મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ભસી ભસી ભગાડયા વાઘને
શ્વાન માણસનો વફાદાર મિત્ર ગણાય છે એટલું જ નહીં દુનિયાભરના પોલીસ ફોર્સની ડોગ-સ્કવૉડમાં કાર્યરત શ્વાન તો સૂંઘી સૂંઘી બોમ્બ અને વિસ્ફોટકો પકડી લોકોના જીવ પણ બચાવે છે. આ શ્વાન તાલીમ પામેલા હોય છે. પણ મધ્ય પ્રદેશના માંડલા જિલ્લાના જંગલ વિસ્તારમાં પાળેલા દેશી કૂતરાએ બે વિકરાળ વાઘ સામે પોતાના માલિકનું રક્ષણ કરી જીવતદાન આપ્યું હતું.
બન્યું એવું કે કાન્હાના વાઘ અભયારણ્ય નજીકના જંગલમાં કુંજીરામ યાદવ અને તેની પત્ની ફુલવતી પોતાના પાળેલા કૂતરાને ભેગો લઈ સરપંચની ખોવાઈ ગયેલી ગાય શોધવા જંગલમાં નીકળી પડયા ગોતતાં ગોતતાં સાંજ પડી ગઈ. જંગલમાં થોડે દૂર નજર ગઈ તો બંનેના મોતિયા મરી ગયા.
બે વિકરાળ વાઘ પોતાના શિકારનું ભક્ષણ કરતા હતા. કુંજીરામ અને તેની પત્નીને જોઈએ વાઘ ઉશ્કેરાયા અને હુમલો કર્યો પતિ-પત્ની વાઘથી બચવા પાછા હટી ગયા એજ વખતે એમનો ડાઘીયો કૂતરો પોતાના માલિકને બચાવવા વચ્ચે કૂદી પડયો અને જોરજોરથી ભસવા માંડયો.
ભસતા કૂતરાના પ્રતિકારથી વાઘ પણ હેબતાઈ ગયા અને પછી ગભરાઈને પાછા પડો જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. ઘાયલ દંપતીને ફોરેસ્ટ ખાતાવાળાએ તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા. પાળેલા શ્વાને સમયસર બચાવ કરતા વર-વહુ ગંભીર ઈજાથી બચી ગયા હતા. ફોરેસ્ટ ઓફિસરે કહ્યું કે જંગલમાં જે જંગલી કૂતરા હોય છે તે ભસતા નથી હોતા.
એટલે શક્ય છે કે પહેલીવાર ભસતા કૂતરાનો સામનો થવાથી કન્ફયુઝ થઈ ગયેલા બંને વાઘે પાશેઠના પગલાં ભર્યા હશે. કહેવત છે ને કે ભસતા કૂતરા કરડે નહીં એને ફેરવીને કહી શકાય કે ભ સતા કૂતરા કરડે નહી, પણ વાઘને ભગાડે. હોસ્પિટલમાં સારવાર લેતા પતિ-પત્નીએ પોતાના વ્હાલા શ્વાનનો લાખ લાખ પાડ માનીને કહ્યું કે 'હમ જીતે હૈ 'શ્વાન' સે'...
તૃતીયપંથીના સમુહલગ્ન
લગ્ન પ્રસંગ હોય ત્યારે તાલી અને તાબોટા પાડતા અને ઢોલક વગાડતા વ્યંઢળોની મંડળી શુકનના પૈસા લેવા માટે પહોંચી જાય છે. કોઈ વળી સમજીને પૈસા આપી દેતા હોય છે નહીંતર વાડી કે લગ્નના હોલના ચોકીદારો હડઘૂત કરીને કાઢી મૂક્તા હોય છે. સમાજના સૌથી તીરસ્કૃત વર્ગના આ વ્યંઢળોને દેશના સર્વોચ્ચ ન્યાયાલયે તૃતીયપંથી તરીકેનો અલાયદો દરજ્જો આપ્યા પછી હવે ધીરે ધીરે તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આવી રહ્યાં છે.
હવે તો કોચીનની મેટ્રોમાં ભણેલગણેલ તૃતીયપંથીઓને નોકરીમાં રાખવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં પોલીસ અફસરના પદ ઉપર પણ તૃતીયપંથીની નિમણૂક થઈ છે. આ વર્ગના નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના એક વધુ આવકારદાયક પ્રયાસરૂપે રાયપુરમાં થોડા વખત પહેલાં જ તૃતીયપંથીઓના ધામધૂમથી સમૂહ લગ્ન યોજાયા હતા. આ લગ્નસમારંભમાં ૧૫ તૃતીયપંથી યુગલોએ હરખાતા હૈયે પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ જોઈને કહેવું પડે કેઃ
નર નથી કે નથી નાર
તોય હરખે પૈણે છે સેમી-નાર.
જ્યાં ચામાચીડિયા પૂજાય છે
હોરર ફિલ્મ પડદા પર ચાલતી હોય પુરાણી હવેલી હોય કે ખંડેર બની ગયેલો કિલ્લો હોય એમાં વાતાવરણ વધુ બિહામણું બનાવવા માટે ચામાચિડીયાને ઉડાઉડ કરતા કે ઊંઘા લટકતા દેખાડવામાં આવે છે. વાસ્તવિક જીવનમાં પણ રાતના સમયે જંગલને રસ્તે જતી વખતે જો ઝાડ ઉપર ચામાચિડીયા દેખાય તો બી જવાય છે પરંતુ આ ચામાચીડિયાકે વડવાગોળથી ભય પામવાને બદલે બિહારના વૈશાલી જિલ્લાના રાજાપાકર પ્રખંડના સરસઈ ગામે ચામાચિડીયા પૂજાય છે. ગામના લોકો કોઈ પણ શુભકાર્યની શરૂઆત ચામાચિડીયાની પૂજા કર્યા વિના નથી કરતા તેને શુકનવંતા ગણવામાં આવે છે.
