મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
મહારાષ્ટ્રમાં આખી નદી ચોરાઈ
રાજ કપૂરે જ્યારે 'ચોરી ચોરી' ફિલ્મ બનાવી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે એક દિવસ 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ...' એ દેશમાં જાતજાતની ચોરીઓ થવા માંડશે. ચોરી જ જાણે રાષ્ટ્રનો મુખ્ય વ્યવસાય બની ગયો હોય એમ અવનવી ચોરીઓ થયા જ કરે છે. ક્યાંક ધનની ચોરી તો ક્યાંક ધૂનની ચોરી, ગરીબ કરે કોઈકના ઘરમાં ચોરી તો ધનવાનો કરે કરમાં ચોરી આમ ઘર-ચોરી અને કર-ચોરી થયા કરે છે.
હોસ્પિટલોમાંથી ક્યારેક તરતના જન્મેલા બાળકની ચોરીના કિસ્સા બહાર આવે છે તો વળી ક્યાંક મૃત્યુ બાદ દફનાવેલી વ્યક્તિની લાશ કબર ખોદી ચોરી જવાના સમાચાર પણ આવ્યા હતા. પેટની ભૂખ ભાંગવા રોટી અને પાંવની ચોરી થાય છે. પરંતુ આખેઆખી નદી જ ચોરાઈ જાય એવું ક્યાંય સાંભળ્યું છે? ક્યારેય ન સાંભળી હોય એવી ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરની પાસે આવેલા હાતકણંગળે ગામે બની હતી. એક દિવસ ગામવાસીઓનું ટોળું હાથમાં બેડા અને બાલદીઓ તથા માછલી પકડવાની જાળ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યું અને ફોજદારને ફરિયાદ કરી કે આખી પંચગંગા નદી ચોરાઈ ગઈ છે, અમારી ફરિયાદ નોંધો.
ફોજદાર આશ્ચર્યમાં પડી ગયો કે આખી નદી કેવી રીતે ચોરાય? ત્યારે ટોળાની આગેવાની લેનારા બે-ચાર આગેવાનોએ મુદ્દો સમજાવ્યો કે જાણે વાત એમ છે કે પંચગંગા નદીમાં આખા ગામનો કચરો ઠલવાય છે. નદીના પાણીમાં ગામનું મેલું પાણી ભળે છે. આમ એટલી હદે જળ પ્રદૂષણ થયું છે કે નદી દેખાતી જ નથી. એટલે અમે ફરિયાદ કરવા આવ્યા છીએ કે નદી ચોરાઈ ગઈ છે. લોકોનો આ અનોખો વિરોધ અને નદી ચોરાયાની વાતની ધીમી અસર થઈ ખરી. હવે જ્યારે પંચગંગા નદી એકદમ સાફ થઈ જશે અને ગ્રામજનો નદીના પાણીનો ઉપયોગ કરવા માંડશે ત્યારે જીસ દેશમેં ગંગા બહતી હૈ... જેવું ફિલ્મનું નવું ટાઈટલ આપી શકાશે કે જીસ સ્ટેટ મેં પંચ-ગંગા બહતી હૈ...
અયોધ્યામાં વેંચાય 'રામાયણ' સિરિયલના પાત્રોના ફોટા
રામ-મંદિરને ઓટલે બેસી ભજન લલકારતા એક વૃદ્ધ ભજનિકના કંઠેથી સાંભળેલું ભજન યાદ આવે છે: 'ઘર ઘર મેં છબી સીતા-રામ કી ઔર છબી ના કોઈ કામ કી...' પ્રભુ રામ અને સીતામાતાની છબી તો ભક્તજનના હૈયામાં જ હોયને? તમે કોઈ પણ તીર્થસ્થાને જાવ ત્યાં તમને દેવ-દેવીઓની રંગીન તસવીરો અને નાની મૂર્તિઓ વેંચાતી જોવા મળે છે. પરંતુ હમણાં જ એક વરિષ્ઠ પત્રકાર અયોધ્યા અને ઓમકારેશ્વરની યાત્રાએ ગયા ત્યારે ત્યાં વેંચાતા દેવ-દેવીઓના ફોટા પર નજર ફેરવતા આશ્ચર્યનો કોઈ પાર નહોતો રહ્યો.
કારણ રામાનંદ સાગરની બેહદ લોકપ્રિય થયેલી 'રામાયણ' સિરિયલમાં જેમણે રામ-સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવેલી તેમના ફોટા વેંચાતા હતા. આ સિરિયલમાં રામ બન્યા હતા અરૃણ ગોવીલ, સીતામાતાની ભૂમિકા નિભાવી હતી દીપિકા ચિખલિયાએ અને લક્ષ્મણજી બન્યા હતા સુનીલ લાહેરી. આમ દેવી-દેવતાઓના ફોટા વેંચનારા 'રામાયણ' સિરિયલની આ તસવીરો વેંચતા જોવા મળ્યા હતા.
