app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કેદખાનામાંથી રાજાઓ છૂટે, પણ કાજુ કતલીનો સ્વાદ ન છૂટે

Updated: Nov 10th, 2022

- મેરા ભારત મહાન : અક્ષય અંતાણી

કેદખાનામાંથી રાજાઓ છૂટે, પણ કાજુ કતલીનો સ્વાદ ન છૂટે

દિવાળીની ઉજવણીનો ઉમંગ, કાજુ કતલીની સંગ જામે ખરો રંગ... એવું કહેવાય છે.  દિૂધમાંથી બનતી મીઠાઈના ચોસલાને  બરફી કહેવાય તો કાજુ, દૂધ, સાકર ભેળવીને બનતી મીઠાઈને કેમ કતલી કહેવાતી હશે એવો સવાલ થાય, પણ પાકશાસ્ત્રના જાણકારોના મત મુજબ, ખાસ પ્રકારે  કાજુની આ મીઠાઈને કાપવામાં આવે છે  એના પરથી  તેને કતલી  કહેવાય છે. 

આપણા દેશમાં  પોર્ટુગીઝોએ ૧૫૬૦ની આસપાસ પગ મૂક્યો અને પોતાની સાથે તેઓ કાજુ લાવ્યા.  આજે કોંકણ, કેરળ, ગોવા બાજુ સૌથી  વધુ કાજુ પાકે છે. કાજુ કતલીનો ઈતિહાસ જાણવા માટે પ્રયાસ કરતા એેવું વાંચવા મળ્યું કે  મોગલ  બાદશાહ જહાંગીરે અનેક રાજાઓને  બંદીવાન બનાવી ગ્વાલિયરના કારાગૃહમાં કેદકરેલા. આ કારાગૃહમાં જહાંગીરે શિખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહને પણ કેદ કરેલા. હરગોવિંદ સિંહ કેદખાનામાં  બંધ રાજાઓને હતાશામાંથી બહાર લાવવા માટે ઉપદેશઆપતા અને તેમણે બધા રાજાઓની માનસિક સ્થિતિ સુધારી, એટલું જ નહીં, તેમને આત્મનિર્ભર બનાવ્યા.  શિખ ગુરુના આ કાર્યથી પ્રભાવિત થયેલા બાદશાહ જહાંગીરે  હરગોવિંદ સિંહને  કેદમાંથી  મુક્ત કરવાનો આદેશ આપ્યો,  પરંતુ ગુરુજીએ શરત મૂકી કે બધા રાજાને છોડો તો જ હું કેદમાંથી બહાર આવીશ.  જહાંગીરે  શરત મૂકી કે  બધા રાજાને તો કેમ છોડી શકું? પણ જે ગુરુજીનું અંગરખું  પકડીને નીકળશે એ બધાને  છોડી દઈશ. શિખ ગુરૂએ ભારે જહેમત ઉઠાવી બાવન પાટલીવાળા અંગરખાને સીવીને પહેરી લીધો.  પછી આ લાંબા  અંગરખાને ઝાલીને કેદખાનામાંથી  તમામ બાવન રાજાઓ બહાર આવી  ગયા. એટલે  શિખોમાં આ દિવસનું  બહુ જ મહત્ત્વ છે, જે 'હંદી છોડ દિન' તરીકે ઉજવાય છે. આ દિવસ દિવાળીની આસપાસ આવે છે કેદખાનામાંથી રાજાઓ છૂટયા તેમના સ્વાગતમાં પહેલી વાર કાજુ કતલી બનાવવામાં આવેલી એવું મનાય છે. 

