મજબૂત બાંધકામ માટે રેતીને બદલે પ્લાસ્ટિક
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
પર્યાવરણ સામે મોટામાં મોટો ખતરો પ્લાસ્ટિકનો છે. કારણ પ્લાસ્ટિક નાશવંત નહીં પણ શાશ્વત છે. પ્રેમ અને પ્લાસ્ટિક બંને શાશ્વત છે.
પ્લાસ્ટિકના કચરાના ઢગલા સમસ્યાના પહાડ જેવા ઉભા થઈ રહ્યાં છે. એટલે જ મહારાષ્ટ્રમાં તો પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. પ્લાસ્ટિકનો નિકાલ કેમ કરવો એ મોટી સમસ્યા છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં ગોવાના અને બ્રિટનના સંશોધકોએ મળીને જબરું સંશોધન કર્યું છે. આ શોધ અનુસાર મકાનોના બાંધકામમાં રેતીને બદલે આંશિક રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકશે. આને કારણે ઈમારતના બાંધકામની મજબૂતાઈમાં લેશમાત્ર ફરક નહીં પડે, બલ્કે બે ફાયદા થશે.
એક તો પ્લાસ્ટિકનો નિકાલ કેમ કરવો એ સમસ્યાનો ઉકેલ લાવી શકાશે અને બીજું રેતીની અછતનો સામનો કરવો નહીં પડે. ગોવા એન્જિનિયરિંગ કોલેજ અને બ્રિટનની યુનિવર્સિટી ઓફ બાથના સંશોધકોએ સંયુક્ત રીતે કરેલી શોધને વિજ્ઞાાનીઓની આંતરરાષ્ટ્રીય સમિતિએ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરી છે. રેતીને બદલે પ્લાસ્ટિકને કોંક્રિટ સાથે મિલાવીને ભવિષ્યમાં બંગલા બંધાશે એ જોઈને કોઈ ગાઈ ઊઠશે કેઃ
એક બંગલા બને ન્યારા
જીસ મેં હો પ્લાસ્ટિક 'પ્યારા'....
મહારાષ્ટ્રના ખેડૂતની નવલકથા આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચી
લેખકો પોતાના લેખનખંડમાં શાંત વાતાવરણમાં લેખનકાર્ય કરતા હોય છે. કોઈ વળી કુદરતના સાન્નિધ્યમાં કલમ ચલાવતા હોય છે. પણ કોઈ ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવતા, વાવણી કરતા કે કાપણી કરતા કરતા થોડી ઘણી ફૂરસદ મળે ત્યારે ઝૂંપડામાં જઈ બે-ચાર પાના લખે અને પાછો કામે લાગી જાય. એ ખેડૂતની અંગ્રેજીમાં લખાયેલી નવલકથા આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચે ત્યારે આશ્ચર્યનો પાર જ ન રહેને?
આ હકિકત છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બાર્શી તાલુકાના પાનગાવના રહેવાશી પાંડુરંગ તાનાજી મોરે નામના ખેડૂતની. અભણ મા-બાપના આ ખેડૂપુત્રને પહેલેથી જ ભણવાનો શોખ જાગ્યો. જાતમહેનત કરી બી.એડ.ની ડિગ્રી મેળવી અને થોડો સમય સહાયક પ્રાધ્યાપક તરીકે નોકરી પણ કરી. પરંતુ નોકરીને લીધે લખવાની ફૂરસદ નહોતી મળતી એટલે નોકરી છોડી દીધી અને પછી મા-બાપને ખેતીમાં મદદ કરવા માંડયો. ખેતીના કામમાંથી થોડી નવરાશ મળે એટલે ઝૂંપડામાં બેસીને લેખનકાર્ય પતાવે.
આમ કરતા કરતા તેણે ખેડૂતોની વ્યથાને વાચા આપતી પહેલી અંગ્રેજી નવલકથા લખી 'કિંગ્ડમ ઈન ડ્રીમઃ ધી પ્રાઈમ મિનિસ્ટર'. આ નવલકથાને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાએ પ્રકાશિત કરી અને ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન પણ મૂકી. આમ પાંડુરંગ મોરેનું લખાણ આંતરરાષ્ટ્રીય ફલક પર વખણાયું.
