For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નસકોરે-તૌબા, સાવધાન! રાત્રે ટ્રેનમાં અવાજ નહીં કરાય

Updated: Sep 23rd, 2022

નસકોરે-તૌબા, સાવધાન! રાત્રે ટ્રેનમાં  અવાજ નહીં કરાય

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ટ્રેનમાં એ.સી. કે  નોન એ.સી. સ્લીપરનું  રિઝર્વેશન  કરાવ્યું હોય અને એમાં  જો રાત્રે  કોઈને જોર જોરથી  નસકોરાંં બોલાવવાની  ટેવ હોય તો  બાકીના બધાની ઊંઘ બગાડે છે. ક્યારેક એવુંપણબને  છે કે  આસપાસના   બધા જ પેસેન્જરો  વિરોધ  કરે તો  ડરનો માર્યો  'નસકોરે-તૌબા' સંગઠનનો  એ પેસેન્જર  ખુદ  જાગતા બેસીને  રાત કાઢી  નાખે  છે. ગુ્રપમાં  પ્રવાસ કરવાવાળા  ઘણા પ્રવાસીઓ રાત્રે પત્તાં રમીને કે  અંતકડી  રમીને બીજાને  ડિસ્ટર્બ  કરતા હોય છે. ઘોંઘાટિયાઓ  મેજોરિટીમાં  હોય ત્યારે   વિરોધ કરનારાને   મેથીપાક  ચખાડતા પણ  અચકાતા નથી. આ  સિવાય અત્યારે  વધુમાં વધુ  ત્રાસ મોબાઈલ મેનિયાકનો હોય છે.  રાતભર  મોબાઈલમાં  મોટે  મોટેથી વાત કરીને ખલેલ પાડ ે છે. રોજેરોજ ફરિયાદોના ઢગલા થતા  હોવાથી  રેલ મંત્રાલયે  ગંભીર  નોંધ લઈને  ફરમાન બહાર પાડયું છે કે રાત્રે ૧૦ વાગ્યા પછી  ગાડીમાં અવાજ-ઘોંઘાટ નહીં કરી  શકાય. એક પણ પેસેન્જર ફરિયાદ કરશે તો રેલવે સ્ટાફ તત્કાળ હાજર થઈ  પગલાં લેશે.  એટલે  હળવાશથી   કહીએ તો  ટૂંકમાં  નસકોરાં બોલાવી નીંદર બગાડતા  નસ્કોરે-તોબા   સંગઠનના  'સ્લીપર-સેલ'ના સભ્યોએ  પણ સાવધ રહેવું પડશેને?  રેલવેએ  ખલેલ પહોંચાડનારા સામે  કરેલી લાલ આંખને  લીધે કહેવું  પડશે કે-

રાતે ઊંઘમાં પાડશે જે ખલેલ

એને તત્કાળ ફટકારશે રેલ,

બસ હવે ગાડીએ ગાડીએ  દેખાશે

ફરિયાદો અને ફટકારનો ખેલ.

માસિનરામમાં બારેમાસ મેઘમહેર અને કહેર

મેઘરાજાની  ચાર મહિના કૃપા વરસે છે, પણ  ખુદ મેઘરાજાના મહાલય તરીકે  ઓળખી   શકાય એવાં  માસિનરામમાં  તો  બારેમાસ  વાદળો વરસતાં જ રહે છે. એક જમાનામાં  સામાન્ય  જ્ઞાાનનો  સવાલ પૂછવામાં  આવે કે દુનિયામાં  સૌથી વધુ  વરસાદ ક્યાં  પડે છે?તો તરત જ  ચેરાપૂંજીનું  નામ આપવામાં   આવતું, પરંતુ  હવે આ સ્થાન ચેરાપૂંજીથી  માત્ર ૧૫ કિલોમીટર  દૂર વસેલા  માસિનરામ   ગામે લીધું  છે. 

ગિનેસ  બુકમાં દર્જ  સૌથી વધુ  વરસાદના રેકોર્ડ  પર નજર કરીએ  તો ૧૯૮૫માં  ૨૬ હજાર  મિલીમીટર  વરસાદ પડયો  હતો. માસિનરામ  કરતાં  ચેરાપૂંજીમાં  લગભગ ૧૦૦ મિલીમીટર  ઓછો વરસાદ  પડે છે. આખા વર્ષના સરેરાશ  વરસાદની  સરખામણીકરીએ તો માસિનરામમાં   ચેરાપૂંજી કરતાં થોડો વધુ વરસાદ  પડે છે.   આમ છતાં  ૨૦૧૪માં  ચેરાપૂંજીમાં   ૨૬,૪૭૦   મિલીમીટર  વરસાદ પડયો   હતો જે  ક્રિમ  હજી સુધી  તૂટયો નથી.   

