For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિક્કાથી કર્યું બાઈકનું સપનું સાકાર

Updated: Dec 23rd, 2022

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

'સંતુ રંગીલી' નાટકનો ડાયલોગ-કમ-સોંગ  યાદ આવે છે, 'સંતુના નામના સિક્કા પડશે...' આ યાદ આવવાનું કારણ એટલું જ કે તેલંગણાની પોલિટેકનિક કોલેજના  એક સ્ટુડન્ટે  બાઈકના શો રૂમમાં  જઈ કોથળામાંથી  સિક્કા પાડીને ઢગલો કર્યો.  રામકૃષ્ણપુરમના  રહેવાસી વેંકટેશનું  નાનપણથી એક જ સ્વપ્ન હતું કે  મોટા થઈને  બાઈક ખરીદવી  છે. એટલે જ પોકેટ મની મળે એ બચાવવા માંડયો. એક-એક રૂપિયાના સિક્કા ભેગા કરતો જાય અને  મનોમન ગણતરી કરતો જાય કે કેટલું  પરચુરણ  ભેગું થયું હશે?  વર્ષો વિત્યાં અને વેંકટેશ જુવાન થયો. એણે  મનોમન નિર્ધાર કરેલો કે બાઈક ખરીદશે તો આ પરચુરણથી જ ખરીદશે. એ તો ૧૧૨ ગુણીઓમાં  ભરેલું પરચુરણ લઈને પહોંચ્યો બાઈકના શો રૂમમાં  અને ત્યાં  ઢગલો કર્યો ચિલ્લરનો. આ જોઈ શોરૂમવાળા દંગ રહી ગયા. પહેલાં તો મોટરસાઈકલનું  પેમેન્ટ પરચુરણમાં સ્વીકારવાની ના પાડી, પણ પછી  જુવાનની બાઈક ખરીદવાની અને એ  પણ બચાવેલા પરચુરણમાંથી ખરીદવાની અદમ્ય ઈચ્છા  સામે શોરૂમના  સંચાલકોએ  નમતું જોખ્યું. બધો  સ્ટાફ મંડયો પરચુરણ ગણવા.   લગભગ અડધો દિવસ  સુધી  ગણતરી કરીને ૨.૮૫ લાખ થયા એટલે જુવાનને નવીનક્કોર બાઈક આપી. પરચુરણના બદલમાં બાઈક મેળવનારા જુવાનના આ પરચુરણ પરાક્રમને  જોઈ  કહેવું પડે કે-

નોટબંધીનું  જરાય જોખમ નહીં

એવું ચિલ્લરનું આ પરચુરણતંત્ર,

પાઈ-પૈસા ભેગા કરી થાય મોટાં કામ

એને કહેવાય ગણ-ગણ તંત્ર.

સોનાના ભાવની ભાજી

કોઈ માણસને ઉતારી પાડવામાં  આવે ત્યારે  એ બોલી ઉઠે છે કે તમે શું મને  ભાજી-મૂળા સમજો છો? મારી  શું કોઈ  કિંમત જ  નથી? જોકે ભાજી  ભલે સસ્તી  કિંમતે  મળતી હોય, પણ એ જ ભાજી ખાવાથી આરોગ્યને  અમૂલ્ય લાભ આપે  છે. એટલે જ  ગુણકારી  પાલકની ભાજી, મેથીની ભાજી, તાંદળજાની ભાજીની જૂડી દસ, વીસ, ત્રીસ કે સિઝન ન હોય તો   વધુમાં વધુ  ૧૦૦ રૂપિયાના  ભાવે વેચાતી હોય છે, પણ કોઈ એવી  ભાજી  સાંભળી છે, જે સોનાના ભાવે વેંચાય? હોપશૂટ નામની ભાજી ૮૦થી ૮૫ હજાર રૂપિયે  કિલોના ભાવે  વેંચાય છે.  આ ભાજીનું શાક કરીને નથી ખવાતી, હોપશૂટ ભાજી તેના ઔષધીય ગુણધર્મોને લીધે મોટેભાગે દવા બનાવવામાં વપરાય છે.  ક્ષય રોગના  ઉપચારમાં તેમ જ  ચિંતા,  માનસિક તાણ, અસ્વસ્થતા અને અનિંદ્રાની  બીમારીમાં આ તાજી ભાજીનું  સેવન  ફાયદાકારક છે, એવું  કહેવાય છે.  બાકી તો  ભાજીનો ભાવ સાંભળી કહેવું પડે કે- 

કોને પોષાય ખાવી

સોનાના મૂલની ભાજી?

