હાથી કો મિર્ચી લગી તો મેં ક્યા કરું...
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ચલ ચલ ચલ મેરે હાથી ઓ મેરે સાથી ચલ લે ચલ ખટારા ખીંચકે.... હાથી આમ તો માણસનો સાચો સાથી ગણાય છે. પણ એજ હાથી ગાંડો થાય તો સાથીનો પણ સોથ વાળી નાખે.
આસામમાં તો હાથીઓની રંજાડ એટલી વધતી જાય છે કે વાત ન પૂછો. ખેતરોમાં ઊભો પાક ખેદાન મેદાન કરી નાખે છે. કોઈ અડફેટે આવે તો ચગદી નાખે છે.
ઘર અને ઝૂંપડા જમીનદોસ્ત કરી નાખે છે. થોડા વખત પહેલાં ખેતરોમાં ચોખામાંથી ગાળેલા દારૂના પીપડાં રાખવામાં આવ્યા હતા.
એમાંથી સૂંઢે સૂંઢે દેશી દારૂ ઢીંચી ગયા અને પછી નશો ચડતા એવાં તો તોફાને ચડયા કે હાહાકાર મચાવી દીધો. ત્યાર પછી એક હાથી ગોલઘાટ વિસ્તારના દારૂના પીઠામાં જઈ ચડયો. ત્યાં દારૂના ડ્રમમાંથી દેશી દારૂ પીને પછી એવો છાકટો થયો કે ગામ માથે લીધું. ઝૂંપડા તોડી નાખ્યા અને અડફેટે આવનારાને ઘાયલ કર્યા.
ધમાલ મચાવ્યા પછી લોકોએ હાકલા પડકારા કરી માંડ માંડ તેને જંગલભેગો કર્યો. હાથીના આતંકથી બચવા માટે કેટલાય ચાના બગીચાવાળાએ વીજળીનો કરંટ પસાર થતો હોય એવાં તારની વાડ બાંધી દીધી છે. આની સામે પ્રાણી પ્રેમીઓએ વાંધો ઉઠાવ્યા પછી મરચાનો નુસ્ખો અજમાવાયો છે.
આસામનું ભૂતઝોલકિયા મરચું દુનિયાનું સૌથી તીખું મરચું ગણાય છે. જરીક જો જીભે લાગી જાય તો માણસ ઠેકડાં મારવા માંડે છે. આ ભૂતઝોલકિયા મરચાની ભૂક્કી કરી પાણીમાં નાખી એમાં મજબૂત દોરડાં પલાળી તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કાચ પાયેલો માંજો હોય એમ મરચાં પાયેલા દોરડાની વાડ તૈયાર કરવામાં આવી છે.
જેવું હાથીનું ઝૂંડ ખેતરમાં કે ચાના બગીચામાં ઘૂસવાનો પ્રયાસ કરે ત્યારે દોરડાને સૂંઢ અડાડતાની સાથે જ હાથીને બળતરા ઊપડે છે અને દૂર ભાગી જાય છે. હાથી મરચાની તીવ્ર વાસ પણ સહન કરી નથી શકતા એટલે ઘૂસણખોરીના ઈરાદો પડતો મૂકીને પાછાં વળી જાય છે. પાછા ભાગતા હાથીઓની બળતરા જોઈને કદાચ ગામવાળા ગાતા હશે કે તુઝકો મીર્ચી લગી તો મેં ક્યા કરું...
પથ્થર ચડાવવાની પરંપરા
ધર્મસ્થાનોમાં ભક્તો તરફથી ફૂલ- હાર ચડાવવામાં આવે, કિંમતી ભેટ- સોગાત ચડાવવામાં આવે, ક્યાંક વળી ચાદર ચડાવવામાં આવે. પણ કોઈ જગ્યાએ પથ્થર ચડાવવાની પરંપરા હોય એ સાંભળીને કેવી નવાઈ લાગે? મધ્ય પ્રદેશના છીંદવાડામાં સીતારવાલે બાબા કી મઝાર છે જેની ઉપર દાયકાઓથી પથ્થર ચડાવવાની પરંપરા છે.
