વિદેશ જવા વિમાનની ભેટ ચડાવો
મેરા ભારત મહાન અક્ષય અંતાણી
શ્રદ્ધાળુઓ ધર્મસ્થાનોમાં નાળિયેર, પ્રસાદ, કિંમતી ભેટસોગાતો ચડાવે છે. પરંતુ કોઈ ધર્મસ્થાનમાં રમકડાંના ટચુકડાં પ્લેન ચડાવવામાં આવતા જોઈને ખરેખર આશ્ચર્ય થાય. આ જગ્યા છે પંજાબના દોઆબા વિસ્તારના તલ્હાન ગામના એક ગુરુદ્વારાની જ્યાં ભક્તજનો રમકડાના હવાઈજહાજ ચડાવે છે.
એવી માન્યતા છે કે સંત બાબા નિહાલસિંહ શહીદોના આ ગુરુદ્વારામાં જે શ્રદ્ધાપૂર્વક રમકડાના પ્લેન ચડાવે છે અને વિદેશ જવાની માનતા માને છે એની માનતા પૂરી થાય છે અને તે વિદેશ જઈ શકે છે. આ માન્યતાને લીધે લોકો દૂર દૂરથી ગુરુદ્વારામાં પ્લેન ચડાવવા માટે આવે છે. ગુરુદ્વારાની આસપાસ રમકડાંના વિમાનો વેંચતી હારબંધ દુકાનો લાગેલી છે. રમકડાંના વિમાનો ચડાવો તો સાચુકલા વિમાનોમાં વિદેશ જવાનો મોકો મળે એવું માનતા શ્રદ્ધાળુઓ વિમાન ચડાવતા રહે છે. ભક્તજનો ગુરુદ્વારામાં વિમાન ચડાવે અને વિમાન ભક્તજનોનેે આકાશમાં ચડાવે.
વિઝા મેળવો અને પરિક્રમા કરો
પરદેશ જઈને કમાણી કરવાનો મોહ કોને ન હોય? વિદેશ જવા માટે એટલે જ કેટલાય શ્રદ્ધાળુઓ ભગવાનનો સહારો લેતા હોય છે. વિદેશ જવા માટે વિઝા મેળવવાનું બહુ અઘરૃં છે. એટલે વિઝા મેળવવા ઈચ્છતા કેટલાય આસ્થાળુઓ હૈદરાબાદના મેહદીપટ્ટમથી ૧૭ કિલોમીટર દૂર ચિલકૂર બાલાજી મંદિરમાં જાય છે. હવે તો આ મંદિર વિઝા ટેમ્પલ તરીકે જ ઓળખાય છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસ જ મંદિર ખુલ્લું રહે છે. ત્યારે વિઝાની માનતા માનવા માટે ૭૦ હજારથી એક લાખ લોકોની ભીડ ઊમટે છે. જેની માનતા પૂરી થઈ જાય તે મંદિરની ૧૦૮ પરિક્રમા કરે છે. આ મંદિરમાં કોઈ હુંડી કે દાનપાત્ર નથી રાખવામાં આવ્યું. મંદિરની બહાર જે પાર્કિંગ એરિયા છે એમાં વાહનો ઊભા રાખવા માટે પાર્કિંગ ફી લેવામાં આવે છે. બસ આ પાર્કિંગ ફીમાંથી જ મંદિરનો ખર્ચ કાઢવામાં આવે છે. કેવું અનોખું વિઝા ટેમ્પલ કહેવાય?
આઝાદીના લડવૈયાનું હરિયાળું જીવંત સ્મારક
જો શહીદ હુએ હૈ ઊનકી જરા યાદ કરો કુરબાની... અંગ્રેજોની ગુલામીમાંથી હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે જાન કુરબાન કરી ફના થઈ ગયેલા નરબંકાઓને આજે કેટલા લોકો યાદ કરતા હશે? એ એક સવાલ છે. પણ જો કોઈ એમ કહે કે આઝાદી માટે મરી ફિટેલા દેશના આ સપૂતોનો પુનર્જન્મ હરિયાળા વૃક્ષોરૃપે થયો છે તો તરત કુતુહલવશ એ જોવા માટે દોડી જવાનું મન થશે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના બાલવાડી નામના ગામડામાં રહેતા સંપતરાવ પવાર (ઉ.વ.૭૭) નામના ખેડૂતે ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું હરિયાળુ અને જીવંત સ્મારક રચવા જીવનના મહામૂલા ૩૬ વર્ષ ખર્ચી નાખ્યા છે.
આ વૃક્ષ-સ્મારકને ક્રાંતિવન નામ આપવામાં આવ્યું છે.ક્રાંતિવનમાં ૭૦ વૃક્ષો માવજતથી ઉગાડવામાં આવ્યા છે અને દરેક વૃક્ષને એક ક્રાંતિકારીનું નામ પવારે આપ્યું છે. દૂરદૂરથી ક્રાંતિવન જોવા માટે આવતા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને વૃક્ષપ્રેમીઓને સંપતરાવ એક એક વૃક્ષ પાસે લઈ જઈ ઓળખાણ આપે છે: આ છે મંગલ પાંડે... આ છે ચંદ્રશેખર આઝાદ... આ છે બીરસા મુંડા... દરેક ઝાડને એક એક ક્રાંતિકારી અને દેશભક્તોના નામ આપવામાં આવ્યા છે. જે મહારાષ્ટ્ર સરકાર વૃક્ષારોપણ કાર્યક્રમોના બણગાં ફૂંકે છે તેણે આ ખેડૂતને કોઈ મદદ ન કરી.
