મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
કેરળમાં ભાજપને મહેનતનું ફળ મળશે કે ફણસ ?
કેરીની સીઝન શરૃ થઇ ગઇ છે કોકણની આફૂસ કેરીનો તો જવાબ નહીં.ભારતમાં જ નહીં દેશ-દેશાવર આ કેરી મોકલવામાં આવે છે છતાં મહારાષ્ટ્ર સરકાર તરફથી આફૂસ કેરીને રાજ્યના ફળનો દરજ્જો નથી અપાયો. જ્યારે બીજી તરફ કેરળ સરકારે ફણસ (જેક ફ્રુટ)ને માનભેર રાજ્યના ફળનો દરજ્જો આપી દીધો છે.
ગીતામાં કહ્યું છે કે બસ કર્યે જાવ, ફળની આશા ન રાખો. પણ ભારતીય જનતાપક્ષવાળા તો કેરળમાં જીતનું ફળ મેળવવા કર્મ કર્યે જાય છે. ત્રિપુરામાં સામ્યવાદીઓના લાલ શાસનને ભગવી પાર્ટીએ પરાસ્ત કર્યા પછી કેરળમાં પણ ભગવો વાવટો લહેરાવવા માટે ભાજપે કમર કસી છે. ભાજપની મહેનત (ભગવો) રંગ લાવે છે કે નહીં એ તો રામ જાણે, પણ ફણસ ખાવાના શોખીન કેરળવાસીઓ ફળ આપે છે કે ઠળિયા એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. ભાજપને મહેનતનું બીજું કોઇ ફળ મળે કે ન મળે પણ કેરળમાં ફણસ મળશે.
સ્વાદકારણમાં જે જેકફ્રુટ ઉગાડે
ઇ ખાવા માટે મૂકે દોટ
રાજકારણમાં જે જેક લગાડે
ઇ જીતે જેક-પોટ.
માઇલસ્ટોન પરના રંગનોરાઝ
હરીનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને... યાદ છેને આ પંક્તિ ?પરંતુ આજના યુગમાં અમુક સડકો એવી ખાડા ખબડાંવાળી હોય છે કે વાહનના ટાયર પંક્ચર કરી નાખે. આવી સડક પરથી પસાર થવાનો વખત આવે ત્યારે ઉપરની પક્તિ જરા ફેરવીને બોલવાનું મન થાય કે હરીનો મારગ છે સૂરાનો નહીં 'ટાયર'નું કામ જોને... જોકે હવે તો અબજો રૃપિયાના ખર્ચે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે બંધાય છે અને બંધાતા જાય છે.
આ હાઇવે પરથી પસાર થતી વખતે આપણે કોઇ શહેર કે ગામ કેટલું દૂર છે એ જાણવા માઇલ-સ્ટોન પર નજર નાખી લઇએ છીએ. પરંતુ સફેદ માઇલ સ્ટોનની ઉપરના રંગનું શું રહસ્ય છે એ જાણવાનો ભાગ્યે જ કોઇ પ્રયાસ કરતું હશે. પરિવહન ક્ષેત્રના એક નિષ્ણાત પાસેથી માઇલ સ્ટોનની ઉપરના રંગ વિશે જાણકારી મળી.
દાખલા તરીકે માઇલ-સ્ટોનની ઉપરના ભાગમાં પીળો રંગ હોય તો સમજી જવું કે તમે નેશનલ હાઇવે (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) પરથી પસાર થઇ રહ્યાં છે. માઇલ સ્ટોનના ઉપરના હિસ્સામાં લીલો રંગ દેખાય ત્યારે સમજી જવું કે તમે સ્ટેટ હાઇવે (રાજ્ય ધોરી માર્ગ) પરથી જઇ રહ્યાં છે. જ્યારે સડકને કિનારે કાળા, બ્લ્યૂ કે સફેદ રંગની પટ્ટીવાળા પથ્થર દેખાય ત્યારે સમજી જવું કે કોઇ મોટા શહેર કે જિલ્લાની હદમાં આવી ગયા છો.
માઇલ-સ્ટોન ઉપર નારંગી રંગ દેખાય ત્યારે સમજી જવું કે કોઇ નાના ગામ કે ગામડાની સડક ઉપર છો, આ નારંગી રંગની પટ્ટી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની નિશાની છે. માઇલ-સ્ટોન વિશે તો મને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનું વાક્ય યાદ રહી ગયું છે. સચિને કહ્યું હતું કે મારી ઉપર જે પથ્થરો ફેંકાયા તેને મેં માઇલ-સ્ટોનમાં ફેરવી નાખ્યા.
કૂકડા લડાવે બે રાજ્યને
કોઇ પણ અહિંસાપ્રેમી અને પ્રાણીપ્રેમીનો જીવ કપાય એ રીતે કૂકડાના પગે નાના છરાં બાંધી લડાવવાનો હિંસક ખેલ ઘણાં માણતા હોય છે. માણસ કૂકડાને લડાવે છે તો કૂકડાએ હમણાં બે રાજ્યને લડાવ્યા છે. આ રાજ્ય છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ.