મઝાર પર આવતા શ્રધ્ધાળુઓ કોઈ માનતા માને છે અને મઝાર ઉપર પથ્થર ચડાવે છે. હવે જ્યારે માનતા પૂરી થાય ત્યારે પાછા મઝાર ઉપર આવે છે અને માનતા માનતી વખતે જે પથ્થર મૂકયા હતા તે ઉપાડી પથ્થરના વજન જેટલો પ્રસાદ ખરીદી ત્યાંને ત્યાં લોકોને વહેંચી દેવામાં આવે છે. સળગતા કાશ્મીરમાં ખદબદતા આતંકવાદ વચ્ચે સેના અને પોલીસના જવાનો ઉપર પથ્થરો મારવાની હિંસક પરંપરા શરૂ થઈ છે. આ પથ્થરબાજો કોઈનું માનતા નથી જ્યારે બીજી બાજુ પથ્થરની માનતા મનાય છે.
'માનવભક્ષી' ભેંસ
ભેંસ તો દૂધ આપે, કાંઈ મોત થોડું જ આપે? પણ કહેવત છે ને કે ભરોસાની ભેંસ પાડો જણે એમ મંદસૌર ગામે કોઈ અટકચાળા માણસે ભેંસને મોટો પથ્થર માર્યો અને પછી તો ભાઈ ભેંસ એવી વિફરી કે જાણે ભૂત વળગ્યું હોય એમ જે અડફેટે ચડે એને શિંગડાથી મારવા માંડી. એટલે વળી ગામવાળાએ ભેંસને ભગાડવા ચારે બાજુથી પથ્થર મારવાની શરૂઆત કરી.
એમાં ભેંસ ઔર ભૂંરાટી થઈ. ભેંસથી બચવા માટે કેટલાય લોકો તો ઝાડ પર ચડી ગયા. એ વખતે ત્યાંથી પસાર થતા એક વૃધ્ધ ગ્રામજન ભાગી ન શકયા. એટલે ભેંસે તેને શિંગડાથી ઊછાળીને બે-ત્રણ વાર નીચે પટકયા. ગંભીર રીતે ઘાયલ થયેલા બુઝુર્ગનું મોત થયું.
આમ અત્યાર સુધી માનવભક્ષી વાઘ કે દીપડાની રંજાડના કિસ્સા બને છે પણ 'માનવભક્ષી' કિસ્સા બને છે પણ 'માનવભક્ષી' ભેંસનું લેબલ કદાચ આ પહેલવહેલી ભેંસને લાગ્યું હશે. જૂની ફિલ્મમાં એક ગીત આવ્યું હતું ઃ મેરી ભેંસ કો ડંડા ક્યૂં મારા?... હવે ભેંસને ભડકાવનારા ગામવાળાને જરા ફેરવીને આ રાગમાં સવાલ થઈ શકશે મેરી ભેંસ કો પથ્થર ક્યોં મારા...
સૈનિકનું સપનું સો વર્ષે સાકાર
ખતમ થયો યુધ્ધનો ખેલ ને હવે રંગ જમાવશે રેલ.... આ યુધ્ધ એટલે પ્રથમ વિશ્વયુધ્ધ. પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તીને ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં અદમ્ય સાહસ અને પરાક્રમનો પરચો દેખાડી ચૂકેલા ભારતના પનોતા પુત્ર દરબાનસિંહ નેગીએ સો વર્ષ પહેલાં જોયેલું ઋષિકેશ- કર્ણપ્રયાગ રેલવે લાઈનનું સપનું સાકાર થઈ રહ્યું છે.
પહેલું વિશ્વયુધ્ધ પૂરું થયું એ વખતે નેગીને બ્રિટનના સમ્રાટ પંચમ જયોર્જના હસ્તે વિકટોરિયા ક્રોસથી નવાજવામાં આવ્યા હતા. પંચમ જયોર્જે દરબાનસિંહ નેગીને પૂછયું કે તમારી શું મહેચ્છા છે? ત્યારે નેગીએ કહેલું કે ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે ટ્રેન શરૂ થાય એ જોવાની મારી ઈચ્છા છે. સો વર્ષ પૂર્વે જે સપનું ભારતના શૂરવીર સૈનિકે જોયું હતું એ અત્યારે ઉત્તરાખંડની સરકારે સાકાર કરવા કમર કસી છે. યોગાનુયોગ ફર્સ્ટ વર્લ્ડ વોરની સમાપ્તીને સો વર્ષ પૂરા થયા છે.
