મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
ઊંધુ લખી સીધી સફળતા
લેખકો લખ લખ કર્યા કરે તોય ભલે પતિ થઈ જાય પણ લખ-પતિ ન થાય. બાળકને જ્યારે બાલમંદિરમાં બેસાડવામાં આવતા ત્યારે જૂના જમાનામાં પાટીમાં પેનથી 'ઓમ' કે જય ગણેશજી લખાવવામાં આવતું. બસ પછી તો બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એમ સીંધે સીધું સડસડાટ લખવા જ માંડે. આજે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના યુગમાં ભલે લખવાનું સાવ ઓછું થઈ ગયું છે. કાગળ લખવાને બદલે ઈ-મેલના રવાડે મેલ અને ફિ-મેલ ચડી ગયા છે. આવી પરિસ્થિતિમાં એક જણ એવો છે જે સવળેથી નહીં પણ અવળેથી એટલે ઊંધેથી લખવામાં એક્સપર્ટ છે. દાખલા તરીકે ટોપી લખીએ તો તરત એ લખે છે પીટો. આ તો માત્ર એક શબ્દનો દાખલો આપ્યો.
બલરામપુરના આ બાજીગરનું નામ છે લપાકૃમરા એટલે રામકૃપાલ. આ ઉલ્ટા લખાણનો બાજીગર એક નહીં પણ અનેક ભાષામાં ઊંધુ લખી જાણે છે.નાનપણમાં તેના હૈયાને એકવાર જે માલિકને ત્યાં મજૂરી કરતો તેણે ઠેંસ પહોંચાડી. એક વાર દોસ્તના લગનમાં ટાઈ પહેરીને ગયો ત્યારે માલિકે ઠેકડી ઊડાડી કે 'ઠોઠ નિશાળિયાને વતૈણા ઝાઝા... ભણ્યોગણ્યો નથી અને ટાઈ બાંધીને ફરતા શરમાતો નથી?' રામકૃપાલને હાડોહાડ લાગી આવ્યું. એ તો બસ ચોટલી બાંધીને ભણવા જ માંડયો. એમ કરતા કરતા એલએલબી પાસ કરી વકીલ બની ગયો.
પછી એણે વિચાર્યું કે દુનિયાની સાથે સીધેસીધા આગળ વધવાથી કોઈ નોંધ નહીં લેવાય, કંઈક નોખું અનોખું કરી દેખાડવું જોઈએ. અને એ ભાઈ તો ઊંધા લખાણની પ્રેકટીસ કરવા માંડયા અને જોતજોતામાં એક નહીં પણ ૧૭ ભાષામાં ઉલ્ટું લખાણ કરવામાં માહરત હાંસલ કરી. સીધા લખાણ કરવાવાળા લખ-પતિ થાય કે ન થાય પણ આ ઊંધા લખાણ કરી કરી ઉલ્ટા લખ-પતિનું બીરૃદ મેળવ્યું છે.
લાઈફ સ્ટાઈલની લ્હાયમાં ઘરના ચાર જણની લાઈફ લીધી
આજના જમાનામાં ઘણાં વડીલોને સંતાનોની લાઈફ સ્ટાઈલ પસંદ ન હોય તો ક્યારેક વઢે કે ઠપકો આપે. મોટે ભાગે સંતાનો પણ વડીલો સામે બોલવાને બદલે ચૂપચાપ સાંભળી લઈને પોતે જે કરતા હોય એ કરતા રહે છે અને રહેતા હોય એમ રહે છે. પણ કેરળના એક ગામમાં રહેતી પરીણિત યુવતીની એવી તો લાઈફસ્ટાઈલ હતી કે તેના માતા-પિતા ઠપકો આપતા એટલું જ નહીં બે દીકરાઓ પણ અવારનવાર મમ્મી સામે નારાજી દર્શાવતી. આ યુવતી કાયમી ટકટકથી કંટાળી ગઈ.
એણે શું કર્યું ખબર છે? બજારમાં જઈ ઊંદર મારવાની દવા લઈ આવી એલ્યુમિનિયમ ફોસ્ફેટયુક્ત આ ઝેરી દવા તે પરિવારજનોને ખાવામાં ભેળવીને આપવા માંડી. આ ધીમું ઝેર પેટમાં જવાથી ધીરે ધીરે અસર દેખાડવા માંડયું. પરિવારજનો માંદા પડવા માંડયા અને આખરે ન થવાનું થઈ ગયું.
