મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
અલીબાગમાં જેરૃસલેમ ગેટ
જેરૃસલેમ તો ઇઝરાયલમાં છે તો પછી જેરૃસલેમ ગેટ મુંબઈ નજીકના દરિયામાં આવેલા અલિબાગમાં કેવી રીતે સંભવી શકે? ફેરીબોટ કે મોટર લોન્ચમાં બેસી માંડવા જેટ્ટી ઊતરી અલિબાગ જતા ટુરિસ્ટોના મનમાં આ સવાલ થતો જ હશે.
પણ આ ગેટનો સદીઓ પુરાણો ઈતિહાસ છે. સદીઓ પહેલાં યહૂદીઓને લઈને જતું એક વહાણ દરિયાઈ તોફાનમાં સપડાયું. સૂસવાટા બોલાવતા પવનની થપાટોને લીધે શઢવાળું વહાણ આમથી તેમ ફંગોળવા લાગ્યું. અંદર બેઠેલા યહૂદીઓના જીવ તાળવે ચોંટી ગયા. મોત વેંત છેટું ભાળી સહુના હાજા ગગડી ગયા.
આમને આમ અથડાતું કૂટાતું જહાજ એક કિનારે પહોંચ્યું. સહુ હેમખેમ હેઠા ઉતર્યા અને ઉપરવાળાનો પાડ માન્યો. આ યહૂદીઓએ જ્યાં પહેલો પગ મૂક્યો એ હતું અલિબાગની અડોઅડ આવેલું નવગાંવ. પછી તો યહૂદીઓ અલિબાગમાં જ વસી ગયા. મરાઠી ભાષા, પહેરવેશ અને રહેણીકરણી અપનાવી લીધી.
પછી જ્યારે પાંચેક દાયકા પહેલાં યહૂદીઓનો સ્વતંત્ર દેશ ઈઝરાયલ અસ્તિત્ત્વમાં આવ્યો અને દુનિયાભરમાં વસેલા યહૂદીઓને સ્વદેશ આવવાનું આહવાન થયું એ વખતે અલિબાગથી પણ લગભગ બધા જ યહૂદીઓ ઈઝરાયલ પહોંચી ગયા. યહૂદીઓના આગમનની ગવાહી આપતો આ જેરૃસલેમ ગેટ આજે પણ અડીખમ ઊભો. ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો વધુને વધુ ગાઢ બનવા માંડ્યા છે ત્યારે જેમ સંબંધો ન તૂટે એમ ગેટ પણ ન તૂટે એની કાળજી લેવાની જરૃર છે.
ઔરંગઝેબનું ગુજરાત કનેક્શન
સૌથી જાલીમ મોગલ સમ્રાટ, હિન્દુ મંદિરોનો ધ્વંસ કરનારો ધર્મઝનૂની, શીખ ગુરુનો વધ કરનારો જાલીમ અને ગાદી મેળવવા ભાઈ-ભાંડરૃનો પણ ભોગ લેનારો કાતીલ ઔરંગઝેબ સિવાય સિવાય બીજો ક્યો હોઈ શકે? આ માનવીના રૃપમાં રાક્ષસને પણ પાછળ પાડે એવા ઔરંગઝેબનું જો આખું નામ બોલવામાં આવે તો જીભનો જલેબી થઈ જાય. બાદશાહ શાહજહાં અને મુમતાઝ મહલના આ ફરજંદનું આખું નામ હતું અબ્દુલ મુઝફ્ફર મોહિઉદ્દીન મોહમ્મદ ઔરંગઝેબ તેને શાહી ટાઈટલ મળ્યંો હતું આલમગીર.
આ ઔરંગઝેબના ગુજરાત કનેક્શન વિશે કદાચ બહુ થોડા લોકો જાણતા હશે. ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. આપણે ત્યાં સંગીતમાં રસ ન હોય એવાં નિરસ જણને ઔરંગઝેબ સાથે સરખાવવામાં આવે છે. કારણ કે ઔરંગઝેબે સંગીતના સાજનો જનાજો કાઢ્યો હતો. જોકે આની પાછળ ઔરંગઝેબની દૂરંદેશી હતી.
એ યુગમાં રાજદરબારોમાં નાચ-ગાન અને મુજરા થતા, શરાબની રેલમછેલ ચાલતી અને શાસકો અને શોષકો ઐયાશીમાં ડૂબેલા રહેતા. એટલે ઔરંગઝેબે કહ્યું હતું કે દરબારમાંથી સંગીતને દેશવટો આપો. બાકી પોતે સંગીતનો અચ્છો જાણકાર હતો અને તેણે કેટલાક રાગ અને ધૂનની રચન ાકરી હતી એવું સાંભળવા મળ્યું છે. ગુજરાતના દાહોદમાં આલમગીરનો જન્મ થયો એટલે ગુજરાત તેની જન્મભૂમિ કહેવાય. બીજું પણ એક ગુજરાત કનેક્શન ગણી શકાય. ઔરંગઝેબે એના રાજમાં દારૃબંધી લાદી હતી.
