Get The App

ભારત- બાંગ્લાદેશ સીમા પર મધમાખીઓ ઘૂસણખોરી રોકશે

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
ભારત- બાંગ્લાદેશ સીમા પર મધમાખીઓ ઘૂસણખોરી રોકશે 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ભારતની સરહદો પર દુશ્મનોની ઘૂસણખોરી રોકવા માટે સશસ્ત્ર જવાનો દિવસ-રાત પહેરો ભરતા જ હોય છે, પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જમીની સરહદ પર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અને પશુઓની તસ્કરી રોકવા પહેલી જ વાર મધમાખીઓનો ઉપયોગ કરવામાં આવશે. બોર્ડર સિક્યોરીટી ફોર્સ (બીએસએફ) તરફથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નાદિયા જિલ્લાના કાદિરપુરના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ કિલોમીટરના સીમાવર્તી પટ્ટામાં મધમાખીઓના ઉછેર માટેની ૪૦ પેટીઓ ગોઠવવામાં આવી છે. ઉપરાંત ૬૦ હજારથી વધુ ઔષધીય વનસ્પતિના રોપા વાવવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ યોજના અંતર્ગત ગામડાના લોકો મધમાખીનો ઉછેર કરી મધ મેળવીને વેચશે અને આજીવિકા રળશે. એવી જ રીતે આયુર્વેદિક જડીબુટ્ટી અને ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિને કારણે તેમને આવકનું સાધન મળી રહે છે. સરહદ પરની કાંટાળી વાડ ઉપર મધપુડાની ૪૦થી વધુ પેટીઓ ગોઠવી દેવામાં આવી છે. એટલે રાતના અંધારામાં જો કોઈ ઘૂસણખોર ભારતમાં ઘૂસવા માટે જરાક વાડ હલાવશે કે તરત જ મધમાખીઓની ડંખીલી સેના તૂટી પડશે. આવી જ રીતે ભારતમાંથી થતી પશુઓની તસ્કરી પણ અટકાવી શકાશે. આ નવતર પ્રયોગ જોઈને કહેવું પડે કે-

ગ્રામજનો મધમાખી પાળશે

આવકનું સાધન ભાળશે

અને તસ્કરોને ટાળશે.

બિહારી ભીખારીની અમીરી

તૂમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા, ગરીબો કી સુનો વો તુમ્હારી સૂનેગા... રસ્તા, ફૂટપાથ, ગામ, શહેર, સ્ટેશન કે બસ- સ્ટેશન દરેક જગ્યાએ હાથ લાંબો કરી ભીખ માગતા ભીખારીઓ મળશે, પરંતુ બિહારના પટણા સ્ટેશન પર હાથ લાંબો કરી  ભીખ માગતો દિવ્યાંગ માગણ કરોડપતિહશે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે. આ હકીકત છે. ભીખ માગી માગીને જ બે પાંદડ ેથયેલો આ અમીર ભીખારીએ ભાડે આપેલી જગ્યામાં કેટલીય બેન્કોના એટીએમ ગોઠવાયેલા છે. તેની પાસે ઘણી સ્થાવર મિલકત છે. પટણા જેવા મોટા શહેરમાં તેની માલિકીના બે પ્લોટ છે. તેનો દીકરો ઈંગ્લિશ મીડિયમમાં ભણે છે અને પરિવાર એશ- આરામથી જીવે છે, પરંતુ આજે પણ પપ્પુ પટના  સ્ટેશને ભીખ માગે છે. 

તેનું બેકગ્રાઉન્ડ તપાસતા ખબર પડી કે તેનો ઈરાદો એન્જિનીયર બનવાનો હતો. પરંતુ ઘરમાં ઝઘડો થતા ઘર છોડીને મુંબઈ પહોંચી ગયો. થોડા દિવસ પછી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા. ભવિષ્ય અંધકારમય બની ગયું. મુંબઈમાં ભીખ માગવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન રહ્યો. ભીખના ધંધામાં ફાવટ આવતી ગઈ અને આવક વધતી ગઈ. આમ, મુંબઈ સિટીમાં માસ્ટર ઓફ માગણલોજીની 'ડિગ્રી' મેળવી તેણે બિહારની વાટ લીધી જેથી પરિવાર સાથે રહી શકાય. બિહાર પહોંચી તેણે પટના સ્ટેશન પર જ માગવાનું શરૂ કર્યું. આમ માગી માગીને કરોડપતિ બની ગયો. આ જોઈને કહેવું પડે કે-

કિસ્મત રોડપતિને

પણ બનાવી દે કરોડપતિ

બિહારી ભીખારી પાસે

કેવી અઢળક સંપત્તિ?

સાસુના ટોર્ચરથી છૂટવા જમાઈની આત્મહત્યા

સાસુ શબ્દનો પ્રાસ સામાન્ય રીતે વહુના આંસુ સાથે મળતો હોય છે. લોકગીતોમાં પણ ગવાયું છે ને કે, દાદા હો દીકરી, વાગડમાં ના દેશો રે સઈ, વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે... પરાપૂર્વથી સાસુ અને વહુ વચ્ચેના સંબંધમાં તીખારા  ઝરતા જ રહ્યા છે. બદલાતા સમય સાથે ભલે પરિવર્તન આવ્યું હોય, છતાં આજે પણ સાસુના ત્રાસથી પુત્રવધૂની આત્મહત્યાના કિસ્સા બનતા જ રહે છે. જ્વલ્લે જ બને એવી ઘટનામાં સાસુના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે જમાઈરાજાએ આત્મહત્યા કરી હતી. છિંદવાડામાં ઈમલીખેડા ગામે રહેતા ૪૦ વર્ષનો શખસ સાસુના ત્રાસથી ગળે આવી ગયો હતો. નાની નાની વાતમાં વઢકણી સાસુ એટલી હદે ટોર્ચર કરતી અને અપમાનિત કરતી હતી કે આખરે જમાઈરાજાએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું હતું. તેણે સ્યુઈસાઈડ નોટમાં લખ્યું હતું કે 'મારા મોત માટે થર્ડ- ડિગ્રી અજમાવી ટોર્ચર કરતી સાસુ જવાબદાર છે.'