યુવતી પોતાની લાઈફ સ્ટાઈલ ન છોડી શકી પણ તેનાં મા-બાપ અને બે-દીકરીઓ કાયમ માટે દુનિયા છોડી ગયા. ગણતરીના મહિનામાં આ રીતે એક પછી એક ચારના મૃત્યુને લીધે પાડોશીઓને દાળમાં કંઈક કાળુ (કે ઝેર) હોવાની શંકા જતા પોલીસમાં ધા નાખી. પોલીસે આવીને પૂરતી પૂછપરછ અને જાંચ કર્યા પછી યુવતીની ધરપકડ કરી. યુવતીએ ગુનો કબૂલ કરી લીધો. આમ લાઈફ સ્ટાઈલે ઘરના ચારની લાઈફ ખૂંચવી લીધી. આ કંપાવનારી ઘટના જાણીને કહેવું પડે કેઃ
સ્વજનો સાથે બંધાય વેર
ત્યારે ભેળવે ભોજનમાં ઝેર
નાની અમથી વાતમાં
યુવતીએ વર્તાવ્યો કેર.
પછી કોઈ બચાવી શકે
જ્યારે ઊદરમાં જાય ઊંદરનું ઝેર?
મંદિર માટે ફૂલ ખીલાવે મુસ્લિમો
કોમવાદીઓ અને હોમ (હવન) વાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલ્યા જ કરે છે. ધર્મ કે મઝહબને નામે હિંસાચાર ફેલાય છે, લોહી રેડાય છે અને નિર્દોષ દંડાય છે. આ જોઈને સર્વધર્મ સમભાવની ભાવના ક્યાં ખોવાઈ ગઈ એવોે વિચાર આવે છે. સમભાવને બદલે શરમજનક 'શેમ-ભાવ' નજરે પડે છે. આવી વિષમ પરિસ્થિતિમાં રણમાં મીઠી વીરડી જેવો અહેસાસ કરાવે છે ઝારખંડ રાજ્યના ધનબાદની નજીક વસેલા ઝરિયા-બસ્તી ગામના ભોળા ગ્રામજનો. આ ગામ તેમ જ આસપાસના ગામોના મંદિરોમાં દેવદેવીઓને ચડાવવામાં આવતા ફૂલોના હાર મુસ્લિમ પરિવારો તૈયાર કરે છે.
ભગવાન માટે ફૂલોની માળા તૈયાર કરવા માટે છેલ્લાં ૪૦ વર્ષથી ૪૦ મુસ્લિમ પરિવારો પોતાની ફૂલવાડીઓમાં જાતજાતના સુવાસિત પુષ્પો ઉગાડે છે, પછી તેની ફૂલમાળા અને હાર બનાવે છે. આ ફૂલ-હાર મંદિરોમાં દેવ-દેવીઓને ચડાવવામાં આવે છે. ઝરિયા-બસ્તીના હિન્દુ અને મુસ્લિમ પરિવારો હળીમળીને રહે છેે. બીજે ફાટી નીકળતા કોમી રમખાણોથી અલીપ્ત જ રહે છે. ૪૦ વર્ષથી ૪૦ પરિવારો પુષ્પસેવા કરે છે. હનુમાન ચાલીસાના પાઠ થાય છે એમ હળીમળીને રહેતા અને સાંપ્રદાયિક એક્તાના ભાવને અકબંધ રાખતા ભોળુડા ગ્રામજનો માટે કોઈ સન્માન-ચાલીસા ન લખી શકાય?
એક દિવસ આખું ગામડું ખાલી
ગામડું કોને કહેવાય? જ્યાં મડું પણ ગાવા માંડે એ સાચું ગા-મડું કહેવાય કમભાગ્યે ગામડાંના લોકો રોજગારીની તલાશમાં ગામડાં છોડીને શહેરો તરફ જવા માંડયા છે ત્યારથી ગામડાં ખાલી થવા માંડયા છે અને શહેરો ભરચક બની ફાટફાટ થવા માંડયા છે.