બસ પછી તો તેણે કલમ ચલાવવા માંડી. વાઈટમની નામની ઈંગ્લિશ નોવેલ અને ધી બર્થ ડે ગિફટ, હસબંડ ટેકસ્ટ હસબંડ તથા ધી ડાર્ક અવે નામના નાટકો તથા અંગ્રેજી કાવ્યસંગ્રહ 'આઈ આસ્ક ફ્રિડમ' તૈયાર થઈ ગયા છે અને પ્રકાશનના માર્ગે છે. નિવડેલા સાહિત્યકારો માટે એવું કહેવાતું હોય છે કે એમણે સાહિત્ય ક્ષેત્રે ઘણું ખેડાણ કર્યું છે, પણ આ ખેડૂતે તો ખેતરમાં ખરેખર ખેડાણ કરતા કરતા સાહિત્યનું સર્જન કર્યું છે.
કાલિમાને નૂડલ્સ ધરાવવામાં આવે છે
મંદિરોમાં ફળ, ફૂલ અને પ્રસાદ ધરાવવામાં આવે છે. પણ કલકત્તામાં આવેલા કાલી માતાને મોટેભાગે ચીની ભક્તો તરફથી નૂડલ્સ અને ફ્રાઈડ રાઈસનો ભોગ ધરાવવામાં આવ્યા પછી તે પ્રસાદ રૂપે ભક્તોને વહેંચી દેવામાં આવે છે. એક જમાનામાં કલકત્તામાં ચીનાઓની સંખ્યા ઘણી હતી. ધીરે ધીરે વસતી ઓછી થવા માંડી.
છતાં ઘણાં પરિવારો કેટલીય પેઢીથી પશ્ચિમ બંગાળમાં વસવાટ કરે છે. કલકત્તામાં કાલીમાતાનું આ અનોખું મંદિર ટંગરા ઈલાકામાં આવેલું છે. એક હિન્દી દૈનિકના અહેવાલ અનુસાર ઘણાં વર્ષો પહેલાં ખૂબજ બીમાર ચીની બાળકને આ મંદિરમાં લાવવામાં આવ્યું હતું. માતાના આશીર્વાદથી બાળક સાજું થઈ ગયા પછી ચીની લોકોની અતૂટ આસ્થા બંધાઈ છે. મંદિરની દેખભાળ ઈસોનચેન કરે છે. મંદિરમાં માતાજીની મૂર્તિની સામે ચાઈનીઝ અગરબત્તી અને મીણબત્તી સળગાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવારનું અનેરૂ મહત્ત્વ છે.
આ પશ્ચિમ બંગાળની ધરતી પર ચીનાઓ શ્રધ્ધાપૂર્વક માતાજીની પૂજા- અર્ચના કરે છે. કહે છે ને કે સંગીત અને શ્રધ્ધાને કોઈ સરહદ નથી નડતી. એટલે જ કહેવું પડે કે આ મંદિરમાં
હિન્દી- ચીની ભાઈ ભાઈ
ભક્તો નૂડલ્સનો પ્રસાદ ખાય ખાય
જંગલ પર અધિકાર મડદાનો
કોઈ જંગલમાં મંગલ કરે તો કોઈ જંગલમાં દંગલ કરે. આદિવાસીને રસ હોય જંગલમાં, ગાદીવાસીઓને રસ હોય પોતાના મંગલમાં અને કોમવાદીઓને રસ હોય દંગલમાં. આ દેશમાં અનેક જંગલો અને અરણ્યો આવેલા છે. પણ એમાં સૌથી હટકે જંગલ છે.
ગગરેટનું પ્રાચીનતમ દ્રોણ શિવબાડી જંગલ. આ જંગલના એક એક વૃક્ષો અન ેડાળીઓ ઉપર માનો કે મડદાનો જ અધિકારી છે. આ વાત અંધવિશ્વાસની લાગે પણ લોકોમાં એવી માન્યતા છે કે આ જંગલના લાકડા ફક્ત મૃતકોના અગ્નિસંસ્કાર માટે જ વાપરી શકાય છે. ઘરનો ચૂલો સળગાવવા કોઈ આ લાકડા વાપરતું નથી.
