For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ બૈલ તેરા ઉતારું ભાર

Updated: Jul 29th, 2022

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હિન્દીમાં  કહેવત છે આ બૈલ મુઝે  માર... પણ આ વાત બૈલ એટલે બળદને  સામેથી  મારવાનું કહેવાની નથી, પણ બળદને  ગાડું ખેંચવામાં જે ભાર ઉપાડવો પડે છે એ ઓછો કરવાની છે. મહારાષ્ટ્રમાં  બળદગાડામાં શેરડીના ભારા ભરીને  સાકર કારખાનામાં  લઈ જતી વખતે  બળદોએ   ખૂબ ભાર વેંઢારવો  પડે છે એને લીધે  બળદિયાના  મોઢામાંથી  ફીણ  નીકળી  જાય છે, કારણ કે ગાડાનો ભાર બન્ને બળદની ડોક  ઉપર આવે છે અને એ  ભાર ખેંચવા તનતોડ તાકાત લગાડવી પડે છે. ઈસ્લામપુરની આઈટીઆઈ કોલેજના  ઓટોમોબાઈલ વિભાગના પાંચ વિદ્યાર્થીઓએ  વિચાર્યું કે  બળદનો ભાર ઓછો કરવા  કંઈક ઉપાય કરવો જોઈએ એટલે તેમણે બળદગાડાના આગલા ભાગમાં એક પૈડું ગોઠવી દીધું. બળદોની હાઈટ પ્રમાણે ઊંચું-નીચું  કરી શકાય એવા  આ આગળના પૈડાંને નામ આપ્યું,  રોલિંગ સપોર્ટ.  ગાડાનો ભાર  બળદોની ડોક પર ન આવે પણ રોલિંગ સપોર્ટ  વ્હીલ પર જ  આવે.  એટલે પછી  બળદો  આસાનીથી  ભારવહન કરી ગાડું ખેંચી શકે.  આ પ્રોજેકટને  નામ અપાયું  છે, સારથી.  હવે તેની પેટન્ટ માટે  અરજી  કરવામાં આવી છે. ગૌરક્ષા  માટે  જીવદયાપ્રેમીઓ  છૂટેહાથે  દાન દેતા હોય છે, પણ આ  ભેજાબાજ  વિદ્યાર્થીઓની   ટીમે નજીવા ખર્ચે  બળદનો ભાર ઓછો કરવા મોટું કામ  કરી દેખાડયું છે. એટલે હવે  આ બૈલ મુઝે માર એ કહેવતને  બદલે એમ કહી શકાશે- 

આ બૈલ મેં ઉતારું તેરા ભાર...

બે કરાર કરે 

એવા બેના કરાર

અગ્નિની સાક્ષીએ  સાત ફેરા ફરી વરરાજા અને નવવધૂ જન્મોજન્મનો સાથ નિભાવવાનો  સંકલ્પ  કરે છે, પરંતુ  આસામમાં   શાંતિ અને મિંટુની  જોડી  લગ્નબંધનમાં  બંધાઈ ત્યારે નવદંપતીએ  અનોખા કરાર કર્યા   હતા.   આ કરારની શરતો વાંચીને   સહુ  આશ્ચર્યચક્તિ  થઈ ગયેલા.  લગ્નના કરારપત્રમાં  લખ્યું હતું પત્નીએ  રોજ સાડી  પહરેવાની, પતિ-પત્નીએ  ઘરના ભોજનનો  આગ્રહ રાખવાનો, મહિનામાં એક જ વખત પિત્ઝા  ખાવા જવાનું, પંદર દિવસે એક  વાર શોપિંગ માટે જવાનું  અને લેટનાઈટ  પાર્ટીમાં  હસબન્ડ અને વાઈફ બન્નેએ  સાથે જ જવાનું. આ અનોખા  કરારપત્ર  પર વરરાજા  અને  નવવધૂએ   સાજન-માજનની સાક્ષીએ  હસ્તાક્ષર કર્યા ત્યારે જોનારા દંગ રહી  ગયા  હતા. 'બીસ સાલ બાદ'નું  હેમન્તકુમારનું યાદગાર ગીત છેને? બેકરાર કરકે હમે યું ના જાઈએ... એને  ફેરવીને  આ બે માણસને કરાર કરતા  જોઈ ગાઈ શકાય-

બે-કરાર કરકે  હમે યું હી  જાઈયે  

આપકો હમારી કસમ યાદ આયેગી...

