mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બનારસ કી ઠંડાઈ કૈસા રંગ લાઈ .

Updated: Apr 26th, 2024

બનારસ કી ઠંડાઈ કૈસા રંગ લાઈ                     . 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જય જય શિવશંકર, કાંટા લગે ના કંકર કે પ્યાલા તેરે નામ કા પીયા... ભોલે શંકરનું નામ લઈ શિવરાત્રીમાં ઠંડાઈ અને ભાંગના પ્યાલા કે લોટા ગટગટાવવામાં કેવો દિવ્ય આનંદ આવે! અને એમાંય મહાદેવના ધામ તેમ જ જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને મા ગંગાનો સંગમ થયો છે એવા બનારસમાં જો ઠંડાઈ પીવાનો લ્હાવો મળે તો માણસને આઠેય કોઠે કેવી ટાઢક મળે? બનારસની આ ઠંડાઈની દેશ-વિદેશમાં પ્રસરેલી ખ્યાતિને કારણે જ ઠંડાઈને જી.આઈ. (જ્યોગ્રોફિકલ આઈડેન્ટીફિકેશન) ટેગ આપવામાં આવ્યું છે. જે-તે પ્રદેશની આગવી ઓળખ બની ગયેલી ચીજને જી.આઈ. ટેગ આપવામાં આવે છે. દાખલા તરીકે, પશ્ચિમ બંગાળના રસગુલ્લા. જુદી જુદી ૬૯ ચીજો માટે જી.આઈ. ટેગ મેળવી ઉત્તરપ્રદેશે દેશમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. આમાં જૌનપુરની ઈમરતી (જલેબી), પીલીભીંતની વાંસળી, રામપુરનું પેચવર્ક અને બનારસના લાલ પેંડા તેમ જ શરણાઈ વગેરેનો સમાવેશ થાય છે. ભક્તિ, સંગીત, શ્રદ્ધા તેમ જ સ્વાદના જુદા જુદા રસ બને છે એ બનારસની ઠંડાઈ વિશે ટાઢા કોઠે કહી શકાય કે-

જીસે ભી ઠંડાઈ પીલાઈ

ઉસે વો કભી ના ભુલાઈ,

દેખો બનારસ કી ઠંડાઈ

કયા રંગ લાઈ.

બર્થ-ડે બન્યો ડેથ-ડે

પંજાબના એક શહેરના એક ઘરમાં શણગારેલા દિવાનખાનામાં રોશનીના ઝગમગાટ વચ્ચે દસ વર્ષની માસૂમ બાળકીના બર્થ-ડેની શાનદાર ઉજવણી શરૂ થઈ. 'બાર બાર દિન યે આયે... તુમ જીયો હઝારો સાલ'... આ ગૂંજતા ગીત વચ્ચે કેક કટિંગ સેરીમની થઈ, સહુએ પ્રેમથી કેકનો એક એક કટકો ખાધો અને માસૂમને ખવડાવ્યો... પણ આ શું  થયું? થોડીવારમાં બધાને ઉલ્ટી થવા માંડી, ચક્કર આવવા માંડયા. જોતજોતામાં ઘરના બધા માંદા પડી ગયા. ઓનલાઈન ઓર્ડર કરેલી કેક ખાધા પછી ફૂડ પોઈઝનિંગ થવાથી આ દશા થઈ હતી. થોડી ક્ષણોમાં તો જેનો બર્થ -ડે હતો એ દસ વર્ષની બાળકીએ છેલ્લા શ્વાસ લીધા અને કાયમ  માટે પોઢી ગઈ. બર્થ-ડે તેને માટે ડેથ-ડે બની ગયો. જન્મદિન જ મૃત્યુદિન બની ગયો. જન્મદિન જ મૃત્યુદિન બની ગયો. આ હૈયું હચમચાવી નાખે એવી  કરૂણ ઘટના વિશે એટલું કહી શકાય-

જે કેક મગાવી ઓનલાઈન

તેનાથી જ પૂરી થઈ

માસૂમની લાઈફ લાઈન.