યોગાશ્રમ નહીં પણ ડોગાશ્રમ

તમે યોગાશ્રમ ઘણા જોયા હશે, પણ અનોખો ડોગાશ્રમ જોવા ઓરેન્જ સિટી એટલે સંતરાના શહેર નાગપુર જવું પડે. સામાન્ય રીતે રખડતાં અને રઝળતાં કૂતરાંના વધતા જતા ત્રાસ સામે તેને મારી હટાવવાના કે મારી નાખવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે, પણ જૂના નાગપુરમાં કૂત્તેવાલા બાબા કા આશ્રમમાં રઝળતા કૂતરાને બાદશાહીથી જીવાડવામાં આવે છે.  શ્વાનની સારસંભાળનો આ સિલસિલો છેલ્લાં સો વર્ષથી ચાલે છે. એક સદી પહેલાં રામસંબર બાબાએ નાગપુરમાં પગ મૂક્યો. ત્યાર પછી તેમણે રઝળતાં શ્વાનોને ખવડાવીને  એમની ભૂખ ભાંગવાનો આ એક યજ્ઞા શરૂ કર્યો. ધીરે ધીરે જૂના નાગપુરના શાંતિનગર વિસ્તારમાં મંદિર બંધાયું અને શ્વાનાશ્રમ અસ્તિત્વમાં આવ્યો. બાબાએ ૧૯૬૭માં સમાધિ લીધી  ત્યાર પછી પણ બાબાના ભક્તોએ શ્વાનસેવા ચાલુ જ રાખી છે. આશ્રમમાં કાયમી વસવાટ કરતા રેસિડેન્ટ ડોગની સંખ્યા ૬૦ની આસપાસ છે. આ ઉપરાંત બહારનાં કૂતરાં પણ સમયસર ભોજન માટે પહોંચી જાય છે. દરરોજ રાત્રે ૫૦ કિલો ઘઉંના લોટમાંથી ઢગલાબંધ રોટલીઓ શેકવામાં આવે છે. આશ્રમના સ્વયંસેવકો આ રોટલીઓ દૂધમાં બોળી બોળીને આશ્રમવાસી શ્વાનો તેમજ બહારથી આવેલાશ્વાનોને પ્રેમથી ખવડાવે છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લાં ૧૦૦ વર્ષમાં કૂતરાઓએ કોઈ માણસ પર હુમલો કર્યો હોય એવો એક પણ કિસ્સો જાણમાં નથી. જીવદયાનું આ પ્રત્યક્ષ દર્શન કરીને કહેવું પડે કે -

ઔર જગહ મેં

લોગ ડરતે હૈ શ્વાન સે,

પર યહ ડોગાશ્રમ મે

શ્વાન જીતે હૈ શાન સે.

ચાર દાયકા સુધી

તારીખ પે તારીખ...

તારીખ પે તારીખ...આ ફિલ્મી ડાયલોગ અવારનવાર સાંભળવા મળે છે,  પણ વાસ્તવિક  જીવનમાં ૧૦ વર્ષની ઉંમરથી તારીખ પે તારીખ...નો ૪૩ વર્ષ સુધી વસમો અનુભવ કરી ચૂકેલા બક્સર જિલ્લાના ડુમરાંવ ગામના  શ્યામબિહારી સિંહને જ્યારે  અદાલતે માનભેર મુક્ત કર્યો ત્યારે તે  ખુશખુશ થઈ ગયો હતો. શ્યામબિહારી સિંહ દસ વર્ષનો હતો એ વખતે કોઈ ધમાલ થઈ ત્યારે ભીડમાં  સામેલ થવાનો મારપીટ કરવાનો ગુનો તેની  સામે નોંધાયો હતો. બક્સરની અદાલતમાં આ કેસ ચાલ્યો.  ચાર દાયકાથી વધુ સમય સુધી શ્યામબિહારી સિંહ કોર્ટની તારીખ હોય ત્યારે હાજરી આપતો રહ્યો. તેને વિશ્વાસ હતો કે ભલે  મોડું થાય, પણ ન્યાય મળશે જ, એટલે ૪૩ વર્ષ સુધી તારીખ પે તારીખ... વખતે તે કોર્ટમાં  જતો હતો. આખરે તેની ઉપર જે આરોપ લાગેલા એ પુરવાર ન થતા અદાલતે તેને માનભેર  દોષમુક્ત જાહેર કર્યો હતો. જરા કલ્પના કરો કે આ માણસે કેટલી ધીરજ અને ન્યાયતંત્ર પર અડગ શ્રદ્ધા રાખી હશે? આ કિસ્સો સાંભળી કહેવું પડે કે -

ઈન્સાફ મેળવતા લાગ્યાં ૪૩ વર્ષ,

એ જણના હૈયે કેવો હશે હર્ષ?

યુપીના ગન- તંત્રમાં બનેલી પેન- ગન

કહે છેનેે કે તલવાર કરતાં કલમ વધુ કાતિલ છે. એવી કોઈ પેન હોય કે જેનાથી સામેવાળાને ઠાર કરી શકાય? આવી પેન- ગન જેમ્સ બોન્ડની ફિલ્મોમાં જોયાનું યાદ આવે, પરંતુ આ પેન- ગન ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી જ્યારે એન્ટી- ટેરરીઝમ સ્કવોડની ટીમે પકડી ત્યારે સહુ દંગ રહી ગયા હતા. આ પેન-ગન યુપીમાં જ બનાવવામાં આવી હતી. આઝમગઢના જ બે શખસો પાસેથી આ પેન- ગન તેમજ ઘાતક શસ્ત્રો બનાવાવનો સરંજામ પકડાયો હતો. 

