- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો એવી કહેવત છે, પરંતુ કેરળના ત્રિશૂર જિલ્લાના શ્રી બાલાસુબ્રહ્મણ્યમના સ્વામી મંદિરમાં ક્યારેય ન જન્મેલો એવોે અનોખો હાથી જોવા મળે છે. આ હાથી સુપડા જેવડાં કાન હલાવતો રહે છે, ચૂંચી આંખો પટપટાવે છે અને ગળામાં બાંધેલી ઘંટડીના મીઠા રણકારની સાથે સૂંઢથી જ્યારે પાણીનો ફુવારો ઉડાડે છે ત્યારે વાતાવરણમાં ચંદનની મહેક પ્રસરે છે. આ અનોખા યાંત્રિક એટલે કે રોબોટિક હાથીનું નામ ચેરૂકુન્નૂ કાર્તિકેયન છે. દક્ષિણના મોટા ભાગના મંદિરોમાં પરાપૂર્વથી હાથીઓ પાળવામાં આવે છે અને ધાર્મિક સરઘસ કે યાત્રા વખતે શણગારેલા હાથીઓ નીકળતા હોય છે, પરંતુ હાથી તોફાને ચડે તો ખાનાખરાબીનો ભય રહે છે. બીજું, પ્રાણીપ્રેમીઓ આ રીતે હાથીઓને બંદીવાન સ્થિતિમાં રાખવામાં આવે તેની વિરુદ્ધ છે. એટલે હવે મંદિરોમાં રોબોટિક હાથીઓ ગોઠવાતા જાય છે.
૫૦૦ કિલો વજનના આ યાંત્રિક હાથીને રબ્બર, ફાઈબર, મેટલ, મેશ, ફોમ અને સ્ટીલથી બનાવવામાં આવ્યો છે. તેની અંદર ગોઠવાયેલી પાંચ મોટરથી હાથી માથું અને કાન હલાવી શકે છે, આંખો ખોલ-બંધ કરે છે, પૂંછડી પટપટાવે છે, એટલું જ નહીં, સૂંઢ ઊંચી કરીને પાણીનો ફૂવારો પણ ઉડાડે છે. આ કૃત્રિમ હાથીઓએ બળબળતા તાપમાં, સરઘસમાં ઘોંઘાટનો કે બીજો કોઈ ત્રાસ સહન નથી કરવો પડતો.
કલાકાર પ્રશાંત પુથુવેલિલ અને તેની ટીમે આ જાતના ૧૦૦થી વધુ હાથીઓ મંદિરો માટે બનાવ્યા છે. આ રોબોટિક હાથીઓને જોઈને પ્રાણીરક્ષકો અને પ્રાણીપ્રેમીઓ રાજી થાય છે. તોફાને ચડતા હાથીઓ જે ખાનાખરાબી સર્જે છે તેનું જોખમ પણ ટળ્યું છે. ફક્ત કેરળની જ વાત કરીએ તો છેલ્લાં ૧૫ વર્ષમાં હાથીના હુમલામાં ૫૨૬ જણ મોતને ભેટયા હતા. આમ હાથીની પણ કનડગત ન થાય અને માનવને પણ જોખમ ન રહે એવાં આ યાંત્રિક હાથી કરૂણાના પ્રતીક સમાન છે. એટલે જ કહેવું પડે કેઃ
જીવતા હાથી પાળવા શાથી?
સાચા સાથી તો રોબો હાથી!
સંતાનો બંધાય સાંકળથી
બાળ કનૈયો બહુ ધીંગામસ્તી કરે ત્યારે માતા યશોદા તેના હાથ-પગ બાંધી દેતાં, બરાબરને? પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના બાર ગામડામાં માતા-પિતાએ સંતાનને દોરડાથી અને સાંકળથી બાંધવા પડે છે બોલો! આ બાર ગામડામાં એવી રહસ્યમય બીમારી ફેલાઈ છે કે બાળક જન્મે ત્યારે સ્વસ્થ હોય છે, પણ જેમ ઉંમર વધતી જાય એમ માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ બનતા જાય છે. ફતેહુલ્લાપુર, બહાદીપુર, હરિહરપુર, હાલા, છોેટી જંગપુર સહિતનાં ગામડાઓમાં આ બીમારીએ ભરડો લીધો છે. બાળક જન્મ પછી છ-બાર મહિને કે બે-ત્રણ વર્ષનાં થાય ત્યારે શરીર તાવથી ધગધગવા માંડે છે અને ત્યારે પછી શારીરિક અને માનસિક વિકાસ રુંધાઈ જાય છે. આ રીતે માનસિક રીતે અસ્વસ્થ બાળકો ખુદને કે બીજાનેઈજા ન પહોંચાડી બેસે માટે ઘરમાં દોરડા અથવા સાંકળથી બાંધી રાખવા પડે છે. ઉત્તર પ્રદેશ સરકારે આ બીમારીનું મૂળ શોધીને ઈલાજ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.
છોટી છોટી ગૈયા
છોટે છોટે ગ્વાલ
છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો-સો મેરો મદનગોપાલ... આ બાળકનૈયાનું ગીત કાને પડતાંની સાથે જ નજર સામે ટચુકડી ગાયોને વ્હાલ કરતા અને રમતા કાનુડાનું ચિત્ર નજર સામે ખડું થાય, પરંતુ આજે ૨૧મી સદીમાં પણ છોટી છોટી ગૈયાના દર્શન થાય તો જોવાની કેવી મજા આવે?
