સ્વર્ગનું ચક્કર મારીને પાછી આવેલી મહિલા
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
શોકની જગ્યાએ હર્ષની લાગણી, રોકકળની જગ્યાએ ખુશાલી અને માતમની જગ્યાએ ઉજવણીનો માહોલ પંજાબના ગુરદાસપુરમાં જોવા મળ્યો. શું કામ ખબર છે? ગામની મહિલા સ્વર્ગનો એક આંટો મારીને પાછી આવી ગઈ હતી.
બન્યું એવું કે ગામની એક મહિલાની તબિયત કથળતા દોડાદોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઉપચાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું. રોકકળ શરૂ થઈ ગઈ. મૃત મહિલાને ડાઘુઓ સ્મશાને લઈ ગયા.
ચિતા ખડકવામાં આવી. જ્યારે ચિતાને અગ્નિ આપવાનો સમય થયો એ વખતે કોઈનો હાથ મૃતક મહિલાને અડી ગયો. એ સાથે જ મહિલા આળસ મરડીને બેઠી થઈ અને આશ્ચર્યચકિત થઈ ગયેલા અને સાથોસાથ ગભરાઈ ગયેલા ડાઘુઓ સામે જોઈને પૂરી સ્વસ્થતા સાથે જરાક મલકીને એટલું જ બોલી 'મેં તો સ્વર્ગ મેં જાકર વાપસ લૌટી હું....' કોઈ કાયમ માટે સ્વર્ગવાસી થાય તો શોક વ્યાપે છે, પણ શોર્ટ- ટર્મ માટે સ્વર્ગવાસી થઈને રિટર્ન થાય ત્યારે માતમને બદલે મહોત્સવનો જ માહોલ જોવા મળેને?
ચીઠ્ઠી આઈ હૈ આઈ હૈ....
ચીઠ્ઠી આઈ હૈ આઈ હૈ ચીઠ્ઠી આઈ હૈ.... આજે ઈન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં જાણે લોકો કાગળ લખવાનું જ ભૂલી ગયા છે. એક જમાનો હતો જ્યારે તાર- ટપાલથી વહેવાર ચાલતો. પોસ્ટ-કાર્ડ અને પરબિડિયા મોકલાતા. કરકસરિયા ગાંધીબાપુ પોસ્ટકાર્ડ લખતા એટલું જ નહીં કોઈનો કાગળ આવ્યો હોય તો તેના કોરા ભાગને ફેરઉપયોગમાં લેતા. શહેરમાં કમાવા ગયેલા દીકરાવ પોતાના ઘરે ટપાલના મનીઓર્ડરથી પૈસા મોકલતા.
ટપાલના આ વહેવાર ઉપર કૈંક કેટલીય કવિતાઓ, વાર્તાઓ લખાઈ હશે. આંધળી માનો કાગળ કોણ ભૂલી શકે? ધૂમકેતુની 'પોસ્ટ- ઓફિસ' વાર્તા તો વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામી હતી. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં જાગતિક ટપાલ દિનની ઉજવણી થઈ હતી. ભારતમાં ટપાલ વ્યવસ્થાને દોઢસો વર્ષના વહાણા વાઈ ગયા છે. આજે દેશભરમાં દોઢ લાખથી વધુ પોસ્ટ- ઓફિસો કાર્યરત છે.
