મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
સત્તાની હોય ભૂખ એ ક્યાંથી સમજે પેટની ભૂખનું દુ:ખ
જેને સત્તાની ભૂખ હોય તેને ગરીબોના પેટની ભૂખની પડી નથી હોતી. આજે દેશમાં એક તરફ લાખો લોકો ભૂખ્યાપેટે સૂવે છે અથવા તો જે મળે તે ખાઈને પેટની આગ શમાવે છે. બીજી તરફ સરકાર મહાપુરૃષોની ઉંચી પ્રતિમાઓ ઊભી કરવા પાછળ અબજો રૃપિયાનું આંધણ કરે છે કે પછી મુઠ્ઠીભર લોકોની સગવડ સાચવવા હજારો કરોડના ખર્ચે બુલેટ ટ્રેનના ઊધામાં કરે છે.
અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આજે પણ ચૂલા ઉપર હાંડલામાં ઘાસ ઉકાળીને ખાવા માટે કૈંક લોકો મજબૂર છે. કુપોષણથી દર વર્ષે હજારો બાળકો મોતને ભેટે છે. મહારાષ્ટ્રની જ વાત કરીએ તો માલશેજ વિસ્તાર કુપોષણથી પીડિત બાળકો માટેની મોતની ખાઈ સમાન બની ગયો છે. યુનાઈટેડ નેશન્સ (યુનો)ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અનુમાન મુજબ દર વર્ષે ૧.૩ અબજ ટન ખાવા યોગ્ય ચીજો ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે.
લેટીન અમેરિકાના દેશ હૈતીમાં એટલી ગરીબી છે કે ઘણાં લોકો પેટનો ખાડો પૂરવા માટીના ગોળા બનાવી માટીના બિસ્કિટ ખાય છે. આપણા દેશમાં પણ કેટલાય એવાં કમનસીબો છે જેને ભરપેટ ખાવાનું નથી મળતું. આને વિકાસ કહેવાય કે વિનાશ? ઈતિહાસ ગવાહ છે કે પેટની આગ ખરેખરી ભભૂકે ત્યારે ભલભલા સત્તાના સિંહાસોનોને સળગાવી નાંખે છે.પણ જેને સત્તાની હોય ભૂખ એ ક્યાંથી સમજી શકે ખાલીપેટ સુનારાની પેટની ભુખનું દુ:ખ?
જલ્લાદ વિના કોણ જીવ લે
કહેવાય છેને જ્યારે હજાર હાથવાળો બચાવવા બેઠો હોય ત્યારે મારવાવાળાના હાથ હેઠાં પડે છે. પરંતુ મધ્ય પ્રદેશમાં મારવાવાળા જલ્લાદ નથી મળતા એને કારણે ફાંસીની સજા પામેલા ૨૭ કેદીઓ હજી જીવતા રહ્યાં છે. ખુદ રાજ્ય સરકારે કબૂલ કર્યું છે કે ફાંસી આપવા માટે તેમની પાસે એક પણ જલ્લાદ નથી. મધ્ય પ્રદેશની ભોપાલ તથા ઈંદોરની જેલમાં જ ફાંસી આપવાની વ્યવસ્થા છે, પરંતુ આ બે જેલોમાં જલ્લાદ જ નથી. જલ્લાદની પોસ્ટ જ્યાં ખાલી હોય ત્યાં મોતની સજાનો અમલ કોણ કરે? દેહાંતદંડની સજા પામેલા વધુમાં વધુ કેદીઓ ઈંદોર અને જબલપુરની જેલોમાં બંધ છે.
મોતનો ઈન્તેઝાર કરતા આ કેદીઓ કારાગૃહોની કાળકોટડીમાં દિવસો ગુજારે છે. આ કેદીઓને ફાંસીને માચડે ચડાવવા માટે રાજ્ય સરકાર શું કરશે? તાલીમ આપીને તત્કાળ જલ્લાદ તૈયાર કરશે કે પછી બીજા રાજ્યમાંથી જલ્લાદને ઈમ્પોર્ટ કરશે? કેદીઓ ેમનોમન કહેતા હશે કે જલ્લાદ વિના જીવ કોણ લે? ભલે આમને આમ જીવાય એટલું જીવી લે...
