મિલે સૂર મેરા તુમ્હારા તો દૂધ બઢે હમારા...
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સંગીતની સુરાવલીને લીધે ગાયો વધુ દૂધ આપે છે એ હકીકત સિદ્ધ થઈ ચૂકી છે. એટલે ભારતમાં જ નહીં, પરદેશમાં પણ ગાયોને સૂરીલું સંગીત સંભળાવવામાં આવે છે. મોટે ભાગે રેકોર્ડેડ મ્યુઝિક સંભળાવવામાં આવતું હોય છે, પરંતુ કેરળના પેરિયા ગામે ગોકુલમ ગૌશાલામાં તો ટોચના કલાકારો આવીને ગાયોને લાઈવ સંગીત પીરસે છે. વિષ્ણુપ્રસાદ નામના જયોતિષ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયેલ પત્ની નાગરત્ના હેગડે ગૌશાળાની સ્થાપના કર્યા પછી દર મહિને ગાયો માટે સંગીતની મહેફિલ યોજે છે. દેશના ખ્યાતનામ ગાયકો- સંગીતકારો આવીને કાર્યક્રમો આપે છે. ઉપરાંત રોજેરોજ સંસ્કૃતના શ્લોક અને સંગીતની રેકોર્ડેડ સૂરાવલી રેલાતી જ રહે છે. આને લીધે ગાયો વધુ દૂધ આપે છે. ગાયોની દેશી નસલના સંવર્ધનનું કાર્ય કરતી આ ગૌશાળાની ખાસિયત એ છે કે ગાયો દૂધ આપે તે વેચવામાં નથી આવતું. વાછરડાને પીવડાવી દેવામાં આવે છે. ગોકુળ અને વૃંદાવનમાં કાનૂડાની વાંસળીના સૂર સાંભળી ગાયો અને વાછરડા દોડી આવંીતાં હતાં એમ આ ગૌશાળામાં પણ ગાયોને સૌથી વધુ બાંસુરી સાંભળવાનું ગમે છે. જાણીતા વાંસળીવાદક જયંત ગઈ જન્માષ્ટમીમાં ગોકુલમ- ગૌશાલામાં ગયા હતા અને જ્યારે તેમણે વાંસળી વગાડી ત્યારે ગાયો તેમની નજીક આવીને ઊભી રહી ગઈ હતી, એટલું જ નહીં, પગેથી તાલ પણ આપવા માંડી હતી. કોઈએ આ અભૂતપૂર્વ ઘટનાની મોબાઈલથી વિડીયો ઉતાર્યા પછી એ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ હતી. સંગીતની સૂરાવલી સાંભળીને ગાયો એવો ભાવ વ્યક્ત કરતી હશે કેઃ
મિલે સૂર મેરા તુમ્હારા
તો દૂધ બઢે હમારા.
સૌથી હોટ અને
સૌથી કોલ્ડ
રાજસ્થાનમાં ભારતીય જનતા પક્ષે જીત મેળવ્યા પછી થોડા દિવસ મુખ્ય પ્રધાનપદની રેસમાં ભારે ગરમાવો જોવા મળ્યો, પણ ચૂલા પરથી ઉતારેલા ધગધગતા તવા ઉપર પાણી રેડો અને છમકારા સાથે તવો ટાઢો પડી જાય એમ મુખ્યપ્રધાન પદના ગરમાવા પર હાઈકમાન્ડે ટાઢું પાણી રેડી દીધું. રાજસ્થાનની મોસમ જ કંઈક એવી છે જ્યાં શિયાળામાં કડકડતી ટાઢ અને ઉનાળામાં ધગધગતી ગરમી પડે છે. એમાં પણ રાજસ્થાનનું ચુરૂ ગામ એવું છે, જ્યાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડે છે. અત્યારે શિયાળામાં એટલી ઠંડી પડે છે કે રાતે તો ઘણી વખત તાપમાન માઈનસ પર પહોંચી જાય છે. ગયા વર્ષે ૨૭મી ડિસેમ્બરે તાપમાન માઈનસ પાંચ ડિગ્રી પર પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં સૌથી લઘુત્તમ તાપમાન ૨૮મી ડિસેમ્બર ૧૯૭૩માં ૪.૬ ડિગ્રી નોંધાયું હતું. ઉનાળામાંઆ ચુરૂ ગામ ભઠ્ઠીમાં ફેરવાઈ જાય છે. ગરમીમાં ઉષ્ણતામાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. જૂન ૨૦૨૧માં તો ઉષ્ણતામાન ૫૧ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. રાજકારણમાં ગરમાગરમી હાઈકમાન્ડ ઠંડી પાડી શકે પણ મોસમની ગરમી કુદરતના હાઈકમાન્ડ સિવાય કોણ ઠંડી પાડી શકે?