દક્ષિણ ભારતમાં તો પહેલેથી ફિલ્મસ્ટારો જ ભગવાન રૃપે પૂજાય છે, એમનાં મંદિરો બંધાય છે અને ધૂપ-દીપ સાથે આરતી ઉતારવામાં આવે છે. જનમાનસમાં ફિલ્મો અને ટીવી સિરિયલોની અસર કેટલી હદે થાય છે તેની આ સાબિતી છે. રામ મંદિરના નામે ખેલાતા રાજકારણથી વાજ આવી ગયેલા ભક્તજનો મનોમન ઈચ્છે છે કે જલ્દી રામ-મંદિર બંધાય અને એમાં પ્રભુ રામ અને સીતામાતાની મૂર્તિના દર્શન થાય.
અમિતાભ બચ્ચનને વાંદરાએ તમાચો માર્યો
સિંહ અને વાંદરાનો કિસ્સો મોટા ભાગનાએ ક્યાંક સાંભળ્યો જ હશે. ગીરના જંગલની વાત છે. ઝાડના છાયે સિંહ લાંબો થઈ પડયો હતો. ઝાડ ઉપર બેઠેલા ભારતીય કૂદતા પાર્ટીના અળવિતરા વાંદરાને મસ્તી સૂજી એણે વિચાર્યું કે હિંમત કરી જંગલના રાજાને તમાચો માર્યો હોય તો જંગલમાં આપણા નામની વાહ વાહ થઈ જાય. એણે તો નીચે ઉતરી સૂતેલા સિંહને કચકચાવી તમાચો ચોડી દીધો અને પછી ઊભી પૂંછડીએ ભાગ્યો. જંગલનો રાજા માથું ધુણાવીને ત્રાડ નાખતાં ઊભો થયો ત્યાં તો વાંદરો ક્યાંયનો ક્યાંય નીકળી ગયો હતો. પણ સમજી ગયો કે આ ઝાડ પરના મસ્તીખોર વાનરનું કામ હશે એટલે કોઈ જોઈ નથી ગયું તેની ખાતરી કરી ચાલવા માંડયો. બીજી તરફ વાંદરાએ સિંહને આવતો જોઈ ગભરાઈન ેવિચાર્યું ખલાસ આ તો મારી નાખંશે. એટલે એણે ભેજું દોડાવ્યું.
ત્યાં એક જૂનું છાપું પડયું હતું એ લઈ જાણે વાંચતો હોય એમ મોઢું સંતાડી બેસી ગયો. સિંહે પાસે આવીને પૂછયું કે 'ઓલા વાંદરાને જોયો છે?' સવાલ સાંભળી અળવિતરા વાંદરાએ સામે સવાલ કર્યો 'કયો વાંદરો? ઓલો સિંહને લાફો મારી ભાગ્યો એની વાત કરો છો?' ખલાસ સિંહ એવો શરમાઈ ગયો કે જંગલ ભેગો થઈ ગયો. આ તો રમૂજી વાર્તા છે. પણ બોલીવૂડના સાવજ કહી શકાય એવાં અમિતાભ બચ્ચનને એક વાંદરાએ સણસણતો તમાચો ચોડયો હતો ખબર છે? ખુદ બિગ-બીએ જ સોશિયલ મિડિયા પર આ મજેદાર કિસ્સો જણાવ્યો હતો. 'ગંગા કી સૌગંદ' ફિલ્મનું શૂટિંગ હરદ્વાર પાસે ઋષિકેશમાં ચાલતું હતું.
શૂટિંગમાંથી થોડો સમય મળતા અમિતાભ બચ્ચન લક્ષ્મણ ઝૂલા પાસે જઈ વાંદરાને કંઈક ખવડાવવા માંડયા. બિગ-બીનું ધ્યાન મજેથી ખાતા વાનર તરફ હતુ ત્યાં ઓચિંતો બીજો એક વાંદરો ઝાડ પરથી નીચે ઠેકીને આવ્યો અને અમિતાભને જોરદાર તમાચો મારી દીધો. એકને ખવડાવો અને બીજાને ભૂલી જાવ એ લંગુર કેમ સહન કરે? આવું છે જુઓ. વાંદરા ઊઠી સિંહને તમાચા ચોડી જાય તો જીવવું કેમ?