વિધિની કેવી  વક્રતા કહેવાય? દેશના  અન્ય ભાગોમાં  ખેતીનો આધાર  વરસાદ પર રહે છે, જ્યારે  માસિનરામ  અને ચેરાપૂંજીમાં આખું  વર્ષ  પડતા વરસાદને લીધે  ખેતી જ નથી થઈ શકતી. એટલે ખાવા-પીવાની બધી જ  ચીજો બહારથી  લાવી પડે છે.  હવામાં એટલો  બધો ભેજ હોય છે કે  ખાવાની ચીજો હવાઈ  જાય છે કે  કોહવાઈજાય છે.  એટલે લોકોએ  ખાવાની ચીજો  પ્લાસ્ટિકમાં  વીંટાળી  વાંસના ડબ્બામાં રાખવી  પડે છે.  સતત વરસાદને લીધે  સડકો તૂટી  જાય છે, પુલ જર્જરિત થઈ જાય  છે. એટલે નાની નદીઓ  કે ઝરણાં  ઓળંગવા લોકો  બાંબુના કે રબ્બરના  દોરડાના પુલ બનાવે છે. મેઘાલયનું  કુદરતી  સૌંદર્ય  જોઈને  પર્યટકો   પણ ભીના થવાની સાથે  ભાવ-ભીના  થઈ જાય છે. આ નઝારો  અને સ્થાનિક  લોકોના  કઠિન  જીવન જોઈને  કહી શકાય-

ભલે વરસતાં વાદળોનો

વિક્રમ છે,

પણ સ્થાનિકો માટે  વરસાદી

વિટંબણા જીવનનો ક્રમ છે.

થેલીમાં મકાઈ-બટેટા નહીં, પણ મકાઈ-બટેટાની થેલી

 પ્લાસ્ટિકથી વધતા   પ્રદૂષણને ડામવા  માટે કાયદા  ઘડવામાં  આવ્યા છે, પ્લાસ્ટિક  વાપરે  એને આકરો દંડ  ફટકારવામાં  આવે  છે, પ્લાસ્ટિકની  થેલીના ગોદામો  પર રેડ પાડી   ટનબંધ  થેલીઓ જપ્ત કરવામાં  આવે છે. આમ છતાં નાના ગામોથી માંડી  શહેરો સુધી  પ્લાસ્ટિકનો  વપરાશ સાવ બંધ  થયો નથી.  

જોકે પંજાબના  પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે  પ્લાસ્ટિકના  વિકલ્પ  તરીકે મકાઈ  અને બટેટામાંથી જે સ્ટાર્ચ  નીકળે  એમાંથી  મજબૂત  થેલીઓ  બનાવી છે.  આ કૅરી બેગની વિશેષતા  એ છે કે તેને ફેંકી  દેવામાં આવે તો ૯૦ દિવસમાં  પાણી લાગવાથી  અને વાતાવરણની  અસરથી  આપમેળે  માટીમાં મળી જાય છે. માટીમાં મળી જતી આ  બેગની બનાવટ  જોઈ 'ઉપકાર' ફિલ્મના અમર ગીત 'કસમે વાદે પ્યાર વફા સબ...' ગીત કડી યાદ આવે છેઃ 'આસમાન પે ઉડનેવાલે  મીટ્ટી મેં  મિલ જાયેગા...' એટલે  થેલીની જેમ હવામાં  ઉડવાવાળા  આખરે તો  માટીમાં જ  મળી  જવાના છે.  પંજાબની  આ પર્યાવરણને અનુકૂળ  કૅરી બેગનો  ઉપયોગ બધે જ શરૂ થઈ જાય તો કેવી  રાહત થાય! 

