મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
કરડતા કૂતરાનો ત્રાસ શ્વાન સાથે સરઘસ
પાણીની તંગી વખતે મહિલાઓ બેડાં લઈને મોરચો કાઢે છે. શાકભાજીના ભાવ ગગડે ત્યારે ઘણીવાર ખેડૂતો ભાજી સાથે મોરચો કાઢે છે અને બધુ શાક રસ્તા પર ઢોળી નાખે છે. દૂધના વધુ ભાવ મેળવવાની માગણી સાથે દૂધના દેગડા લઈને ઊંધા વાળી દૂધની નદી વહેવડાવવામાં આવે છે.
પરંતુ કૂતરા સાથે મોરચો નીકળ્યાનું ક્યાંય સાંભળ્યું છે? આવી કૂત્તા-માર્ચ માર્ચ મહિનામાં જ મધ્ય પ્રદેશમાં ઈંદોર શહેરમાં. આ શ્વાન સાથે સરઘસ કાઢવાનું કારણ એ હતું કે ઈંદોરમાં રખડતા, રઝળતા અને કરડતા કૂતરાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે શહેરીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કૂતરાની આબાદી દિવસે દિવસે વધી રહી છે છતાં નગર નિગમ કોઈ પગલાં નથી લેતી એવો આક્ષેપ કરીને આ કૂતરા મોરચો કાઢી નગરનિગમના મુખ્યાલય પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી આ કૂતરા નગર નિગમને ભેટ આપવામાં આવ્યા હતા. આમ તો કૂતરા માણસના સૌથી વફાદાર મિત્ર ગણાય છે.
પણ એ જ માણસ કૂતરાનો ત્રાસ દૂર કરવા કૂતરાને લઈને મોરચા કાઢે છે. આ જોઈ અંગ્રેજી જાણતા હોય એ રીતે કૂતરા એક સાથે જોર જોરથી સવાલ ઉઠાવતા હતા હાઉ... હાઉ... હાઉ એટલે આવું કેમ? હમણાં જ એક હિન્દી કવિએ કૂત્તા અને નઠારા નેતાની સરખામણી કરતી કવિતામાં બંનેની સરખામણી કરતા લખ્યું હતું કે 'દોનોં પહેલે ચાટતે હૈ ઔર ફિર કાટતે હે...'
અમિતાભ બચ્ચનના વાદળી રંગના હાથીનું ૧૦ લાખમાં લીલામ
કહેવત છે કે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો. બસ આ જ કારણસર હાથીનો ગેરકાયદે શિકાર થાય છે અને હાથીદાંત લાખો નહીં પણ કરોડની કિંમતે વેંચાય છે. મૂછાળા ડાકુ વિરપ્પને સોથી દોઢસો હાથીનો શિકાર કર્યો હતો. સૌથી મહાકાય સહુના માનીતા પ્રાણી હાથીને બચાવવાના નિર્ધાર સાથે દેશવ્યાપી ઝુંબેશ શરૃ થઈ છે. આ ઝુંબેશ અંતર્ગત મુંબઈમાં લોકકલાકારો, કાષ્ટ શિલ્પકારો, માટીકામ કરતા મૂર્તિકારો અને અન્ય કલાકારોએ ૧૦૧ હાથીઓના પાંચ-પાંચ ફૂટના રંગબેરંગી શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આમાંથી એક હાથીને અમિતાભ બચ્ચને પસંદ કર્યો હતો. વાદળી રંગના અને સુંદર ચિત્રકામવાળા આ હાથીને અમિતાભ બચ્ચનના નામે લીલામમાં મૂકવામાં આવતાં તેની ૧૦ લાખ રૃપિયા કિંમત ઊપજી હતી. આ રીતે હાથીની મૂર્તિઓના લીલામમાંથી મળેલી રકમ હાથીઓના સંરક્ષણ માટે વપરાશે. સહુ જો હાથીના રક્ષણની જવાબદારી સંભાળી 'હાથી મેરે સાથી'નું સૂત્ર અપનાવે તો ભવિષ્યમાં સવાલ કરવો નહીં પડે કે હાથી-મરે-શાથી?
