Get The App

માતાની શોધમાં 41 વર્ષે ભારત આવ્યા નેધરલેન્ડના મેયર

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
માતાની શોધમાં 41 વર્ષે ભારત આવ્યા નેધરલેન્ડના મેયર 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મા મુઝે અપને આંચલ મેં છૂપા લે, ગલે સે લગા લે કે ઔર મેરા કોઈ નહીં... માતાને મળવા માટે છેલ્લા ૪૧ વર્ષથી તલસતા નેધરલેન્ડના એક શહેરના મેયર ફાલ્ગુન બિનેનડિઝક થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુર આવ્યા હતા.

 એમાં એવું થયું હતું કે નાગપુરમાં એક અવિવાહિત મહિલાએ ૧૦મી ફેબુ્રઆરી ૧૯૮૫ના રોજ જન્મ આપ્યો. પ્રસૂતિ બાદ ત્રીજે જ દિવસે માતા સમાજના ડરને લીધે બાળકને છોડીને ચાલી ગઈ. એ પછી નાગપુરના માતૃસેવા સંઘની એક નર્સે બાળકનો જન્મ ફેબુ્રઆરીમાં થયો હોવાથી હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન નામ આપ્યું. એક મહિનો માતૃસેવા સંઘમાં બાળકને રાખવામાં આવ્યા પછી ભારત ફરવા આવેલા એક નેધરલેન્ડના કપલે દત્તક લીધું અને પોતાને દેશ લઈ ગયા. બાળકને ભણાવી-ગણાવી મોટો કર્યો. 

આજે  નેધરલેન્ડના એક શહેરના મેયર બનેલ ફાલ્ગુન બિનનડિઝીક માતાની શોધમાં ૪૧ વર્ષ પછી નાગપુર આવ્યા હતા. ભલે માતા ન મળી પણ માતૃભૂમિ આવવાનો મોકો મળ્યોે એનાથી મેયર ભાવવિભોર બની ગયા હતા.

કર્ણાટકમાં 'મર-નાટક'

મોહબ્બતમાં પહેલો અને છેલ્લો અક્ષર ભેગા કરો તો ક્યો શબ્દ બને? મો-ત, બરાબર? કર્ણાટકમાં બેલગામ જિલ્લામાં આવું જ એક અરેરાટીપૂર્ણ ટ્રેજિક નાટક જોવા મળ્યું. મલ્લાપુર ગામમાં રહેતા એક શખસની પત્ની પ્રસૂતિ માટે પિયર ગયા પછી આ ભાઈએ લગ્ન પહેલાંની પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી અને બે મહિના ચમનિયા કર્યા. આ અનૈતિક સંબંધની ગામવાળાને ખબર પડતા સહુ મ્હેણા-ટોણા મારવા માંડયા. રોજેરોજ છૂટતા ટીકાના તીર અને મ્હેણાંના મિસાઈલના મારથી ત્રાસેલા આ પાગલ પ્રેમીએ શું કર્યું, ખબર છે? પોતાની પ્રેમિકાને લઈને એ માલપ્રભા નદીએ પહોંચ્યો. ત્યાં બન્નેએ એકમેકને ગાઢ આલિંગન આપી, કપડાથી શરીર બાંધી ધસમસતી નદીમાં ઝંપલાવી દીધું. થોડા દિવસ પછી પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. 

આમ તો ગામવાળાની ટીકાથી ત્રાસીને બન્નેએ જીવ આપ્યો, બાકી મોટા મનની પત્નીએ તો તેને ધરપત આપી હતી કે ડિલીવરી થઈ જવા દે, પછી તારાં લગ્ન તારી પ્રેમિકા સાથે કરાવી દઈશ.  છતાંય સાથે જીવવા-મરવાની કસમ ખાનારાં  પ્રેમી અને પ્રેમિકાએ ધીરજ રાખ્યા વિના મોતને વ્હાલું કર્યું. આ ઘટના જાણી કહેવું પડે કે-

ધીરજ રાખો તો પ્રેમમાં તરી જવાય,

ઉતાવળ રાખો તો પ્રેમમાં 

મરી જવાય.

બાળકીનું અઢી વર્ષે

મોઢંુ થયું બંધ

આપણામાં કહેવત છે બોલે એના બોર વેંચાય, પણ જો કોઈ બહુ બોલે તો એનાથી સહુ બોર થાય. એટલે જ જે પતિદેવની પત્નીજીનું બ્લડ ગુ્રપ એ-ટોકેટીવ હોય એની કાયમની બકબકથી કંટાળીને ક્યારેક ઘણી હિમ્મત એકઠી કરીને કહે છે કે તારૃં મોઢું બંધ રાખીશ? ત્યારે માંડ મોઢું બંધ થાય. પણ આ વાત મહિલાની નહીં પણ દસ વર્ષની કલક્તાની બાળકીની છે. 

