Get The App

ત્રસ્ત વહુની પ્રાર્થના... સાસુના મૃત્યુની કામના

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
ત્રસ્ત વહુની પ્રાર્થના... સાસુના મૃત્યુની કામના 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આજના જમાનામાં તો સાસુ-વહુના સંબંધો ઘણા સુમળેભર્યા થયા છે. બાકી જૂના જમાનામાં  જે વહુના ભાગ્યમાં વઢકણી સાસુ ભટકાય હોય એના જીવનમાં તો સાસુનો પ્રાસ (અને ત્રાસ) આંસુ સાથે બેસતો. ફિલ્મના પડદે મહાન અભિનેત્રી લલિતા પવારે વઢકણી સાસુના પાત્રને એટલી હદે જીવંત કર્યું હતું કે કોઈ ઘરમાં સાસુ પોતાની વહુ ઉપર ત્રાસ ગુજારતી હોય તો આડોશી પાડોશી કહેતા કે 'આ-ડોશી' લલિતા પવાર જેવી કકળાટણી અને કજિયાખોર છે. આજે સાસુ-વહુના સંબંધો સુધર્યા છે છતાં કોઈક કિસ્સામાં વહુ કેેટલી હદે પોતાની સાસુમાથી ત્રાસી ગઈ હશે તેનો ખ્યાલ આવે. 

કર્ણાટકના બેલગામ જિલ્લાના રાયબાગ તાલુકાના હુલિકંટેશ્વર મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે પણ મોટે પાયે ધાર્મિકયાત્રા (જાત્રા) યોજાઈ હતી. પ્રસંગ પૂરો થયા પછી દાનપેટી ખોલવામાં આવી અને પૈસાની ગણતરી શરૂ થઈ ત્યારે ૧૦૦ રૂપિયાની નોટ પરનું લખાણ વાંચી સહુ તાજ્જુબ થઈ ગયા હતા. નોટ પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, 'હે ભગવાન મારૃં દુઃખ દૂર કર... આવતા વર્ષની જાત્રા પહેલાં મારી સાસુ મરે તો સારૃં...' 

જરા કલ્પના કરો કે એ મહિલા પોતાની સાસુથી કેટલી હદે ત્રાસી ગઈ હશે!

ઝેર ન પીધાં 

જાણી જાણી

મનુભાઈ પંચોળી 'દર્શક'ની અમર નવલકથા 'ઝેર તો પીધા જાણી જાણી' કોણ ભૂલી શકે? જીવનનાં જાતજાતનાં ઝેર પચાવવા પડે છે. પરંતુ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના બરેઠુ નામના ખોબા જેવડા ગામડાના  લોકોને ખબર પણ ન પડે એ રીતે ઝેર ખાઈ મારી નાખવાનું તરકટ પકડાયું હતું.

આ નાનકડા ગામડામાં લગભગ ત્રીસેક ઘરોમાં બસો લોકો વસે છે. આ ૩૦ ઘરને પાણી પૂરૃં પાડતી પાણીની ટાંકીમાં   કોઈએ જંતુનાશ ક દવા ભેળવી દીધી. સફરજનના બાગમાં છાટવામાં આવતી આ અત્યંત ઝેરી જેતુનાશક દવા ટાંકીમાં ભેળવવામાં આવ્યાં પછી નસીબ એટલા સારા કે આદર્શ શર્મા નામના એક રહેવાસી પાણી પીવા ગયા ત્યારે અંદરથી તીવ્ર વાસ આવી. એટલે એમણે પાણી ઢોળી નાખ્યું અને આખા ગામડામાં બધાને ચેતવી દીધા કે કોઈ પાણી પીતા નહીં.પછી જળશક્તિ વિભાગને તપાસ માટે પાણીના સેમ્પલ મોકલવામાં આવ્યા. સેમ્પલ તપાસતાં ખબર પડી કે પીવાના પાણીમાં તો જંતુનાશ ક દવા ભેળવવામાં આવી હતી. હવે ઝેરી દવા  ભેળવીને કોણ ભાગી ગયું એની પોલીસ શોધ ચલાવે છે. એટલે આના પરથી કહેવું પડે કે-

જાણ થઈ જંતુનાશકવાળું છે

પાણી પાણી,

એટલે જ ઝેર ન પીધા

જાણી જાણી.

