Get The App

તરબૂચમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
તરબૂચમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ઉનાળામાં બળબળતા તાપ અને ગરમીમાં ટાઢું તરબૂચ ખાવા મળે તો પેટમાં કેવી ટાઢક થાય! હવે કોઈ એવો  સવાલ કરે કે તરબૂચમાં આ લ્કોહોલનું પ્રમાણ કેટલું, તો સામાન્ય રીતે એક જ જવાબ મળે કે તરબૂચમાં જરાય આલ્કોહોલ ન હોય. જો કે હવે બિહારમાં આ જ સવાલ દોહરાવવામાં આવે કે તરબૂચમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું, તો પોલીસવાળા કહેશે કે બધામાં નહીં પણ અમુક તરબૂચમાંથી ચોક્કસ આલ્કોહોલ મળે. શું કામ ખબર છે? બિહારમાં દારૂબંધી અમલમાં હોવાથી દારૂના તસ્કરો દારૂ ભરેલા ટેટ્રાપેક તરબૂચની અંદર સંતાડી બિહારમાં ધૂસાડતા હોય છે. પહેલાં તો તરબૂચની એક ડગળી કાઢી નાખે પછી અંદરનો બધો ગર કાઢી જે પોલાણ થાય એમાં દારૂ ભરેલા ટેટ્રાપેક ગોઠવી ફરીથી તરબૂચની ડગળી મૂકીને તરબૂચને સીલ કરી નાંખે. 

તાજેતરમાં જ છપરા ગામ પાસે આવા દારૂ ભરેલા સંખ્યાબંધ તરબૂચ પકડાયા હતા. તરબૂચ કાપવામાં આવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પેલી કહેવત છે ને કે ઊંટે કાઢી ખૂંધ તો માણસે બનાવી અંબાડી.  એવી રીતે દારૂબંધી અમલમાં આવ્યા પછી શરાબ તસ્કર ટોળીઓ અવનવા નુસ્ખા અજમાવે છે. 

થોડા વખત પહેલાં એમ્બ્યુલન્સ કે પછી પાણી અને દૂધના ટેન્કરોમાં સંતાડીને દારૂ લાવવામાં આવતો હતો. હવે તરબૂચ કે શક્કર ટેટીમાં સંતાડીને દારૂની તસ્કરી શરૂ થઈ છે. જોકે તરબૂચ તસ્કરોની ટોળી ઝડપાઈ ગઈ હતી. એટલે જ કહેવું પડે કે-

શરાબની તસ્કરી માટે વપરાતુ તરબૂચ,

પણ પોલીસે તસ્કરોને ઝડપી

લગાવ્યું બૂચ.

કાં દહેજ આપ, 

કાં કિડની આપ

દહેજવિરોધી કાનૂન અમલમાં હોવા છતાં દહેજ ભૂખ્યા દાનવોના પાપે આ દૂષણ દૂર નથી થયું. ઉત્તર ભારત બાજુ તો યુવકની સરકારી નોકરી હોય, બિઝનેસ હોય કે પછી બાપદાદાની ચિક્કાર માલ-મિલકત હોય તો તેના પરિવાર તરફથી લાખોનું દહેજ, વેલ ફર્નિશ્ડ ફલેટ, કાર અથવા મોંઘી ભેટો  માગવામાં આવે છે. પરંતુ યુપીના કાનપુરમાં તો સાંભળીને મગજ ચકરાવે ચડી જાય એવો કિસ્સો જાણવા મળ્યો. 

એક કન્યાનાં ૨૦૨૩માં જેની સાથે લગ્ન થયેલા એ મૂરતિયાને કિડીનીની બિમારી હતી. ભાવિ ભરથાર ડાયાલિસીસ પર છે એ હકીકત વરપક્ષવાળાએ છુપાવી હતી. સાસરે આવ્યા પછી પતિની કિડનીની બીમારી વિશે સાસરિયાને સવાલ કર્યો ત્યારે સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્રાસ આપવાની સાથે યુવતીને કહ્યું કે કાં તારા પતિને તારી એક કિડનીનું દાન કર અથવા તો પિયરથી ૩૦ લાખ રૂપિયા દહેજ પેટે લઈ આવ જેથી બીમાર પતિની સારવાર થઈ શકે. આ માગણી થતાંની  સાથે જ યુવતીએ તરત જ પોલીસમાં ઘા નાખી. એટલે જ કહેવું પડે કેઃ

પરણ્યા પછી વધી જાય

સંસારમાં પ્રદૂષણ,

જો લગ્નસંબંધની વચ્ચે આવે

દહેજનું દૂષણ.

સરકારી સ્કૂલમાં બંધાયું ભૂત-મંદિર

ઘણીવાર ભૂતપ્રેતથી ડરતા હોય એવા પોચા કાળજાવાળાા લોકો મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન, અમને ભૂતના ભયમાંથી છોડાવો. પરંતુ ઉત્તરાખંડમાં સ્કૂલના બાળકો પાસેથી સો-સો રૂપિયા  ઊઘરાવીને ભૂતનું જ મંદિર બાંધવામાં આવ્યું છે, બોલો! 