આ બાળકીને એવી વિચિત્ર બીમારી થઈ હતી કે મોઢું બંધ જ ન થાય. તેને એક્યુટ ડિસેમિનેટેડ એન્સેફેલો માઈલાટિસની બીમારીને લીધે ચહેરાના સ્નાયુ સજ્જડ થઈ જતાં જડબું ખોલ-બંધ થતું જ નહોતું. છેલ્લાં અઢી વર્ષથી બાળકી અસહ્ય તકલીફ વેઠતી હતી. આખરે કલક્તાની જાણીતી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડોકટરો મદદે આવ્યા. તેની સારવાર કરીને બીમારી દૂર કરી દીધી. આમ ૯૧૨ દિવસ બાદ બાળકી મોઢું ખોલ-બંધ કરતી થઈ ત્યારે તેની ખુશીનો પાર નહોતો રહ્યો. આના પરથી હળવાશથી કહી શકાય કે જો મોઢું રાખો બંધ તો જળવાય સંબંધ.

કુરિવાજો અને અપરાધ સામે મેદાને પડેલી ગર્લ-સિંઘમ

નારી તુ નારાયણી એવું કહેવાય છે તેની જેમ મુંબઈના સંવેદનશીલ ચીત્તા કેમ્પ વિસ્તારમાં ૧૨૦૦ હિમ્મતવાન કન્યાઓને જોઈને સહુ બોલી ઉઠે છે કે, કન્યા કરે કમાલ. ક્રાય (ચાઈલ્ડ રાઈટસ એન્ડ યુ) સંસ્થાના સહયોગથી ૧૧થી ૧૮ વર્ષની ઉંમરની આ કન્યાઓ ચીત્તા કેમ્પ વિસ્તારમાં કન્યા કેળવણી, આરોગ્ય, પોષણ, સુરક્ષા અને બાળલગ્ન અટકાવવા જેવી પ્રવૃત્તિ કરે છે. ૧૨૦૦ બાળાઓ બાર ગુ્રપમાં વહેંચાઈને જુદા જુદા એરીયામાં સક્રિય કામગીરી બજાવે છે. ક્યાંય કોઈ સગીરની જબરજસ્તી શાદી કરવામાં ન આવે તેનું ધ્યાન રાખે છે. સગીરાના પરિવારના સભ્યોને જઈને સમજાવે છે. આ ગુ્રપના પ્રયાસથી તાજેતરમાં જ છ બાળલગ્ન થતા અટક્યાં હતાં.  બાળવિવાહ અને અપરાધ સામે મેદાને પડેલી આ ગર્લ સિંઘમની ટોળીએ ડાર્ક-સ્પોટ ગણાતા મેદાનમાં લાઈટો ઠીક કરાવી, માટી બિછાવી અને સીસીટીવી કેમેરા પણ ગોઠવીને બાળકો માટે સુરક્ષિત પ્લે ગ્રાઉન્ડ રચ્યું છે. સામાજિક કુરિવાજો અને ગુનાખોરી સામે લડતી આ બહાદુર બાળાઓની ટોળીને જોઈને કહેવું પડે કે-

અપરાધ અને દૂષણો

સામે રણકાવે 'બેલ' છે,

કન્યાઓની આ ટોળી

ખરેખર કાબેલ છે.

તૃતીયપંથી તાલી ન વગાડે પણ ટ્રાફિક કન્ટ્રોલ કરે

મુંબઈ જેવાં શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર તાલી અને તાબોટા પાડીને પૈસા માગતા કિન્નરોને બધાએ જોયા હશે. આવી જ રીતે હૈદરાબાદમાં થોડાં વર્ષો પહેલાં તાલી વગાડીને પૈસા માગી ચૂકેલી સ્વાતિ, ભાનુપ્રિયા અને ટી.નિશા આજે ટ્રાફિક આસિસ્ટન્ટ તરીકે ટ્રાફિકને કન્ટ્રોલ કરે છે. હૈદરાબાદ ટ્રાફિક પોલીસે અનોખી પહેલી કરીને ડિસેમ્બર ૨૦૨૪માં ૩૯ તૃતીય પંથીને ટ્રાફિક આસિસ્ટન્ટ બનાવીને જુદા જુદા જંકશન ઉપર ગોઠવી દીધા. 

વટથી યુનિફોર્મ અને માથે ટોપી પહેરીને હાથના સંકેતથી વાહનોને રોકતી અને જવા દેતી આ ટ્રાન્સજેન્ડર ટ્રાફિક આસિસ્ટન્ટની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. જ્યારે તાલી અને તાબોટા પાડી પૈસા માગતી ત્યારે હડધૂત થવું પડતું કે હાંસીપાત્ર બનવું પડતું. તેને બદલે હવે માનપૂર્વક ફરજ બજાવે છે. આસપાસથી પસાર થતાં વાહનોના ચાલકો મેડમ કહીને માનપૂર્વક સંબોધન કરે ત્યારે ગર્વની લાગણી અનુભવે છે.

 ટ્રાફિક પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે વધુ ૩૫૦ તૃતીયપંથીને ટ્રાફિક વિભાગમાં ભરતી કરવાની યોજના બનાવવામાં આવી છે.  આ અનોખી પહેલને લીધે તૃતીયપંથીઓ આત્મસન્માન સાથે જીવવાની તક મળી. એના પરથી કહી શકાય કે-

હવે જંકશન પર 

માગવા નથી પડતા 

પૈસા વગાડીને તાલી,

લોકો સામેથી આપે છે

માન-સન્માન... 

દે, તાલ્લી!

પંચ-વાણી

શઠ સાથે કરો શેઠ-સંગ

તો એ પાડે રંગમાં ભેગ.