ગુપ્તદાન શ્રેષ્ઠદાન
શ્રેષ્ઠદાન ગુપ્તદાન. મહારાષ્ટ્રના એક દેવસ્થાનમાં તો દાનપેટી ખોલીને રોકડની સાથે દાગીનાની ગણતરી કરવામાં આવી ત્યારે સોના જેવા દાગીના પ્યોર ગોલ્ડના નહીં પણ સોનાનો ઢોળ ચડાવેલા હતા. ધર્મસ્થાનોમાં કોઈ રોકડ, કોઈ આભૂષણો તો કોઈ કિંમતી ધાતુની ટચુકડી મૂર્તિઓ દાનરૂપે આપતા હોય છે, પરંતુ પંજાબમાં એક ગુરુદ્વારામાં માનતા પૂરી થતાં રમકડાંનાં પ્લેન અર્પણ કરવામાં આવે છે. તલહાન ગામમાં શહીદ બાબા નિકહાલસિંહ ગુરુદ્વારા હવાઈ- જહાજ ગુરુદ્વારા તરીકે ઓળખાય છે. વિદેશ જવા ઈચ્છતી વ્યક્તિ આ ગુરુદ્વારામાં માનતા માને છે. પરદેશ જવાનો માર્ગ મોકળો થતાની સાથે જ આવીને રમકડાનું વિમાન ચડાવે છે. સિક્કિમ નજીક બર્ફીલા પહાડો વચ્ચેના એક ધર્મસ્થાનમાં રબ્બરના સ્લિપર ચડાવવામાં આવે છે. આ સ્લિપરના રીતસર ઢગલા થાય છે. સ્લિપર ભેગા થાય પછી ગરીબ પહાડી લોકોને વહેંચી દેવામાં આવે છે જેથી બરફમાં ચાલવાથી તેમના પગને નુક્સાન ન થાય. લોકો કેવી કેવી ચીજો દાનમાં આપે છે એવું વિચારતાની સાથે જ અમેરિકામાં ભારતીયોની થોડી ઘણી વસતી ધરાવતા પ્રાંતમાં આવેલા શેલ્ટર હોમની દાનપેટીમાંથી શું નીકળ્યું એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય. એક સવારે દાનપેટી ખોલવામાં આવી તો સોના જેવાં ચળકતા શૂઝ નીકળ્યા. તપાસ કરતા ખબર પડી કે અમેરિકાના ટોચના ફેશન ડિઝાઈનરે હોલિવુડના એક એકટર માટે બનાવ્યા હતા. ૨૦૧૯માં એકેડેમી એવોર્ડ ફંકશન માટે તૈયાર કરવામાં આવેલા આ શૂઝની કિંમત સાડા આઠ લાખ આંકવામાં આવી હતી. શેલ્ટર હોમના સંચાલકોએ સેલિબ્રિટીના જૂતાનું લીલામ કરવાનું નક્કી કર્યું અને લીલામમા આજ શૂઝના સાડા સોળ લાખ રૂપિયા ઉપજ્યા. ગુજરાતમાં કહેવત છે કે જશને માથે જૂતા, પણ આ કિસ્સામાં તો હોલિવુડમાં જશ મેળવનારા એક્ટરનાં જૂતાંએ જ લાખો રૂપિયા કમાવી આપ્યા.
