ગુરૂદક્ષિણામાં શિક્ષકોને મોટર
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
પ્રાચીન સમયમાં જ્યારે ગુરુના આશ્રમમાં રહીને શિષ્યો વિદ્યા મેળવતા તે સમયે અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુદક્ષિણા આપવાનો રિવાજ હતો.
આજે તો એ પરંપરા જળવાઈ નથી અને વિદ્યાર્થીઓ પાસેથી હજારો અને લાખો રૂપિયાની ફી લેવામાં આવે છે. આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે પણ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખાલસા ગામની જિલ્લા પરિષદની શાળામાં ગુરુદક્ષિણાની અનોખી પધ્ધતિ શરૂ કરવામાં આવી છે.
ગામડાના બાળકો ભણીગણીને આગળ વધે માટે શિક્ષકો અને શિક્ષિકાઓ ખૂબ મહેનત કરે છે. ત્રણ-ત્રણ ચાર-ચાર કલાક એકસ્ટ્રા કોચિંગ કરે છે. એટલે જ સ્કોલરશીપ પરીક્ષામાં આ ગામડાના બાળકો હંમેશા ઉજ્જવળ દેખાવ કરે છે. જે શિક્ષક-શિક્ષિકાઓ બાળકો પાછળ આટલો ભોગ આપે છે તેમને ગુરુદક્ષિણા ન આપીએ તો નગુણા કહેવાઈએ એમ માનીને ગ્રામજનો પૈસા ભેગા કરીને દર વર્ષે એક-એક શિક્ષકને મોટરની ભેટ આપે છે.
મોટર આપવાનું એક કારણ એ પણ ખરૂં કે દૂર દૂરથી આવતા શિક્ષકોને સ્કૂલે પહોંચવામાં તકલીફ ન પડે અને જે સમયની બચત થાય એ બાળકોના શિક્ષણ પાછળ વાપરી શકે. ગામડાના બાળકો અંગ્રેજીમાં પાછળ ન રહી જાય માટે ગામવાળાએ એક શિક્ષકને ઈંગ્લિશની ખાસ ટ્રેનિંગ માટે બહાર મોકલ્યા હતા. અત્યાર સુધી સ્કૂલ બિલ્ડિંગ સાધારણ હતું. ગ્રામજનોએ વિચાર્યું કે આપણાં બાળકો પણ શા માટે સરસ મજાની સ્કૂલમાં ન ભણે? એટલે બધાએ ઘર ઘરમાંથી પૈસા ઉઘરાવીને એક કરોડ ભેગા કર્યા અને એમાંથી સરસ ઈમારત બાંધી. આમ જીવનની દરેક ક્ષણ સુધારે એવું શિક્ષણ આપતાં શિક્ષકોને ગુરુદક્ષિણામાં કાર મળવા માંડી છે.
કાયદા સામે કામણ-ટુમણ ચાલે?
લાલુ પ્રસાદ યાદવનો સૂરજ જ્યારે તપતો હતો અને બિહારના બેતાજ બાદશાહની અદાથી લાલુજી ફરતા (અને કરોડોનો ચારો 'ચરતા') ત્યારે કહેવાનું કે 'જબ તક સમાસે મેં આલુ રહેગા, તબ તક બિહાર મેં લાલુ રહેગા.' પણ સમયે પલ્ટો ખાધો. ભ્રષ્ટાચારનો ઘડો છલોછલ ભરાઈ ગયો, લાલુ સત્તાના આસનેથી ફેંકાઈ ગયા, ચારાકાંડમાં દોષી ઠર્યા અને મહેલમાંથી જવાની નોબત આવી એટલે હવે સમોસામાં આલુ રહી ગયા પણ સત્તામાં લાલુ ન રહ્યા.
એકલા લાલુજી જ નહીં એમના પરિવારના સભ્યોના ગળા ફરતે પણ કાનૂનનો ગાળિયો ભીંસાતો જાય છે. સંકટમાંથી મુક્તિ મળે એ માટે લાલુ પરિવાર અગાઉ પણ પૂજા-પાઠ અને મંત્ર-જાપનો સહારો લઈ ચૂક્યો છે. કૈંક સાધુના આશીર્વાદ મેળવી ચૂક્યો છે. કામણ-ટુમણ અને જાદુ-ટોટકા પણ અજમાવી ચૂક્યો છે એવું મનાય છે.
એટલે જ પટનાના ૧૦, સરક્યુલર રોડ પર લાલુજીના બંગલાના મેઈન ગેટ ઉપર તાજેતરમાં કાળુ કપડું બાંધેલું જોવા મળ્યું ત્યારે ઘણાંના મનમાં સવાલ થયો હતો કે અપશુકન અને સંકટ ટાળવા માટે આ કાળુ કપડું બાંધ્યું હશે? જે હોય તે, એક હકિકત છે કે એક વાર કર્મોને લીધે કપાળે કાળી ટીલી લાગે અને કાનૂની સકંજામાં ફસાય પછી કોઈ કામણ-ટુમણ ક્યાં કામ આવે છે?
ગાંધીજીએ જેનું ઉદ્ધાટન કરેલું એ ભારત માતાનું મંદિર
આ દેશમાં મંદિરોની કોઈ કમી નથી છતાં નવાં નવાં મંદિરો બંધાતા જ રહે છે. મંદિરના નામે ખુલ્લેઆમ રાજકારણ ખેલાય છે. મંદિરોમાં ભક્તોનો ઘસારો થાય છે પણ જે મંદિરમાં ખરેખર દર્શને જવું જોઈએ એ મંદિર તરફ લોકો દુર્લક્ષ કરે છે. આ અનોખું મંદિર છે વારાણસીમાં આવેલું ભારત માતાનું મંદિર. વારાણસીની યાત્રાએ જાય એ શ્રદ્ધાળુઓ કાશી વિશ્વેશ્વર મંદિરના દર્શને જાય છે, ગંગા કિનારે આરતીનો લાભ લે છે અને બીજા અનેક ધાર્મિક સ્થાનોમાં દર્શને પહોંચી જાય છે.
