રામાયણ પાર્કમાં રાવણની પ્રતિમા .

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
રામ જન્મભૂમિ અયોધ્યામાં રચાનારા રામાયણ પાર્કમાં દશાનન રાવણની ભવ્ય પ્રતિમા પણ જોવા મળશે. આ પાર્કની અંદર રામાયણની થીમ પર આધારિત દ્રશ્યો ક્રિએટ કરવામાં આવી રહ્યાં છે. પાર્કમાં રામ-રાવણ યુદ્ધને દર્શાવવા માટે ૨૫ ફૂટ ઊંચી લંકેશ રાવણની પ્રતિમા તૈયાર કરવામાં આવશે. જુદા જુદા હિસ્સા જોડીને આ ઊંચી પ્રતિમા ખડી કરવામાં આવશે. પ્રભુ રામે જ્યાંથી પરમધામની યાત્રા કરી હતી એ ગુપ્તારઘાટ પાસે રચાનારા રામાયણ પાર્કમાં ભવ્ય રામ-દરબાર પણ આકાર લઈ રહ્યો છે જે રામભક્તો માટે મુખ્ય આકર્ષણ ખડું કરશે એવું અનુમાન છે. અયોધ્યાના ધાર્મિક પર્યટનને વેગ આપવાના પ્રયાસરૂપે રામાયણ-પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રતિમાઓના માધ્યમથી રામાયણના મુખ્ય પ્રસંગોને જીવંત રૂપ આપવામાં આવશે. રામાયણ-પાર્ક ખુલ્લો મૂકાશે એ પછી ભક્તજનો રામાયણ વાંચીને જ નહીં , પરંતુ રામાયણના પ્રસંગો અને પાત્રોના નજરોનજર દર્શન કરીને આનંદ માણી શકશે અને ઘણું ઘણું જાણી શકશે.
લોટરી વિજેતાને
શોધવા ઢોલવાદન
અગાઉના જમાનામાં ગામ અને ગામડામાં ઢોલ ઉપર દાંડી પીટીને રાજના કોઈ ફરમાનની કે મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવતી હતી.તે વખતે રેડિયો કે ટેલિવિઝન હતા નહીં એટલે પછી ઢંઢેરો પીટીને ગામલોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવતો, પરંતુ થોડા દિવેસ પહેલાં પંજાબના લુધિયાણા શહેરમાં ઢોલીઓ ઢોલ ઉપર પૂરી તાકાતથી દાંડી પીટતા નીકળી પડયા અને ઊંચા સાદે બરાડતાઃ 'એક કરોડ કી લોટરી કે વિજેતા... કહા હૈ...'
લુધિયાણાના લોકોએ પૂછયું કે ભાઈ કોને શોધો છો? ત્યારે ઢોલીએ કહ્યું કે, 'લોટરીના એજન્ટ પાસેથી એક શખસે બે હજાર રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી હતી. પણ નામ કે ટેલિફોન નંબર નોંધાવ્યા નહોતા. હવે એ જ નંબરની લોટરી ટિકિટને એક કરોડનું ઈનામ લાગ્યું છે, એટલે અમે લોટરી વિજેતાને ગોતવા નીકળ્યા છીએ... ઢમ.. ઢમ... ઢમાક... ઢમ.. ઢમ..'
જુઓ ઈન્ટરનેટ, કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલના આજના યુગમાં પણ લોટરી વિજેતાને શોધી કાઢવા માટે ઢોલ પર દાંડી પીટવાનો જ જમાનાઓ જૂનો નુસ્ખો અજમાવવો પડયોને!
આ કેવી જોક,
જૂતાંચોરીથી લગ્ન ફોક
દુલ્હે કી સાલીયોં, હરે દુપટ્ટેવાલીયો, જૂતે દે દો પૈસે લેલો... લગ્નવિધિ વખતે સાળીઓ જીજાજીના જૂતાં ચોરી લે છે અને પૈસા આપે તો જ જૂતાં પાછા આપે છે. આ મજેદાર રસમ પરાપૂર્વથી ચાલી આવે છે. પરંતુ ક્યારેક હસવામાંથી ખસવું થઈ જાય છે.
મથુરામાં લગ્નની વિધિ વખતે સાળીઓએ બનેવીના જૂતાં ચોરી લીધાં એટલે દુલ્હારાજા ગુસ્સે ભરાયા અને એલફેલ બોલવા માંડયા. આમાંથી ભારે ઝઘડો થયો. કન્યાએ પોતાના ભાવિ ભરથારને ટાઢો પાડવા ખૂબ સમજાવ્યો, પણ હઠીલો વરરાજા માન્યો નહીં. આથી કન્યાએ બધાની વચ્ચે કહી દીધું કે આવા ખરાબ મિજાજવાળા પતિ સાથે આખી જિંદગી ગુજારવાની મારી તૈયારી નથી. આ સાંભળી વરરાજા વધુ ખીજાયો અને વરમાળા તેમ જ સોનાની વીંટીનો ઘા કરીને ધૂંઆપૂંઆ થતો જૂતાં અને કન્યાને લીધા વિના ઉઘાડા પગે માંડવામાંથી નીકળી ગયો. ત્યારબાદ વર પક્ષવાળા પણ લગ્નનો અડધો ખર્ચ આપીને રવાના થઈ ગયા. આ કિસ્સો વાંચીને કહેવું પડે કે-
માથાફરેલ મૂરતિયો ગિન્નાયો
જ્યારે ચોરાયા ખાસડા,
હવે કન્યા વિના એકલો
લેશે રાસડા.