સોનાના કપમાં  

ચાહની ચા

આજના જમાનામાં  તો ચાની  ટપરી પર  કે ચાના સ્ટોલ પર કાચના,  પ્લાસ્ટિકના   કે પછી  કાગળના કપમાં  ચા આપવામાં  આવે છે, પણ મહારાષ્ટ્રના પારનેરમાં એક ચાનો સ્ટોલ  શરૂ કરનારાએ  મનોમન નિશ્ચય કર્યો કે  ચા પીવા  માટે જે કસ્ટમર આવે એને  રાજાશાહી  ઠાઠનો  અનુભવ થાય તે માટે  સો ટચના  સોનાના કપ ખરીદ્યા. કપ પર મરાઠી ભાષામાં  લખ્યું  'પ્રેમાચા ચહા' એટલે પ્રેમની ચા. સોનાના કપમાં  ચાના બદલામાં  ફક્ત દસ રૂપિયા જ લેવામાં  આવે છે.   આ સુવર્ણ-કપની ચા  પીને કહેવું પડે  કે-

સોનાના કપમાં પીરસાય ચાહ

ચાહની ચુસકી મારી કહેવાય  વાહ.

પહોંચ્યા પાંવ-વડા

પ્રજાથી પ્રધાન સુધી

વડા-પાંવની  લોકપ્રિયતા  હવે  મહારાષ્ટ્રના   સીમાડા  વટાવી ઠેઠ  અમેરિકા અને  ઈંગ્લેન્ડ જ નહીં , પણ પાકિસ્તાનમાં  પણ પહોંચી  છે. ગરમાગરમ  વડાને પોચા પોચા  પાવની વચ્ચે મૂકી તીખ્ખી ચટણી અને મરચાં  સાથે ખાવાની મજા  જ કંઈક ઔર છે. લોકો આ  દેશી  ફાસ્ટ-ફૂડને  એટલી હદે  પસંદ કરે  છે કે ઓગસ્ટમાં  રીતસર   વડા-પાંવ  ડેની ટેસ્ટી ઊજવણી  કરવામાં  આવી હતી.   

આ જોઈ   વિચાર આવે કે   'વડા-પાંવ'ની  'ખાઈકી'ની શરૂઆત ક્યારથી  થઈ હશે?  તપાસ કરતાં એવું  જાણવા મળ્યું કે જ્યારે  મુંબઈમાં  કાપડ મિલો ધમધમતી  હતી એ જમાનામાં મિલ-કામદારો  રિસેસ વખતે  ઝટપટ નાસ્તો  કરી શકે  માટે ૧૯૬૬ની  આસપાસ અશોક વૈદ્યએ  દાદર સ્ટેશનની  બહાર વડા-પાંવના વેચાણની શરૂઆત  કરી. એ પહેલાં લોકો આમ્લેટ-પાવ ખાતા. એના પરથી  પાવની  વચ્ચે વડા  મૂકીને નવી વાનગીનું  વેચાણ  શરૂ થતા  જોતજોતામાં  તેણે લોકપ્રિયતા   મળી. પછી તો  દાદર સહિત  બીજી જગ્યાએ  પણ  વડા-પાંવ વેંચાવા માંડયા.   વર્ષો પછી   મિલ-હડતાળ  પડી. અનેક મિલો બંધ પડી ગઈ. બેરોજગાર  બની ગયેલા  કામદારોને  આજીવિકા  રળવા  વડા-પાંવની લારી શરૂ  કરવાની હિંમત  શિવસેનાના દિવંગત  સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેએ   આપી  પછી તો  ઠેર ઠેર વડા-પાંવની   લારીઓ  અને સ્ટોલ શરૂ થઈ  ગયા.   ઘણા ફળદ્રુપ ભેજાવાળા  એમાં અવનવા  પ્રયોગ કરી   બટર પાંવ-વડા,  ડ્રાયફ્રુટ પાંવ-વડા,  સોનાની વરખવાળા ગોલ્ડન  પાંવ-વડા  વગેરે  વગેરે.... ઈન્ડિયન-બર્ગર   વડા-પાંવ દિનની   ઉજવણી  વખતે કાને  પડેલી  ચાર-લાઈના  યાદ આવે છેઃ

કોઈના કોઈ ઉસે

બેચને કો ખડા હૈ,

જીસકા ટેસ્ટ સબકે

મુંહ ચડા હૈ,

યે હમારા ઈન્ડિયન બર્ગર

પાંવ-વડા હૈ.

પંચ-વાણી

જંક ફૂડ ટાળો

ખોટી ભૂખ બાળો,

'ખાઈકી'માં રાખો ગાળો

ટનાટન તંદુરસ્તી ભાળો.

Gujarat