શંકરના ગળે સાપ શરાબી 'ગળે' સાપ
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
હતાશામાં કે પછી કોઈ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા ઘણાં લોકો ઝેર ગટગટાવીને આત્મહત્યા કરતા હોય છે. પણ ઉત્તર પ્રદેશના અમરોહામાં એક શરાબીએ નશામાં ધૂત થઈ આખેઆખો ઝેરી સાપ ગળીને મોતને વ્હાલું કર્યું હતું. આ મજૂર માણસને શરાબનું બંધાણ હતું.
એક દિવસ ચિક્કાર દારૂ ઢીંચી રસ્તા ઉપર લથડિયાં ખાતો જતો હતો ત્યારે તેણે રસ્તાની પાસેની ઝાડી-ઝાંખરામાં નાનો સાપ જોયો. તેણે રીતસર તરાપ મારીને સાપને પકડી લીધો.
પછી થોડીવાર માટે શંકર ભગવાનની જેમ સાપને ગળે વિંટાળી ઘૂમવા માંડયો. એટલી વારમાં ટોળું જમા થઈ ગયું અને કોઈ તેને સાપને દૂર ફેંકી દેવા કહેતું હતું, તો કોઈ જાણે આ મોતનો ખેલ ખેલવા માટે વધુને વધુ ઉકસાવતા હતા.
અચાનક આ ભાઈને શું ધૂન ચડી કે સાપને મોઢામાં નાખી ગળી ગયો. થોડીવારમાં જ ઝેરી સાપની અસર વર્તાઈ અને તબિયત બગડી. પણ તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ઘરવાળા જાદુ-ટોણા કરી ઝેર ઉતારવાનો દાવો કરતા તાંત્રિક પાસે લઈ ગયા. ત્યાં થોડી જ વારમાં તડફડિયા મારી શરાબીએ કાયમ માટે આંખ મિંચી દીધી. કહે છે ને કે શરાબ ધીમું ઝેર છે, પણ શરાબના નશામાં જો ઝેરી સાપ ગળે તો ઝડપથી મોત જ થાયને? શંકરને ગળે સાપ અને શરાબી 'ગળે' સાપ એમાં કેટલો ફેર?
ચાર વર્ષ મોડી પહોંચી ટ્રેન
ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ ગાડી ટાઈમસર સીટી વગાડતી આવે તો પેસેન્જરોને પણ એ સીટી મીઠી લાગે. પણ ટ્રેન મોડી પડે ત્યારે માઠી દશા થાય.
કોઈ ટ્રેન એક-બે કલાક મોડી પડે, ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ હોય તો ટ્રેન ૧૫-૨૦ કલાક પણ મોડી પડે. પણ ભારતીય રેલવેની લેટ-લતીફીના તમામ રેકોર્ડ તોડતા એક કિસ્સામાં એક ગુડઝ ટ્રેન લગભગ ચાર વર્ષ મોડી નિર્ધારિત સ્થાને પહોંચી હતી. એક હિન્દી સાંધ્ય-દૈનિકના અહેવાલ મુજબ વિશાખાપટ્ટનમથી ખાતર ભરીને ૨૦૧૪માં રવાના થયેલી ગુડઝ ટ્રેન લગભગ ચાર વર્ષ ૨૦૧૮માં બસ્તી જિલ્લાના સ્ટેશને પહોંચી હતી.
બસ્તી સ્ટેશને આ માલગાડી પહોંચી ત્યારે રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ ગુડઝ ટ્રેનના વેગનમાં ચાર વર્ષ પહેલાં ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ખાતર લાદવામાં આવ્યું હતું અને ટ્રેન બસ્તી તરફ રવાના કરવામાં આવી હતી. પણ ચાર વર્ષે જ્યારે ગુડઝ ટ્રેન પહોંચી ત્યારે એમાંનો અડધોઅડધ માલ બગડી ગયો હતો.
આટલો વિલંબ કેમ થયો? અને ચાર ચાર વર્ષ સુધી માલ મોકલનારે તપાસ કેમ ન કરી એ એક રહસ્ય છે. ટ્રેન મોડી પડવાનો આ કિસ્સો સાંભળી ગાડી બુલા રહી હૈ... એ ગીત મસ્તીમાં ગાવાને બદલ રડમસ ચહેરે ગાવું પડે કે:ગાડી રૂલા રહી હૈ...
દેશનું એકમાત્ર ચા વગરનું ગામ
તાજમહલને લીધે આગ્રા દુનિયાભરમાં મશહૂર છે. દેશ અને દુનિયામાંથી લોકો આ અજાયબી જોવામાટે આવે છે. આ આગ્રા શહેરથી બે કિલોમીટરને અંતરે કુઆંખેડા નામનું ગામડું આવેલું છે. આ ગામડાની ખાસિયત છે કે ત્યાં એક પણ ચાની ટપરી, દુકાન કે નાની હોટેલ નથી.
