યે કૌન શ્વાન ચિત્રકાર હૈ... .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મશહૂર ચિત્રકાર એમ.એફ. હુસેનના અશ્વનાં ચિત્રો ખૂબ જાણીતાં હતાં. કેટલાક વન્યજીવના પ્રેમી ચિત્રકારો હાથી, સિંહ, વાઘ કે દીપડાનાં અફલાતૂન ચિત્રો દોરતા હોય છે. થોડા વખત પહેલાં પાળેલા શ્વાનના માલિકોના એસોસિએશન તરફથી બાળકોની ચિત્રકામ સ્પર્ધા યોજાઈ એમાં બાળકોએ જાતજાતની નસલના શ્વાનનાં કાબીલેદાદ ચિત્રો દોર્યાં હતાં. પરંતુ શ્વાન પોતે પેઈન્ટીંગ કરે અને એ પેઈન્ટીંગ ઊંચી કિંમતે વેંચાય એ માન્યામાં આવે છે? આ હકિકત છે દેશની સૌપ્રથમ ડોગી પેઈન્ટર દાલીની.
હૈદરાબાદની દાલી કોઈ પણ જાતની તાલીમ વિના મોઢેથી બ્રશ પકડી વોટર કલર પેઈન્ટીંગ કરે છે. આ ચિત્રો હજારોની કિંમતે વેંચાય છે .આ જે પૈસાની આવક થાય તે પ્રાણીઓની સહાય માટે વપરાય છે. આ ડોગી જ્યારે ૪૦- ૪૫ દિવસનું ગલુડિયું હતી ત્યારે તેને કોઈ એક જગ્યાએ બાંધીને ચાલ્યું ગયું હતું. ભૂખી- તરસી દાલી તરફ સ્નેહાંશુ દેવનાથ અને તમનાં પત્ની હોઈ ચૌધરીની નજર પડી. કપલે તેને દત્તક લઈ નામ આપ્યું, દાલી.
હોઈ ચૌધરી પોતે ચિત્રકાર છે. એકવાર દાલી તેમના સ્ટુડિયોમાં જઈને બધું ધ્યાનથી જોવા લાગી. હોઈ ચૌધરીએ તેને મોઢામાં રંગ બોળેલું બ્રશ આપ્યું અને છૂટી મૂકી દીધી. દાલી બીજા ચિત્રકારોની જેમ કેનવાસ ઉપર બ્રશ ફેરવવા લાગી. આમ, જોતજોતામાં દાલી અવનવા વોટર- કલર પેઈન્ટીંગ બનાવવા લાગી.
દાલીના ચિત્રોનું પહેલું કલેકશન કેલેન્ડર રૂપે બહાર પાડવામાં આવ્યું ,જેમાંથી ૩૫ હજારની આવક થઈ. આ કેલેન્ડરો પરદેશ પણ પહોંચ્યાં. આ રકમ એનિમલ રેસ્ક્યુ સંસ્થાને આપવામાં આવી હતી. હવે ડોગીના ચિત્રોનું એક્ઝિબિશન યોજાવાનું છે.
આ ચિત્રો જોઈને આંખો ચાર થઈ જાય અને હિન્દી ગીત યાદ આવેઃ યે કૌન ચિત્રકાર હૈ.... યે કૌન ચિત્રકાર હૈ....
એક લાખનું સ્કૂટર, ૧૪ લાખની નંબર પ્લેટ
લોકો કંઈક હટ કે કરી દેખાડવાના નાદમાં અને શોખને પોષવામાં પૈસા સામું નથી જોતા. હિમાચલ પ્રદેશના આવા જ એક કિસ્સામાં સંજીવકુમાર નામના એક યુવાને એક લાખ રૂપિયાની કિંમતના સ્કૂટરની વીઆઈપી નંબર પ્લેટ મેળવવા માટે ૧૪ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
હિમાચલ પ્રદેશના હમીરપુર ગામના સંજીવકુમારે વીઆઈપી નંબરની લિલામીમાં ભાગ લીધો હતો અને એચપી ૨૧સી- ૦૦૦૧ નંબર માટે ૧૪ લાખની બોલી લગાવી હતી અને આ નંબર મેળવ્યો હતો. જે રકમમાં મોટરકાર આવી જાય એટલી કિંમતમાં વિશેષ નંબર મેળવવાના શોખને લીધે યુવાને આ નંબર હાંસલ કર્યો હતો. આ જોઈને કહેવું પડે કેઃ
નાની ચીજ માટે
મોટા ખર્ચા કરે સરકાર
એમ કોઈ સ્કૂટરને સજાવવા
ભૂલે કાર
લાડી માટે ગાડીને ઠેકાણે ચલાવે મોટરગાડી
ભલે નશો કરે પણ શો- ન કરે એમાં જ મજા છે ,નહીંતર સજા છે. ગ્વાલિયર રેલવે સ્ટેશન પર આવો જ જોખમી શો જોવા મળ્યો હતો.
