મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
કેરળમાં ટુરિસ્ટોને જેલમાં મોકલાશે
જેલ જુઓ જેલનો ખેલ જુઓ. જેલની અંદર કેદીઓ કેવી રીતે રહે છે? શું ખાય છે? શું પહેરે છે? એ બાબતનો બહારની દુનિયાના લોકોને ખ્યાલ જ નથી હોતો. આથી જ કેરળ સરકારે બહારથી આવતા ટુરિસ્ટોને જેલ- જીવનનો અનુભવ કરાવવાનું નક્કી કર્યું છે. ત્રિચુર (થ્રીસુર)ની વાયુર સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં જેલ મ્યુઝિયમ રચવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમની અંદર જેલ જેવી જ બેરેક્સ ઉભી કરવામાં આવશે. જે લોકો જેલ- જીવનનો જાત અનુભવ લેવા ઈચ્છતા હશે તેમને ૨૪ કલાક માટે જેલનો યુનિફોર્મ પહેરાવવામાં આવશે.
જેલમાં બંધ કેદીઓને જે ભોજન આપવામાં આવે છે તેજ આપવામાં આવશે. આ કોટડીમાં એ.સી. કે પંખા નહીં હોય. ફક્ત એક બલ્બનું જ અજવાળું હશે. કારાગૃહના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ છ કરોડના ખર્ચે જેલ મ્યુઝિયમ રચાશે. જેલ- જીવનનો અનુભવ લોકોને કરાવવા પાછળનો મૂળ આશય એ છે કે જેલમાં કંઈ જલ્સા નથી હોતા, અગવડો વચ્ચે એક એક દિવસ વિતાવવો મુશ્કેલ છે એ લોકોને ખ્યાલ આવે અને એવા કોઈ કામ કરવાથી દૂર રહે જેથી જેલમાં જવાનો વખત ન આવે.
કેરળ સરકારના અભિનવ પ્રયોગને જોઈને વિચાર આવે છે કે અત્યારે જેલની બહાર છે એવાં પાખંડી સાધુઓ, લંપટ લંપટાનંદો અને ગુરુઘંટાલોએ પોતપોતાના આશ્રમોમાં આવી જ એક જેલ કોટડી બનાવી એમાં સમય વિતાવવાની પ્રેકટીસ કરી લેવી જોઈએ. જેથી કદાચ જેલમાં જવાનો વખત આવે તો બાબા રામરહીમની જેમ આકરું ન લાગે.
૧૯ હજારનો એક ઊંદર
રેલ ગાડી.... રેલ ગાડી.... બીચવાલે સ્ટેશન બોલે રૃક રૃક રૃક રૃક .... 'આશીર્વાદ' ફિલ્મમાં અશોક કુમારે ગાયેલું આ ગીત આજે જૂના જમાનાની સ્ટીમ એન્જિનવાળી રેલગાડીની તસવીર પણ જોઈએ તો કાનમાં ગુંજવા માંડે છે.
આજે તો ભારતીય રેલવેએ પ્રગતિનો પરચમ લહેરાવ્યો છે, હાઈસ્પીડ એ.સી. ટ્રેનો પૂરઝડપે દોડવા માંડી છે. હવે તો દેશવાસીઓને બંદૂકની ગોળીની જેમ છૂટતી બૂલેટ ટ્રેનના સપના દેખાડવામાં આવી રહ્યાં છે. રેલવેએ આટલી આગેકૂચ કરી હોય ત્યારે એમાં કોઈ સુપરફાસ્ટ એ.સી. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ઊંદર દોડાદોડી કરે એ કેમ ચલાવી લેવાય? એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ મુંબઈ અને કેરળ વચ્ચેની દુરન્તો ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલા વકીલે ડબામાં દોડાદોડી કરતા ઊંદરની ફરિયાદ રેલવે ઓથોરિટીને કરી. પણ રેલવેવાળાએ દાદ ન આપતા તેણે કન્ઝયુમર કોર્ટમા ધા નાખી બરાબરની કાનૂની લડત આપી. અંતે કોર્ટે રેલવેને આ મહિલાને ૧૯ હજારનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આમ રેલવેને એક ઊંદર ૧૯ હજારનો પડયો.
હાથીપગાના પગરખા
અમુક દરિયા કિનારે ખાસ જાતના મચ્છર કરડે તો હાથીપગુ થાય છે. પગ રીતસર હાથી જેવો થઈ જાય છે. પગરખાં પણ પહેરી શકાતા નથી. પણ હવે હાથીના પગની રક્ષા માટે ખાસ પગરખાં બનવા માંડયા છે. હાથીરક્ષક સંસ્થા ઐરાવત (એશિયન એલિફન્ટ રિહેબિટેશન એન્ડ વાઈલ્ડ લાઈફ એનિમલ ટ્રસ્ટ) દ્વારા હાથીઓને પગરખાં પહેરાવવાની પહેલ કરવામાં આવી છે. ગજરાજને જૂતા પહેરાવવા પાછળનું એક કારણ છે. હાથીની આંખો આમ તો પહેલેથી નબળી હોય છે.