આજે જ્યારે નાનામાં નાના ગામથી માંડીને મોટા શહેરોમાં ગલીએ ગલીએ ચાની લારી કે હોટેલ જોવા મળે છે ત્યારે આગ્રા પાસેના આ અજાયબ ગામમાં સમ ખાવા પૂરતીય ચાની એક પણ દુકાન નથી. એક હિન્દી અખબારે ચા-વિહોણા આ ગામ વિશે લખ્યું હતું કે કુઆંખેડામાં રહેતા લોકો દૂધને વેંચતા નથી. દૂધ વેંચવું એને પાપ ગણે છે.
ગામના મુખીના કહેવા પ્રમાણે દાયકાઓથી આ પ્રથા ચાલી આવે છે. એવી માન્યતા છે કે પૈસા લઈને જો કોઈ દૂધ વેંચે તો તેનાં ઘરમાં અઘટિત બનાવ બન્યા વિના રહેતો નથી. પરિણામે ગામમાં લોકો ઘરે ગાય-ભેંસ રાખે છે, પણ તેનું દૂધ પોતાના પરિવાર પૂરતું જ વાપરે છે, વેંચતા નથી.
દૂધ વધી પડે તો કોઈને મફતમાં આપી આવે છે. આમ દૂધ ન વેંચતા હોય એ દૂધવાળી ચા પણ કેમ વેંચે? બહારની કોઈ વ્યક્તિ કુઆંખેડા જાય તો તેણે ચા વિના તરસવું પડે છે અથવા તો કોઈના ઘરે જઈ પીવી પડે છે. આવું છે ભારતના એક ગામમાં ચાય-ના અને માન્યતાઓથી બ-ચાયના.
કાળી રોટી
કાળી મજૂરી કરીને આ દેશનો શ્રમિક બે ટાઈમની 'રોટી' ભેગો થાય છે. પણ આવનારા દિવસોમાં કાળી મજૂરી નહી ંકરે એ પણ કાળી રોટી ખાઈ શકશે. રોટલીનો રંગ ઘઉંવર્ણો હોય છે, પણ ભવિષ્યમાં એકદમ પૌષ્ટિક સ્થિત નેશનલ એગ્રો ફૂડ બાયોટેકનોલોજી ઈન્સ્ટિટયુટ દ્વારા કાળા રંગના ઘઉંની જાત વિકસાવવામાં આવી છે.
આ 'બેક-વીટ'ની પેટન્ટ કરાવી તેને નાબી નામ આપવામાં આવ્યું છે. સામાન્ય ઘઉં કરતાં આ ઘઉં ખૂબ જ પૌષ્ટિક છે જ્યારે આ ઘઉં બજારમાં આવશે ત્યારે સામાન્ય ઘઉંની સરખામણીએ તેની કિંમત પણ બમણી હશે. જેમ સફેદ તલ અને કાળા તલ હોય છે એમ આવનારા દિવસોમાં સફેદ ઘઉં અને કાળા ઘઉં જોવા મળશે. કાળા ઘઉંની રોટલી પણ કાળી જ થાયને? જોકે અનાજમાં આ રંગ-ભેદ ફાયદાકારક ઠરશે એવું લાગે છે. કાળા રંગની રોટલી પીરસરનાર રોટલી વતી ગાશે 'હમ કાલે હૈ તો ક્યા હુઆ ગુણવાલે હૈ...
ઊંધે માથે ભક્તિ
કોઈ માણસ ઊંધે રસ્તે ચડી જાય તો શાણા માણસો એને ટપારતા હોય છે કે ભાઈ ભલો થઈને હવે ધરમને રસ્તે જા તો સારૂં. પરંતુ ધરમને નામે ઊંધા લટકવું પડે એ જોઈને કેવી નવાઈ લાગે? મહારષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના ઔરાળા ગામ તરફ નજર નાખો તો ઊંધે માથે લટકતા ભક્તો જોવા મળે.
ઔરાળાના મહાલક્ષ્મી મંદિરમાં ઘણો લોકો માનતા રાખે છે કે મારૂં કામ પાર પડશે તો હું મંદિરે આવીને ઝાડ ઊપર ઊંધે માથે લટકીશ. માનતા પૂરી થાય એ મંદિરે આવીને લટકે છે. ઊંધે માથે લટકવાના પણ ૨૦ રૂપિયા આપવા પડે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે માસૂમ બાળકોને પણ ચામાચાડિયાની જેમ ઊંધા ટીંગાડવામાં આવે છે. આ ઊંધે માથે ટીંગાવાની પ્રથા જોઈ પેલું ભજન છે કે રંગાઈ જાને રંગમા... એ ફેરવીને ગાવાનું મન થાય કે તું ટીંગાઈ જા ને ઝાડમાં...
પંચ-વાણી
ચટણી અને ચૂંટણીમાં
શું ફેર ખબર છે?
ચટણીમાં જાતે વાટવું પડે
ચૂંટણીમાં બીજાનું 'વાટવું' પડે.