ઋષિકેશ- કર્ણપ્રયાગ રેલવે લાઈનનું તડામાર કામ શરૂ થઈ ગયું છે. ૧૬ હજાર કરોડની આ યોજના ૨૦૨૪ સુધીનું પૂરી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દુર્ગમ પહાડી વિસ્તારને વિંધીને નીકળનારી ૧૨૬ કિલોમીટરની આ રેલવે લાઈન પર ૧૮ ટનલ (બોગદા) અને ૧૬ પુલ બાંધવામાં આવશે. સૌથી લાંબી ટનલ ૧૫ કિલોમીટરની હશે. ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે ૧૬ સ્ટેશનો બાંધવામાં આવશે.
આ રેલવે લાઈન દેહરાદૂન, ટીહરી, પૌડી, રૂદ્રપ્રયાગ અને ચમોલીથી પસાર થશે. સૌથી વધુ રાહત ચારધામના યાત્રીઓને થશે. કારણ અત્યારે મોટર રસ્તે ચારધામની યાત્રા ઘણી કઠીન અને જોખમી છે. અવારનવાર ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ જતા હોય છે. પણ રેલવે શરૂ થતા ચારધામના યાત્રીઓ માટે આ યાત્રા આસાન થઈ જશે અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારના લોકો માટે તો ટ્રેનસેવા આશીર્વાદરૂપ બની જશે. સો વર્ષ સપનું સાકાર થતું જોઈને વિશ્વયુધ્ધના વીર સિપાહીનો આત્મા જ્યાં હશે ત્યાં સંતોષ પામશે.
જોર સે હસના મના હૈ
હસે એનું ઘર વસે એવી કહેવત છે. પણ કોઈ કારણ વિના ખડખડાટ હસે તો એનું કયારે 'ખસે' એ કહેવાય નહીં એવું લાગે. એટલે જ દેશના ૬૦ એરપોર્ટ ઉપર સુરક્ષા અને સલામતીની જવાબદારી સંભાળતા સીઆઈએસએફ (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાનોને ઉપરથી કડક સૂચના આપવામાં આવી છે કે ફરજ દરમિયાન મોટેથી હસવું નહીં, પેસેન્જર સામે જોઈ ફક્ત હળવું સ્મિત જ ફરકાવવું.
બ્રોડ સ્માઈલ નહીં આપવાનું,. કારણ પેસેન્જર સામે હસવાથી સીઆઈએસએફના જવાનનો રૂઆબ ઓછો થઈ જાય છે અને એને આ રીતે હસતા જવાનને શક્ય છે કે પેસેન્જર ગંભીરતાથી ન લે અથવા તો ગણકારે પણ નહીં. એટલે ફરજ પર હોય ત્યારે જવાને પોતાના ચહેરા પર કરડાકી રાખવી જોઈએ.
જરૂર પડે તો બસ જરાક અમસ્તુ સ્મિત રેલાવાનું, પણ હદ વટાવીને વેખલાની જેમ હસવાનું નહીં. કારણ સિક્યોરિટીવાળાની ડયુટી કંઈ સેલ્સમેન જેવી નથી. સેલ્સ-મેને તો સાચુ- ખોટુ હસીને કસ્ટમરને સંભાળવાના હોય છે. જ્યારે સુરક્ષા રક્ષકો જો હસવા માંડે તો પછી એનો દાબ જ ન રહેને? એટલે જ સૂચના આપવામાં આવી છે કે જોર સે હસના મના હૈ.... એટલે ટૂંકમાં ધીરે સે હસતે રહો.... મુસ્કુરાતે રહો પર સાથ સાથ ધમકાતે રહો....
પંચ-વાણી
સહુ જાય માતાના મંદિરે
વિનવે કે ઝટ જાય મંદી-રે