આપણી જેવાં તાજી તાજી સોંધી ભાજી ખાય રહે રાજી.

કહેવત છેને 

ભેંસ, ભામણને ભાજી, 

એ ત્રણ પાણી જોઈને રાજી.

પ્રચંડ પંજાની પીડા

થિયેટરમાં હોરર ફિલ્મ જોતા  હોઈએ ત્યારે લાઉડ બેકગ્રાઉન્ડ  મ્યુઝિક  સાથે પડદા પર  પ્રચંડ પંજો  છવાઈ જાય ત્યારે કેવા  ધુ્રજી  જવાય?  હોરર ફિલ્મના દર્શકોને આ રીતે  ગભરાવવા માટેૈ ટ્રીક-ફોટોગ્રાફી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં  આવે છે. જ્યારે બીજી તરફ  વાસ્તવિક  જીવનમાં બે-બે  ફૂટના પંજા  ધરાવતા  ઝારખંડના ટીનએજર મોહમ્મદ  કલીમના  પંજા જોઈને  ભલભલા  ફફડી  ઉઠે છે.  બોકારો  નજીકના ગામડાનો  રહેવાસી  લોકલાઈઝડ જાયજેન્ટિઝમ નામના સિન્ડ્રોમથી  પીડાય છે. પરિણામે  કાંડા અને હાથની  આંગળીઓ  વચ્ચેનુંં અંતર  ૨૪ ઈંચ  છે. પંજાનું  વજન  આઠ કિલો છે. દુનિયામાં આવી સ્થિતિથી  પીડાતા લોકોની સંખ્યા માત્ર ૩૦૦ છે. આ બીમારીમાં  અમુક અવયવો ખૂબ ઝડપથી  વૃદ્ધિ પામે છે. ૧૬ વર્ષનો આ પ્રચંડ  પંજાધારી પોતાના હાથે  જમી નથી  શકતો, બીજાએ  જમાડવો  પડે છે. લખી પણ નથી શકતો.  નાનપણમાં તેને  સ્કૂલમાં  બેસાડયો ત્યારે તેનાં આટલા  મોટા હાથ  જોઈ  બાળકો  ડરીને  આઘા ભાગવા માંડતા  હતા. એટલે ભણી પણ ન શક્યો. કોઈ મોટા પંજા ઓપરેશન કરી નાના કરી દે એવી આ ટીનએજર મનોમન પ્રાર્થના કરતો રહે  છે. એક તરફ ઝારખંડવાસીના પંજા મોટા થતા જાય છે અને  બીજી તરફ  પંજાના નિશાનવાળી પાર્ટીના ઓસરતા  જતા પ્રભાવને લીધે  પંજો  નાનો થતો જાય છે.