એવી માન્યતા છે કે જે આ લાકડાનો ઉપયોગ ચૂલો સળગાવવા માટે કરે તેના ઘરમાં અનિષ્ટ થાય છે. જંગલની ત્રણ બાજુ સ્મશાન આવેલા છે અને ચોથી બાજુએ સોમભદ્રા નદી વહે છે. વચ્ચોવચ્ચ પ્રાચીન દ્રોણ શિવમંદિર આવેલું છે. મંદિરના પૂજારીના કહેવા મુજબ દ્વાર યુગમાં ગુરુ દ્રોણાચાર્ય પાંડવોને આ જંગલમાં ધનુર્વિદ્યા શીખવતા હતા. આ જંગલનાં લાકડા પર મડદાનો હક્ક છે એ તો જાણે સમજ્યાં, પણ સદીઓથી અગ્નિસંસ્કાર માટે બાળવામાં આવતા ટનબંધ લાકડાને લીધે કેટકેટલા જંગલોનું નિકંદન નીકળી ગયું છે?
ઉત્તરાખંડના ગ્રામજનો ચીનનું અન્ન ખાય છે
દિલ્હી, મુંબઈ, અમદાવાદ કે કલકત્તા જેવાં શહેરોમાં જ નહીં નાના ગામોમાં સુદ્ધાં લોકોને ચાઈનીઝ ફૂડનો જીભે ચટાકો લાગ્યો છે. જ્યાં જુઓ ત્યાં ચાઈનીઝ ફૂડના લાલ રંગના સ્ટોલને લારીઓ પર ખાઈકીબાજોના ટોળા જોવા મળે છે.
આપણે ચીનનું ખાણું દબાવીએ અને ચીન આપણી જમીન દબાવે એવો ખેલ જોવા મળે છે. પરંતુ ઉત્તરાખંડના પહાડી ઈલાકાના દુર્ગમ ભાગોમાં રહેતા ગામડાના લોકોની દાલ, ચાવલ, અનાજ અને મીઠાની જરૂરિયાત સુધ્ધા ચીન પૂરી કરે છે.
એક અંગ્રેજી રાષ્ટ્રીય દૈનિકના અહેવાલ મુજબ ઉત્તરાખંડની સરકાર ધારચુલા વેલીમાં પીથોરાગઢ જિલ્લામાં આવેલા સાત ગામડાના ૪૦૦ પરિવારોને સમયસર અને પૂરતું રેશન પહોંચાડી નથી શકતી. કારણ કે વર્ષના અનેક મહિનાઓ સુધી પહાડી રસ્તા બંધ હોય છે. પરિણામે બુંદી, ગુંજી, ગરબ્યાંગ, કુટી, નેપાલચુ, નાભી અને રોનકોંગના ૪૦૦ પરિવારોએ નેપાલના રસ્તે ચીનથી આવતી ખાધાખોરાકીની ચીજો અને બીજી પ્રાથમિક જરૂરિયાતો ઊંચા ભાવે ખરીદવી પડે છે.
આ ગામડાઓ એટલી દુર્ગમ જગ્યાએ આવેલા છે કે નજીકમાં નજીક ધારચુલાની બજાર ૫૦ કિલોમીટરના અંતરે આવેલી છે. એટલે ઘરમાં મીઠુ ખલાસ થઈ જાય તો પણ એ લેવા માટે ૫૦ કિલોમીટર જવાના અને ૫૦ કિલોમીટર આવવાના એમ ૧૦૦ કિલોમીટરની પદયાત્રા કરવી પડે છે. ગ્રામજનો કહે છે અમારે પોતાના દેશમાં રહીને ય પારકા દેશનું અન્ન ખાવું પડે છે. મનોમન એમને થતું હશે કે
પારકા ચીનનું થાણું
પૂરું પાડે અમને ખાણું
કોણ સાંભળે આ લાચારીનું ગાણું
પંચ- વાણી
તારાજ- નીતિ એટલે અંધારી આલમ
રાજ-નીતિ એટલે અણ-ધારી આલમ