એક હિન્દી અખબારના અહેવાલ મુજબ તિરહુતના રાજા શિવસિંહે ૧૪૦૨ની સાલમાં જે તળાવ બંધાવ્યું હતું એ તળાવ ફરતે જે ઘટાદાર વૃક્ષો છે તેની ઉપર ગણ્યા ગણાય નહીં એટલા ચામાચિડીયા સપરિવાર વસવાટ કરે છે એવી લોકવાયકા છે કે સદીઓ પહેલાં આ ગામમાં મહામારી ફેલાઈ હતી અને લોકો ટપોટપ મરવા માંડયા હતા એ અરસામાં મોટી સંખ્યામાં ચામાચિડીયા આવવા માંડયા અને ગામની આસપાસના વૃક્ષો પર વસવાટ કરવા લાગ્યા.
બસ ત્યાર પછી ગામ ઉપર કોઈ રોગચાળાનું સંકટ નથી આવ્યું. બસ એ વખતથી ચામાચિડીયા પૂજા છે એટલું જ નહીં ગામલોકો એમને જીવનરક્ષક માને છે એટલે ઊંઘા લટકતા વડવાગોળને પૂજાતા જોઈ ખરખેર આશ્ચર્ય થાય. આમ પણ આ દેશમાં જે સીધા હોય તેનો કોઈ ભાવ નથી પૂછતું પણ ઊંઘે રસ્તે ચાલવાવાળા ઈંઘિયા માનપાન પાળે છે.
વેડફાટ ન કરો ભૂખ્યાજનોનું પેટ ભરો
અમીરો વિચારે છે કે ભૂખ લાગે માટે શું કરવું? ગરીબો વિચારે છે ભૂખ લાગે તો શું કરવું? આ દેશમાં ભરપેટ ખાવાનું ન મળતું હોય અને ભૂખ્યા સૂવા માટે મજબૂર હોય એવાં કરોડો લોકો છે જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાનું ખાવાનું એઠવાડ તરીકે ગટરમાં ફેંકી દેવામાં આવે છે. લોકો જમણવારમાં, પાર્ટીઓમાં કે બુફે ડિનરમાં પ્લેટમાં જે ખાવાનું પડતુ મૂકે છે અને અન્નનો વેડફાટ થાય છે તેમાંથી કરોડો લોકોના ખાલી પેટ ભરી શકાય છે.
એક અનુમાન મુજબ આદેશમાં ૫૦ હજાર કરોડ લોકોના ખાલી પેટ ભરી શકાય છે. એક અનુમાન મુજબ આદેશમાં ૫૦ હજાર કરો રૂપિયાનું ખાવાનું એઠવાડ તરીકે દેવામાં આવે છે. જરા કલ્પના કરો આ વેડફાટ અટકાવાય તો કેટલા બધાના ખાલી પેટ ભરાય? આજે દેશમાં દર વર્ષે લાખો લોકો કુપોષણનો શિકાર બની મોતને ભેટે છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજારો બાળકો કૂપોષણથી પીડાઈ રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના ચોંકાવનારા અહેવાલ મુજબ ગયા વર્ષે યુદ્ધ, આર્થિક કટોકટી અને બદલાતા વાતાવરણને લીધે ઊભી થયેલી આહારની કમીને કારણે ૫૩ દેશોમાં ૧૧.૩ કરોડ લોકો મોતને ભેટયા હતા.દેશની આબાદી માટે ખાણાંની બરબાદી કોણ અટકાવી શકે? આને માટે સરકાર ઉપર નિર્ભર રહેવાને બદલે દરેક જણ થાળી લઈને જમવા બેસે ત્યારે બસ એટલું જ વિચારે કે હું જરા પણ પડતું નહીં મૂકું અને અન્નનો વેડફાટનહીં કરૂં તો એ બચેલા અન્નમાંથી કેટલા ભૂખ્યાજનોનું પેટ ભરી શકાશે? બાકી તો એકવીસમી સદીમાં પણ કરોડો લોકોએ આહાર વિના ટળવળવું પડે એ આપણાં સહુની આ-હાર જ કહેવાયને?
નાવ અને ચુનાવ તારે કાં ડૂબાડે
કોઈ પૂછે કે નાવ અને ચુનાવમાં શું સામ્ય છે? તો જવાબ આપી શકાય કે નાવ અને ચુનાવ કાં તારે અને કાં ડૂબાડે પાણીમાં નાવ તરે અને ચુનાવ પૈસાનું પાણી કરે. નાવ લગાવે પાર અને ચુનાવ દેખાડે દિલ્લીના દ્વાર. નાવ અને ચુનાવ જેવાં બે મજેદાર શબ્દ છે જે લોકશાહી દેશના ચૂંટણીના ખેલને છત્તો કરે છે.
આ બે શબ્દ છે તરે અને છેતરે. હવે જુઓ શબ્દોની કેવી કમાલ છે? 'છે' અક્ષરને આગળ ગોઠવો તો વંચાય છે-તરે અને 'છે' અક્ષર છેડે ગોઠવો તો વંચાય તરે-છે. એટલે રાજકારણના વહેતા પાણીમાં એવાં કૈંક મળશે જે છેતરે એ તરે-છે. એટલે જ મતદારો સમજીને મત આપે તો જે છેતરે છે એ ડૂબે છે અને બાકીના દિલ્હી પૂગે છે અને લોકશાહીનો ઝળહળતો સૂરજ ઊગે છે.
પંચ-વાણી
પહેલું સુખ તે જાતે નર્યા
પહેલું દુઃખ તે ફેરા ફર્યા