મંદિર વારાણસીમાં, દેખભાળ નેપાલના હાથમાં

તીર્થનગરી અને મંદિરોની મહાનગરી વારાણસીમાં ગંગા કિનારે ગણ્યા ગણાય નહીં એટલાં મંદિરો આવેલાં છે. ભારતની પવિત્ર ભૂમિ પર બંધાવેલાં આ મંદિરોનો વહીવટ ભારત સરકારના કાયદા અને નિયમો અનુસાર ચલાવવામાં આવે છે. આમાં એકમાત્ર મંદિર એવું છે જેની ઉપર પાડોશી દેશ નેપાલનો અધિકાર છે. તેની દેખભાળ પણ નેપાલ સરકાર કરે છે. વારાણસીના લલિતા ઘાટ પાસે સ્થિત આ નેપાલી મંદિરને જોતાંની સાથે જ નેપાલના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરનું સ્મરણ થાય. આ મંદિરના ઈતિહાસ પર નજર કરતા જાણવા મળે છે કે નેપાલના રાજા રાણા બહાદુર શાહ ૧૮૦૦થી ૧૮૦૪ દરમ્યાન વારાણસીમાં રહેતા હતા ત્યારે તેમણે મંદિર બાંધવાનો નિર્ણય લીધો. મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયા બાદ અચાનક ૧૮૦૬માં તેમનું નિધન થવાથી બાંધકામ અટકી ગયું. ત્યારબાદ ગાદીએ આવેલા તેમના પુત્ર રાજા રાજેન્દ્રવીરે મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું. બધી બાંધકામ સામગ્રી, શિલ્પકૃતિઓ નેપાલથી મગાવી. ૪૦ વર્ષે મંદિર બંધાઈને તૈયાર થઈ ગયું. નેપાલના રાજાએ મંદિર બંધાવ્યું હોવાથી નેપાલ સરકાર મંદિરનો વહીવટ અને દેખભાળની જવાબદારી સંભાળે છે.

ત્રણસોથી વધુ કિલો વજનનું એક ત્રિકોણ સમોસુ

સંગીતમાં 'સા'નું મહત્ત્વ છે એમ સ્વાદમાં સમો-સાનું મહત્ત્વ છે. ભારતમાં દરરોજ કરોડો રૂપિયાના સમોસા વેંચાય છે. સમોસાનો જન્મ મધ્ય એશિયા કે મધ્ય- પૂર્વમાં થયો હોવાનું મનાય છે. ઈરાનના ઈતિહાસકાર અબુલ ફઝલ બેહકીના પુસ્તકમાં લગભગ દસમી સદીમાં પહેલવહેલી વાર 'સમ્બોસા'નો ઉલ્લેખ માટે છે. પર્શિયન શબ્દ સંબોસગ પરથી સંબુસક થયું અને હવે સમોસા તરીકે આ ત્રિકોણાકાર વાનગીએ હજારથી વધુ વર્ષની મજલ પૂરી કરી છે. સમોસાનો અનોખો રેકોર્ડ ઉત્તરપ્રદેશના મહારાજગંજના દસ વિદ્યાર્થીઓ-ાુવકોએ થોડા વર્ષો પહેલાં કર્યો હતો. કેટરીંગ વ્યવસાય સાથે સંકળાયેલા આ યુવકોએ દુનિયાનું સૌથી મોટું સમોસું તૈયાર કરવાની હામ ભીડી. લગભગ પંદર- વીસ દિવસ-રાતની મહેનત બાદ તેમણે જ્યારે ૩૩૨ કિલો વજનનું સમોસુ તળ્યું ત્યારે જોનારા દંગ રહી ગયા. 

આ અગાઉ ઈંગ્લેન્ડની એક યુનિવર્સિટીના સ્ટુડન્ટોએ ૧૧૦ કિલોનું સમોસું બનાવીને વિક્રમ નોંધાવેલો, પણ મહારાજગંજના સમોસા- સર્જકોએ તો એ રેકોર્ડ તોડીને ૩૩૨ કિલો વજનનું સમોસુ બનાવીને દુનિયાને દંગ કરી નાખી. આ એક સમોસુ બનાવવા માટે બે ક્વિન્ટલ બટેટા, ૧.૭૫ ક્વિન્ટલ ઘઉંનો લોટ અને ૯૦ લીટર ખાદ્યતેલ તેમજ કેટલાય કિલો મીઠુ- મસાલાનો વપરાશ કર્યો હતો. એક સમોસુ બનાવવા પાછળ ૪૦ હજારરૂપિયા ખર્ચ  થયો. આમાંથી ૩૦ હજાર વિદ્યાર્થીઓએ ભેગા કર્યા અને બાકીના સગા- સંબંધીઓએ આપ્યા. આ જમ્બો સમોસા વિશે વાંચીને કહેવાનું મન થાય કેઃ

જબ તક સમોસે મેં

આલુ રહેગા,

સમોસા ખાના

ચાલુ રહેગા!

પંચવાણી

ઊંઘણશીને કાં એલાર્મ 

જગાડે કાં ઓલા-રામ જગાડે.


Google NewsGoogle News