ફેસબુકથી ફસામણી કરનારાને કોર્ટની ફટકાર
સોશિયલ મિડિયાનો આજે એન્ટી-સોશિયલ મિડિયા તરીકે ભરપૂર ઉપયોગ થવા માંડયોછે. ફેસબુકના ડેટાની ચોરીની તળિયેથી લઈ ટોચ સુધી ફરિયાદો થઈ રહી છે. આજે ફેસબુક ઉપર વાંધાજનક તસવીરો મૂકવામાં આવે છે. હવે તો જાસૂસી પણ થાય છે અને હની-ટ્રેપમાં લેવા માટે સુંદરીઓના નામે ફેક ફેસબુક અકાઉન્ટ ખોલીને ફસામણી થાય છે.
સોશિયલ મિડિયા દ્વારા ફસામણી કરવાવાળાને તાજેતરમાં જ હરિયાણાની કોર્ટે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. એક યુવાને ફેસબુક ઉપર યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી. ધીરે ધીરે ફ્રેન્ડશિપ પ્રેમમાં પરિણમી. વખત જતા વાત લગ્ન સુધી પહોંચી ગઈ. યુવતીએ પોતાના મનના માણીગર સાથે લગ્ન કર્યા એટલું જ નહીં કન્યા પક્ષ તરફથી જમાઈ રાજાને દહેજમાં કાર પણ આપી. એકાદ વર્ષ બરાબર ચાલ્યું.
પણ પત્ની વારંવાર પૂછતી હતી કે તું મને તારા વતન કેમ નથી લઈ જતો? પતિ કોઈ પણ બહાને વાત ટાળતો હતો. આ યુવતીએ એક બાળકના જન્મ આપ્યો વખતે પતિએ પોત પ્રકાશ્યું અને મારપીટ કરવા માંડયો. પત્નીનો પિત્તો ગયો અને સાસરાને ગામ પહોંચી ગઈ ફરિયાદ કરવા પણ ત્યાં ગઈ ત્યારે ખબર પડી કે તેણે જેની સાથે પ્રેમલગ્ન કર્યા છે એ તો અગાઉ પરણી ચૂક્યો હતો અને તેને બે બાળકો પણ છે.
યુવતીએ હિંમત કરી અદાલતમાં ધા નાખી. અદાલતે પતિને આદેશ આપ્યો કે તેણે પીડિતાને દર મહિને ૯ હજાર રૃપિયા ભરણપોષણ, એક હજાર રૃપિયા મકાનનું ભાડું આપવું પડશે. એટલું જ નહીં વળતર પેટે એક લાખ રૃપિયા રોકડા ચૂકવવાનો પણ આદેશ આપ્યો. આ કિસ્સો ફેસબુક ઉપર આંખ બંધ કરીને ફ્રેન્ડશિપ કરવાવાળા કે પછી ભરમાઈને પ્રેમમાં ઊંધેકાંધ પડનારા માટે લાલબત્તી સમાન છે. કહે છેનેઃ
સાવધ રહે નાર લજામણી
ક્યાંક થાય નહીં ફેસબુકથી ફસામણી
રોજના ૩૬૦૦ બાળલગ્ન
બાળલગ્ન અપરાધ છે. બાળલગ્નના કાનૂનનો ભંગ કરે તેને માટે કાયદામાં સજાની જોગવાઈ છે. આમ છતાં આ કાયદાના લીરેલીરા ઉડાડતી હચમચાવી નાખનારી હક્કિત સામે આવી છે. આ દેશમાં રોજ લગભગ ૩૬૦૦ બાળલગ્નો થાય છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ બાબતની અત્યંત ગંભીર નોંધ લઈને ૨૦૦૬ના બાળવિવાહ પ્રતિબંધક કાયદાનો કડક અમલ કરવાનો આદેશ બહાર પાડયો છે પ્રત્યક્ષ રીતે બહુ ઓછા પ્રમાણમાં બાળલગ્નોની નોંધ થતી હોય છે. બાળવિવાહમાં સૌથી મોખરે ઝારખંડ છે જ્યાં ગોડ્ડા વિસ્તારમાં ૬૩.૫ ટકા બાળલગ્નો થયા હતા.