આખા દેશમાં મોગલોની સત્તા હતી અને દારૃબંધીનો કડક અમલ થતો. જ્યારે આઝાદી પછી ગાંધીના ગુજરાતમાં દારૃબંધી ચાલુ રહી છે. બીજું આજે વેપારી વર્ગ સ્થાનિક કરવેરા વિરુદ્ધ છાશવારે સરકારને લડત આપતા હોય છે. જ્યારે ઔરંગઝેબે તમામ લોકલ ટેક્સ નાબૂદ કર્યા હતા. સતીપ્રથા વિરુદ્ધ કડક કાનૂન અમલમાં લાવ્યો હતો. પરંતુ જુલ્મગાર શાસકના બેશૂમાર જુલ્મો પાછળ અમુક સારા કામો ઢંકાઈ ગયા.
જન્મેલા ઔરંગઝેબની આખી જિંદગી રણમેદાનમાં જ ગઈ એમ કહી શકાય. આખરે ૮૮ વર્ષની જૈફ વયે અત્યારના મહારાષ્ટ્રમાં આવેલા અહમદનગરમાં આખરી શ્વાસ લીધા અને આ સાથે એક જાલીમ શાસકનો અંત આવ્યો. આમ જન્મ ગુજરાતમાં ને મોત મહારાષ્ટ્રમાં, આ શાસકને જુલ્મગાર તરીકે યાદ કરે છે સહુ રાષ્ટ્રમાં.
પાણીની અછત વાંઢાની છત
કન્યા માટે મૂરતિયો શોધવાનો હોય ત્યારે ભણતર, પરિવાર, પૈસો બધુ જોવાનું હોય છે. પરંતુ મહારાષ્ટ્રના ધુળે નજીક આવેલા હેંદ્રૂણ ગામમાં જુવાનિયાઓ પાસે શિક્ષણ, નોકરી અને ઘરના ઘર આ બધું જ હોવા છતાં આસપાસના ગામવાળા પોતાની દીકરી આપવા નથી આવતા. આનું એક જ કારણ છે છેલ્લાં ૧૦ વર્ષથી હેંદ્રૂણે ગામની પાણીની કારમી અછત પાંચ હજારની વસતીવાળા આ ગામડામાં તળાવ છે કૂવા છે, પણ આ તળાવ અને કૂવા ચોમાસામાં પણ સાવ નજીવા વરસાદને કારણે ભરાતા નથી. એટલે ગામની મહિલાઓનો આખો દિવસ પાંચ-છ કિલોમીટર દૂરથી પાણી સારી લાવવા પાછળ જ જાય છે.
હવે આવી કપરી સ્થિતિ હોય ત્યાં કયા મા-બાપ પોતાની દિકરીને હેંદ્રૂણે ગામે પરણાવી હાથે કરીને વેઠે વળગાડે? પાણીની આ અછત વધતી જાય છે એમ ગામમાં વાંઢાની સંખ્યા પણ વધતી જાય છે. કેટલાક તો કેદાડાના પૈણું પૈણું કરવાવાળા ગામ છોડીને શહેરમાં ચાલ્યા ગયા છે અને પરણીને ઠરીઠામ થઈ ગયા છે.
પરંતુ આજે પણ ગામમાં પરણવાલાયક સોથી દોઢસો યુવકો કન્યા મળે અને સંસાર મંડાય એવી આશામાં ને આશામાં 'વાંઢા-જનક' દશામાં દિવસો ગુજારે છે. ગાંડાના ગામ મ ન વસે, પણ વાંઢાના ગામ તો વસેને?
ફરજ બજાવે રક્ષા ખાતર એનાં ઘરે પડે ખાતર
ઘરમાં ચોરી ન થાય માટે મજબૂત દરવાજા બેસાડાય છે, મોટા તાળા લગાડવામાં આવે છે, એલાર્મ ગોઠવવામાં આવે છે અને દરવાજે ચોકીદાર પણ બેસાડવામાં આવે છે. પણ ઘણાંને ખબર હશે કે મહારાષ્ટ્રના શનિ-શિંગણાપુર ગામે એક પણ ઘરને દરવાજા નથી. ગામમાં કહેવાય છે કે ક્યારેય ચોરી નથી થતી. જો કોઈ ચોરી કરે તો શનિદેવ આકરી સજા કરે છે એવી માન્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે ગામમા એક બેન્ક છે એ બેન્કના દરવાજા પણ બંધ નથી કરવામાં આવતા.
