Get The App

ખેલ ખતમ થયા પણ ભાષા જીવંત રહેશે

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
ખેલ ખતમ થયા પણ ભાષા જીવંત રહેશે 1 - image

- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

બંદર ખેલ દીખાવ... સાહબ કો સલામ કરો... બંદર કૂવે સે પાની ભરકે લાવ... ભાલુ નાચ કરો... નટબજાણિયા, મદારી અને બાઝીગરો અવનવા ખેલ દેખાડીને લોકેોનું મનોરંજન કરતા અને બાળકો તો રાજી રાજી થઈને તાલીઓ વગાડતા. પણ મોબાઈલ અને કોમ્પ્યુટરનાં જમાનામાં મોટા શહેરોમાં આવાં ખેલ ભાગ્યે જ જોવા મળે છે. બીજું પ્રાણીઓ પાસે ખેલ કરાવવા પર કાનૂની પ્રતિબંધ આવ્યા પછી આવાં ખેલ ખતમ થઈ ગયા. પણ મદારીઓ નટબજાણિયાઓ અને બાઝીગરોની બોલચાલની ભાષા જીવંત રાખવા માટે ૧૮૦૦ શબ્દોની ડિજિટલ ટોકિંગ ડ્કિશનરી તૈયાર કરવામાં આવી છે. ગામેગામ ફરતા રહેતા આ ખેલૈયાઓ, બાઝીગરો અને મદારીઓની વચ્ચે રહીને રાયસેન જિલ્લાના ઈતિહાસના શિક્ષક હેમંત લોઢી અને તેમની ટીમે છ મહિનાના અથાગ પ્રયાસને અંતે આ ડિક્શનરી તૈયાર કરી છે. આની વિશેષતા એ  છે કે કલંદર, બંજારા, કાલબેલિયા સમુદાય વચ્ચે રહીને હેમંત લોઢી અને તેમની ટીમના સભ્યોએ રોજબરોજના જીવનમાં વપરાતી ભાષાને બરાબર સમજ્યા, ત્યારબાદ રેકોર્ડિંગ કરી લીધું જેથી ઉચ્ચારણમાં ભૂલ ન થાય. આમ આ અનોખી ટોકિંગ ડિકશનરી તૈયાર કરવામાં આવી છે. ટોકિંગ ડિકશનરીમાં શબ્દોની સાથે અવાજ અને ચિત્ર પણ હશે જેથી સામાન્ય માણસ પણ એ સમજી શકશે. આ ડિકશનરી જનજાતીય કલા અને ભાષા એકેડેમીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. આમ ખેલ ભલે ખતમ થયા પણ એમની ભાષા જીવંત રહેશે.

શ્વાનોની ઉતારી આરતી

નેપાલમાં દિવાળીના દિવસોમાં પશુ, પ્રાણી, પક્ષીની પૂજા કરવાનો રિવાજ છે. આમાં શ્વાનની પૂજા પણ કરવામાં આવે છે જેને કૂકૂર પૂજા કહે છે. પરંતુ છત્તીસગઢના જગદલપુર શહેરમાં જુા પ્રસંગે શ્વાનની પૂજા કરવામાં આવી હતી. કૂતરાની વધતી જતી વસતીને કાબૂમાં લેવા માટે સ્થાનિક નગરપાલિકાએ નસબંધી અભિયાન શરૂ કર્યું ત્યારે શ્વાનોની નસબંધીનું ઓપરેશન કરતા પહેલાં તેમને ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો, કપાળે કંકુનું તિલક કરવામાં આવ્યું હતું અને પછી આરતી ઉતારવામાં આવી હતી. શ્વાનોની આરતી ઉતારવામાં આવતા શ્વાનપ્રેમીઓ રાજી રાજી થઈ ગયા હતા.

વૃક્ષફાડ તાડ ઝાડ

આંબા ઉપર બેસીને એક વાંદરો ટેસથી કેળું ખાતો હતો. આંબાવાડી  પાસેથી પસાર થતા એક વટેમાર્ગુએ પૂછયું કે એય વાંદરા આંબા ઉપર ચડીને કેરી ખાવાને બદેલ કેળા કેમ ખાય છે? વાંદરો બોલ્યો કેરી અપખે પડી ગઈ છે એટલે કેળાનું પાર્સલ લાવીને ખાઊં છું ટેસથી સમજાયું? બાકી આંબા પર બેસી કોઈ કેળા ખાય તો ઘડીભર વિચારમાં પડી જવાય કે કેરીની સાથે કેળા ઉગ્યા હશે? 

જોકે આ તો અમથો ટુચકો જ છે, બાકી બિહારમાં પીપળાના વૃક્ષને  ચીરીને ૬૦ ફૂટ ઊંચું તાડનું ઝાડ ઉગી નીકળ્યું છે. બિહારના પૂર્ણિયામાં આવેલી કૃષિ કોલોજમાં કુદરતના આ અજાયબ ખેલને જોવા દૂરદૂરથી લોકો આવે છે. કૃષિ નિષ્ણાતોના મત મુજબ બે અલગ-અલગ પ્રજાતિના વૃક્ષો આ રીતે ઉગી નીકળે એવું ભાગ્યે જ બને. જો કે આ કેસમાં પક્ષીઓ દ્વારા ફેંકાયેલા બીજને કારણે પીપળાના પોલાણમાં તાડનો  છોડ ઉગી નીકળ્યો હશે અને પીપળાની સાથે જ પોષણ મેળવી ૬૦ ફૂટ ઊંચું તાડનું ઝાડ ઉગી નીકળ્યું હશે. ફાંટાબાજ કુદરતની કેવી કમાલ કે એક ઝાડને ફાડી ઉગી નીકળે બીજું ઝાડ અને માથું ઉંચકે તાડનું ઝાડ.