એમાં પણ જ્યારે શહેરની સિમેન્ટ કે ડામરની નક્કર સડકો પર હાથીને ચલાવવામાં આવે છે તેને લીધે આંખોને વધુ નુકસાન પહોંચે છે એવું હાથી- નિષ્ણાત અખ્તર ઈમામે શોધી કાઢયું. આથી હાથીની આંખોને નુકસાનથી બચાવવા તેમણે ચોપગા જૂતા તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. બિહારના નાલંદા જિલ્લામાં એક કારીગરને હાથી- હાથણી માટે જેન્ટ્સ કે લેડીઝ જૂતા તૈયાર કરવા માટે રાજી કરવામાં આવ્યો.
હાથીના પગરખા મહામહેનતે તૈયાર થવા માંડયા છે. એક- એક પગના પગરખાનું વજન દસ- દસ કિલો છે. આ જૂતાનો ઉપયોગ જંગલી હાથીઓ માટે નહી પણ ગામ કે શહેરોમાં વજન ઉઠાવવા, લાકડા સારવા જેવાં કામો કરતા અથવા સરઘસોમાં મોખરે શણગારીને ચલાવવામાં આવતા ગજરાજો માટે કરવામાં આવશે. હવે હાથીને જૂતા પહેરીને ફસડ- ફસડ હાલતા જોઈને કોઈએ પૂછવું નહીં પડે કે 'હાથી જૂતા પહેરે શાથી?'
જનની- એક્સપ્રેસ વિના બળદગાડામાં પ્રસૂતાનો પ્રવાસ
મધ્ય પ્રદેશમાં પ્રસૂતાને સુવાવડ માટે હોસ્પિટલ પહોંચાડવા માટે 'જનની- એક્સપ્રેસ' વાહનો દોડાવવામાં આવે છે. સરકાર તરફથી આ બાબતનો જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવે છે કે જનતાની સેવા માટે કેવી યંત્રણા ગોઠવવામાં આવી છે. પરંતુ ખરેખર જ્યારે સગર્ભાને પ્રસૂતિ પીડા ઉપડે અને તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચાડવા જનની- એક્સપ્રેસ કે એમ્બ્યુલન્સ પણ ન મળે તો કેવી વિકટ પરિસ્થિતિ ઉભી થાય તેનો વસમો અનુભવ છત્તરપુરના તુમરયાઉ ગામડાની પ્રસૂતાને થયો હતો.
તેને પ્રસૂતિ પીડા ઉપડતાની સાથે જ પરિવારજનોએ એમ્બ્યુલન્સ કે જનની- એક્સપ્રેસ બોલાવવાની કોશિશ કરી. પણ કોઈ વાહન ન મળવાથી છેવટે પ્રસૂતાને બળદગાડામાં સૂવડાવી ગામડાના ઉબડખાબડ રસ્તેથી માંડ માંડ સરકારી હોસ્પિટલમાં પહોંચાડવી પડી હતી. આ કિસ્સો સાંભળી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગીત જરા ફેરવીને ગાવું પડે કે જનની- એક્સપ્રેસ સખી નહીં જડે રે લોલ...
રામ નામે પથ્થર તરે કે રામ નામે સોટી પડે?
પાયોજી મૈંને રામ રતન ધન પાયો.... મહાત્મા ગાંધીજીએ જ્યારે દેહત્યાગ્યો ત્યારે અંતિમ શબ્દો સરી પડયા હતા 'હે રામ.' રામ નામ તો સંજીવની છે. પરંતુ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાની એક સ્કૂલમાં રામનું નામ લેવા બદલ મુખ્ય શિક્ષકે ચાર છાત્રોની બેરહેમીથી પીટાઈ કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બન્યું એવું કે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. વાત વધી પડી અને ઝપાઝપી થઈ. એ વખતે ચાર છાત્રોને શૂરાતન ચડતા જયશ્રી રામના નારા લગાવ્યા.
આ સાંભળીને કહેવાય છે કે બહાર દોડી આવેલા મુખ્ય શિક્ષકે ઝાડની એક ડાળી તોડીને ચારેય વિદ્યાર્થીને સપાસપ ફટકારી. ચારેયને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા પડ્યા. પછી તો પોલીસમાં ધા નાખવામાં આવતા જાંચ પણ શરૃ થઈ. પરંતુ સવાલ એ થાય કે રામ-કૃષ્ણની આ ભૂમિમાં કહેવાય છે કે રામને નામે પથ્થર તરે છે. તો પછી પશ્ચિમ બંગાળમાં રામને નામે સોટી કેમ પડે? હવે તો ત્યાં લાલિયા સામ્યવાદીનું રાજ પણ ખતમ થઈ ગયું છે. એટલે જ કહેવું પડે કે રામ- નામ તારે મારે નહીં.
પંચ- વાણી
પ્રેમમાં ઝૂલતા પુલ
પરણીને ભૂલતા 'ફૂલ'