કોઈ ધમાલ વિના કેદીઓની કમાલ
કેદીઓ જેલ તોડીને ભાગે કે પછી જેલની અંદર રહીને ગુનાખોરી આચરે એવાં કિસ્સા અવારનવાર બહાર આવે છે. પણ જેલ ખુલ્લી મૂકી દીધી હોય તો? જેલ ખુલ્લી મૂકવી એટલે કારગૃહના તોતીંગ દરવાજા ખોલી નાખવાની વાત નથી. આ તો વધુને વધુ ખુલ્લી જેલ રચવામાં આવે તો તેનું કેવું સારૃં પરિણામ આવે તેનો દાખલો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના પૈઠણની ખુલી જેલના કેદીઓએ બેસાડયો છે. પૈઠણની ખુલી જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતા કેદીઓએ ખેતરમાં દિવસ-રાત કડી મહેનત કરી ઉગાડેલા પાકના વેચાણમાંથી જેલ પ્રશાસનને એક વર્ષમાં ૮૪.૫૦ લાખની આવક થઈ છે.
આમ કેદીઓના પરિશ્રમમાંથી મોટી આવક રળવામાં પૈઠણ ઓપન જેલે આખા મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. દેશ આઝાદ થયા પછી ખુલ્લા કારાગૃહો રચવાની અભિનવ કલ્પનાને સાકાર સ્વરૃપ આપવામાં આવ્યું તેનું સુખદ પરિણામ આવ્યું છે. આ પહેલાં સરકારે જાયકવાડી ડેમ પ્રોજેકટ હાથ ધર્યો એ વખતે બંધના નિર્માણ કાર્યમાં કેદીઓને કામે લગાડવામાં આવ્યા હતા. ત્યારે તેમણે ખૂબ જ સારી કામગીરી બજાવી હતી એ વખતે ડેમ માટે જે જમીન સંપાદિત કરવામાં આવી હતી એમાંથી બચેલી જમીન ઉપર કેદીઓ પાસે ખેતી કરાવીને કૃષિ પેદાશ મેળવવાની શરૃઆત થઈ હતી. રાજ્યના જુદા જુદા કારાગૃહમાં સજા ભોગવવા કેદીઓએ મહેનત કરીને ઉગાડેલા પાકના વેચાણમાંથી ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન લગભગ ચાર કરોડની આવક મેળવવામાં આવી હતી. એટલે જ કહેવું પડે કે:
કેદીઓ બંધ જેલમાં કરે ધમાલ
પણ ખુલ્લી જેલમાં દેખાડે કમાલ.
ચામાચિડિયા જ્યાં પૂજાય છેે
કેરળમાં કેટલાયનો ભોગ લઈ ચૂકેલા નિપાહ વાઈરસ વડવાગોળ (ચામાચિડિયા) દ્વારા ફેલાય છે એવી જાણકારી મળતા લોકો ઝાડ ઉપર શિર્ષાસન કરી ઊંઘા લટકતા ચામાચિડિયા (ચમગાદડ)ને જોઈને જ ધુ્રજી ઊઠે છે. ભૂતપ્રેતની કે હોરર ફિલ્મોમાં દ્રશ્યને વધુ બિહામણું બનાવવા માટે નિર્જન કિલ્લા કે બાવાજાળા બાઝી ગયા હોય એવી હવેલીમાં ચામાચિડિયા ઊડાઊડ કરતા દેખાડવામાં આવે છે.
હોલીવૂડમાં તો 'બેટમેન' નામની ફિલ્મ પણ બની હતી.બધે ભલે આ વડવાગોળને ભયપ્રેરક ગણવામાં આવતા હોય, પણ બિહારમાં એક જગ્યા એવી છે જ્યાં વડવાગોળ પૂજાય છે. વૈશાલી જિલ્લાના રાજાપાકર પ્રખંડના સરસઈ ગામે વડવાગોળની પૂજા થાય છે એટલું જ નહીં લોકો માને છે કે વડવાગોળ તેમના રક્ષક છે. સમૃદ્ધિના પ્રતિક છે. ગામના પ્રાચીન તળવાની આસપાસ વડ, પીપળા, સેમર અને બથુઆના વૃક્ષો પર આ ચામાચિડિયા વસવાટ કરે છે.
આ તળાવનું નિર્માણ રાજા શિવસિંહે ૧૪૦૨ની સાલમાં કર્યું હતું. આસપાસ કેટલાય મંદિરો આવેલા છે. ગ્રામજનો કોઈપણ શુભ કાર્ય શરૃ કરતા પહેલાં આ જગ્યાએ આવીને વડવાગોળની પૂજા કરે છે. વડવાગોળની આબાદીમાં સતત વૃદ્ધિ થતી રહે છે. વૃક્ષો ઉપર ઊંધા લટકતા સેંકડો ચામાચિડિયાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે, એમ એક હિન્દી દૈનિકના અહેવાલમાં જણાવાયું છે. કેવો વિરોધાભાસ કહેવાય? જ્યાં નિપાહ વાઈરસની દહેશત છે ત્યાં વડવાગોળ રહેંસાય છે, અને બિહારમાં પૂજાય છે.
પંચ-વાણી
આળસુ 'આળસેશિયનો'ને જોઈને ગાંધીબાપુનું વાક્ય યાદ આવે છે: આળસ પણ એક પ્રકારની હિંસા જ છે.