એટલે આ હિંમતવાદ સોશિયાલીસ્ટ કિસાને પોતાની સોનાના ટુકડા જેવી જમીન ઉપર ક્રાંતિવન રચ્યું. આ વન રચતી વખતે મદદ કરતો પુત્ર વૈભવ કૂવાના ખોદકામ વખતે માથે આરી પડતા મૃત્યુ પામ્યો. છતા ંહૃદય પર પથ્થર મૂકી સંપતરાવે ક્રાંતિવનનું સપનું સાકાર કર્યું. આજે કરદાતાઓના હજારોે કરોડના ખર્ચે સરકારો મોટા મોટા સ્મારક બાંધે છે. જ્યારે આ ગામડાના ખેડૂતે પોતાની જમીન આપી અને દીકરાનું બલિદાન આપી દુનિયામાં ક્યાંય ન જોવા મળે એવું જીવંત સ્મારક રચ્યું છે.
કુદરતનું અજબ કામ બેલડાનું ગામ
અભિનયના બેતાજ બાદશાહ દિલીપકુમારે દાયકાઓ પહેલાં 'રામ ઔર શ્યામ' ફિલ્મમાં જોડિયા ભાઈઓની ભૂમિકા ભજવી હતી યાદ છેને? રામ કી લીલા રંગ લાઈ... શ્યામને બંસી બજાઈ એ ગીત બહુ લોકજીભે ચડયું હતું. આ તો ફિલ્મના પડદા ઉપર બેલડાંની ભૂમિકા ભજવી હતી. પરંતુ ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ પાસે ઘૂમનગંજ ક્ષેત્રના ઉમરીગાંવની ખાસિયત છે કે ત્યાં એક નહીં અનેક ઘરોમાં બેલડાં જોવા મળે છે. છેલ્લાં લગભગ પાંચેક દાયકામાં ઉમરીગાંવમાં ૧૦૮ ટ્વીન્સ જન્મ્યા છે. વિજ્ઞાાનીઓ પણ આ ગામની ખાસિયત જોઈને હેરતમાં પડી ગયા છે. પણ ફાંટાબાજ કુદરતની કમાલનો પાર કોણ પામી શકે? એટલે જ કહેવું પડે કે:
કુદરતની કમાલ
કુદરતનું કામ
જ્યાં ઘર ઘરમાં બેલડાં
એવું અનોખું ગામ.
કર્ણાટકમાં કરકસરનું કર-નાટક
આ દેશમાં કરદાતાઓના જોખમે જ સરકારો પાણીની જેમ પૈસા વેરીને પોતાની સત્તા ટકાવવા માટે જાતજાતના કર-નાટકના ખેલ કરતી જ હોય છે. જનતા કર ભરે અને ભ્રષ્ટાચારીઓ ઘર ભરે. રાજકારણના અવનવા નાટક પછી કર્ણાટક (કે કર-નાટક)ની ગાદીએ આવેલા મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ સત્તા મેળવ્યા પછી ખેડૂતોને ૪૪ હજાર કરોડની કર્જમાફીનો લાભ આપ્યો. સરકારી તિજોરીનું તળિયું દેખાતું હોવા છતાં આ જાણે કુબેરનો ખજાનો ખુલ્લો મૂકી દેવા જેવું નાટક કરે પછી શું થાય? એટલે વગર કીધે કરકસરના પગલાં લેવા માંડયા છે. કુમારસ્વામીએ પહેલાં તો પોતાના પ્રધાનમંડળના તમામ સભ્યોને સૂચના આપી કે કોઈ નવી મોંઘી કાર ન ખરીદે, પોતાના બંગલા કે ઓફિસોનું રિનોવેશન ન કરે.
ત્યાર પછી મુખ્ય પ્રધાને વિદ્યાર્થીઓને અત્યાર સુધી અપાતી ફ્રી બસ-પાસની સુવિધા ઊપર નિયંત્રણ મૂક્યું. અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓને લાભ અપાતો. પણ હવે ફક્ત સરકારી સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને જ ફ્રી-પાસનો લાભ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. એમનું માનવું છે કે ખાનગી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી હોય છે એટલે એમને કંઈ સવલતની જરૃર નથી. અરે મારા ભાઈ, શું ખાનગી સ્કૂલ કોલેજમાં ભણવાવાળા બધા જ કંઈ ખમતીધર થોડા હોય છે? પણ હજારો કરોડની ખેરાત કર્યા પછી કરકસર ન કરે તો ક્યાં જાય? એટલે હવે કર-નાટકમાં જોવા મળે છે કરકસર-નાટક.
પંચ-વાણી
આપણને નથી પચતું અન્ન
ને ખાઈકીબાજોને ધન કેમ પચે છે?
ખાવાનો ખેલ થાય જ્યારે પૂરો
ત્યારે પાછળથી બધું પચ-પચે છે.