- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
રંગબેરંગી પતંગિયાંને ઉડતાં જોઈને સહુ રાજી થાય છે, પણ હવે નવી જાતનાં પતંગિયાંને ઉડતાં જોઈને ખેડૂતોને રાહત થશે. આ પતંગિયાને રોબોટિક પતંગિયાનું નામ આપવામાં આવ્યું છે. શેરડીના ખેતરોમાં પાકને રોગ લાગુ પડે ત્યારે જંતુનાશકના છંટકાવ અને બીજા ઈલાજ કરવા પાછળ ખેડૂતોએ ઘણો ખર્ચ કરવો પડે છે. શેરડી બગડી જાય ત્યારે ભારે નુકસાની વેઠવી પડે છે.
ખેડૂતોને નુકસાનમાંથી બચાવવા માટે ઈન્દોરની શ્રી ગોવિંદારામ સક્સેરિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધકોએ મલીને રોબોટિક બટરફલાયની શોધ કરી છે. એઆઈ, રોબોટિક્સ અને સેન્સર્સ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ટચુકડા રોબોટિક પતંગિયા તૈયાર કરવામાં આવ્યાં છે. શેરડીનાં ખેતરોમાં આ રોબોટિક પતંગિયાં ઉડાડવામાં આવતાં આ પતંગિયા એકદમ નજીકથી શેરડીની તસવીરો ખેંચશે અને ક્યા ભાગમાં શેરડીને ક્યો રોગ લાગુ પડ્યો છે તેની જાણકારી મેળવશે. આનો ફાયદો એ થશે કે આખા ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવો નહીં પડે, જેટલા ભાગમાં બીમારી ફેલાઈ હશે ત્યાં જ દવા છાંટવી પડશે.
બીજું, એકદમ સમયસર રોગની જાણકારી મળતાં ઝડપથી ઈલાજ કરી શકાશે. આને કારણે બીમારીથી બધો પાક નાશ પામવાની શક્યતા જ નહીં રહે. ડ્રોન કરતાં પણ આ યાંત્રિક પતંગિયા વધુ ઉપયોગી સાબિત થશે, કારણ કે ડ્રોન તો આકાશમાં ઊડીને ઉપરથી ફોટોગ્રાફ લઈ શકે, પરંતુ અંદરના હિસ્સામાં પાકની શું સ્થિતિ છે તે જાણી ન શકે. આમ, શેરડી ઉગાડતા ખેડૂતો માટે યાંત્રિક પતંગિયાં ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે આ રોબોટિક બટરફલાયને 'બેટર-ફલાય' પણ કહી શકાય કે નહીં?
ધનના બદલામાં
ધણીને છોડયો
મધ્યપ્રદેશમાં એક આશ્ચર્યજનક કિસ્સામાં પત્ની અને બે દીકરીઓ સાથે સુખેથી રહેતો ૪૨ વર્ષનો શખસ તેનાંથી ઊંમરમાં બાર વર્ષ મોટી એટલે કે ૫૪ વર્ષની સરકારી મહિલા અધિકારીના પ્રેમમાં પડયો એટલે તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો. પાંચ વર્ષ કાઉન્સેલિંગ ચાલ્યું, પણ પતિ તો પ્રૌઢ પ્રેમિકાની સાથે જ લગ્ન કરવા મક્કમ હતો. આખરે પત્નીએ ૧.૨૩ કરોડનો ડુપ્લેક્સ બંગલો અને ૨૭ લાખ રૂપિયાની રોકડ રકમ એમ કુલ દોઢ કરોડની માલમિલકત મેળવીને પતિને છૂટ્ટો કર્યો, અને પ્રૌઢ પ્રેમિકાને હવાલે કર્યો. પોતાની બે બાળકીના ભવિષ્યનો વિચાર કરીને પત્નીએ આ નિર્ણય લીધો. આ કિસ્સો જાણીને કહેવું પડે કેછ
પત્નીએ છોડ્યો ધણીને
બરાબર પૈસા ગણીને.
ખૈ કે પાન 'જંગલવાલા'
હિન્દી ફિલ્મોમાં ઘણીવાર ડાયલોગ કાને પડે છે કે શેર કભી ઘાસ નહીં ખાતા... જંગલના રાજા શેર ભલે ઘાસ ખાતા ન હોય પણ બિહારમાં એક જમાનામાં રાજા જેવો દબદબો ભોગવતા લાલુજીએ કરોડોનો ઘાસચારો 'ઓહિયા' કરીને સત્તા ગુમાવવી પડી હતી.
જોકે કર્ણાટકના બેલગામ જિલ્લાના પહાડી વિસ્તારમાં રહેતો ૩૪ વર્ષનો બુદાન ખાન છેલ્લાં દસ વર્ષથી માત્ર ઘાસ અને પાંદડાં ખાઈને સંપૂર્ણ રીતે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી રહ્યો છે. વાંદરાને ઝાડ પરથી પાંદડાં ખાતા જોઈને એમની નકલ કરવા માટે બુદાન ખાન પાન ચાવવા માંડયો. તેણે અનાજ ખાવાનું છોડી દીધું અને લીલા પાંદડાં અને ઘાસ ખાઈને ટેસથી જીવે છે.
