મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
કાળજા કેરો કટકો રે મારો ગાંઠથી છૂટી ગ્યો
કન્યા પરણીને સાસરે વિદાય થાય છે ત્યારે પિતાના હૈયામાંથી કંઈક આવી લાગણી ઠલવાતી હોય છે કે કાળજા કેરો કટકો રે મારો ગાંઠથી છૂટી ગ્યો.... પણ વ્હાલસોયી દિકરી દુનિયાથી કાયમ માટે વિદાય થાય ત્યારે પિતાના કાળજાના જ કટકેકટકા થઈ જાય કે નહીં? બિહારના જુમઈ નામના ગામડાનો ગરીબ અને બેબસ બાપ બીમાર બેટીને લઈ ઈલાજ માટે પટનાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો.
પરંતુ મોટી હોસ્પિટલમાં ગરીબને કોણ કોણ દાદ દે? સહુને કરગરતો દીકરીને તેડીને એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પર દોડાદોડ કરતો રહ્યો. કોઈ મારી બેટીને બચાવો... મારી બેટીને બચાવો... એવી કાકલૂદી કરતો રહ્યો. પણ હોસ્પિટલના કોઈ ડૉક્ટરે કે કર્મચારીએ મદદ ન કરી. પરિણામે બીમાર બેટીએ આખરી શ્વાસ લીધા અને કાયમ માટે આંખ મીંચી ગઈ.
પિતાને માથે તો જાણે દુ:ખનો પહાડ તૂટી પડયો. હદ તો ત્યારે થઈ જ્યારે બાળકીના શબને ઘરે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સગવડ પણ ન મળી. છેવટે ચોધાર આંસુ સારતા સારતા ભાંગી પડેલો બાપ ભારે હૈયે દિકરીના શબને તેડી બે કિલોમીટર ચાલીને ઘરે પહોંચ્યો. આ જોઈને માનવતા પણ શર્મસાર થઈ ગઈ હશે.
દેશભરમાં નેતાઓ બેટી બચાવના બુલંદ નારા લગાવે છે ત્યારે બીજી તરફ બેટીને બચાવવાની વાત તો બાજુએ રહી, ગરીબ બાપને મૃત બેટીના મૃતદેહને ઘરે પહોંચાડવા એમ્બ્યુલન્સની સગવડ સુધ્ધા નથી મળતી એ કેવી કમનસીબી કહેવાય? આ દર્દનાક કિસ્સો જાણીને કહેવું પડે કે :
બેટી બચાવ બેટી બચાવના
સંભળાય છે બધે નારા
પણ મૃત બેટીના શબને તેડીને જતા
બાપને જોઈ આંખોથી વહે અશ્રુધારા
મર્યા પછી મદદ શું કામની?
અચ્છે દિન આયેંગે અચ્છે દિન આયેંગે... પર કબ? જબ હમ ઈસ દુનિયા સે ઊઠ જાયેંગે? આ સવાલ કૈંક ભૂખ્યા પેટે ને અડધા ખાલી પેટે સૂતા ગરીબોના હૈયામાંથી ઊઠતો હશે. પણ ઝારખંડમાં તો કહેવાય છે કે એક પગરિક્ષાવાળો ભૂખમરાને લીધે કાયમ માટે પોઢી ગયાં.
આ ગરીબ પરિવાર પાસે અનાજ લેવા માટે ચાર વર્ષથી રેશનકાર્ડ નહોતું. રિક્ષાવાળાનીપત્નીએ કહ્યું કે તેનો પતિ માંદો પડયા પછી પથારીવસ હતો. ચાર- પાંચ દિવસથી ખાવાનું ન મળતા તેની તબિયત ઔર બગડી અને ભૂખ સામેના આખરી જંગમાં પરાસ્ત થઈ ખાલીપેટે અને ખાલી પેટે વિદાય લીધી.
જોકે જિલ્લા પ્રશાસને બચાવ કરતા કહ્યું કે રિક્ષાવાળો દમનો દરદી હતો અને માંદો રહેતો હતો. જોકે ભૂખમરાના આ કિસ્સાને લીધે હોબાળો મચ્યા પછી સરકારી અધિકારી મૃતકની વિધવાને ૨૦ હજારનો ચેક આપી આપ્યા. ચેક જોઈને વિધવાને મનમાં થયું હશે કે આ રકમ જો થોડી વહેલી મળી હોત તો તેના પતિનો જીવ બચી જાત. આ કિસ્સો વાંચીને કહેવું પડે કે:
જીવતા મળે નહી મદદ
અને મર્યા પછી સહાય
તમે જ કહો સરકારને
લાગતી હશે કેટલાની હાય?
મબલખ દૌલતમાં આળોટતા માઓવાદી
ગરીબોના બેલી હોવાનો દેખાડો કરી જંગલોમાં પોતાનું જંગલ રાજ ચલાવતા મોતના સોદાગરો મનાતા માઓવાદીઓ અને નઠારા નક્સલવાદીઓ આ દેશ માટે શ્રાપરૃપ અને આફતરૃપ બની ગયા છે.
કેન્દ્ર અને રાજ્યમાં છેલ્લાં સાત દાયકા દરમિયાન સત્તા પર આવેલી સરકારોમાંથી કોઈ નકસલવાદીઓના આતંકને નાબૂદ કરવામાં સફળ નથી થઈ. રાજકારણમાં જેમ નેતાઓ દોમદોમ સાહેબી ભોગવતા હોય અને કાર્યકરો કઠણાઈ ભોગવતા હોય અને કાર્યકરો કઠણાઈ ભોગવતા હોય એવું જ આ જંગલ રાજના તા-રાજકારણમાં છે.