ત્યાર પછીના ક્રમાંકે પશ્ચિમ બંગાળમાં ૫૮.૮ ટકા, રાજસ્થાનમાં ૫૭.૨ ટકા બાળલગ્નોની નોંધ થઈ હતી. ઓછામાં ઓછા બાળલગ્નો પંજાબ અને કેરળમાં નોંધાવ્યા હતા. એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ આ બે રાજ્યોમાં ફક્ત ૭.૬ ટકા બાળલગ્નોની નોંધ થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે આજથી દસ વર્ષ પહેલાં પંજાબમાં બાળલગ્નનું પ્રમાણ ૬૧.૪૨ ટકા અને કેરળમાં ૫૦.૬૫ ટકા હતું.
પરંતુ કાયદાના કડક અમલ તેમ જ જાગૃતિને લીધે એક દાયકામાં જ આ પ્રમાણ ઘટીને ૭.૬ ટકા થઈ ગયું છે. ઢીંગલા-ઢીંગલીએ રમવાની ઊંમરે બાળકોને પરણાવી દેવામાં આવે એ કેવું વિચિત્ર કહેવાય? પ્રાંતવાદ, જાતિવાદ, ભાષાવાદ કે કોમવાદનું રાજકારણ ખેલતા આજના રાજકારણીઓમાંથી કોઈએ બાળલગ્ન સામાજિક દૂષણનો સામે આવાજ ઉઠાવ્યો છે.
ગોરી તેરા ગાંવબડા પ્યારા
કેરળ દેવભૂમિ તરીકે ઓળખાય છે. પણ ભગવાનના ઉદ્યાન તરીકે કયું ગામ જાણીતું છે એવો કોઈ સવાલ કરે તો બેધડક ઈશાન ભારતના મેઘાલયમાં આવેલા માવલિન્નાંગનું નામ આપી શકાય. ફક્ત ૫૦૦ની વસતીવાળા આ ગામને ભારતના જ નહી પણ સમગ્ર એશિયા ખંડના સૌથી સ્વચ્છ ગામનો ખિતાબ મળ્યો છે. મહારાષ્ટ્રમાં હજી તાજેતરમાં પ્લાસ્ટિક-પોલિથીન પર પ્રતિબંધ મૂકાયો.
જ્યારે આ ગામમાં તો દાયકાઓથી પ્લાસ્ટિકનો વપરાશ નથી થતો. રસ્તા અને જાહેર સ્થળોએ થૂંકવાની સખત મનાઈ છે. કચરો ફેંકવા માટે ઠેકઠેકાણે વાંસમાંથી બનાવેલી ટોપલા જેવી કચરાપેટી કે કૂડાદાન મૂકેલા છે. દરેક પરિવારનો એક સભ્ય રોજ ગામની સાફસૂફીના કાર્યમાં ભાગ લે છે જો કોઈ સફાઈ કાર્યમાં ન જોડાય તો એ દિવસે તેને ઘરવાળા ખાવાનું નથી આપતા.
બીજું આશ્ચર્ય એ છે કે આ ગામમાં પુરૃષ પ્રધાન નહીં પણ નારી પ્રધાન સમાજ વ્યવસ્થા છે એટલે પોતાના ખોબલા જેવડા ગામડાને ચોખ્ખુંચણાક રાખવા આ મહિલાઓ વધુમાં વધુ જહેમત ઊઠાવે છે. આ ક્લિન કન્ટ્રીસાઈડને જોવા માટે દર વર્ષે કેટલાય ટુરિસ્ટો મેઘાલય પહોંચી જાય છે. ખરેખર આ ગામની ચોખ્ખાઈ જોઈને 'ચિત્તચોર' ફિલ્મનું ગીત યાદ આવી જાયઃ ગોરી તેરા ગાંવ બડા પ્યારા મેં તો ગયા મારા આકે યહાંરે...
પંચ-વાણી
બળબળતા ઉનાળે
ગરમી કેવી વ્યાપેલી?
પુરૃષો બધા તપેલા
સ્ત્રીઓ બધી તપેલી.
** ** **
જય પવનપુત્ર હનુમાન
બાકી વેધશાળાના અનુમાન.