ઝઘડો છે કડકનાથ જાતિના મરઘા-મરઘીનો. કડકનાથ જાતિના કુકકુટ મૂળ ક્યાંના એ બાબતે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢે દાવો આગળ કર્યો છે. મધ્ય પ્રદેશે કડકનાથ જાતિના કુકકુટ માટે જી.આઇ. (જ્યોગ્રોફિક્લ આઇડેન્ટીફિકેશન) ટેગ મેળવવા માટે ૨૦૧૨માં અરજી કરી હતી. જ્યારે છત્તીસગઢે તાજેતરમાં જ જી.આઇ.ટેગ માટે અરજી કરી છે. બંને રાજ્યો ભારપૂર્વક કહે છે કે કડકનાથ જાતિના મરઘાં મૂળ અમારા રાજ્યમાં છે.
જુદા જુદા પક્ષો જાતિવાદી રાજકારણ ખેલતા હોય છે, પણ પક્ષી માટે સુદ્ધા જાતિ-વાદી રાજકારણ ? જોકે શાસક-પક્ષીઓ અને વિ-પક્ષીઓ કાયમ લડતા જ રહે છેને ? રાજકારણ એટલે બીજું સર્વ-પક્ષી અભયારણ્ય.
સ્નેહથી સજનવા બને વજનવા
સ્નેહથી સજનવા બને વજનવા એવું મથાળું વાંચીને વજન ઉતારવાની કોશિશ કે કસરત કરવાવાળાને જરૃર આંચકો લાગે. પરંતુ હમણાં જ વિદેશમાં થયેલાં એક સંશોધન મુજબ ફક્ત સ્ત્રીઓ જ નહીં પુરૃષો પણ પ્રેમમાં પડીને પછી પરણી જાય ત્યાર બાદ તેમનું શારીરિક વજન વધતું જાય છે. આનું એવું કારણ સંશોધકોએ આપ્યું છે કે યુવક-યુવતી પ્રેમમાં ન પડયા હોય ત્યારે ઓપોઝીટ સેક્સને આકર્ષવા માટે બોડી એકદમ ફિટમફિટરાખે છે. જોગિંગ કરે છે, કસરત કરે છે અને ખાવાપીવામાં ધ્યાન રાખે છે. પણ પ્રેમમાંપડયાપછી જ્યારે પરણી જાય ત્યાર બાદ તો પાર્ટનરને આકર્ષવાની જરૃર નથી રહેતીને ?
એટલે પછી શારીરિક સૌષ્ઠવ તરફ બેદરકાર બની બે હાથે ખાવાપીવા માંડે છે, રેગ્યુલર એક્સરસાઇઝ તરફ દુર્લક્ષ કરે છે અને આમ આખી લાઇફ સ્ટાઇલ બદલાઇ જવાથી તનબદન જોતજોતામાં 'ટન-બદન' બની જાય છે. ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાન ૧૫૦૦૦ સ્ત્રી- પુરૃષોને અભ્યાસમાં આવરી લઇને આ તારણ કાઢ્યું છે. એટલે પાતળીપરમાર સજનવા પરણીને વજનવા બની જાય છે અને હેન્ડસમ હસબન્ડ કે હબી સાવ ડબીમાંથી દુંદાળા ડબામાં ફેરવાઇ જાય છે. જોકે પરણ્યા પછી ઘરમાં કોનું વજન પડે છે એ કેમ ખબર પડે ?
દરદીના સગાવ્હાલાની ભૂખ ભાંગતા 'રોટી ડૉકટરો'
કોઇ પણ હોસ્પિટલમાં દરદીને દાખલ કરવામાં આવે ત્યારે સ્વજનો અને સગાવ્હાલા ભેગા આવતા જ હોય છે. દરદીઓને તો હોસ્પિટલમાંથી ભોજન મળતું હોય છે, પણ સ્વજનો કે સગાનું કોણ ધ્યાન રાખે ? બેન્ગ્લોરના માનવતાવાદી મુસલમાનોના એક ગુ્રપને આ સવાલ થયો. આ સવાલના જવાબ રૃપે ફૈયાઝ અકરમ પાશાએ પોતાના દોસ્ત અહમદ સાથે મળીને હોસ્પિટલમાં ભરતી દરદીના સગાવ્હાલાને ભોજન પૂરૃ પાડવાનું શરૃ કર્યુંઆ નેક કામમાં ધીરેધીરે બીજા પણસેવાભાવી લોકો જોડાતા ગયા. એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ અત્યારે સ્વયંસેવકોની સંખ્યા ૨૫ થઇ ગઇ છે અને આ બધા ત્રણ હોસ્પિટલોમાં સવાર-સાંજ દરદીના સગા-સંબંધીઓને ભરપેટ જમાડે છે.
આ સ્વયંસેવકોની મંડળી 'રોટી ડૉકટર' તરીકે જાણીતી થઇ ગઇ છે. હવે આ સેવાકાર્ય મૈસૂરની હોસ્પિટલોમાં પણ શરૃ કરવાની તૈયારી થઇ રહી છે. રોજ ભોજન તૈયાર કરવા માટે ૩૫ કિલો ભાત, ૧૨ કિલો ટમેટા તથા ત્રણેક કિલો શાક અને મસાલાનો ઉપયોગ કરે છે અને રોટી ડૉકટરો બપોરે એક વાગ્યે હોસ્પિટલોમાં પહોંચી જાય છે. કોઇ પણ જાતની પ્રસિદ્ધિનીપરવા કર્યાવિના આ નેક કામ કરતા સ્વયંસેવકો એક જ વાક્ય કહે છે કે 'ભૂખ કા કોઇ મઝહબ નહીં હોતાં'.
પંચ-વાણી
સફળતાને માથે સાફા
નિષ્ફળતાને ગાલે લાફા.