ કામસર બાજુના  સુલનાતપુર જિલ્લામાં  ગયો હતો.  ત્યાંથી પાછો જ ન આવ્યો. બહુ શોધખોળ કરી પત્તો ન  લાગ્યો. એકાદ મહિના પછી  પુત્રના શર્ટના કોલરની ટેલરની છાપને આધારે પોલીસ શરફી ચાચા પાસે આવી અને કહ્યું કે તમારા પુત્રની હત્યા કરવામાં આવી હતી. ઘણાં દિવસો શબને મોર્ગમાં રાખ્યું, કોઈ પરિવારજનનો પત્તો ન લાગ્યો એટલે અંતિમક્રિયા કરી નાખી. 

બેટાને કાંધ ન આપી શકેલા શરીફ ચાચાએ જ ક્ષણે સંકલ્પ કર્યો કે મારા પુત્રની જેમ કેટલાય કમનસીબ મૃતકો હશે જેની સન્માનપૂર્વક અંતિમવિધિ થતી નહીં હોય, બસ હવે બાકીનું જીવન બેવારસ મૃતદેહોની અંતિમવિધિ પાછળ ગાળીશ. બસ ત્યારથી શરીફ ચાચા નાત-જાતના ભેદભાવ વગર બેવારસ મૃતદેહોની અંતિમવિધિની અવિરત સેવા કરે છે. અત્યાર સુધીમાં  તેઓ ૩૦૦૦થી વધુ હિન્દુઓના બેવારસ મૃતદેહોની સરયુ નદીના તટ ઉપર અગ્નિસંસ્કાર કરી ચૂક્યા છે, અને ૨૫૦૦થી વધુ મુસ્લિમોના મૃતદેહોને કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરી ચૂક્યા છે. એટલે દફનાવી ચૂક્યા છે.  સામાન્ય સાઈકલ રિપેરરની આ અસામાન્ય સેવા બદલ સરકારે પદ્મશ્રીથી નવાજી કદર કરી પણ શરીફ ચાચા જેવા ઓલીયા સેવક હોય છે જેને માન-સન્માન કે ઈલ્કાબ ખિતાબની કોઈ ખેવના નથી હોતી. આવા સેવકથી  એ ખિતાબ વધુ ઉજળા બને છે.

ભાંગ પીવાય ભાંગ પહેરાય

હમણાં જ મહાશિવરાત્રીની દેશભરમાં ઉજવણી થઈ ત્યારે કરોડો લોકો ભાંગનું આચમન કરીને મસ્તીમાં ઝૂમ્યા હશે અને ભોલેનાથની ભક્તિમાં  મસ્ત બની નાચ્યા હસે ભાંગ પીને મગજ પર થઈ જાય અને અજબ નશીલો ઝટકો લાગે. પણ એમાંથી કદાચ મોટો ઝટકો લાગે એવી વાત એ છે કે ભાંગ ફક્ત પીવામાં જ નહીં પહેરવામાં પણ કામ આવે છે. કપાસમાંથી જેમ સુતરાઉ કાપડનું વણાટકામ થાય છે. એવી રીતે ભાંગની વનસ્પતિના  અત્યંત  મજબૂત રેસામાંથી  પણ કાપડ બને છે.

લગભગ  પચાસ-સો વર્ષ પહેલાં હિમાલય પર્વતમાળામાં  ઠેઠ   કાશ્મીરથી માંડી અરૂણાચલ પ્રદેશ સુધીમાં  લોકો ભાગમાંથી તૈયાર થયેલા વસ્ત્રો પહેરતા હતા.  પ્રતિકુળ હવામાનમાં  આ વસ્ત્રો ખૂબ જ હૂંફ આપે છે. સાંઠના દાયકામાં  કૃત્રિમ ધાગા એટલે કે મેનમેડ ફાઈબરનું  પ્રચલન વધતા ભાંગ, ઘાસ અને બીજી વનસ્પતિના  રેસામાંથી બનતા વસ્ત્રોનું  ચલણ સતત ઘટવા માંડયું હવે આટલા વર્ષો પછી સંયુક્ત રાષ્ટ્રસંઘનાખાદ્ય અને કૃષિ સંગઠને  છેલ્લાં એક દાયકાથી ભાંગ, ઘાસ અને બીજી વનસ્પતિના  રેસામાંથી  કાપડના  વણાટકામને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી યોજનાઓ શરૂ કરે છે. આમ તો ભાંગ એટલે  'કેનાબિસ સ્ટિવા'નો વસ્ત્રો, કેન્વાસ તથા કાગળ બનાવવામાં  સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. ઉત્તરાખંડમાં  હાડ ગાળી નાખે એવી ટાઢમાં  પહાડી ઈલાકામાં  વસતા લોકો ભાંગના જાડા વસ્ત્રો, મજબૂત જૂતા પહેરે છે. દોરડા વણે છે અને માછલીની જાળ તૈયાર કરે છે. આ જોઈને કહેવું પડે કે:

ભાંગનો નશો ભલે ભટકાઉ છે

પણ ભાંગના વસ્ત્રો ટકાઉ છે.

પંચ-વાણી

સંસારમાં શરણાગતિનો ભાવ

શેરબજારમાં ભરણાગતિનો 'ભાવ'

Tags :