Get The App

મૂછાળા કૃષ્ણ ભગવાનનો માભા

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
મૂછાળા કૃષ્ણ ભગવાનનો માભા 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મૂછ હો તો નથ્થુલાલ જૈસી... વર્ના ના હો... મૂછો તો મર્દાનગીની નિશાની છે. એટલે અસુરોનો સંહાર કરનારા સૌથી બળશાળી, શક્તિશાળી  ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા મૂછોવાળી હોય ત્યારે કેવી પ્રભાવશાળી લાગે? જોકે આવા મૂછોવાળા શ્રીકૃષ્ણ ભગવાનની કદાચ એક માત્ર મૂર્તિ મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લાના ગિરોતા નામના ખોબાં જેવડાં ગામંડામાં આવેલી છે. ગામમાં ૩૦૦ વર્ષ પુરાણું લાકડાનું મંદિર છે એમાં બિરાજમાન છે. એકદમ અનોખી ઢબે બંધાયેલા આ પ્રાચીન મંદિરમાં પહેલે માળે આ પ્રતિમા સ્થાપિત થયેલી છે. ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ મંદિરની નીચેથી પસાર થાય છે. એટલે જ્યારે રાત્રે આ પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવે ત્યારે આખું ગામ સુરક્ષિત બની જાય છે. પછી કોઈની મજાલ છે કે મૂછાળા કૃષ્ણની નગરીમાં પગ મૂકી શકે? 

દર જન્માષ્ટમીએ ગામમાં મેળો યોજાય છે. એક વાર આ ગામમાં વિનાશક આગ ફાટી નિકળીી હતી ત્યારે મોટાભાગના ઘરો બળી ગયા હતા પણ મૂછાળા કૃષ્ણ ભગવાનના લાકડાના મંદિરને ઉની આંચ પણ નહોતી આવી.

તરૂણીએ કર્યા હનુમાન ચાલીસાનો 234 ભાષામાં અનુવાદ

ભય અને આપત્તિનું અનુમાન, દૂર કરે હનુમાન... હનુમાન ચાલીસાના ઉચ્ચારણથી ભયનો ભૂક્કો બોલી જાય છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.એટલે જ બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે હનુમાન ચાલીસાનો ૨૩૪ ભાષામાં અનુવાદ લકર્યો છે. આજના જમાનામાં ટીનેજરો મોબાઈલં માથું ખોંસીને મંડી પડયા હોય છે અને મોજશોખ પાછળ પૈસા ઉડાડતા હોય છે ત્યારે બીજી તરફ આરાધ્યાએ એક વર્ષ કડી મહેનત કરીને હનુમાન ચાલીસાનો મૈથીલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જાપાની અને લેટીન સહિત અનેક વિદેશી ભાષામાં અનુવાદ કર્યો છે. ગુગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેમ જ દરેક ભાષા અને તેના શબ્દોનો ભાવાર્થ સમજીને પછી આ કામ પાર પાડયું છે  જેથી અન્ય ભાષાના લોકો પણ હનુમાન ચાલીસાના પાઠ કરી શકે. આશ્ચર્યની વાત એ છે કે આરાધ્યા દરેક ભાષાની હનુમાન ચાલીસા ગાઈ પણ શકે છે. આધુનિક ટેકનોલોજીનો સદઉપયોગ કરીને હનુમાન ચાલીસાના અનુવાદનું કાર્ય ટીનેજરે પાર પાડયું એ માટે તેને દાદ દેતા કહેવું પડે કેઃ

કામ દેખ કે હોતા સબ કો માન

માન ન માન, સાથ 

દેતા હનુ-માન.

જાપાની ગાણું ભારતીય ખાણું

જાપાન લવ ઈન ટોક્યો... લે ગઈ દિલ ગુડિયા જાપાન કી... કે પછી મેરા જૂતા સહૈ જાપાની યે પતલૂન ઈંગ્લિસ્તાની સર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... ભારત અને જાપાન વચ્ચીએ સદીઓ પુરાણો નાતો છે. ભારતથી જ બૌદ્ધ ધર્મ જાપાન  પહોંચ્યો હતો. આજે તો ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રે બન્ને દેશો વુચ્ચે સહયોગ અને સમન્વય જોવા મળે  છે. બુલેટ ટ્રેન દોડતી થવાની છેમાં પણ જાપાનનું 'ધનનું ઈંધન'  છેને? એટલે જ આપણાં ગાણામાં જાપાન આવે છે  એમ ખાણામાં પણ જાપાન આવે છે. આપણે ત્યાં મુંબઈ, દિલ્હી, કલકત્તા જેવાં શહેરોમાં ક્યાંક જાપાની રેસ્ટોરા કે હોટેલ જોવા મળે છે જ્યાં ઓથેન્ટિક જાપાની ખાણું પીરસાતું હોય છે. એવી જ રીતે જાપાનના ફુકુઓકા શહેરમાં  એક ભારતીય રેસ્ટોરાં  જાપાની યુગલે શરૂ કરી છે. પતિ  નાકાયામા-સાન અને પત્ની સચિકો-સાન આ રેસ્ટોરાં ચલાવે છે. ખાસિયત એ છે કે સચિકો-સાન જાપાની ડ્રેસ કિમોનો પહેરવાને બદલે ભારતીય સાડીમાં સજ્જ થઈને રેસ્ટોરાં ચલાવે છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતના તેમ જ બંગાળના પારંપારિક  સ્વાદિષ્ટ વ્યંજનો પીરસવામાં આવે છે. કાચની પ્લેટને બદલે માટીની થાળી અથવા તો કેળના પત્તામાં જ પીરસવામાં આવે છે. આને કારણે ભારતમાં કોઈ જગ્યાએ આપણે જમતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. જાપાનમાં ભારતીયો પરદેશમાં પણ દેશી ખાણાની મજા માણે છે. જો કે રેસ્ટરાંની બહાર પાન મળે છે કે નહીં એક ભર નથી. બાકી ટેસથી પેટ ભરીને  ખાધા પછી કોઈને કહીએ કે જા-પાન લઈ આવ, એમાંય જાપાન આવી જાય.