તાજેતરમાં જ મકર સંક્રાંત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાનકડી ગાયોને ગોળ અને ચારો ખવડાવે છે એવોે વીડિયો વાઈરલ થયો હતો. અસંખ્ય લોકોએ ચાવીવાળાં રમકડાં જેવી લાગતી આ ટચુકડી ગાયોને જોઈને આશ્ચર્યની સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો. હકીક્તમાં વડાપ્રધાનના સત્તાવાર આવાસમાં પાળવામાં આવેલી આ અત્યંત દુર્લભ પુંગનૂર નસલની ગાય છે.
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનૂર ગામની આ ગાયોને પુંગનૂર નસલનું જ નામ મળ્યું છે. અઢી-ત્રણ ફૂટની આ ગાયો ચરતી હોય ત્યારે હરતાફરતા ચાવીવાળાં રમકડાં જેવી લાગે છે. અત્યંત શાંત સ્વભાવની આ ગાયોનું દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. દૂધમાં આઠ ટકા ફેટ અને એન્ટી-બેક્ટેરીઅલ ગુણો હોય છે. ગાય રોજ ૩થી ૫ લીટર દૂધ આપે છે.
વૈદિક કાળમાં ઋષિ-મુનીઓ પોતાના આશ્રમોમાં આ ટચુકડી ગાયોને પાળતા હતા. આ નાનકી ગાયોમાં મહાલક્ષ્મીનો વાસછે એવી માન્યતા છે. પુરાણોમાં જેનો ઉલ્લેખ મળે છે એવી આ ટચુકડી અને રૂપકડી ગાયોના દૂધનો ઉપયોગ તિરૂપતી મંદિરમાં પણ થાય છે. ઔષધીય ગુણોથી યુક્ત દૂધ આપતી આ ગાયોની સંખ્યા અત્યારે અઢી-ત્રણ હજારની આસપાસ છે. એક ગાયની કિંમત એક લાખથી માંડીને ૧૫ લાખ સુધીની બોલાય છે. શાંત સ્વભાવની અને ઔષધીય ગુણવાળું દૂધ આપતી આ ગાયોના એક લીટર રબડી જેવાં દૂધની કિંમત લગભગ ૬૦૦ રૂપિયાની આસપાસ હોય છે. આવી દુર્લભ નસલની ગાયોને જાળવવામાં આવે એવો સંદેશ આપવા માટે જરા ફેરવીને ગાઈ શકાય-
છોટી છોટી ગૈયાં
છોટે છોેટે ગ્વાલ,
સબ કોઈ રખના
ઈનકા ખ્યાલ...
મૈં હૂં, મૈં હૂં,
મૈં હૂં... ડ્રોન!
અમિતાભ બચ્ચનની 'ડોન' ફિલ્મનું 'મૈં હૂં કૌન મૈં હૂં કૌન ... મૈં હૂં મૈં હૂં ડોન... ડોન... ડોન...' ગીત ગજબનું લોકપ્રિય થયેલું અને લોકજીભે ચડેલું, બરાબરને? ડોનથી અંડરવર્લ્ડના ગેંગસ્ટરો ગભરાય, પરંતુ દેશના દુશ્મનોને ગભરાવવા માટે અને લાગ જોઈ પ્રહાર કરવા માટેના ડ્રોન માત્ર ૨૦ વર્ષના લવરમૂછિયા વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. હૈદરાબાદની બિરલા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના કેમ્પસની એક હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓએ માત્ર ૧૫-૨૦ દિવસમાં હરતીફરતી ડ્રોન લેબોરેટરી તૈયાર કરી છે. યુદ્ધના મોરચે આ લેબોરેટરીને લઈ જવામાં આવે પછી આ લેબમાં છૂટા ભાગો એસેમ્બલ કરીને ફટાફટ ડ્રોન તૈયાર કરી શકાય છે. આ હરતીફરતી લેબમાં ડ્રોન એસેમ્બલિંગ યુનિટ અને અત્યાધુનિક પ્રિન્ટર છે, એટલું જ નહીં, ડ્રોન ઉડાડવામાં આવે ત્યારે તેની ઉપર કન્ટ્રોલ આ મોબાઈલ લેબની અંદરના ગ્રાઉન્ડ સ્ટેશનથી કરવામાં આવશે. એક મહિનામાં ૧૦૦ ડ્રોન તૈયાર કરી શકાશે. આ ડ્રોન લેબ અત્યારે જમ્મુમાં કાર્યરત થઈ ગઈ છે અને લશ્કરના જવાનોને ડ્રોન એસેમ્બલ કરવાની તેમ જ તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી છે. આમ, હવે રણમોરચા પર જ ડ્રોન બનાવીને ઉડાડી શકાશે. એવી કલ્પના કરી શકાય કે દુશ્મનોના દાંત ખાટા કરી શકે એવાં આ ટચુકડાં ડ્રોનમાંથી સુરાવલી રેલાશે- અરે દુશ્મનો, મુઝે પહેચાનો... મૈં હૂં કૌન... મૈં હૂં ડ્રોન... મેં હૂં, મૈંહૂં, મૈં હૂં ડ્રોન...
પંચ-વાણી
દેશમાં ગણ-તંત્ર
પરદેશમાં ગન-તંત્ર.