સફેદ રંગની એક કાર ફૂલ સ્પીડમાં પ્લેટફોર્મ પર ધસી આવતાં દોડધામ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા આઘાપાછા થઈ ગયા. પોલીસ સબ- ઈન્સ્પેક્ટર કાર અટકાવી અને કારચાલકને નીચે ઉતારી ઝડપી લીધો. નશામાં ધૂત કારચાલકને પૂછયું કે તું રેલવે પ્લેટફોર્મ પર કેમ કાર દોડાવીને લાવ્યો?
થોથવાતી જીભે એણે કહ્યું કે મારી નશો કરવાની આદતને લીધે પત્ની સાથે રોજ ઝઘડો થતો હતો. પત્ની ઝઘડો કરીને ક્યાંક નીકળી ગઈ એટલે તેને ગોતવા માટે પ્લેટફોર્મ પર કાર લઈને ધસી આવ્યો હતો.
લ્યો બોલો! પત્નીને શોધવા પ્લેટફોર્મ ઉપર કાર લઈને અવાય? આ પીધેલ પતિનો જવાબ સાંભળી આ જોડકણું ફૂટી નીકળ્યું ઃ
લાડી જો ચાલે આડી
તો ગાડીને ઠેકાણે ચડાવે મોટરગાડી
હાથણીની સુવાવડે રોકી માલગાડી
આસામ બાજુ ધસમસતી ટ્રેનની અડફેટે આવતા હાથીના મોતની દુર્ઘટના થતી હોય છે, પરંતુ પહેલી જ વખત રેલવેના પાટા ઉપર હાથણીની સુવાવડની સુઘટના બની હતી.
ઝારખંડના રામગઢ નજીક ગાઢ જંગલમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર હાથણીએ મદનિયાને જન્મ આપ્યો. બરાબર એજ વખતે એક માલગાડી પસાર થવાનો ટાઈમ થઈ ગયો હતો. રેલવે સત્તાવાળાઓએ તત્કાળ માલગાડીને આગલા સ્ટેશને અટકાવી દીધી. પ્રસૂતિ બાદ બે કલાકે હાથણી અને મદનિયું પાટા પરથી જંગલમાં ગયા ંત્યારપછી માલગાડી પસાર થઈ શકી.
ક્યારેક હાથીના મોત માટે ગાડી કારણભૂત બનતી હોય છે, પણ ઝારખંડમાં માલગાડી મદનિયાના સુખરૂપ જન્મ માટે કારણભૂત બની.
૬૭ લોકોનો જાન બચાવનાર શ્વાન
રાતના સમયે શેરીના કૂતરા ભસાભસ કરતા હોય તેને લીધે કેટલાયની ઊંઘ બગડે છે. ઊંઘ બગડે એ બધા ભસતા કૂતરાને મનોમન કટકેને કટકે ગાળો દેતા હોય છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં એક શ્વાને રાતના સમયે ભસી ભસીને ૬૭ ગ્રામજનોને બચાવી લીધા હતા.
તાજેતરમાં જ હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં મુશળધાર વરસાદને પગલે પૂર આવ્યું ત્યારની વાત છે. પહાડી વિસ્તારમાં કડાકાભડાકા સાથે પૂરી તાકાતથી વરસાદ પડી રહ્યો હતો. ધરમપુર ક્ષેત્રના સિયાઠી ગામમાં રાતને સમયે એક ઘરમાં બીજા માળે એક કૂતરો ટૂંટીયું વાળીને સૂતો હતો. કોણ જાણે શું થયું તે અચાનક કૂતરો જોર જોરથી ભસવા માંડયો અને રીતસર રોવા માંડયો. ઘરમાં સૂતેલા લોકો જાગી ગયા અને જોયું તો ઘરના એક હિસ્સામાં મોટી તિરાડ પડી હતી અને પૂરનું પાણી ધસમસતું આવવા માંડયું હતું. સમય વર્તી સાવધાન બની ગયેલા આ ઘરમાં રહેતા સીધા બહાર દોડી ગયા અને રાતના અંધારામાં 'ભાગો ભાગો ખતરા હૈ....' એવી રાડો પાડી પાડીને આજુબાજુના મકાનમાં રહેતા લોકોને પણ જગાડયા હતા. આમ, એકંદર ૬૭ ગ્રામજનો સલામત સ્થાને દોડી ગયા હતા.
ત્યાર પછી તરત જ પહાડનો મોટો હિસ્સો તૂટીને આ ગામડા પર પડયો હતો અને મોટાભાગનાં ઘરો દ્દાઈ ગયાં હતાં. કૂતરાએ ભસી ભસીને સાવધ ાન કર્યા હોત તો ૬૭ લોકો દટાઈ ગયા હોત. ગામના મંદિરમાં આ તમામ લોકોને આશરો આપવામાં આવ્યો ત્યારે જીવ બચાવનાર શ્વાન પણ ભેગો જ રહ્યો હતો. તેને જોઈને સહુ મનોમન કહેતા હશે-
માન ન માન
શ્વાન ને બચાઈ જાન
પંચ-વાણી
સઃ ક્રિકેટની વન-ડે મેચમાં જ ઝળકે એવાં ખેલાડીને શું કહેવાય?
જઃ વન-જે માત્રમ્