બાગેશ્વર જિલ્લાના કૌસાનીમાં આવેલી સરકારી સ્કૂલમાં ભટકતા આત્માનો ભય ફેલાયો હતો. સાડા ત્રણ દાયકા પહેલાં કોઈ નેપાલી મજૂરનું મોત નિપજ્યું હતું તેનો આત્મા હજી ભટકે છે એવી વાત ફેલાતાં ભણતાં બાળકોના વાલીઓને ચિંતા પેસી ગઈ હતી. એટલે સો-સો રૂપિયા ઊઘરાવી ૨૧,૮૦૦ રૂપિયાના ખર્ચે મંદિર બાંધવામાં આવ્યું હતું. બાળકોના વાલીઓએ કહ્યું હતું કે હવે અમને અમારા સંતાનોની સલામતી બાબત કોઈ ચિંતા નથી રહી. 

ડિસ્ટ્રીકટ કલેક્ટર સુધી આ  ભૂત-મંદિરની વાત પહોંચી એટલે તેમણે તપાસ હાથ ધરી છે. આમાં તો 'શોલે' ફિલ્મના ડાયલોગ જેવું છે. જો ડર ગયા, સમજો મર ગયા. ભૂત કરતાં ભૂતનો ભય માણસને વધુ નડે છે. એટલે જ કહે છે કે ભૂત-કાળ ન બની જાય માટે ભૂતકાળમાં જીવવાને બદલે વર્તમાન કાળમાં જીવો.

છૂટાછેડાની ઉજવણી બેટીની પિયરે પધરામણી

મેરઠના રસ્તે અજબ નઝારો જોવા મળ્યો. ઢોલ-નગારાના તાલે નાનું એવું સરઘસ આગળ વધતું હતું. સ્ત્રી-પુરૂષોએ 'આઈ લવ માય ડોટર' લખાણ સાથેનાં ટી-શર્ટ પહેર્યાં હતાં અને વચ્ચે એક યુવતી ફુલમાળા પહેરીને ધીમે ધીમે પણ મક્કમ પગલે ચાલતી હતી. પૂછપરછ ખબર પડી કે આ છૂટાછેડા  લઈને પિયરે પાછી ફરતી પુત્રીને માનભેર વધાવવા માટે આ ઉજવણી થઈ રહી હતી. 

નિવૃત્ત જજ જ્ઞાનેન્દ્ર શર્માની પુત્રી પ્રણિતા શર્માનાં ૨૦૧૮માં લશ્કરના મેજર સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી સાસરિયાવાળા ત્રાસ આપવા માંડયા. પરિણામે પ્રણિતાએ ત્રાસ સહન કરીને સાસરામાં  રહેવાને બદલે પતિને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. છૂટાછેડા મળી ગયા પછી પિયરે આવી એ વખતે તેનું વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. 

નિવૃત્ત જજ જ્ઞાનેન્દ્ર શર્માએ જણાવ્યું કે લગ્ન પછી મારી દીકરી દુઃખી હોય તો તેને ખુશી આપવાની જવાબદારી મારી છે. એટલે જ લગ્ન વખતે વાજતેગાજતે જે બેટીને વિદાય કરી હતી તેને એ જ સન્માન સાથે પાછી લાવવામાં આવી છે. પ્રણિતાના પિતાએ જેવી સમજદારી દેખાડી એવી સમજદારી સાસરિયામાં દુઃખ સહન કરતી હોય એવી કન્યાનાં મા-બાપ દેખાડે તો કેટલી સ્ત્રીઓના જીવન સુધરી જાય!

મન્કીભાઈની જાદુ કી જપ્પી

પ્રેમથી સહુને ગળે લગાડો પણ ભૂલથી ય કોઈને ગળે ન પડો એવું કહેવાય છે. મુન્નાભાઈની ફિલ્મમાં મુન્નાભાઈની જાદુ કી જપ્પીએ કેવી કમાલ કરી હતી, યાદ છેને? પણ અત્યારે વાત મુન્નાભાઈની નહીં પણ શિમલાના જાખુ મંદિરમાં ભક્તોને જાદુ કી જપ્પી આપતા મન્કીભાઈન ી કરવાની છે. 

આ મન્કી મંદિરની આજુબાજુ ભક્તો બેઠા હોય એમની પાસે જઈ શાંતિથી બેસી જાય છે. કોઈને કનડતો નથી, કૂદાકૂદ કરતો નથી એટલું જ નહીં પણ એને લાગણીનો ઉભરો આવે એટલે પ્રેમથી ભેટી પડે છે. હવે આ મન્કીભાઈ જાદુકીપ્પ્પી આપતા લંગૂર તરીકે જાણીતા થઈ ગયા છે. આ પ્રેમાળ લંગૂરને જોઈને વિચાર આવે કે માણસો વાંદરાવેડા કરે છે જ્યારે આ મન્કીભાઈ માણસવેડા કરે છે.

પંચ-વાણી

ગધેડાની નિકાસ કરતા પાકિસ્તાને ગર્દભકથા વર્ણવતી ફિલ્મ બનાવી છે ટાઈટલ આપ્યું : 'બાત એક લાત કી'.