હર ઘર જવાન

હર ઘર કિસાન

દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ...  દંગલખોર દુશ્મનોને પડકારતા અને વખત આવ્યે બલિદાન આપતા તસુભાર ન અચકાતા ભારતના જાંબાઝ જવાનો તરફ દેશની દરેક વ્યક્તિ ભારોભાર આદર ધરાવે છે. જવાન જ્યારે  રજાઓમાં પોતાના વતનમાં આવે ત્યારે  ગ્રામજનો તેને ઉમળકાભેર આવકાર આપે છે. કોઈ ગામમાંથી પાંચ-દસ કે પંદર-વીસ યુવાનો  સરહદની હિફાજત  કરવા સેનામાં જોડાયા હોય એવું બની શકે... પરંતુ આખું ગામ જ જવાનોના ગામ તરીકેની ઓળખ મેળવે ત્યારે સાહજિક રીતે એ ગામ વિશે જાણવાની તાલાવેલી લાગે. ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં આવેલું ગહમર ગામ જવાનોના ગામતરીકે જાણીતું છે. આનું કારણ છે કે દરક પરિવારમાં ઓછામાં ઓછા એક જણ લશ્કરમાં  ફરજ બજાવે છે અથવા બજાવી ચૂક્યા છે. લગભગ સવા લાખની વસતીમાં દસ-બાર હજાર જવાનો છે અને લગભગ ૧૪ હજાર નિવૃત્ત ફૌજી છે.  ગાઝીપુરમાં લોકો ગર્વથી કહે છે કે આ વિસ્તારની માટીમાં જ જાણે બંદૂકો ઉગે છે અને સહુની રગેરગમાં દેશ માટે  મરી ફિટવાનો જોશ વહે છે. પહેલા વિશ્વ યુદ્ધમાં લડવા માટે ગહમરના ૨૨૮ સૈનિકો ગયેલા અને એમાંથી ૨૧ શહીદ થયા હતા. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં થયેલા દરેક યુદ્ધમાં ગહમરના જવાનો પોતાના શૌર્યનો પરચો દેખાડી ચૂક્યા છે. ૧૯૬૫માં  પાકિસ્તાન સામેની લડાઈમાં દુશ્મનોના સૈનિકોના દાંત ખાટા કરી નાખનારા અને પાકિસ્તાનની ચાર પેટન  ટેન્કનો  ખુડદો બોલાવી વીરગતી પામેલા મહાન શહીદ અબ્દુલ હમીદ પણ ગાઝીપુર જિલ્લાના જ વતની હતા. આ વીરનરને પરમવીર ચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો. ગહમરમાં ગામ લોકો મુખ્યત્ત્વે ખેતી કરે છે. એટલે લાલબાહદુર શાસ્ત્રીજીના જય જવાન-જય કિસાન સૂત્રને યાદ કરી નવું સૂત્ર  ગજાવી શકાયઃ

હર ઘર જવાન

હર ઘર કિસાન

શાન સે બોલો

જય જવાન જય કિસાન.