ઓલ્ડમેન ઈઝ ગોલ્ડમેન

અંગ્રેજીમાં  કહેવત છે  ઓલ્ડ ઈઝ ગોલ્ડ, જૂનું એટલું સોનું અને બાકી બધું માત્ર  'શો-નું', બરાબરને? પણ રંગીલા રાજસ્થાનના એક સોનાપ્રેમી પાનવાળાને સોનાથી લદાયેલા  જોઈ કહેવું પડે કે  ઓલ્ડમેન ઈઝ ગોલ્ડમેન. આ સોનાપ્રેમી  પાનવાળાની દુકાન  બિકાનેરમાં  આવેલી છે.   ફૂલશા નામધારી  પાનવાળા બાપા શરીર ઉપર ૧૦૦ તોલાં સોનાના દાગીના પહેરીને બેસે  છે, એટલે   ૫૦ લાખ  રૂપિયાની કિંમતનું  સોનું પહેરીને બેસતા આ સોનેરી પાનવાળાની  દુકાનની કિંમત  કરતાં એણે પહેરેલા સોનાની કિંમત વધુ થતી હશે. લોકો  પાન ખાવા માટે જ  નહીં પણ ગોલ્ડમેન  ફૂલશાને જોવામાટે  પણ આવે છે. આ ગોલ્ડમેનની  યાદશક્તિ એવી તેજ છે  કે એકવાર  જે પાન  ખાવા આવે  અને જે પ્રકારના પાનનો ઓર્ડર  આપે એ  યાદ રહી જાય છે.  ફરી એ ઘરાક  આવે ત્યારે  તેણે કહેવું  નથી પડતું કે  મસાલા પાન, મઘઈ પાન કે સાદા પાન જોઈએ છીએ.  આ દુકાન  દિવસમાં પાંચ  કલાક બંધ રહે છે. બાકીના  ટાઈમમાં  સોનાના ચળકતા  દાગીના પહેરી બેસતા ફૂલશા ફટાફટ પાનના બીડાં વાળતા જાય છે. સોનેરી  પાનવાળાને  જોઈ ગીતના શબ્દો ફેરવીને ગાઈ શકાય-

ખૈકે પાન બિકાનેરવાલા

ખુલ જાય બંધ અકલ કા તાલા...

આભમાંથી ધોધમાર

વરસી માછલીઓ

લીડરો કે મોટાં માથાં  જ્યારે કોઈ  ભૂલ કરે કે ખોટું કામ કરે ત્યારે  તેને માથે  માછલાં  ધોવાય છે.  માથે માછલાં  ધોવાય નહીં ને ખરેખર માછલાંનો વરસાદ  પડે  ત્યારે ભલભલા  હેબતાઈ જાયને? તેલંગણાના જગતિયાલ કસ્બામાં  ચોમાસા દરમિયાન  માછલીનો વરસાદ પડતા લોકોએ માછલીો વીણવા દોડાદોડ કરી મૂકી  હતી. આભમાંથી  માછલી  વરસતી જોઈને લોકો તેને અદ્ભૂત  ચમત્કાર ગણવા  માંડયા.  ફક્ત માછલીઓ જ નહીં દેડકાં પણ  પહેલાં દેખાતા હતા.  જોકે  અંધશ્રદ્ધાળુઓ જેને ચમત્કાર ગણે છે એવો  આ કોઈ  ચમત્કારનહોતો. આ તો ક્યારેક ેએવું બને કે જોરથી ફૂંકાતા પવનને લીધે દરિયાની સપાટી પર બવંડર (ચક્રવાત) સર્જાય ત્યારે  તેજ ગતિએ  ઘુમરી  લઈને  ઊંચે  ચડતા   વોટર-સ્પાઉટ એટલે કે ફુવારા સાથે માછલીઓ પણ વાદળાં ઉપર  પહોંચી  જાય છે.  જ્યારે ચક્રવાતનું   જોર નરમ પડે  ત્યારે  માછલીઓ  અન ેદરિયાઈ જીવો  ટપોટપ નીચે  પડવા માંડે છે.