ના રેશનિંગનું અનાજ લાવવાની ચિંતા, ના રાંધવાની ફિકર કે પછી ના પૈસા ખર્ચવાની જરૂર. બેલગામ જિલ્લાના ઉગાગોલ્લા ગામનો આ ઘાસખાઉ-પાનખાઉ બુદાન ખાન દિવસમાં લગભગ ૬ વખત પાન અને ઘાસ ખાઈ લે છે એટલે પછી તેને ભૂખ નથી લાગતી. એનું કહેવું છે કે પ્રાણી અને પશુ ઘાસ-પાન ખાઈન ે તંદુરસ્ત જીવન જીવી શકે તો પછી માણસ કેમ ન જીવી શકે?
એ જે જગંલમાં રહે છે ત્યાં જુદી જુદી જાતની ૨૦૦ વનસ્પતિ ઊગે છે. માત્ર ઘાસ-પાન ખાઈને આ શખસ કઈ રીતે પોષણ મેળવે છે અને કઈ રીતે તંદુરસ્ત રહી શકે છે એ બાબત નિષ્ણાતો માટે કોયડા સમાન બની ગઈ છે. આ જંગલ બાબુને પાન ચાવતા જોઈને ગાઈ શકાય -
ખૈ કે પાન 'જંગલવાલા' ખુલ જાયે બંધ અક્કલ કા તાલા...
સિક્કામાંથી સુંદર
શિવલિંગ
દેવોના દેવ મહાદેવના શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. ઘણી વાર તહેવારોમાં કોઈક શિવમંદિરમાં બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે, તો કોઈ જગ્યાએ બરફ અથવા તો રૂમાંથી પણ શિવલિંગ રચવામાં આવતું હોય છે. આંધ્રપ્રદેશના એક શિવભક્ત યુવાનને સપનામાં શિવજીએ દર્શન આપ્યા અને અનોખું શિવલિંગ રચી પૂજા કરવાનો જાણે નિર્દેશ કર્યો. સવારે ઊઠીને યુવાને નાણાંના સિક્કામાંથી અનોખું શિવલિંગ રચવાનો સંકલ્પ કર્યો. એ ક એક સિક્કા ચોંટાડીને ખૂબ જહેમત ઊઠાવીને આખરે તેણે સવા લાખ કોઈનમાંથી સુંદર શિવલિંગ રચ્યું. પેલી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. તેને જરા ફેરવીને કહી શકાય કે શ્રદ્ધા હોય તો સિક્કામાંથી શિવલિંગ બનાવાય.
મિની-ભેંસ જોઈ
સહુ રાજી રાજી
માથેરાનની મિની-ટ્રેન હોય કે પછી મિની-બાઈક કે મિની-કાર, લોકોની નજર તરત જ તેના તરફ આકર્ષાય છે. પણ મહારાષ્ટ્રના સાતારામાં એક મિની-ભેંસ સહુની લાડકી બની ગઈ છે. દુનિયાની સૌથી ઠીંગણી ભેંસ તરીકે રાધા નામની એકદમ ટચુકડી ભેંસે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકાર્ડમાં સ્થાન મેળવ્યું છે. મુરા જાતિની આ નમણી ને નાજુક ભેંસની ઉંચાઈ ફક્ત બે ફૂટ આઠ ઈંચ છે અને વજન ૨૯૦ કિલો છે. સાડા ત્રણ વર્ષની આ મિની-ભેંસ ખરીદવા માટે તાજેતરમાં જ ૭૫ લાખની ઓફર આવેલી, પરંતુ ભેંસના માલિકે વેંચી નહોતી. કહેવત છે ને કે ભેંસ, ભામણ અને ભાજી, ઈ ત્રણ પાણી જોઈ રાજી. જોકે રાધાના કેસમાં એવું છે કે મિની-ભેંસને જોઈને સહુ રાજી રાજી થઈ જાય છે. એટલે જ કહેવું પડે કે-
કદાવર જંગલી ભેંસ કરે તારાજી,
નાજુક ભેંસને જોઈ સહુ
રાજી રાજી.
પંચ-વાણી
જય જય ગરવી ગુજરાત
જ્યાં હસે એક ગુજરાતી,
ત્યાં સદાકાળ ગુજરાત.
***
લોકશાહીમાં અનેક પ્રધાનોનો ત્રાસ સહન કરવો પડે છે, જ્યારે રાજાશાહીના વખતમાં એકાદ પ્રધાનનો ત્રાસ સહન કરવો પડતો હતો. રાજાશાહી વખતે પ્રધાન માટે દીવાન શબ્દ વપરાતો એ વખતની વાત છે. રાજાનો દીવાન જુલ્મી છે એ વાત રાજાને સંભળાવવા માટે રાજકવિએ એના એ જ શબ્દો વાપરી બે પંક્તિમાં સંભળાવી દીધું છ
દીવા નથી દરબારમાં છે
અંધારૃં ઘોર,
'દીવાનથી' દરબારમાં છે
અંધારૃં ઘોર.