ભેંસ આગળ ભાગવત નહીં ભેંસ આગળ ભાવતાં ભોજન
ગામોમાં અને શહેરોમાં ધામધૂમથી બર્થ-ડે ઉજવાતો હોય છે, કેક ક્પાતી હોય છે, પાર્ટીઓ અપાતી હોય છે અને ધામધૂમ થતી હોય છે. હવે તો અબાલવૃદ્ધ સહુના જન્મદિનને ઉજવવાની જાણે એક ફેશન જ થઈ ગઈ છે. પરંતુ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક નાજુકાના જન્મદિવસની આખા ગામે ઊજવણી કરી એટલું જ નહીં ગામ આખાને ધુમાડાબંધ જમાડવામાં આવ્યું. આ નાજુકા કોઈ નમણી નાજુક યુવતી નથી પણ એક ભગરી ભેંસ છે. ડુબલ પરિવારની માલિકીની આ ભેંસે આ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે.
નાજુકા રોજ ૧૪ લીટર દૂધ આપે છે. આ દૂધના વેચાણમાંથી ગામડાના પરિવારને સારી આવક થાય છે. ચાર સંતાનોના ભણતરનો ખર્ચ એમાંથી નીકળી ગયો એટલું જ નહીં બે દીકરીઓના લગ્નનો ખર્ચ પણ દૂધની આવકમાંથી જ ભરપાઈ કરી નાખ્યો. લોકો ઢોર પાળે છે, જ્યારે આ નાજુકા તો આખા કુટુંબને પાળે છે. એટલે જ તેનો જન્મદિન ધામધૂમથી ઉજવાયો. ભેંસને નવોઢાની જેમ શણગારવામાં આવી.પગે નેલપોલીશ લગાડવામાં આવ્યું.
ગળામાં ફૂલનો હાર પહેરાવામાં આવ્યો અને ગામમાં જાણે ફુલેકું ફેરવવામાં આવે એમ 'નાજુકા'ને બેન્ડવાજાની સુરાવલી સાથે આખા ગામમાં ફેરવવામાં આવી. પછી કેક કાપવામાં આવી એટલું જ નહીં ભેંસને પણ ખવડાવવામાં આવી. કેટલાય ગ્રામજનોએ તો 'નાજુકા' સાથે સેલ્ફી લેવા પડાપડી કરી. શહેરમાંથી ન્યૂઝ ચેનલવાળા દોડી આવ્યા અને નમણી નાજુકાના જન્મદિનની ઉજવણી જાણી માણી અને દુનિયાને જણાવી. દેશભક્તિ જેમ આને કહેવાય ભેંસ-ભક્તિ.
આદિવાસીઓની આંખોમાં પાણી, નળમાં નહી
મુંબઈમાં આ ઉનાળામાં પાણીની ખેંચ નહીં પડે એવી જાહેરાતો મહાપાલિકાના સત્તાધીશો છાપરે ચઢીને કર્યા કરે છે. બીજી બાજુ મુંબઈની નજીક આવેલા મુરબાડમાં ઉનાળાની ક્યાં વાત કરવી? ડિસેમ્બરથી જ પાણીની કારમી અછતનો આદિવાસીઓ સામનો કરી રહ્યાં છે. એક બેડું પાણી લેવા માટે તડકામાં માઈલો સુધી ભટકવું પડે છે.
મુંબઈમાં દરરોજ લાખો લીટર પાણી લીકેજ અને ચોરીને લીધે વેડફાય છે જ્યારે આદિવાસીઓએ પીવાના પાણી માટે ચારે તરફ ભટકવું પડે છે. મુરબાડ તાલુકા માટે સરકારે કરોડોના ખર્ચે કેટલીય પાણી પુરવઠા યોજના જાહેર કરી છે છતાં જળસંકટ ટળતું નથી અને પાણી મળતું નથી. આદિવાસી પરિવારોને બાલદી કે બેડાં ઉપાડવા ન પડે માટે કેટલાયને પાણી ભરીને ધક્કો મારી ચલાવી શકાય એવી ખાસ પ્રકારની ઠેલણગાડી આપવામાં આવી છે.