 થોડા વખત પહેલાં પશ્ચિમ બંગાળમાં  અને અમેરિકાના  ટેક્સાસ શહેરમાં પણ  માછલીનો વરસાદ વરસ્યો હતો. એટલે  આ કોઈ ચમત્કાર નહીં, કુદરતી ઘટના છે. જો કે મોંઘવારીમાં  મોંઘા ભાવની માછલી  ખરીદવાની જેને ન પોષાતી હોય એ  તો માછલીના વરસાદને  ચમત્કાર જ ગણેને?   ડઝનબંધ  માછલીઓ મફકતમાં કોણ આપે?  એટલે  એ તો મોજમાં  આવી ગાવા માંડે-

બરસાત મેં તાકધીના ધીન... 

બરસાત મેં મુફત મે મિલે તુમ

'દર્જન' મુફત મેં મિલે તુમ

બરસાત મેં...

મંગળસૂત્ર ન પહેરતાં

મળ્યા છૂટાછેડા

હિન્દુ ધર્મમાં પરિણીત ં સ્ત્રી માટે  ચૂડી, ચાંદલો અન ેમંગળસૂત્ર  સૌભાગ્યની  નિશાની ગણાય છે.  સ્ત્રીના ગળામાં  શોભતા મંગળસૂત્રને  જોઈને  જ ખબર પડી જાય છે કે તે પરીણિત છે. મંગળસૂત્રનું લગ્નસંબંધમાં  કેટલું મહત્ત્વ છે એ પુરવાર કરતો કેસ દક્ષિણ ભારતમાં  ચર્ચાનો વિષય બની ગયો.   પતિ-પત્ની વચ્ચે  અણબનાવ  થયા પછી   બન્ને જુદા રહેવાં  લાગ્યાં. પતિથી જુદા રહેવા જતાં પહેલા ંપત્નીએ  ગળાનું મંગળસૂત્ર ઉતારી નાંખ્યું. ત્યારબાદ પતિએ હિન્દુ લગ્ન કાનૂન અનુસાર ફેમિલી કોર્ટમાં  અરજી કરી છૂટાછેડાનો  કેસ કર્યો, પરંતુ ૨૦૧૬માં  ફેમિલી કોર્ટે  છૂટાછેડા   મંજૂર ન કર્યા એટલે પતિએ  મદ્રાસની વડી અદાલતમાં  ધા નાખી. કેસની સુનાવણી વખતે પત્નીએ  કોર્ટમાં એકરાર કર્યો કે તેણે મંગળસૂત્ર ઉતારી નાંખ્યું   હતું. બન્ને  બાજુની  દલીલ સાંભળ્યા બાદ  નામદાર  ન્યાયમૂર્તિેઓએ  ફેંસલો સુણાવતા કહ્યું કે  પત્ની ગળામાં  મંગળસૂત્ર ન પહેરે એને પતિ તરફની માનસિક ક્રૂરતા ગણી શકાય.  એટલે પતિ પ્રત્યેની  આ માનસિક ક્રુરતાની   નોંધ લઈ  વડી અદાલતને છૂટાછેડા  મંજૂર કર્યા હતા. હિન્દુ ધર્મ અનુસાર  પત્નીએ ગળામાં મંગળસૂત્ર  પહેરવું  એ  એક  આવશ્યક વિધિ છે એટલે જ્યારે કોઈ  પરિણીત સ્ત્રી  ગળામાંથી  મંગળસૂત્ર  કાઢી નાખે ત્યારે તે  જાણીજોઈને  પતિને  દુઃખ  પહોંચાડવા  એવું કરે છે એ  સિદ્ધ થાય છે. એટલે મંગળસૂત્ર  ન પહેરવાના કારણસર છૂટાછેડા માન્ય થઈ શકે છે.

પંચ-વાણી

લાંચ લેતા જાય

એ લાંચિયા,

વહાણોે લૂંટતા જાય

એ ચાંચિયા,

વાંચવાની મજા લૂટંતા

જાય એ વાંચિયા.

Gujarat