- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
'મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી જૂલ...' રંગભૂમિના આ ગીતમાં વેણીમાં ગૂંથાયેલા ફૂલ હોય કે પછી માતાજીની ભક્તના કાંઠેથી રેલાતું ગીત હોય- 'ફૂલોં કા હાર લાઈ મૈયા તેરે લિયે...' ફૂલોની વેણી, ફૂલોના હાર અને ફૂલમાળા જોઈને જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. જરા વિચાર કરો એક જગ્યાએ બેસીને તમે ધાગામાં ફૂલો પરોવી ખુદ પુષ્પમાળા તૈયાર કરો તો ટેન્શન કેવું ગુલ થઈ જાય? બસ, કેરળના કોચી શહેરની કેટલીક મહિલાઓને આ વિચાર આવ્યો અને તેમણે 'મેક એ માલા' ફાઉન્ડેશન રચ્યું. યુવા ઉદ્યમીઓ અને મનોવિજ્ઞાાનના વિશેષજ્ઞાોના જૂથે ફાઉન્ડેશન રચીને 'માલા થેરેપી'ની અજમાઈશ શરૂ કરી છે. આ થેરેપીમાં મોબાઈલ અને ડિજિટલ દુનિયાથી થોડા સમય માટે લોકોને દૂર લઈ જવા ફૂલોની માળા તૈયાર કરવાનું કામ સોંપવામાં આવે છે. આને કારણે મોબાઈલનો વળગાડ છૂટે છે. એકદમ શાંત અને પ્રફુલ્લિત વાતાવરણમાં બેસી સહુ ધાગામાં ફૂલ પરોવતા જાય છે અને ફૂલમાળા તૈયાર કરતા જાય છે. આને લીધે માનસિક શાંતિ મળે છે, ધ્યાન અને એકાગ્રતા વધે છે અ ને સ્ટ્રેસ દૂર થાય છે.
એરફોર્સની નિવૃત્ત અફસર અને મનોવિજ્ઞાાની મોહન ચંદ્રિકા કહે છે કે માલા-મેકિંગ એ એક હળવી થેરાપ્યુટિક ગેમની જેમ કામ કરે છે. આનાથી ચિત્ત શાંત થાય છે, કોન્સન્ટ્રેશન વધે છે અને રચનાત્નમકતા ખીલે છે. બાકી તો માલા-થેરેપીનો સૌથી મોટો લાભ એ છે કે મારકણા મોબાઈલના વળગણમાંથી અને ડિજિટલ દૈત્યની ચુંગાલમાંથી ધીમે ધીમે છોડાવશે, એટલે જ કહેવું પડશે કે-
ધાગામાં પરોવે ફૂલ... તો ટેન્શન થાય ગુલ.
પત્ની પાછી મેળવવા
છપાવ્યાં પોસ્ટર
કોઈ વ્યક્તિ ગુમ થઈ ગઈ હોય ત્યારે તેનો પત્તો મેળવવા માટે રેલવે સ્ટેશનો કે બસ-ડેપોની દીવાલો ઉપર ફોટા સાથેનાં નાનાં પોસ્ટરો ચોંટાડવામાં આવે છે. ઘણાં પોસ્ટરમાં લખ્યું પણ હોય છે કે શોધી આપનારને યોગ્ય બદલો વાળવામાં આવશે, પરંતુ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ચંડોસ ગામે કંઈક જુદો જ કિસ્સો બન્યો. એક યુવક પોસ્ટર લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોસ્ટરમાં યુવતીના ફોટાની ઉપર લખેલું હતું ઃ મુઝે મેરી બીબી દિલાઓ. પોસ્ટરનું લખાણ વાંચીને આશ્ચર્યમાં ગરકાવ થયેલા પોલીસે અરજદારે પૂછ્યું કે શું મામલો છે?
રડમસ ચહેરે યુવકે જણાવ્યું કે લગ્ન કરવા માટે તેણે એક વીધા જમીન વેચીને લગ્ન કરાવી આપતા દલાલને ૨.૭૦ લાખ ચૂકવ્યા હતા. દલાલ મારફત એક કન્યા સાથે લગ્ન થયાં, પણ લગ્ન પછી ત્રીજે જ દિવસે નઠારી નવવધૂ ઘરની કિંમતી ચીજવસ્તુ લઈને પલાયન થઈ ગઈ હતી. એટલે તેણે ભાગેડુ પત્નીના ફોટા સાથે આ પોસ્ટર છપાવવાની નોબત આવી હતી. મેરેજ બ્યુરોવાળા કન્યા શોધી આપે છે, એ જવાબદારી પોલીસે નિભાવવાની નોબત આવી બોલો! આ જોઈને કહેવું પડે કે-
પત્ની થઈ જાય ગુમ
તો પતિ થઈ જાય ગુમસુમ,
પછી ખાખી વર્દીધારી શોધવા
કરતા રહે ઘૂમાઘૂમ.
૨૧મી સદીમાં બંધાયું
પાંચમી સદીનું જહાજ
બંદર છો દૂર છે જાવું જરૂર છે... બેલી તારો બેલી તારો બેલી તારો તું જ છે... ભારતીય વહાણવટાનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. આપણા જાંબાઝ દરિયાખેડુઓ હૈયામાં હામ અને બાવડાના બળ સાથે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જતા અને માલસામાન પહોંચાડતા હતા. એ જમાનામાં આધુનિક કાર્ગો શિપ કે સ્ટીમરો નહોતી ત્યારે કેવી રીતે દરિયાખેડુઓ શઢવાળ ા વહાણમાં દરિયાની ખેપ કરતા તેની અત્યારના જમાનાના લોકોને ઝાંખી કરાવવા ભારતીય નૌકાદળના નૌકા કાફલામાં આઈએનએસવી કૌડિન્ય સામેલ કરવામાં આવ્યું છે.