દુલ્હારાજા નશામાં નાચ્યા અને દુલ્હન ગુમાવી
નાચ મેરી જાન ફટાફટ... બાત મેરી માન ફટાફટ... આવા ગીતોની ધૂન પર ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના ગામે લગ્ન વખતે જાનૈયા મન મૂકીને નાચતા હતા. બધાને નાચતા જોઈ વરરાજાને કોણ જાણે એવું તાન ચડયું કે એ પણ વચ્ચે ઠેકડો મારી નાચવા લાગ્યો. ભાન ભૂલીને ભાવિ ભરથારને નાચતો જોઈ કન્યાને શંકા ગઈ કે વરરાજાએ નશો કર્યો લાગે છે. ત્યારે તો કંઈ ન બોલી, પણ જ્યારે વરમાળા પહેરાવવાનો વખત થયો અને વરરાજા માંડ માંડ મંચ પર આવ્યો ત્યારે ચિક્કાર પીધો હોવાથી રીતસર ગડથોલિયું ખાઈને પડી ગયો. કન્યાએ એ જ વખતે કન્યાપક્ષ અને વરપક્ષના સહુ સાંભળે એમ મક્કમતાપૂર્વક કહી દીધું કે આવા દારૂડિયા સાથે સંસાર માંડવા નથી માગતી. હું લગ્ન ફોક કરું છું, જાવ હવે પાછા. વડીલોઓએ કન્યાને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ હિમ્મતવાળી કન્યા જરાય ટસથી મસ ન થઈ. છેવટે જાન કન્યાને લીધા વિના જ પાછી વળી. કન્યાની આ મક્કમતા જોઈને કહેવું પડે કે-
જે કન્યાએ દારૂડિયાને દીધો જાકારો,
એ કન્યાની હિમ્મતને આવકારો.
ઘડપણ છતાં સાચવે
'ગઢ- પણ'
વરસને વચલે દિવસે નેતાઓ વાજતેગાજતે સ્વચ્છતા અભિયાન હાથ ધરે ત્યારે આખું ગામ માથે લેતા હોય છે. પ્રસિદ્ધિ-પુરુષોત્તમો અને થનગનભૂષણો પણ નેતાજીની સ્વચ્છતા સેનામાં હાથમાં ઝાડું લઈ લઈને જોડાતા હોય છે અને ફોટા પડાવી સોશિયલ મીડિયામાં વીજળી વેગે વહેતા મૂકે છે, પરંતુ મહારાષ્ટ્રના સાતારા નજીક આવેલા સજ્જનગઢ જિલ્લાની મુલાકાત લેનારાને એક ૭૦ વર્ષની વૃદ્ધા હાથમાં સાવરણો લઈ ધીમે ધીમે સફાઈ કરતી નજરે પડશે.
છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૭૩માં આદિલ શાહના હાથમાંથી આ કિલ્લો જીતી લીધો હતો. શિવાજી મહારાજની વિનંતીને માન આપી તેમના ગુરુ સ્વામી રામદાસ સ્થાયી નિવાસ માટે આ કિલ્લામાં આવ્યા હતા. આ જ કિલ્લા પર તેઓ બ્રહ્મલીન થયા હતા. આજે કિલ્લો જોવા અને સ્વામી રામદાસની સમાધિના દર્શને અનેક લોકો આવે છે. મુલાકાતીઓ વયોવૃધ્ધ અવસ્થામાં પણ રામનામનો જાપ કરતા નિસ્વાર્થભાવે સાફ- સફાઈ કરતા શારદાબાઈ સર્જેરાવ મોરેને જોઈને આશ્ચર્ય અનુભવે છે. છેલ્લા ં લગભગ એક દાયકાથી તેઓ ગઢના પગથિયાં અને કિલ્લાની આસપાસની જગ્યા કચરો સાફ કર્યા કરે છે. કચરો ભેગો થાય તેનો યોગ્ય રીતે નિકાલ પણ કરે છે. વૃદ્ધાની ઊંચી ભાવના જોઈને કહેવું પડે કે-
ના કોઈ વળ-ગણ
આવ્યું ભલે ઘડપણ
છતાં સાચવે ગઢ-પણ
પંચ- વાણી
કમાય સટ્ટાવાળા
કમાય સત્તાવાળા
મૂંગામોઢે જુએ ખેલ
મોઢે ડૂચા-ડટ્ટાવાળ