ખેલ ખતમ થયા પણ ભાષા જીવંત રહેશે 2 - image

નિરખી નજરૂં ઘેલી એવી લોટસ વેલી

કમળ કાદવમાં જ ખીલે છેને? પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ જે કાદવ-કિચડ કર્યો હતો એમાં જ કમળ ખીલ્યુંને? હિન્દુ ધર્મમાં કમળ પુષ્પ, પવિત્ર, દિવ્ય અને શુભ મનાય છે. લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાન, બ્રહ્મા અને મા સરસ્વતી કમળ પર બિરાજે છે. આજે ભારતમાં મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કમળપક્ષી સરકાર છે. પણ એકસાથે હજારોની સંખ્યામાં કમળના દર્શન કરવા હોય તો મધ્ય પ્રદેશના ઈન્દોર જવું પડે. કારણ કે ઈન્દોરની પાસે એશિયાની મોટામાં મોટી લોટસ વેલી આવેલી છે. ઈન્દોરથી ૨૫-૩૦ કિલોમીટર દૂર આવેલી ગુલાવત લોટસ વેલી ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.  લોટસ વેલીમાં નદીના શાંત પાણીની સપાટી ઉપર કેટલાય કિલોમીટર સુધી કમળના પુષ્પો ખીલેલા નજરે પડે છે. દૂરથી જુઓ તો આખી સપાટી ગુલાબી લાગે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ વેલીમાં અદભૂત દ્રશ્ય જોવા મળે છે. ભાજપનું પ્રતિક કમળ છે, એટલે નામકરણમાં શૂરા ભગવી પાર્ટીવાળા આ લોટસ વેલીને પણ કોઈ રાજકીય રંગી નામ આપીને તેનું કુદરતી સૌંદર્ય હણવાનો પ્રયાસ ન કરે તો સારૂં. કમળોનું કુદરતી સૌંદર્ય જોઈને કહી શકાયઃ

હજારો કમળના દર્શનથી

પ્રજા ઘેલી ઘેલી છે

એ જ તો ઈન્દોરની

અનોખી લોટસ વેલી છે.

ખેલ ખતમ થયા પણ ભાષા જીવંત રહેશે 3 - image

ભારખટારાનું અનોખું ગામ

સામાન્ય રીતે કોઈ ગામડાં પાસેથી પસાર થઈએ ત્યારે બે-ચાર ભારખટારા (ટ્રક) ઊભેલા જોવા મળે. પણ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મુદાળ ગામ પાસેથી જો તમે પસાર થાવ તો નકરા ખટારા જ ઊભેલા નજરે પડે. કારણ  આ મુદાળ દાયકાઓથી ટ્રકના ગામ તરીકે જાણીતું છે. ગામમાં ૫૦૦થી વધુ ટ્રક છે. એટલે એમ કહી શકાય કે ગામમાં જેટલાં ઘર છે તેનાંથી વધુ ટ્રકો છે.

 ગામનું આખું અર્થતંત્ર ટ્રક ઉપર નિર્ભર છે. કોઈની પોતાની માલિકીના ખટારા છેૈ તો કોઈ ડ્રાઈવર કે ક્લિનર તરીકે કામ કરે છે.ટ્રક રિપેરિંગ માટે કેટલાય ગેરેજો ધમધમે છે અને ટાયર પંકચર થાય તો સમારવા માટે નાની૪ દુકાનો છે. ઠેઠ ૧૯૫૦થી આ ગામમાં ટ્રકના વ્યવસાયની પરંપરા ચાલી આવે છે. શેરડી, લાકડા અને બીજા વજનદાર માલની હેરફેર માટે મુદાળ ગામના ખટારા જ વપરાય છે. દરેક ઘરની બહાર બે-ત્રણ ટ્રકે ઊભેલી જોવા મળે. હવે તો ડ્રાઈવિંગ શીખી હેવી વેહિકલ્સનું લાયસન્સ મેળવી ચૂકેલા એસ.ટી.માં ડ્રાઈવર તરીકે જોડાવા માંડયા છે. આમ અખા ગામનું અર્થતંત્ર ટ્રક ઉપર જ નિર્ભર છે. એટલે જ કહેવું પડે કેઃ

જ્યાં જુઓ ત્યાં માલવાહક

ખટારા

કેવું અનોખું ગામ. જ્યાં 

ખોયડા કરતાં વધુ ખટારા.

પંચ-વાણી

દિલ એક કો દો

મગર નેક કો દો

યે કથા કા પ્રસાદ નહીં

જો હરએક કો દો.