દેશની પ્રથમ પ્રજ્ઞાાચક્ષુ મહિલા જજ

કાયદો અંધ છે એવું કહેવાય છે, પરંતુ કેરળની ૨૪ વર્ષની થાન્યા નાથન સી. નામની ૧૦૦ ટકા પ્રજ્ઞાાચક્ષુએ દેશની સૌ પ્રથમ બ્લાઈન્ડ જજ બનીને સહુની આંખો આશ્ચર્યથી પહોળી કરી નાખી છે. ખરી લગન અને મહેનતથી કાયદાનો અભ્યાસ કરીને ૨૦૨૫માં સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની એક્ઝામમાં ટોચનું સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો છે. ૨૦૨૪ તાન્યા વકીલ બન્યા પછી તેણે જજ બનાવનો સંકલ્પ  કર્યો. બરાબર એ જ અરસામાં સુપ્રીમ કોર્ટે એવો ફેંસલો આપ્યો કે પ્રજ્ઞાાચક્ષુ  ઉમેદવારને જ્યુડિશિયલ સર્વિસ માટે અયોગ્ય ન ઠેરવી શકાય. બસ પછી તો રસ્તો ખૂલી જતા મહેનત કરવા માંડી. સૌથી મોટો પડકાર કાયદા વિષયક  વાચન સામગ્રીનો દેખતી વ્યક્તિ  માટે બધાં પુસ્તકો ઉપલબ્ધ હોય છે, પણ બ્લાઈન્ડ સ્ટુડન્ટ માટે બધાં પુસ્તકો નથી મળતા. એટલે તેણે તો ઓનલાઈન સ્ટડી મટીરિયલ પર જ આધાર રાખવો પડે છે. આ બધા પડકારો ઝીલી થાન્યાએ જજ બનાવની સિદ્ધિ હાંસલ કરી. આ  જોઈને કહેવું પડે કે-

સંકલ્પશક્તિ સામે ગમે તે

પડકાર પાણી ભરે,

પ્રજ્ઞાાચક્ષુ જ્યારે જજની

પરીક્ષા પાસ કરે.

નોટના બદલમાં વોટ ન આપ્યા એટલે લાવો પૈસા પાછા

ચૂંટણી વખતે નોટ આપી વોટ ખરીદાય છે. ભેટસોગાતોની લ્હાણી  કરી ચૂંટણી જીતાય છે. આ રેવડીપ્રથા છાની નથી રહી. તંદુરસ્ત લોકશાહી માટે રેવડી કલ્ચર ખરેખર નાદુરસ્ત પ્રથા કહેવાય, પરંતુ આનાથી પણ શરમજનક ઘટનામાં તેલગણામાં ગયા મહિને નગર પાલિકાઓની  ચૂંટણી થઈ એમાં કેટલાય ઉમેદવારોએ મતદાર દીઠ અઢી-ત્રણ હજાર રૂપિયા રોકડા તેમ જ પ્રેશર કૂકર અને સાડીની લ્હાણી કરી હતી. ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા પચી લગભગ દસેક ગામના હારેલા ઊમેદવારો મતદારોને આપેલી રોકડ રકમ અને ભેટવસ્તુ પાછી માગવા નીકળી પડયા હતા. આ હારેલા ઉમેદવારો એક જ વાત કહેતા હતા કે તમે અમને વોટ ન આપ્યા એટલે અમે હાર્યા, એટલે હવે લાવો પૈસા પાછા. આ તો ભાઈ રોકડિયો હિસાબ છે. એક હાથ સે દેના ઔર દુસરે હાથ સે લેના. 

આ બધા હારેલાઓની હીણી હરકત જોઈને કહેવું પડે કે-

વોટ નહીં તો નોટ નહીં,

હમ આપકો દેંગે ચોટ સહી,

ઈસમે ક્યા ગલત ક્યા સહી?

હારે હુએ કી હરકત યહી.

ભસતા કૂતરાએ લગ્ન ફોક કરાવ્યા

હસે એનું ઘર વસે અને ભસે એનાથી સહુ આધા ખસે. ઉત્તર પ્રદેશના ખાગા-કોતવાલી ગામે ભસતા કૂતરાએ લગ્ન ફોક કરાવ્યા હતાં. એમાં એવું થયું કે ગામના પ્રતિષ્ઠિત પરિવારનાં દીકરા-દીકરીના લગ્ન નિધાર્યાં હતાં. વાજતે ગાજતે લગ્નના માંડવે જાન આવી પહોંચી. એ વખતે કન્યા પક્ષનો પાળેલો ડોગી એક થાંભલા સાથે બાંધેલો હતો એ ધાંધલ દમાલથી ભડકીને જોર જોરથી ભસવા માંડયો. એટલે જાનૈયાઓએ ભસતા શ્વાનને જરા ઠમઠોર્યો. આ હરકતથી કન્યાપક્ષવાળા ઉશ્કેરાયા અને પછી  ઝઘડો વધી પડયો. કન્યાએ પણ જરાય અચકાયા વગર કહી દીધું કે મારા પેટ ડોગ સાથે આવો દુર્વ્યવહાર થાય એવા પરિવાર સાથે હું નાતો બાંધવા જ નથી માગતી, એટલે મારે લગ્ન કરવાં જ નથી, જાવ. આમ કૂતરાની ભસણબાજીને કારણે લગ્ન ફોક થયાં, બોલો. આના પરથી કહી શકાય કે-

નઠારાઓ બધુ બગાડે ભાષણબાજીથી 

અને ભસતા શ્વાન બધાને

ભગાડે ભસણબાજીથી.

પંચ-વાણી

સવાલઃ પાખંડી ગુરુ દરેક ધર્મના ભક્તોને આવકારતા અને દક્ષિણા રૂપે એક સરખી ઊંચી રકમ પડાવતા. આને શું કહેવાય?

જવાબઃ સર્વધર્મ સમભાવને બદલે આને કહેવાય સર્વધર્મ સેમ-ભાવ.