બિહાર અને ઝારખંડના બે ટોચના માઓવાદી સરદારો વિશે તાજેતરમાં જ સનસનાટીભરી હકિકત બહાર આવી છે. આ બંને માઓવાદી લીડરો પાસે લખલૂટ સંપત્તિમાં આળોટે છે. અપહરણ કરી ખંડણીમાંથી મેળવતા પૈસા અને ધાડ પાડીને કે બીજા ઊંધા ધંધા કરી મેળવેલી રકમથી આ માઓવાદી નેતાઓ પોતાના ઘર ભરે છે. શહેરોમાં રહેતા તેમના પરિવારો વૈભવી જીવન જીવે છે.
સંતાનો પ્લેન સિવાય પ્રવાસ નથી કરતા અને નાખી નજર ન પહોંચે એટલા વિશાળ એરિયામાં સોનાના કટકા જેવી જમીનો ખરીદી છે. બિહાર પોલીસના સ્પેશિયલ ટાસ્ટ ફોર્સે તૈયાર કરેલા ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ વિગતોની નોંધ કરવામાં આવી છે. કેટકેટલા લોકોની હાય લઈને આ મોતના સોદાગરો હાઈ- ફાઈ જીવન જીવતા હશે? એટલે જ કહેવું પડે કે:
કોઈ ભૂખે મરે ને
કોઈ દુ:ખે મરે
પણ મોતના સોદાગરો તો
ફરે ચરે ને જલસા કરે
કૂતરા ક્યાંક મરાય તો ક્યાંક પૂજાય
રખડતા કૂતરાના ત્રાસને લીધે અનેક ગામો અને શહેરો ઉત્તરાંચલને બદલે કૂતરાંચલમાં ફેરવાઈ ગયા છે. કૂતરા કરડવાના રોજ હજારો બનાવ બને છે. ક્યારેક તો માસુમ બાળકને કૂતરાએ ફાડી ખાધાની ઘટનાઓ પણ બને છે. દક્ષિણના રાજ્યમાં એટલે જ કૂતરા મારી નાખવાને મામલે જીવદયા પ્રેમીઓએ હોબાળો પણ મચાવ્યો હતો.
ક્યારેક તો એવું બને છે કે રઝળતા રખડતા કૂતરાના ત્રાસમાંથી છૂટવા સ્થાનિક લોકો ખાવાના સાથે ઝેર ભેળવીને મારી નાખતા હોય છે. કૂતરાની કૂદકે ને ભૂસકે વધતી આબાદી કાબૂમાં લેવા માટે નસબંધી પણ અજમાવાય છે. છતાં આ નુસખો કંઈ બહુ અસરકારક નથી નીવડયો. એટલે કૂતરાને ગેરકાયદે મોતને ઘાટ ઊતારવામાં આવે છે.
પરંતુ હિન્દુ રાષ્ટ્ર રહી ચૂકેલા પાડોશી નેપાલમાં કૂતરાની પૂજા થાય છે. દર દિવાળીએ કુકુર તિહાર એટલે કે કૂતરાનો તહેવાર ઊજવાય છે. શ્વાનને નવડાવી ધોવડાવી તૈયાર કરવામાં આવે છે અને પછી તેની પૂજા થાય છે. પછી કૂતરાને ભાવતા ભોજન નૈવેદ તરીકે ધરવામાં આવે છે. કેવી નવાઈ કહેવાય? નેપાલનું રાષ્ટ્રીય પશુ ગાય છે, પણ દિવાળીમાં કૂતરા પૂજાય છે.
૯૦૦ વિદ્યાર્થીઓ માટે ફક્ત એક ટોઈલેટ
સ્વચ્છ ભારત અભિયાન શરૃ થવાને ત્રણ વર્ષ વિત્યા છતાં આજે પણ એવાં ચોંકાવનારા કિસ્સા સાંભળવા મળે છે જે સ્વચ્છતા ઝુંબેશની ગુલબાંગોના ફુગ્ગામાંથી હવા કાઢી નાખે છે. ભાજપ શાસીત આસામ રાજ્યમાં સિલ્ચર ગામે બરાક નદીને કિનારે આવેલી ૧૫૩ વર્ષ જૂની ગવર્નમેન્ટ બોયઝ હાયર સેકેન્ડરી સ્કૂલમાં ભણતા ૯૦૦ વિદ્યાર્થીઓ માટે ફક્ત એક જ ટોઈલેટની સુવિધા (કે દુવિધા) છે. સ્કૂલમાં રિસેસ પડે ત્યારે આ એકમાત્ર 'હાઈ-ટેક' ટોઈલેટ ઓન-લાઈન બની જાય છે, એટલી લાંબી લાઈન લાગે છે.
સાહજિક છે હાજત દબાવીને આ 'લાઈન ઓફ કન્ટ્રોલ'માં ઊભા રહેતા જે વિદ્યાર્થીઓને દબાણવશ એવું લાગે કે હવે તે આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જશે એ આજુબાજુ ક્યાંક ખુલ્લામાં કે કયાંક ખૂણામાં જ ખુલાસો કરી લેતા હશેને? ખૂણામાં કે ખુલ્લામાં ખુલાસો કરી આવાં ખુલ્લા-શો ન કરવા પડે માટે કોણ જાણે ક્યારે વધુ શૌચાલય બંધાશે? અત્યારે તો વિદ્યાર્થીઓના મનમાંથી આ એક જ સવાલ રોજેરોજ નીકળતો હશે. જાયે તો જાયે કહાં.... સમજેગા કૌન યહાં....
પંચ- વાણી
મોંઘવારીમાં મોટાં મોટા બિલ આવે એનો ડર લાગે એ બિલ- ડર.