પાકિસ્તાનના પરણવીર પત્નીવ્રતા પતિદેવ

ઘણા યુગલોના સંસારમાં ઘર્ષણ ઊભું થાય ત્યારે હિન્દુસ્તાન-પાકિસ્તાન જેવી સ્થિતિ સર્જાય છે. આરોપ -પ્રત્યારોપ પછી વાત વધુ વણસે ત્યારે ક્યારેક લડાઈ પણ જામે છે. આડોશીપાડોશી વચ્ચે પડે તો વળી કામચલાઉ યુદ્ધ-વિરામ થતો હોય છે, નહીંતર અખંડ સંસારીસ્તાનમાં ભાગલા પડી જતા હોય છે... પણ જે પાકિસ્તાનમાં અનેક સ્ત્રીઓએ પુરૂષોની જોહુકમી, અત્યાચાર કે સતામણીનો ભોગ બનતી હોય છે એવી પરિસ્થિતિમાં એક પરમ પરણવીર પત્નીવ્રતા પતિનો વીડિયો વાઈરલ થયો છે.  આ પતિદેવ પોતાની પત્નીના પગ ધોઈને પાણી પી જાય છે, એટલું જ   નહીં, દિવસ દરમિયાન લગભગ એકસો વાર પત્નીના કદમ ચૂમે છે. આ જોઈને  હિન્દી ગીત બહોત 'શુક્રિયા બડી મહેરબાની...'ની એક કડી યાદ આવે - 'કદમ ચૂમ લૂં યા યે આંખે બીછા દું...' આ પત્નીવ્રતા મરદનું કહેવું છે કે આપણે જેમ આપણી માતાને નમન કરીએ છીએ એમ પત્નીનું પણ સન્માન કરવું જોઈએ. તેની પત્ની કહે છે કે ૧૪ વર્ષ પહેલાં અમે લવ મેરેજ કરેલા. ત્યારથી  પતિ તેને ખૂબ જ પ્રેમપૂર્વક  સંભાળે છે. રસોઈ કરે છે, કપડાં-વાસણ ધોઈ નાંખે છે અને સાફસફાઈ પણ કરે છે, બોલો! સરહદ પાર પાકિસ્તાનમાં  પતિનો ભરપૂર પ્રેમ પામતી મહિલાને  જોઈ ભારતમાં વસતી સ્ત્રીઓને તેની કેવી અદેખાઈ આવતી હશે?

ભારતના રાજ્યની ભાષા અંગ્રેજી

ભારતમાં ભાષાવાદનું ભૂત બધે જ ધૂણતું રહે છે. ભાષાવાદને મુદ્દે તોફાનો થાય છે, ભાષાવાદને નામે ભાંગફોડ થાય છે અને ભાષાના વિવાદો અવારનવાર ઉઠતા જ રહે છે. ભારતના જુદા જુદા રાજ્યોની પોતપોતાની સ્ટેટ લેગ્વેજ છે. એ રાજયની ભાષામાં જ સરકારી વ્યવહાર થવો જોઈએ, દુકાનના બોર્ડનું લખાણ એ ભાષામાં હોવું જોઈએ રેલવે સ્ટેશનોેના પાટિયા સંબંધિત રાજ્યની  ભાષામાં હોવા જોઈએ આવા મુદ્દા વારંવાર માથું ઊંચકતા રહે છે. 

આ તો આપણા દેશની જુદી જુદી ભાષાઓ છે, પણ ભારતના જ કોઈ સ્ટેટની રાજ્યભાષા અંગ્રેજી હોય એ જાણીને કેવું આશ્ચર્ય થાય! કોઈ ભાષાવાદી આ મુદ્દો નથી ઉઠાવતા કે એક રાજ્યની ભાષા અંગ્રેજી કેવી રીતે હોઈ શકે? હકીકત એ છે કે નોર્થ-ઈસ્ટના નાગાલેન્ડની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઠેઠ ૧૯૬૭માં નાગાલેન્ડ એસેમ્બલીએ ઈન્ડિયન ઈંગ્લિશને ઓફિશિયલ લેન્ગવેજ ડિકલેર કરી હતી. આ સિવાય બોલચાલમાં નાગામીસ ભાષાનો ઉપયોગ થાય છે. 

નાગાલેન્ડની રાજધાની દીમાપુરનો સંબંધ મહાભારતના મહાકાય ભીમ સાથે જોડાયેલો છે. ભીમની પત્ની હિડિમ્બા  દીમાપુરની રાજકુમારી હતી. અહીં એક ડિહિમ્બા વાડો છે, જ્યો પથ્થરમાંથી બનેલા શતરંજના જંગી પ્યાદા જોવા મળે છે. ભીમ અને ઘટોત્કચ આ શતરંજ રમતા હતા એવી માન્યતા છે. આજે તો સાચી શતરંજને  બદલે દેશમાં ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદની જ રમત રમાય છે.

પંચ-વાણી

જનતાને મતાધિકાર

નેતાને માલ-મત્તાધિકાર

Gujarat