પાંચમી સદીમાં બાંધવામાં આવતા એ જાતનું લાકડાનું વહાણ ગોવાના દિવર આયલેન્ડ પર પારંપારિક રીતે બાંધવામાં આવ્યું છે. જહાજ બાંધવામાં કોઈ આધુનિક પૂર્જા વપરાયા નથી. ખીલ્લીનો પણ ઉપયોગ નથી થયો. નાળિયેરના રેસામાંથી દોરડા વણીને તેને માછલીના તેલ અને કુડરૂસ વૃક્ષના રસમાં ભીંજવીને તૈયાર કરવામાં આવ્યાં છે. આ જહાજની પ્રેરણા અજંટાની ગુફામાં પાંચમી સદીના વહાણના ગુફાચિત્ર પરથી લઈને 'કૌડિન્ય' વહાણ બાંધવામાં આવ્યું છે.
ટૂંક સમયમાં આ જહાજ પોરબંદરના કિનારેથી ઓમાન-મસ્કતની યાત્રા શરૂ કરશે. પ્રાચીન સમુદ્રી માર્ગે આરબ દેશોમાં ભારતીય વહાણો જતા એ જ રૂટ ઉપર નેવીનું આ વહાણ જશે. આ જોઈને કહેવું પડશે કે-
દરિયાનાં તોફાનો ક્યાંથી
હંફાવે?
હૈયામાં હામ હોય ઈ જ ફાવે.
ગાળ બોલે તેને
૫૦૦ રૂપિયા દંડ
સુરતની ઘારીમાં ગળપણ અને સુરતની બોલીમાં ગાળ-પણ એવું કહેવાય છે. સુરતની ગાળો પણ મીઠી લાગે. પરંતુ આજે જે રીતે વાક્યે વાક્યે મા-બેનની ગાળો બોલવામાં આવે છે તેને કારણે અપશબ્દોનો આતંક વ્યાપ્યો છે. ગાળ ઉચ્ચારણના દૂષણને નાબૂદ કરવા માટે મહારાષ્ટ્રના સૌંદાળા ગામમાં ભૂંડી ગાળો બોલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધનો ભંગ કરીને જે ગાળ બોલે તેણે ૫૦૦ રૂપિયા દંડ ચૂકવવો પડે. મુંબઈથી ૩૦૦ કિમીના અંતરે આવેલા આ ગામની ગ્રામપંચાયતે ગાળ ઉપર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યો હતો. સ્ત્રીઓને નિશાન બનાવીને વપરાતા અભદ્ર શબ્દો અને કાનમાંથી કીડા ખરે એવી ગાળોને લીધે નારીશક્તિનું કેવું ઘોર અપમાન થાય છે તેનો અહેસાસ કરીને ખોબા જેવડા ગામડાના લોકોએ ગાળ બોલવા પર પ્રતિબંધનો અમલ કરીને બીજા માટે દાખલો બેસાડયો છે. મહિલાઓની ગરિમા અને સન્માન જળવાય એ માટે અહિલ્યાનગર જિલ્લાના ગામે કરેલા ફેંસલાને ચારે બાજુથી આવકાર મળ્યો છે. ગાળ પર પ્રતિબંધની વાત જાણી એક જોડકણું કહેવાનું મન થાય-
કાં ગંદા નાળામાંથી
નીકળે ગાળ,
કાં ગંદા મોઢામાંથી
નીકળે ગાળ,
ભાઈ, સમજુ હોય તો
ગાળ બોલવાનું ટાળ,
અને નારીઓનું સન્માન સંભાળ.
સસરાના એક મતથી સરપંચ બની પુત્રવધૂ
દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એવું કહેવાય છે. પરંતુ એક અનોખી ઘટનામાં પુત્રવધૂની સફળતા પાછળ સસરાનો હાથ અને સાથ કામ આવ્યો. તેલંગણાના નિર્મલ જિલ્લા લોકેશ્વરમ મંડલની ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ ત્યારે મુત્યાલા શ્રીવેધા નામની મહિલા ઊભી રહી હતી. પુત્રવધૂ ચૂંટણીમાં ઊભી હોવાથી તેને મત આપવા માટે સસરા ઈંદ્રકરણ રેડ્ડી અમેરિકાથી આવી પહોંચ્યા હતા. મતદાન પૂરૃં થયું અને ૪૨૬ મતદારો પૈકી ૩૭૮ જણે મતદાન કર્યું હતું. શ્રીવેધાને ૧૮૯ મત મળ્યા હતા. અને તેનાં પ્રતિસ્પર્ધીને ૧૮૮ મત મળ્યા. આમ એક મતથી જીતેલી શ્રીવેધા સરપંચ બની ગઈ. આમ પુત્રવધૂને સરપંચ બનાવવામાં સસરાનો એક મત કામ આવી ગયો. આ જોઈને કહી શકાય કેઃ
કામ આવ્યો સસરાનો એક
વોટ વધુ,
જીતીને સરપંચ બની પુત્રવધૂ.
પંચ-વાણી
કોઈ પૂરેપૂરા હારે
એને કહેવાય ફૂલ-હાર,
અને જીતે એનાં
ગળામાં ફૂલહાર.