આ પેન- ગન બ્રેવરમેન સ્ટીંગર તરીકે ઓળખાય છે, કારણ કે આવી સૌથી પહેલી પેન- ગન આર.જે. બ્રેવરમેને ૧૯૯૩- ૯૭ના ગાળામાં બનાવેલી. આઝમગઢના બે ભેજાબાજ શખસોએ સ્થાનિક કારીગરની મદદ લીધી અને સ્થાનિક ગન શોપમાંથી કાચી સામગ્રી લાવી પેન- ગન બનાવવા માંડયા. આ પેન- ગન સિંગલ- શોટ પિસ્તોલ તરીકે પણ ઓળખાય છે. નજીકના અંતરેથી પેન- ગનમાંથી એક જ ધડાકો કરી શકાય છે. ટ્રિગર દબાવતાં એક ગોળી છૂટે છે. યોગી આદિત્યનાથે સુકાન સંભાળ્યા પછી 'ગુંડાશ્રી'ઓની ફેં ફાટી ગઈ છે, કેટલાયના બેકાયદે બંગલાઓ પર બુલડોઝર ફેરવી દીધાં છે. અત્યાધુનિક પેન-ગન બનાવવાનું કારસ્તાન પકડાયું છે ત્યારે એવી આશા બંધાણી છે કે આ ગણતંત્ર દેશના ઉત્તરીય પ્રદેશને ગન-તંત્રથી મુક્ત કરશે.

શિલ્પકારના નામે એકમાત્ર મંદિર

આપણા દેશમાં એક જ મંદિર એવું છે જે તેના શિલ્પકારને નામે ઓળખાય છે. આ મંદિર એટલે તેલંગણા રાજ્યમાં મુલુગુ જિલ્લામાં આવેલું રામપ્પા મંદિર. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ રામપ્પા મંદિર ઈ.સ. ૧૨૧૩માં કાકતીય શાસક ગણપતિ દેવના શાસનકાળમાં તેમના સેનાપતિ રેચારલા રૂદ્રદેવે બંધાવ્યું હતું. છ ફૂટ ઊંચા તારાના આકારના ચબુતરા પર ભવ્ય મ ંદિર કાળની થપાટો ઝીલીને અડીખમ ઊભું છે. પ્રભાવશાળી પ્રવેશદ્વાર, હજાર સ્તંભ, પથ્થરની દીવાલો પર પૌરાણિક પ્રાણીઓ અને નર્તકીઓની કલાકૃતિઓ અંકિત કરવામાં આવી છે. શિલ્પકાર રામપ્પાએ ઊભા કરેલા શિલ્પ- સ્થાપત્યના એક અદભૂત નમૂનારૂપ મંદિરમાં એક છત નીચે શિવ, વિષ્ણુ અને સૂર્યદેવની મૂર્તિઓ બિરાજમાન છે. એટલે તેને 'ત્રિકુટલ્યમ' પણ કહે છે. સામાન્ય રીતે મહાદેવ અને શ્રીહરિની સાથે બ્રહ્માની મૂર્તિનું પૂજન થતું હોય છે, પરંતુ આ એક માત્ર એવું મંદિર છે જ્યાં બ્રહ્માજીના સ્થાને સૂરજદેવ બિરાજમાન છે. મંદિરની આ બધી વિલક્ષણતાને લીધે જ વિશ્વ પ્રવાસી માર્કો પોલોએ આ મંદિર જોઈને અભિભૂત થઈને લખેલું કે મંદિરોની આકાશગંગાના સૌથી તેજસ્વી તારક સમાન રામપ્પા મંદિર છે. સૃષ્ટિના સર્જક દેવોની મૂર્તિઓ ઘડી જેણે મંદિર બનાવ્યું એ શિલ્પકારના નામે આખું મંદિર ઓળખાય એ એની  સૌથી મોટી ખાસિયત ગણાયને?

પંચ-વાણી

નેતા  કરે તમાશા

પ્રજા  ખમે તમાચા

Gujarat