આદિવાસીઓના બાળકો આ ઠેલણગાડીમાં દૂર દૂરથી પાણી ભરીને લાવવાના કામમાં જ રોકાયેલા રહે છે, એ પછી જાણે ક્યારે? નળ કોરા છે, ડંકીઓ સૂક્કી છે અને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આદિવાસી પાડામાં નળમાં જળ નથી એ સત્તાધીશો જોઈ નથી શક્તા, પણ જળ માટે એમની આંખોમાં ઝળઝળીયા આવે છે એ પણ નહીં દેખાતા હોય?
વાઘથી બચવા બખ્તર
રણમેદાનમાં જ્યારે તલવાર-ભાલાથી જંગ ખેલાતા ત્યારે સૈનિકો બખ્તર પહેરતા. પરંતુ આજે મહારાષ્ટ્રના યવતમાળ વિસ્તારમાં વાઘથી બચવા માટે ગ્રામજનોને હાથે બનાવેલા બખ્તર પહેરીને નીકળવાની નોબત આવી છે. મહારાષ્ટ્રમાં વાઘ કે વાઘમારે અટક સાંભળવા મળે છે. પરંતુ હક્કીતમાં વાઘ માણસને મારે છે.
યવતમાળ જિલ્લાના રાળેગાંવ તહેસીલમાં છેલ્લાં ૨૦ મહિના દરમિયાન વાઘે ૧૦ ગ્રામવાસીઓનો ભોગ લીધા પછી ફફડાટ વ્યાપી ગયો છે. ફોરેસ્ટ ખાતાવાળા જંગલમાં ન જવાની અને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપે છે. ખેતરે જઈ મહેનત મજૂરી ન કરે કે ઢોરઢાંખરને ચરાવા ન લઈ જાય તો કેમ ચાલે? શંકર અતરામ નામનો શખસ ગાયો ચરાવતો હતો એ વખતે વિકરાળ વાઘ ત્રાટક્યો. ધણમાંથી એક ગાય પર હુમલો કરી ફાડી ખાધી.
ગભરાયેલો અતરામ સડસડાટ ઝાડ પર ચડી ગયો એટલે જીવ બચી ગયો વાઘ જંગલમાં ગયો એટલે નીચે ઉતરીને એણે વિચાર્યું કે વાઘથી બચવા સુરક્ષાનો ઉપાય કરવો જોઈએ. સીધો મારકેટમાં ગયો અને એક સેકન્ડહેન્ડ હેલમેટ લાવી શિરત્રાણ બનાવ્યું. પતરાના ડબામાંથી ગળાપટ્ટો અને કમરપટ્ટો બનાવ્યો. અંદરની તરફ કપડાંના ડૂચા ઠાંસ્યા જેથી વાગે નહીં.
તારની કાંટાળી વાડને કાપી એમાંથી બંને પગની સુરક્ષા માટે લેગ-ગાર્ડઝ બનાવ્યા. આ બખ્તર પહેરીને જ હવે ગાયો ચરાવવા માટે જંગલમાં જાય છે. પણ આ વિચિત્ર બખ્તર જોઈને વાઘ ભડકે કે ન ભડકે પણ અજાણ્યા લોકો ભૂત સમજી ભડકી જતા હશે. મને તો લાગે છે કે વાઘ આવ્યો ભાઈ વાઘને બદલે હવે આ બખ્તરધારીને જોઈ બખ્તરિયો આવ્યો ભાઈ બખ્તરિયો એવી બૂમાબૂમ ન થાય તો સારૃં.
પંચ-વાણી
ઈર્ષાથી જે બળે નહીં
એ ખરી અ-બળા