પરંતુ કાશી વિદ્યાપીઠ પરિસરમાં આવેલા ભારત માતા મંદિરે બહુ ઓછા દર્શનાર્થી જાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૨૫મી ઓકટોબર ૧૯૩૬ના રોજ આ મંદિરનું ઊદ્ઘાટન કર્યું હતું. અખંડ ભારતનો નકશો મંદિરમાં જોવા મળે છે. આ નકશામાં અફઘાનિસ્તાન, બલુચીસ્તાન, સિલોન તેમ જ ભાગલા પછી રચાયેલા પાકિસ્તાન અ ને ૧૯૭૧ પછી અસ્તિત્વમાં આવેલા બાંગ્લાદેશના વિસ્તારોનો સમાવેશ થયો છે.
આ નકશામાં મોટા જળાશયો પણ દેખાડવામાં આવ્યા છે. દર વર્ષે પ્રજાસત્તાક દિને અને આઝાદી દિને આ જળાશયમાંથી ખરેખર પાણી છોડવામાં આવે છે. એક મરાઠી દૈનિકના અહેવાલ મુજબ દુર્ગાપ્રસાદ ખત્રીની દોરવણી હેઠળ લગભગ ૫૫ કર્મચારીઓએ આ મંદિરનું બાંધકામ કર્યુંં હતું. સહુના હૈયે ભારતનું હિત વસેલું છે. આ બધા જ ભારત માતાના મંદિરે જઈ ભારત માતાનો જયજયકાર કરે તો મંદિર પરિસર જય જયકારના કેવાં પ્રચંડ નાદથી ગાજી ઊઠે?
ભારતની મિની ગાય
આપણાં દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે. પણ એક ગાય એવી છે કે તેનેે જોવા દૂર દૂરથી લોકો આવે છે. આ છે કેરળની અનોખી મિની ગાય દુનિયાની સૌથી નાની ગાયનું માન કેરળના અથહોલી જિલ્લાની મનીકયમ ગાયને મળ્યું છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ દર્જ થયું છે.
સામાન્ય રીતે ગાયની ઊંચાઈ ૪.૭થી પાંચ ફૂટ હોય છે, અને વજન ૩૧૩ કિલોની આસપાસ હોય છે. પરંતુ આ મિની-ગાયની ઊંચાઈ ફક્ત ૧.૭૫ ફૂટ છે અને 'વજન ૪૦ કિલો છે. મિની-ગાયના પાલક તેની ખૂબ જ સારસંભાળ લે છે. દૂર દૂરથી લોકો ટચુકડી ગાયને જોવા આવે છે એટલે હવે તો મનીક્યમ સેલિબ્રિટી બની ગઈ છે. આ ટચુકડી મિની ગાયને જોઈને કહેવું પડે કે: સબ સે ઊંચી પ્રેમ સગાઈ ઔર સબ સે નીચી યે અનોખી ગાય....
'સ્વર્ગવાસી' શ્વાન
વટથી જીવનારા કહે છે જીતે હૈ શાન સે અને 'પેટ'થી જીવનારા કહે છે જીતે હૈ શ્વાન સે. પેટ એટલે પેટ-ડોગ, પાળેલા કૂતરા. કહેવાય છે કે ધર્મરાજા યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા ત્યારે તેમનો પાળેલો કૂતરો પણ ભેગો ગયો હતો. પણ આજે તો પાળેલા કૂતરાને ધરતી ઉપર સ્વર્ગનું સુખ આપવા માટે જાત જાતના નુસ્ખા અજમાવાય છે.
કૂતરાને ભાવતું ભોજન કરાવવા માર્કેટમાં જાતજાતના ડોગ-ફૂડ મળે છે. કૂતરાને ટાપટીપ કરી તૈયાર કરવા માટે પેટ બ્યુટી પાર્લર ખુલવા માંડયા છે. શ્વાનના સ્વાસ્થ્ય માટે મોંઘી મોંઘી દવાઓ અપાય છે. હવે તો સાંભળ્યું છે કે મહાનગરમાં શ્વાનને માટે ખાસ રેસ્ટોરાં ખુલવાની શરૂઆત થઈ છે. આ રેસ્ટોરાંમાં ડોગી પોતાના માલિક સાથે જઈ તેને માટેની ખાસ ખુરશી અને ટેબલ પર બેસી ટેસથી ભાવતા ભોજન લે છે.
આ ડોગ-રેસ્ટોરાંમાં દૂર દૂરથી લોકો પોતાના પાળેલા કૂતરાને લઈને એનો બર્થ-ડે ઉજવવા પણ આવે છે. યોગનો વાયરો પૂરજોશમાં ફૂંકાવા લાગ્યા પછી શ્વાનને પણ યોગની તાલીમ આપવાના કેન્દ્રો શરૂ થવાનું સાંભળ્યું છે. આને યોગા નહીં પણ ડોગા નામ આપવામાં આવ્યું છે. આમ ધરતી પર જ સ્વર્ગનો આનંદ માણતા 'સ્વર્ગવાસી' શ્વાનો ટેસથી હસતા રહે અને શેરીના કૂતરા ભસતા રહે.
પંચ-વાણી
રાધાને અવળેથી વાંચો તો ધારા વંચાય. કૃષ્ણ તરફના પ્રેમની ધારા એ રાધા.