પરંતુ બિહારનું એક ગામડું છે નામ જેનું નામ નૌરંગિયા છે તે દર વર્ષે વૈશાખની નોમને દિવસે ચોવીસ કલાક માટે આખેઆખું ખાલી થઈ જાય છે. ૨૦૦ વર્ષથી આ પરંપરા વણથંભી ચાલી આવે છે. ગામના ઘરડા-બુઢા લોકોનું કહેવું છે કે સદીઓ પહેલાં ગામડાની ઉપર દેવીનો પ્રકોપ થતો હતો. બધું ખેદાનમેદાન થઈ જતું. દેવીનો કોપ રોકવા માટે કોઈ સંતે ગ્રામજનોને એવું સૂચન કર્યું કે વર્ષમાં એક દિવસ આખું નૌરંગિયા ગામ ખાલી કરી બધા જંગલમાં જતા રહેજો. એ દિવસે દેવી ગામડામાં પગલાં કરશે અને કોપ ઉતરી જશે.
બસ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ઘરડાં-બુઢાં બૈરાં-છોકરાં અને નર-નારીઓ સહુ સીધુ-સામાન લઈને અને દૂધાળા ઢોરને સુદ્ધા ભેગાં લઈને ગામ છોડી એક દિવસ માટે જંગલમાં ચાલ્યા જાય છે. એ દિવસે આખું ગામ ભેંકાર બની જાય છે. આ તો એક ગામ ફક્ત એક દિવસ માટે ખાલી થઈ જાય છે. પણ બીજા હજારો ગામને ખાલી અને સૂમસામ થતા અટકાવવા માટે સરકાર શું કરે છે? આ વરવી વાસ્તવિક્તા જોઈ કહેવું પડે કે?
ગામડિયાઓને જો ઘરઆંગણે
મળે સરખું કામ
તો કૈંક ગામડા અટકે
થતાં સૂમસામ.
જીવ બચાવવા આડા ચાલો
ભગવાને માણસને સીધો બનાવ્યો છે છતાં તે આડો ચાલે છે, જ્યારે બધા પશુ-પ્રાણીઓને આડા બનાવ્યા છે છતાં સીધા ચાલે છે. ભેંસને કોઈ દિવસ કહેવું નથી પડતું કે તું હાથી બન. બસ એક માણસને જ કહેવું પડે છે કે તું માણસ થા. સીધો રસ્તો છોડી આડેરસ્તે જ આગળ વધવામાં તેને મજા આવે છે. પરંતુ હમણાં અખબારોમાં એક સમાચારનું મથાળું વાંચી ચોંકી ગયો. એમાં લખ્યું હતું કે જીવ બચાવવો હોય તો આડાઅવળા દોડો પણ ખરા. વિગત વાંચતા ખબર પડી કે આસામ, કેરળ અને મહારાષ્ટ્રમાં હાથીઓની બહુ રંજાડ છે.
ખેતરો ખેદાનમેદાન કરે છે એટલું જ નહીં કોઈ માણસ અડફેટે ચડે તો તેનું આવી બને છે. એટલે જંગલના જાણકારોએ સલાહ આપી છે કે જંગલમાં જો તોફાની હાથી સામો આવી જાય અને મુઠ્ઠી વાળીને દોડવાનો વખત આવે તો ક્યારેય સીધી લીટીમાં દોડવું નહીં. હાથી સૂંઢ હલાવતો પાછળ પડે તો એક વાત યાદ રાખવી કે ક્યારેય સીધેસીધા ભાગવું નહીં. ઘડીક ડાબી બાજુ તો ઘડીક જમણી બાજુ એમ આડાઅવળા થતા દોડવું. કારણ કે ભારેખમ કાયાને લીધે હાથીને આડાઅવળા થઈ દોડવામાં મુશ્કેલી પડે છે.
દીપડા અને બીજા જાનવરો હાથી પર પાછળથી જ હુમલો કરે છે. હાથી દીપડાને સપાટામાં લેવા આખી કાયા ગોળગોળ ફેરવે છે પણ ચાલાક દીપડા હાથીની પાછળ જ ઘૂમતા રહે છે એટલે હાથીથી બચી જાય છે. માણસ પણ જો જંગલમાં હાથીથી બચવા માટે આડાઅવળા ચાલવાનું શીખી જાય તો બચી શકે છે. ઘનઘોર જંગલની વાત છોડો, આપણાં રાજકારણના જંગલમાં કેટલાય આડા ચાલે છે છતાંય બચી જ જાય છેને?
પંચ-વાણી
કહાં સચ્ચી ગાંધીગીરી હૈ
અરે યે નેતાંઓકી ટોલી તો
ગાંધી કી નઝરો સે ગીરી હૈ.