Get The App

એક વિદેશી નારી બની કન્નડ શીખવ-નારી

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
એક વિદેશી નારી બની કન્નડ શીખવ-નારી 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ભાષાવાદને નામે ઘણા વિવાદ અને વિરોધ થાય છે. ધમાલ અને ધોલધપાટ  થાય છે. રાજકારણીઓ ભાષાના મુદ્દા ભડકાવી લાભ ખાટવા હૂંસાતૂંસી કરતા હોય છે. પરંતુ કર્ણાટકમાં એક વિદેશી મહિલાએ કરેલી પહેલને કારણે આબાલવૃદ્ધો હોંશથી કન્નડ ભાષા શીખે છે. 

ભારતના સિલીકોન વેલી તરીકે ઓળખાતા ટેક્ સિટી બેંગ્લૂરૂ (બેંગલોર)માં જુદાં જુદાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરી માટે આવે છે. બેંગલોરમાં આવતા પરપ્રાંતીયો કન્નડ ભાષા શીખી જાય એ માટેની પહેલ એક અમેરિકન યુવતી વિક્કી બેલ્ચરે કરી. ટેક્સસથી બેંગ્લોર આવી બેન્નીગનહલ્લી લેક પર કામ કરતી વખતે તેને કન્નડ ભાષા સાથે પ્રેમ થઈ ગયો. મહેનત કરીને લખતા, વાંચતા, બોલતા શીખી ગઈ. જ્યારે કડકડાટ કન્નડ બોલતી વિદેશી કન્નાને જોઈને પાર્ક લે-આઉટ વિસ્તારના કેટલાય લોકોને પ્રેરણા મળી. આમ, રેસિડેન્ટસ વેલ્ફેર એસોસીએશનની ઓફિસમાં કન્નડ ભાષાના નિઃશુલ્ક વર્ગો શરૂ થઈ ગયા. બિનકન્નડ ભાષી એસ.બાલાએ કન્નડ ભાષા શીખવવાની જવાબદારી માથે લીધી છે. દર રવિવારે સાંજે બે કલાકના ક્લાસ ભરીને અને મહેનત કરીને કેટલાય લોકો પ્રેમપૂર્વક કન્નડ ભાષા શીખતા જાય છે. 

બધાં જ રાજ્યોમાં ભાષાના મુદ્દે ભડકામણાં ભાષણો ફફડાવી, બળજબરી કરી, દહેશત ઊભી કરીને ભાવના ભડકાવવામાં આવેે તેને બદલે જો પ્રેમથી ભાષા શીખવવામાં આવે તો કેવો ચમત્કાર થાય તેની મિસાલ બેંગ્લૂરૂના આ કન્નડ ક્લાસે પૂરી પાડી છે. આનાં પરથી કહેવું પડે કે- 

ભાષાને વળગે શું ભૂર

પ્રેમથી શીખે એ શૂર.

દાદી દિલ દે બૈઠી

ઘરમાં લગ્ન-પ્રસંગ હોય ત્યારે દાદા-દાદી અને નાના-નાની સહિતના વડીલો જુવાન વરરાજા અને નવીનવેલી નવવધૂને આશીર્વાદ આપતાં હોય છે. પરંતુ બિહારમાં ૬૦ વર્ષનાં દાદીએ ૩૫ વર્ષના યુવક સાથે ભાગીને લગ્ન કર્યાં  ત્યારે ભારે સનસનાટી વ્યાપી ગઈ હતી. 

પુત્ર અને પૌત્રોનો બહોળોે સંસાર ધરાવતા અમરપુર ગામનાં દાદીમાં અને એમનો જુવાનજોધ યાર છુપી રીતે ઘરમાંથી નાસીને બસ-સેન્ટેડ પર પહોંચ્યા એની ઘરવાળાને ખબર પડી ગઈ. એટલે દાદીના ઘરડા પતિ અને પુત્ર પાછળ દોડી ગયા હતા અને યુવાનની બેરહેમીથી ધુલાઈ કરવા માંડયા હતા. 

આ ખેલ જોવા ટોળું ભેગું થઈ ગયું. ત્યારે દાદીએ યુવાન-પ્રેમીને મારપીટથી બચાવતાં બચાવતાં ખુલાસો કર્યો હતો કે અમે એકમેકને ચાહીયે છીએ અને લગ્ન કરવાનો નિર્ણય અફર છે. બોલો દાદી-દુલ્હા રાજી તો ક્યા કરે કાજી? આ જોઈને કહેવું પડે-

જેમ જુવાન નેતાને હડસેલી

બુઢ્ઢા પચાવે ગાદી,

એમ જુવાને પસંદ કરી દાદી

અને હવે રચાવે શાદી.

સાચું સન્માન

ખોટા સિક્કા

રાજાશાહીના વખતમાં સોના મહોર કે સોના-ચાંદીના ખણખણતા સિક્કા આપીને સન્માન કરવામાં આવતું હતું, પરંતુ લોકશાહીમાં સાચા માણસનું ખોટા સિક્કાથી સન્માન કરવાના બનાવ પણ ક્યારેક બને છે. 