પણ કોઈપણ મહાન યાત્રાની શરૂઆત એક પગલાંથી થાય છે એમ ભારતમાં બ્રિટિશરોએ ટપાલ ખાતાની સ્થાપના ૧૮૫૪માં કરી. ઈન્ટરનેટ અને મોબાઈલના આક્રમણ સામે ટપાલ ખાતું લથડિયા ખાવા માંડયું છે ત્યારે ફરીથી તેને ટકાવી રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. એટલું સારું છે. અત્યારે તો હર્ષ અને શોકની લાગણીના વાહક ગણાતા ટપાલી વિશે નીદા ફાઝલી સાહેબે લખેલી પંકિતઓ યાદ આવે છેઃ
સીધા સાદા ડાકિયા
જાદુ કરે મહાન
એક હી થૈલે મેં લાયે
આંસુ ઔર મુસ્કાન
દીપડાનો યુરીન પાવર
ઉત્તર પ્રદેશની ગાદીએ મુલાયમ સિંહ બીરાજતા હતા ત્યારે અમિતાભ બચ્ચન સાથેની ગાઢ દોસ્તીનો લાભ લઈ રાજ્યના પ્રચાર માટેના વિજ્ઞાાપનમાં બીગ- બીના અવાજનો ઉપયોગ કર્યો હતો. અમિતાભ ઘેરા અને ઘૂંટાયેલા અવાજમાં સંવાદ બોલતાઃ યુ.પી. મેં હૈ દમ કયોંકિ યહાં જુર્મ હૈ કમ... કેવું હળહળતું જુઠ્ઠાણું ફેલાવાનું? પણ પછી તો ગમે એટલો દમ લગાવ્યા છતાં યુપીની સત્તા મુલાયમસિંહ ખોઈ બેઠા. ખેર યુ.પી. મેં હૈ દમ એ સંવાદ જરા જુદા સંદર્ભમાં યાદ આવે છે.
ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પાકિસ્તાનની સરહદમાં ધસી જઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી દુશ્મનને મરણતોલ ફટકો માર્યો ત્યારે કેવી સચોટ વ્યૂહરચના કરી હતી એ જાણીને સહુ કોઈ આફરીન પોકારી ઊઠે છે. અત્યાધુનિક શસ્ત્રો, ઈન્ફ્રારેડ દૂરબિન અને કેમેરા અને અદ્યતન ઉપકરણો તો લઈ ગયા હતા પણ એક નવી વાત જાણવા મળી કે જે ટીમે સર્જિકલ સ્ટ્રાઈક કરી એ પહેલાં જે એડવાન્સ પાર્ટી પાક સરહદમાં ઘૂસી હતી તે પોતાની સાથે દીપડાનાં પેશાબની વાસવાળી માટી પણ લઈ ગઈ હતી. કારણ દીપડાનો ભાવતો શિકાર કૂતરા છે.
કૂતરાની દીપડાને જોઈને જ ફેં ફાટી જાય છે. એટલે એડવાન્સ પાર્ટીએ એ વાતની ચોકસાઈ રાખી કે કદાચ પાકિસ્તાની સેના પાસે પાળેલા કૂતરા હોય અથવા તો રખડતા કૂતરા હોય એ ભારતીય જવાનોને જોઈ ભસવા માંડે તો બધો ખેલ ચોપટ થઈ જાય. એટલે કહેવાય છે કે દીપડાના મૂત્રની તીવ ્રવાસવાળી માટી જ રસ્તામાં આજુબાજુ થોડે થોડે અંતરે નાખતા ગયા હતા.
કૂતરાની સૂંઘવાની શક્તિ કેટલી તેજ હોય છે? એટલે દીપડાના મૂત્રની વાસથી જ આઘા ભાગે. ખરેખર આ નુસ્ખો બરાબર કામ આવી ગયો. સર્જિકલ સ્ટ્રાઈક માટે ગયેલી ટીમ સામે કોઈ પાકિસ્તાની 'કૂત્તા'એ ભસવાની હિંમત ન કરી. યુ.પી. મેં હૈ દમ એટલે કે યુરીન પાવર મેં હૈ દમ.... બોલો દીપડાના યુરીનમાં કેવી તાકાત કહેવાય? યુ.પી. મેં હૈ દમ...
