મેરા ભારત મહાન -અક્ષય અંતાણી
હિલ સ્ટેશનમાં હવાફેર કરતા ભૂત
માણસો વેકેશનમાં હવાફેર માટે હિલ-સ્ટેશન પર જતા હોય છે તો શું ભૂત-પલિત પણ હવા-ફેર માટે હિલ-સ્ટેશન પર જતા હશે? ભૂત જતા હશે કે નહીં એ કોઈ કહી ન શકે પણ હવાફેર કરવા ગયેલા માણસોની ભૂતનું નામ સાંભળી હવા બંધ થઈ જાય. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પાસે કુર્સયાંગ નામનું હિલ-સ્ટેશન આવેલું છે.
આ કુર્સયાંગની નજીક ડાઉ-હિલ નામનું ગિરીમથક આવેલું છે. એવી માન્યતા છે કે આ જગ્યાએ દિવસે પર્યટકો ફરતા હોય છે અને રાત્રે ભૂતો ફરે છે. સ્થાનિક લોકોના મોઢેથી એવી કપોળકલ્પિત વાતો સાંભળવા મળે છે કે ડાઉ-હિલના જંગલોમાં આત્મહત્યાના કેટલાય કિસ્સા બન્યા હતા. એટલે અતૃપ્ત આત્માઓ ભૂતના સ્વરૂપમાં ભટકે છે.
કોઈ પહાડી જણ કહે છે કે તેણે માથા વગરની લાશ ફરતી જોઈ છે, કોઈને વળી કાળજું કંપાવી નાખે એવી ચીસ પણ સંભળાઈ હોવનાનું કહેવાય છે તો વળી કોઈ કહે છે કે જંગલમાં સફેદ ઓળા જોવા મળે છે.
એટલે અફાટ કુદરતી સૌંદર્ય અને ફૂલોના મધમધતા ઉદ્યાનોવાળી આ પહાડી સ્વર્ગ સમી જગ્યામાં દિવસે ચહલપહલ હોય છે, પણ રાત્રે સોપો પડી જાય છે. આ શાપીત જગ્યાએથી કોઈ પણ જાતના ભય વિના જઈ રહેલા એક અલગારી સાધુને જ્યારે ભૂત વિશે પૂછ્યું ત્યારે એણે ખડખડાટ હસીને કહ્યું 'અરે કાહે કા ભૂત? લગાવ ભભૂત ઔર ભગાવ ભૂત...
ટેકે ટેકે ટકે....
એક અંધેરી નગરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા... અંધેરી નગરી જેવો જ ખેલ રાજકારણની અંધેરી અને અણધારી નગરીમાં જોવા મળે છે. ગઠબંધનના માહોલમાં ટેકા વિના ટકવાનું મુશ્કેલ છે. ટેકે ટેકે ટકે છે... ખેડૂતો ક્યારેક શેરડીના તો ક્યારેક કાંદાના ટેકાના ભાવ માગતા હોય છે.
આવી જ રીતે ચૂંટણી નજીક આવે ત્યારે નાની નાની પાર્ટીનો કે એકલદોકલ ઉમેદવારનો ટેકો મેળવવા માટે પણ ટેકાના ભાવ બોલાય છે. રીતસર ઊંચી બોલી બોલાય છે. ટેકા વિના ટકવું મુશ્કેલ છે. ચાર દોસ્તો દિવાળીની કોકટેલ પાર્ટીમાં ચિક્કાર પીને લથડિયા ખાતા ખાતા એકબીજાના ટેકે ઘરે જવા નીકળ્યા.
એક ઘર આવ્યું તેની સામે ચારેય નમૂના એકબીજાના ટેકે ડોલતા ડોલતા માંડ ઊભા રહ્યા. ઘરનો દરવાજો ખખડાવ્યો, એક મહિલાએ દરવાજો ખોલતા ચારમાંથી એકે સવાલ કર્યો કે આ પનુભાઇનું ઘર છે? મહિલાએ હા પાડતા પેલાએ કહ્યું ઓકે તો અમારામાંથી જે પનુભાઈ હોય એને ઘરમાં લઈ લો... સત્તાના નશીલા રસ્તે આમ જ એકબીજાના ટેકે સહુ નીકળી પડે છે. એટલે જ કહેવું પડે કે:
મેળવે જે ટેકો એ જ ટકે
ન મેળવે ટેકો એનું ગાડું અ-ટકે
પણ ગઠબંધનના ઊંઘા વળે ગાડાં
જ્યારે વિફરેલી જનતાનું ફ-ટકે.
માંદગી નોતરે મસોતું
માંદગીથી બચવું હોય તો બહારનું ખાવું નહીં એવી સલાહ ડૉકટરો આપે છે. પણ ઘરનું ખાવાથી સુદ્ધા માંદા પડવાનું જોખમ રહે જ છે એવું એક સંશોધનમાં જાણવા મળ્યું છે. માંદગી નોતરવામાં કારણભૂત બને છે મસોતું. ભારતમાં મોટાભાગના ઘરોમાં રસોઈ કરતી વખતે હાથ લૂંછવા માટે જે મસોતું વપરાય છે તે સૌથી વધુ ગંદુ હોય છે.
આ મસોતું રોજેરોજ ધોવાતું નથી હોતું અને વારંવાર ઉપયોગમાં લેવાતા કિચનના આ કપડાં પર મેલ ચડતો જાય છે અને બેકટેરિયા પેદા થતા જાય છે. યુનિવનર્સિટી ઓફ મોરિશસના વિજ્ઞાનીઓએ એક મહિના સુધી પરીક્ષણ કરી મસોતામાં ક્યા બેકટેરિયા પેદા થાય છે એ શોધી કાઢયું હતું.