કેદીઓએ કારાગૃહને ફેરવ્યું જલસાઘરમાં
પ્યાર કે ઈસ ખેલ મેં
દો દિલોં કે મેલ મેં
તેરા પીછા ના છોડૂંગા સોણિયે
ભેજ દે ચાહે જેલ મેં...
ધર્મેન્દ્ર 'જુગ્નુ' ફિલ્મમાં હેમા માલિની માટે આ મજેદાર ગીત ગાય છે, કે તારો પીછો નહીં છોડું, ભલે જેલમાં મોકલી દે... પરવા નથી. આ તો સામેથી જેલમાં મોકલવાની વાત કરે છે... પણ જેને ખરેખર જેલમાં મોકલવામાં આવ્યાં હોય એમાંથી કેટલાંક રંગીલા મિજાજના કેદીઓ કોઈની સાડીબાર રાખ્યા વિના દારૂ ઢીંચી પાર્ટી મનાવીને નાચ-ગાનમાં ખોવાઈ જતા હોય છે. બેંગ્લોરની જેલની એક બેરેકમાં ચાર કેદીઓને દારૂ ઢીંચીને છાકટાં બની નાચતા જોઈને કેવી નવાઈ લાગે! નાચતા, ગાતા, મસ્તીમાં ઝૂમતા કેદીઓનો વીડિયો લીક થયા પછી કંઈક ન્યુઝ ચેનલોએ તે વહેતી મૂકતાં ભારે હોબાળો મચી ગયો હતો. જેલની બેરેકમાં જ દારૂ પીતા, માંસાહાર કરતા અને તાનમાં આવીને નાચતા કેદીઓના જેલ-ડાન્સને લીધે કર્ણાટક સરકાર હરકતમાં આવી ગઈ. જેલના ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. કારાગૃહની ઊંચી દીવાલોની પાછળ જેલતંત્રને સાધીને જલસા કરતા આવાં ખમતીધર અને ખુશનસીબ કેદીઓના ખેલ જોઈને કહેવું પડે કે-
જેલમાં પહોંચેલો કેદી
જો 'પહોંચેલા' હોય
તો એને માટે જેલ
પણ મહેલ છે.
જેલવાળા સાથે સાંઠગાંઠ
અને બધો પૈસાનો ખેલ છે.
રેલ રોકો નહીં, પણ રેલલાઈન પર જોખમી ખેલ રોકો
મુંબઈ જેવાં મોટા શહેરોમાં રેલવે સ્ટેશનની નજીક ઘર હોય એ પોતાને નસીબદાર ગણે, પરંતુ સ્ટેશનથી નજીક નહીં પણ સ્ટેશનના પ્લેટફોર્મની ઉપર જ ઘર હોય એ લોકો કેટલાં નસીબદાર કહેવાય? આવા નસીબવંતા લોકો બીજે ક્યાંય નહીં, રાજધાની દિલ્હીના એક સ્ટેશન પર વસવાટ કરે છે. દિલ્હીના આઝાદપુર સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર સેંકડો લોકો વર્ષોથી રહે છે. કેટલાંકે તો માળવાળા કાચા ઘર બાંધી દીધા છે.
આ પ્લેટફોર્મનું એક ચક્કર મારો તો વડીલો ખાટલા પર બેસીને ટોળટપ્પા કરતા હોય, મહિલાઓ ચૂલા સળગાવીને રાંધતી હોય, ટેણિયામેણિયા રમતાં હોય અને પારાવાર ગંદકી હોય. આવું દ્રશ્ય જોઈને થાય કે રાજધાનીના રેલવે પ્લેટફોર્મને તારાજધાનીમાં ફેરવી નાખે એને કોઈ રોકી કેમ ન શકે? દિલ્હીમાં જ રેલવે મંત્રાલયના માંધાતાઓ બિરાજે છે એમનું કોઈ ધ્યાન કેમ નહીં દોરતું હોય એવો સવાલ થાય. પ્લેટફોર્મ પર ગેરકાયદે વસવાટને લીધે રેલવે પ્રવાસીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે એ જોઈને હાકલ કરવી પડે કે રેલ-રોકો નહીં પણ રેલ-લાઈન પર જોખમી ખેલ-રોકો.
પંચ-વાણી
'ધરમના કામમાં ઢીલ ન હોય' તે કહેવતના ફેરવીને કહેવું જોઈએ કે ધરમના કામમાં કોઈ 'ડીલ' એટલે કે સોદાબાજી ન હોય.