લેક ઓફ નો રિટર્ન

તળાવની પાળે બેસવાની કે તળાવની આસપાસ ટહેલવાની મજા કંઈક ઔર હોય છે. સરોવર, જળાશય, તળાવ પાસે ફરવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે. પરંતુ અરૂણાચલમાં ભારત-મ્યાંમારની સીમા નજીક આવેલું એક તળાવ એવું ભેદી છે કે આ તળાવની નજીક જનારા ભયભીત બની જાય છે. એવી માન્યતા છે કે એક વાર જો કોઈ વ્યક્તિ તળવામાં નાહવા પડેં તો તે પાછી નથી ફરી શક્તી. આવી માન્યતાને લીધે તળાવનું નામ પડી ગયું છેઃ લેક ઓફ નો રિટર્ન. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના એક પાઈલટે તાકીદની સ્થિતિમાં નીચે સપાટ જમીન છે એમ માનીને પ્લેનનું ઈમરજન્સી  લેન્ડિંગ કર્યું હતું. ત્યાર પછી એ પ્લેન અને પાઈલટ તથા એમાં પ્રવાસ કરતા સૈનિકોનો પત્તો નહોતો લાગ્યો. 

બીજી એક ઘટનામાં બીજા વિશ્વ યુદ્ધ વખતે જંગલનો રસ્તો ભૂલી  ગયેલા કેટલાંક જાપાની સૈનિકો આ તળાવ પાસૈ પહોંચ્ય બાદ રહસ્યમય રીતે ગુમં થઈ ગયા હતા. આવી તો કંઈક કપોળકલ્પિત વાતો થતી હોય છે. પર્યાવરણની દ્રષ્ટિએ આ માન્યતાનો લાભ એ થયો છે કે તળાવ પાસે કોઈ જતું ન હોવાથી તળાવનું પાણી પ્રદૂષિત નથી થતું. આના પરથી કહેવું પડે કે-

ભલે કહેવાય લેક ઓફ નો રિટર્ન

પણ પ્રદૂષણ એની નજીક પહોંચી 

લઈ લે યુ-ટર્ન.

પાતાળ તોડ વાવ

નાનપણમાં પાતાળલોકની વાર્તાઓ વાંચતા ત્યારે જાણે આપણે પણ પાતાળમાં પહોંચી ગયા હોઈએ એવી અનુભૂતિ થતી. એ તો બધી કાલ્પનિક કથાઓહતી. હકીકતમાં પાતાળનું સૌંદર્ય જોયું હોય તો રંગીલા રાજસ્થાનના ધૌલપુરમાં આવેલી પાતાળ તોડ બાવડી (વાવ) જોવા જવું પડે. નામ પ્રમાણે પાતાળ તોડીને બનાવેલી આ વાવ ધરતીમાં છુપાયેલા જળ-મહેલ તરીકે ઓેળખાય છે. શિલ્પ સ્થાપત્ય કલાના અદભૂત નમૂનારૂપ આ સાત માળની વાવડીના ચાર માળ પાણી નીચે છે અને ત્રણ માળ પાણીની ઉપર છે. મહેનતકશ રાજસ્થાનીઓ માટે કહેવાય છે ને કે એ પથ્થરને પાટુ મારી પાણી કાઢી જાણે, બસ આ વાવડીને જોઈને એ જ વાક્ય જાણે સાચું પડયું હોય એવું લાગે. ધૌલપુર રજવાડા તરફથી ૧૮૦૫માં રચવામાં  આવેલી આ પાતાળ તોડ વાવડીમાં પથ્થરોમાં અદભૂત કોતરકામ અનવે નાજુક નકશીકામ જોવા મળે છે. સુંદર ઝરૂખા લાંબી ઓશરીઓ અને ૧૬ દરવાજા ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાની  સાબિતી આપે છે. જૂના વખતમાં આ વાવ ધૌલપુરના લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરતી હતી.સમૃદ્ધ  ઐતિહાસિક વારસા સમાન આ વાવડીનો જીર્ણોદ્ધાર અને જાળવણી કરવામાં આવે તો એક પર્યટન  સ્થળ બની શકશે. પછી આ અદભૂત વાવને જોઈને ન્યુ જનરેશનના મોઢેથી આશ્ચર્યોદગાર સરી પડશે વાવ... વાવ...

પંચ-વાણી

નમે એ સહુને ગમે

નમે એનાથી વિવાદ શમે

ન નમે ઈ ખાસડા ખમે.

Tags :