૧૦૦ મસોતાની જાંચ કરી એમાંથી ૪૯ મસોતામાં ઈ-કોલાઊ બેકટેરિયા પરિવારના કોલિફોર્મ્સ બેકટેરિયા મળી આવ્યા હતા. જે રસોડામાં નોન-વેજ રાંધવામાં આવતું હોય ત્યાંના મસોતામાં વધુ બેકટેરિયા જોવા મળ્યા હતા. અસ્વચ્છ મસોતાને લીધે ફૂડ પોઈઝનિંગ કે બીજીકેટલીય પેટની બીમારી થવાનો સંભવ રહે છે.
આમાં પણ જ્યારે મસોતાને એમનેમ ભીના મૂકી દેવામાં આવે ત્યારે અનેકગણા જીવાણુઓ પેદા થાય છે. માંદગીથી બચવું હોય તો સૌથી પહેલાં રસોડામાં વપરાતા મસોતાને રોજેરોજ ધોઈને સ્વચ્છ રાખવું જોઈએ. અથવા પેપર નેપકિન પણ ઉપયોગમાં લઈ શકાય. એટલે રસોડાની રાણીઓ એટલું યાદ રાખે કે ગંદવાડ ન રહે તો મંદવાડ પણ ન રહે. કહે છેને કે:
મસોતા ને માંદગી વચ્ચે મેળરાખો
ચોખ્ખાઈ, ખતમ કરો
ખાના-ખરાબીનો ખેલ.
કુંભ મેળો એટલે બે પૈસાનો ચમત્કાર
આ દેશમાં ચમત્કારને જ નમસ્કાર કરવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં પ્રયાગના સંગમ તીર્થ પર યોજાનારા કુંભમેળામાં લાકો સાધુ-સંતો ઉમટશે અને પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓનો વણથંભ્યો પ્રવાહ શરૂ થઈ જશે.
આ કુંભમેળો ફક્ત બે પૈસાનો ચમત્કાર છે? એવું કોણે કહ્યું? આ ચમત્કારની વાત પાછળ એક કિસ્સો છે. બ્રિટીશ રાજ વખતે ભારતના વાઈસ રોય તરીકે લોર્ડ હાર્ડિંગ્ઝ હતા એ તો પ્રયાગના કુંભમેળામાં ઉમટતી લાખો શ્રદ્ધાળુઓની ભીડ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા.
તેમણે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવીયાને પૂછ્યું કે 'આ લાખો લોકો કોના આમંત્રણથી કુંભમાં ઉમટે છે?' ત્યારે પંડિતજીએ જવાબ આપ્યો કે 'આ ફક્ત બે પૈસાનો ચમત્કાર છે.' પછી સમજાવ્યું કે બે પૈસામાં પંચાગ વેંચાય છે. દરેક હિન્દુ આ પંચાંગ જોઈને જાણી લે છે કે કુંભ ક્યારે યોજાવાનો છે. બસ પછી કુંભ વખતે પવિત્ર સ્નાનનું પુણ્ય મેળવવા પહોંચી જાય છે. બોલો બે પૈસાનો કેવો ચમત્કાર?'
પાણીથી પ્રગટે દિવા
જબ દિપ જલે આના... મંદિરમાં દિવા પ્રગટે અને શ્રદ્ધાળુઓ દર્શને આવે પણ દિવા પ્રગટાવવા માટે ઘી કે તેલની તો જરૂર પડે ને? કાંઈ પાણીથી દિવડા પ્રગટે? પાણીથી તો દિવો બુઝાઈ જાય પ્રજજવલિત ન થાય એ સહુ જાણે છે. પરંતુ મધ્ય પ્રદેશના નલખેડામાં કાલીસિંઘ નદીના તટ પર આવેલા માતાજીના મંદિરમાં નદીના પાણીથી દિવડા પ્રગટે છે.
એક સાંધ્ય દૈનિકે ગઈ ૬ઠ્ઠી નવેમ્બરે આ વિશે સતસવિર અહેવાલ પ્રગટ કરીને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ગડિયાઘાટવાળી માતાના મંદિરમાં કોડિયામાં પાણી ભરી રૂની વાટ મૂકી દિપ પ્રગટાવવામાં આવે છે. દૂર દૂરથી લોકો જળદિપના દર્શને આવે છે. કંઈ રીતે પાણીથી દિવા ઝગમગે છે એ કોઈ નથી જાણતું પૂજારીનું કહેવું છે કે પાંચ વર્ષ પહેલાં આ મંદિરના દિવા કોડિયામાં તેલ મૂકી દિવા કરવામાં આવતા.
પણ એક દિવસ માતાજીએ સપનામાં આવીને આદેશ આપ્યો કે નદીના પાણીથી દિવા પ્રગટાવવામાં આવે. બસ ત્યારથી આ સિલસિલો ચાલુ છે. ફક્ત ચોમાસામાં ચાર મહિના મંદિરમાં દિવડા નથી પ્રગટાવી શકાતા, કારણ નદી બે-કાંઠે વહેવા માંડે ત્યારે મંદિરનો ઘણોખરો ભાગ પાણીમાં ડૂબી જાય છે. ચોમાસું વિદાય લે અને નદીનું જળસ્તર નીચું ઉતરે એટલે ફરી પાણીના દિવા ઝગમગવા માંડે છે.
પંચ-વાણી
ખેડૂતનું ગીત:
દેવા હો દેવા
મારે માથે દેવા
વ્યાજ સે બઢકર કૌન
હો સ્વામી વ્યાજ સે બઢકર કૌન...