ચપરાસીમાંથી બન્યા આઈપીએસ અફસર

માલેતુજાર પરિવારના નબીરાઓ  પ્રાઈવેટ ટયુશન  અને કોચિંગ કલાસની  લાખોની ફી ભરીને  ભણતા  હોય છે, જ્યારે  બીજી તરફ ગરીબ કે મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ   વિધ્નદોડ લગાવવી પડે છે, પણ કહે છેને કે  અડગ મનના માનવીને હિમાલય  પણ નડતો નથી.  આ ઉક્તિ  સાચી ઠેરવી  છે અનાથાશ્રમમાં  રહી ભણેલા  અને  ૨૧ સરકારી  પરીક્ષા  પાસ  કરી ચપરાસીમાંથી આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ)  અધિકારી  બનેલા કેરળના મોહમ્મદ અલી શિહાબ નામના શખસે. કેરળના મલ્લપુરમના ગરીબ પરિવારમાં જન્મેલા મોહમ્મદ અલીને  ભણીગણી આગળ વધવાની મહેચ્છા  હતી, પણ  ઘરની આર્થિક  સ્થિતિ  નાજુક હતી. આવી પરિસ્થિતિ વચ્ચે પિતાનું મૃત્યુ  થયું. માતા  પોતાના પાંચ સંતાનોને ભણાવી શકે  એમ નહોતી એટલે અનાથાશ્રમમાં મોકલી દીધા. શિહાબે અનાથાશ્રમમાં રહીને  બારમા સુધીનું ભણતર  પૂરૃં  કર્યું. ત્યારે પછી ડિસ્ટન્ટ એજ્યુકેશનના માધ્યમથી  આગળ  ભણતો રહ્યો. એનું પહેલું  લક્ષ  હતું, સરકારી  નોકરી મેળવીને પરિવારની સ્થિતિ સુધારવાનું. ૨૦૦૪માં  ચપરાસીની  સરકારી નોકરી  મળી,  પછી ટ્રાવેલિંગ  ટિકિટ એક્ઝામિનર અને જેલ વોર્ડનની  નોકરી પણ કરી. જોકે તેનું અંતિમ  લક્ષ હતું આઈપીએસ બનાવનું  હતું. જુદી જુદી ૨૧ પરીક્ષાઓમાં  પાસ થયા બાદ આખરે  ૨૦૧૧માં ત્રીજા  પ્રયાસમાં  મોહમ્મદ અલી શિહાબે યુપીએસસીની  પરીક્ષા પાસ કરી. આમ, એ  પટ્ટાવાળામાંથી  બન્યો પોલીસ અફસર. મક્કમ નિર્ધારવાળા શિહાબ બીજા માટે  પ્રેરણામૂર્તિ  બની રહ્યો છે. એટલે  કહેવું પડે કે-

જેના હૈયા હામ ભરપૂર છે

એને માટે લક્ષ ક્યાં દૂર છે?

એક રાજ્યમાં રસોડું 

અને બીજામાં બેઠકખંડ

જુદાં જુદાં રાજ્યો વચ્ચે દાયકાઓથી  સીમાવિવાદ  ચાલ્યા કરે છે. હમણાં  મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેનો સીમા-વિવાદ  ફરી સળગ્યો ત્યારે હિંસક વળાંક  લીધો  હતો. આ પરિસ્થિતિમાં  મહારાષ્ટ્ર તેલંગણાના સીમા-વિવાદમાં   અટવાયેલાં ૧૪ ગામો પૈકી  મહારાજગુડા  ગામનું પવાર  કુટુંબનું  ઘર  એવું છે  જેનું રસોડું  તેલંગણામાં  અને બેઠકખંડ મહારાષ્ટ્રમાં છે. તેલંગણા સરકારે રાજ્યની સીમા નક્કી  કરી ત્યારે  સીમારેખા  ગામની  વચ્ચોવચ્ચથી  પસાર થઈ  છે એટલે અડધું ગામ તંલગણામાં અને અડધુ ં મહારાષ્ટ્રમાં છે.  આ  ૧૪ ગામોની વિચિત્રતા એ  છે કે અહીં બન્ને રાજ્યોની  આંગણવાડીઓ, નિશાળો  અને  ગ્રામપંચાયતો છે.  બન્ને રાજ્યોની  સરકાર તરફથી  અપાતા લાભો  પણ ગ્રામજનો  મેળવે છે. આ તો બે જુદાં જુદાં રાજ્યોની  સીમા પર વસેલાં  ઘરોની વાત છે, પણ  ઈશાન ભારતની સરહદે એવાં કેટલાય ઘર છે  જેમાં અડધા ઓરડાં ભારતમાં  અને અડધાં મ્યાનમાર (બર્મા)માં  છે. એટલે ઘરમાં ને ઘરમાં  એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં  કે એક દેશથી  બીજા દેશમાં  અવરજવર  કરતા  લોકોને જોઈ હિન્દી ફિલ્મના ગીતની  કડી યાદ  આવે છેઃ કોઈ સરહદ ના ઈન્હે રોકે...

પંચ-વાણી

આંધળુકિયાં કરી જો

કરો રોકાણ તો ઊભી થાય મોકાણ,

એના કરતાં ઘરજમાઈ બની

સાસરિયામાં કરો કાયમી રોકાણ.

Gujarat