શનિદેવ સહુની રક્ષા કરે છે. ઘણાનું માનવું હશે કે આવું એક માત્ર ગામ હશે જ્યાં ઘરને દરવાજા નથી હતો. પરંતુ શનિ-શિંગણાપુર જેવું એક ગામ ઓડિશા સ્ટેટના કેન્દ્રાપાડા જિલ્લામાં ભુવશ્વરથી ૧૩૦ કિલોમીટરને અંતરે આવેલું છે. સિયાલિયા નામના આ ગામડામાં પણ બધા જ ઘર દરવાજા વગરના છે. ગ્રામદેવી ખોખરાઈ ઠકુરાની ગામવાસીઓની રક્ષા કરે છે એવી પરાપૂર્વથી માન્યતા ચાલી આવે છે.
ભોળા ગ્રામજનો કહે છે કે દેવી ઘરના ઊંબરે બેઠી હોય ત્યારે બારણઁ બંધ કેવી રીતે કરી શકાય? બસ આ શ્રદ્ધાને જોરે સહ બારણા વિનાના ઘરોમાં ટેસથી રહે છે. ચોરીની કોઈ બીક નથી. આમ પણ જાત જાતની ચોરી જેવી કે ધનની ચોરી, ધૂનની ચોરી, દાગીનાની ચોરી, કરચોરી કે દાણચોરી એ બધી ચોરીઓ મોટેભાગે શહેરોમાં થતી હોય છે.
મહારાષ્ટ્રનો જ દાખલો લઈએ તો એક તરફ શનિ-શિંગણાપુરમાં ઘરને દરવાજા નથી અને ચોરી પણ નથી થતી. જ્યારે બીજી તરફ આ જ મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારી રાત્રે પેટ્રોલિંગમાં બહાર ગયા પછી પાછળથી ચોર મંડળી આવી એમનું ઘર સાફ કરી ગયા.
શ્વાને કરી શબરીમાલાની પદયાત્રા
ભોજનમાં ધર્મ ભળે તો પ્રસાદ બની જાય છે અન ેપ્રવાસમાં ધર્મભળે તો યાત્રા થઈ જાય છે. આ શ્રદ્ધાળુઓના દેશમાં દશેય દિશાએ યાત્રાઓ ચાલતી જ રહે છે. આવો જ યાત્રાળુઓના સંઘ ગઈ ૧૭મી ડિસેમ્બરે કર્ણાટકના હલસુરૃ ગામેથી પગપાળા શબરીમાલાની યાત્રાએ નીકળ્યો. રસ્તામાં ચાલતા ચાલતા મદનકુમારનામના યાત્રાળુ સાથે એક રઝળતો શ્વાન ચાલવા લાગ્યો.
જોતજોતામાં આ શ્વાન યાત્રાળુઓનો માનીતો થઈ ગયો. એને નામ અપાયું ભૈરવ. યાત્રાળુઓ દિંડીગલ પહોંચ્યા ત્યાં આઘાતજનક દુર્ઘટના બની. ભૈરવ જે મદનકુમારની સાથે ચાલતો હતો એ મદનકુમારને પૂરપાટ પસાર થયેલા વાહને અડફેટે લીધા અને તેમનું મૃત્યુ થઈ ગયું. ભૈરવ શોકમાં ડૂબી ગયા. અકસ્માત થયો એટલે યાત્રાળુઓ રોકાઈ ગયા, પણ ભૈરવ શ્વાન રોકાયો નહીં. એતો બીજા યાત્રાસંઘ સાથે ચાલતો ચાલતો ઠેઠ શબરીમાલા મંદિરે પહોંચી ગયો.
હવે ગુ્રપની સાથે ભૈરવે યાત્રા શરૃ કરી હતી એ જ્યારે શબરીમાલા પહોંચ્યું અને જોયું તો ભૈરવ મંદિર પરિસરમાં ટેસથી ફરતો હતો. પુજારીની પરવાનગી લઈ આ આસ્થાળુ શ્વાનને દર્શન કરાવ્યા. પછી પૂજારીઓએ કહ્યું કે આ શ્વાનને મંદિર પરિસરમાં જ મૂકી જાવ એ નિરાંતે રહેશે. એટલે ભૈરવને મૂકી યાત્રાળુઓ જેવાં પાછા બસ સ્ટેન્ડ પર આવ્યા ત્યારે બધાથી પહેલાં તે સ્ટેન્ડ ઉપર ઊભો રહી ગયો હતો.
આખરે રેલવે સત્તાવાળાની અનુમતિ લઈને એર્નાકુલમથી બેંગલોર સુધી ભૈરવને ટ્રેનમાં લાવવામાં આવ્યો. હવે આ શ્રદ્ધાળુ શ્વાન શાનથી જીવે છે. જરા કલ્પના કરો કે ૫૦૦ કિલોમીટરની પગપાળા યાત્રા તેણે શ્રદ્ધાને જોરે જ કરી હશેને?
પંચ-વાણી
ઊંદરને દરમાંથી બહાર કાઢવા ઘણા દરના મોઢા પાસે જોર જોરથી પીપૂડા વગાડી ઘોંઘાટ કરે છે. દર પાસે વાજા વાગે એ દર-વાજા.