રસ્તા પર ચાલવાનું નહીં નાચવાનું
આપણે ત્યાં અવારનવાર શેરી- નાટકો (સ્ટ્રીટ પ્લે) ભજવાતા હોય છે. પરંતુ રસ્તા ઉપર શાસ્ત્રીય નૃત્ય થતું ભાગ્યે જ જોવા મળે. પણ કર્ણાટકના એક શહેરમાં યુવતીઓને સડક ઉપર ભરત- નાટયમ કરતી જોઈને ઘણાને નવાઈ લાગી. રસ્તા પર નૃત્ય કેમ કરતી હશે આ બહેનો? પણ જ્યારે કારણ જાણ્યું ત્યારે સહુ યુવતીઓને દાદ આપ્યા વિના ન રહી શકયા. હકીકતમાં રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડા અને ખોદાયેલી ફૂટપાથોને લીધે લોકોને માટે ચાલવાનું મુશ્કેલ બની ગયું હતું.
સ્થાનિક પ્રશાસનને ફરિયાદ કર્યા છતાં કોઈએ દાદ ન દીધી. એટલે યુવતીઓએ નુસ્ખો અજમાવ્યો અને ખાડાવાળા રસ્તે ભરત- નાટયમ કરવા માંડી અને તેની વિડિયો પણ ઉતારી. નૃત્ય કરવા પાછળનો આશય એ દેખાડવાનો હતો કે આ રસ્તે ઠેકી ઠેકીને ચાલતી વખતે જાણે ડાન્સના સ્ટેપ્સ કરતા હોઈએ એવું લાગે છે. આ વિડિયો ક્લિપ એટલી વાઈરલ થઈ કે હજારો લોકોએ જોઈ. એક કહેવત છે કે નાચ ન જાને આંગન ટેડા... અર્થાત નાચનારીનું આંગણું વાંકુ. પણ આ શહેરમાં તો વાંકાચૂકા રસ્તાની કલાત્મક ફરિયાદ જ નૃત્ય દ્વારા થઈ.
૭૫ દિવસ ચાલતી દશેરાની ઉજવણી
ભગવાન રામે લંકેશ રાવણને યુધ્ધમાં પરાસ્ત કરી વધ કર્યો, રાક્ષસી શક્તિ ઉપર દૈવીશક્તિનો વિજય થયો તેની ખુશાલીમાં દેશભરમાં ધામધૂમથી દશેરાનો તહેવાર ઉજવાય છે. આ ઊજવણી એક જ દિવસ થતી હોય છે. પરંતુ દશેરાની ઊજવણી કયાંય ૭૫ દિવસ ચાલતી હોય એ જોઈને કેવી નવાઈ લાગે? છત્તીસગઢના બસ્તરના આદિવાસી વિસ્તારમાં ૭૫ દિવસ એટલે કે અઢી મહિના સુધી ઉજવણીનો દૌર ચાલુ રહે છે.
પ્રભુ રામે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ઘણોખરો સમય જે દંડાકારણ્યમાં વિતાવ્યો હતો એજ આજનું બસ્તર છે એવી માન્યતા છે. જોકે આશ્ચર્યની હકીકત એ છે કે બસ્તરનો સંબંધ રામના વનવાસ સાથે હોવા છતાં દશેરાનો ઉત્સવ રાવણ પર રામના વિજયને વધાવવા માટે નથી ઊજવાતો, પણ બસ્તરમાં આ ઉત્સવ દેવી દંતેશ્વરી માટે ઊજવાય છે.
દશેરાનો દિવસ આવે એ પહેલાંથી આદિવાસીઓ ઉજવણીની તૈયારી શરૂ કરે છે અને દશેરા પછી પણ ઊજવણી ચાલુ રહે છે. દશેરાને દિવસે દેવી દંતેશ્વરીની પૂજાનું સૌથી વધુ મહત્ત્વ હોય છે. આધુનિકતાના આક્રમણથી પર રહીને બસ્તરના ભલાભોળા આદિવાસીઓ અઢી અઢી મહિના સુધી દશેરાની ઉજવણીનો ઊમંગ હૈયામાં ટકાવી રાખે એ કેવી મોટી વાત કહેવાય?
પંચ-વાણી
શ્રીમંતો પાસે હોય ધન-દૌલત
સંગીતકારો પાસે હોય ધૂન-દૌલત