બનાવટી રેલવે ટિકિટ પર પ્રવાસ કરે તેને પકડીને દંડ ફટકારતા રેલવે તંત્રે ચાંદીને બદલે તાંબાના સિક્કા પધરાવ્યા હતા. પશ્ચિમ-મધ્ય રેલવેના ભોપાલ વિભાગ ખોટા સિક્કાનો ખણખણાટ કાને પડયો હતો. સેવા નિવૃત્ત કર્મચારીઓના વિદાયમાન સમારંભમાં ચાંદીના સિક્કા એનાયત કરવામાં આવ્યા એ ચાંદીને બદલે તાંબાના નીકળ્યા હતા. આ નકલી સિક્કામાં માત્ર ૨૩ ટકા ચાંદી હતી બાકી તાંબુ જ ભેળવેલું હતું.  નિયમાનુસાર સિલ્વર કોઈનમાં ૯૯.૯ ટકા ચાંદી હોવી જોઈએ. 

આ દેશમાં આવું જ ચાલે છે સાચા હોય એ શાંત રહે અને ખોટા વધુ ખણખણે.

ભિક્ષુક રોડનો  અને 

ખજાનો અડધો કરોડનો

તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા, ગરીબોં કી સુનો વો તુમ્હારી સુનેગા... હિન્દી ફિલ્મોના આવાં બેગર્સ મેલડીના ગીતો ગાઈ પાઈ-પૈસાની ભીખ માગતા ભિક્ષુકો કેટકેટલી કમાણી કરતા હશે અને કેટલી બચત કરતા હશે એ તો આપણાં સહુની કલ્પના બહારની વાત છે. મુંબઈ, દિલ્હી કે અમદાવાદ જેવાં શહેરોમાં મોકાની જગ્યાએ બેસી ભીખ માગનારામાંથી ઘણાં પોતાના વતનમાં પાક્કા ઘર, ખેતર અને બેન્ક બેલેન્સ ધરાવતા હોય છે. 

મહારાષ્ટ્રના એક શહેરમાં વૃદ્ધ માગણ મહિલાને તેનો પુત્ર રોજ કારમાં તેડવા-મૂકવા આવતો હતો. કેરળના અલ્લાપુઝા ગામે રોડ અકસ્માતમાં એક 'માલેતુજાર' માગણ અકસ્માતમાં મોતને ભેટયો એ પછી જ્યારે પોલીસે એની પાસેના ડબ્બા-ડૂબલી ફંફોસ્યા ત્યારે એમાંથી ૪૫ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી હતી. આમાં ફોરેન કરન્સીનો પણ સમાવેશ થયો હતો. લાખો રૂપિયા  ભેગા કર્યા છતાં એણે આખી જિંદગી માગીને જ ખાધું, બોલો. એટલે જ કહેવું પડે-

માગી માગીને જ જીવ્યો

ભલે હતો લાખોપતિ

શું ફાયદો થયો? 

જ્યારે અકસ્માતમાં ગયો 'આખો-પતી'?

સંત્રી ટાઢમાં ગરમી મેળવે 

ધૂપથી કે સૂપથી?

હાડ ગાળી નાખે એવી શિયાળાની કડકડતી ટાઢમાં આખું ગામ ગોદડા અને રજાઈ ઓઢીને ટેસથી ઘસઘસાટ સૂઈ શકે એ માટે રખેવાળી કરતા પોલીસો આખી રાત 'કોલ્ડ-ટેરર'નો સામનો કરી ફરતા હોય છે. 

પંજાબના ભટિંડાની વાત કરીએ તો રાત્રે તાપમાન ૪.૬ ડિગ્રી સુધી નીચું ઉતરી જાય છે. આવી ધુ્રજાવી દે એવી ટાઢમાં નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મીઓના શરીરમાં ગરમાવો આવી જાય માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. રાતના સમંય પોલીસ પેટ્રોલિંગ સ્ટાફને એકદમ ગરમાગરમ દૂધ અને વરાળ નીકળતી હોય એવું ફળફળતું મન્ચાઉ સૂપ પીવડાવવામાં આવે છે. ગામની રખેવાળી કરતા આ પોલીસોને ટાઢથી બચાવવાની જે પહેલ કરવામાં આવી છે એ જોઈને હળવાશથી આ જોડકણું કહી શકાયઃ

ખાખીધારી ટાઢને કહેશે 

રહેજે તું ચૂપ,

દિવસે ગરમાટો આપે ધૂપ,

અને રાતે સૂપ.

પંચ-વાણી

સઃ મત મેળવવા ખોટાં વચન આપે એને શું કહેવાય?

જઃ મત-લબી.

*  *  *

રાત્રે ન જુએ રતાંધળા

દિવસે ન જુએ મતાંધળા.