Get The App

અપશિંગે મિલિટરી ગામે ઘર ઘરમાં સૈનિક

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
અપશિંગે  મિલિટરી ગામે ઘર ઘરમાં સૈનિક 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જે ગામના ચાર-પાંચ જુવાનો લશ્કરમાં જોડાયા હોય ત્યારે આખું ગામ ગર્વ અનુભવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં એક એવું અનોખું ગામ છે જ્યાં દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ લશ્કરમાં જોડાઈને સીમાડાની રક્ષા કરે છે અથવા તો ગૌરવભેર ફરજ બજાવી નિવૃત્ત થઈ જાય છે. સૈનિકોના ગામ તરીકે જાણીતું અપશિંગે મિલિટરી ગામ મહારાષ્ટ્રના સાતાર જિલ્લામાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજના સમયથી આ ગામના જવામર્દો લશ્કરમાં સેવા આપતા રહ્યાં છે. અત્યારે જે લશ્કરમાં ફરજ બજાવે છે એવાં અનેક જવાનોના બાપદાદા પહેલા વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધમાં સૈનિક તરીકે લડી ચૂક્યા છે. આમ દરેક ઘરમાંથી એક-એક શૌર્યકથા જાણવા મળે છે. દેશપ્રેમની અને શૌર્યની અનોખા મિસાલ પૂરી પાડતા આ ગામમાં ભવ્ય મિલિટરી મેમોરિયલ બાંધવા માટે મહારાષ્ટ્ર સ રકારે ૧૫ કરોડ મંજૂર કર્યા છે. સામાન્ય રીતે યુદ્ધ સ્મારકમાં શૂરીવીરોના નામો, તસવીરો અને સત્ય ઘટનાઓની ઝાંખી મળતી હોય છે. પરંતુ આ અનોખા ગામમાં તો ઘર ઘરમાંથી શૌર્યગાથા જાણવા મળે એમ છે. એટલે જ રાજ્ય સરકારે પહેલી જ વખત આ ગામમાં મિલિટરી ટુરિઝમની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. આ ગૌરવવંતા ગામને જોઈને કવિ પ્રદીપજીના અમરગીત અય મેરે વતન કે લોગો...ની એક કડી યાદ આવે છે કે જબ હમ બૈઠે થે ઘરોં મેં વો ઝેલ રહે થે ગોલી...

ખંડિત મૂર્તિઓએ જોડયું ગામ

મધ્ય પ્રદેશનું મુરૈના ગમ એક જમાનામાં ચંબલના ખૂનખાર બાગીઓની ત્રાડથી ગાજતું હતું. આજે એ જ મુરૈના નદી-પર્યટન અને પ્રાચીન મંદિરોને લીધે પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકયું છે. આ મુરૈના જિલ્લાના પારોલી ગામની કહાણી જાણવા જેવી છે. આ ગામમાંથી મળી આવેલી ખંડિત મૂર્તિઓએ આખા ગામને જોડી દીધું છે. એમાં એવું થયું કે ગામનો એક ખેડૂત ચોમાસા વખતે ખેતરમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા સાફ કરતો હતો ત્યારે થોડી જમીન ખોદતાં દેવીની ખંડિત પ્રતિમા મળી આવી. ખેડૂતે આ વાત તેનાં બાબાને કહી ત્યારે બાપાએ કહ્યું કે ફલાણા બકરી ચરાવનારા પાસે પણ આવો જ કોતરણીવાળો પથ્થર છે. આ બન્ને મૂર્તિઓ સરખાવવામાં આવી તો એક જ પથ્થરમાંથી કોતરેલી જણાઈ. આ  બન્ને મૂર્તિઓ ગામની ભાગોળે ગોઠવી દેવામાં આવી. બીજો એક કિસાન તેને થોડા દિવસ પહેલાં હાથ લાગેલી એક મૂર્તિ લઈ આવ્યો અને આ ત્રીજી મૂર્તિ બે મૂર્તિની લગોલગ ગોઠવી દીધી. પછી તો ગામવાળાઓએ અઘોષિત આંદોલન શરૂ કર્યું અને પ્રાચીન અવશેષો અને ખંડતિ મૂર્તિઓ શોધવામાં લાગી ગયા. આમ સહુ એક જ ધ્યેય સાથે કામે લાગી ગયા. પુરાતત્ત્વ  ખાતાવાળા કોઈ પ્રાચીન અવશેષ શોધી કાઢે તો મિડિયામાં સમાચાર ચમકે છે. પણ દૂરસુદૂરના પારોલી ગામના લોકો તો પોતાની રીતે  જ ખંડિત પ્રતિમાઓ અને અવશેષો શોધી એક જગ્યાએ ભેગા કરે છે.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં  પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના મેજર જનરલ એલેકઝાન્ડર કનિંગહામ પારોલી પહોંચ્યા હતાી. આ જગ્યાએ તેમણે ખંડેરમાં ફેરવાયેલા ત્રણ વિષ્ણુ મંદિર શોધી કાઢ્યા હતા. આ જગ્યાએ એક હજાર વર્ષ જૂના શીલાલેખ મળ્યા હતા. શીલાલેખમાં એવો ઉલ્લેખ મળે છે કે પારોલી સદીઓ પહેલાં પરાસરાગ્રામ તરીકે ઓળખાતું હતું.  પ્રતિહાર રાજા અમરાજે આ મંદિરોનું નિર્માણ કર્યું હતું. આ જગ્યાએ મંદિરના અવશેષો મળી આવ્યા છે. આમ પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓને બદલે ગામડાના અબૂધ ગ્રામજનોએ જાત મહેનતથી અવશેષો અને પ્રતિમાઓની શોધખોળ કરી જનતપૂર્વક સાચવવાનું મોટું કામ કરી દેખાડયું છે.

શાહી ટ્રેન અને મહેલમાં સ્ટેશન

રામપુરના નવાબની સાહેબી અને ઠાઠ કેવો હતો ખબર છે? શાહી ટ્રેન પણ પોતાની અને રાજમહેલમાં સ્ટેશન પણ પોતાનું, ઉત્તર પ્રદેશના રામપુર સંસ્થાનના નવમાં નવાબ હામિદઅલી ખાને ૧૯૨૫માં 'ધી સેલો' નામની ચાર કોચવાળી અફલાતૂન અને આલીશાન ટ્રેન તૈયાર કરાવી હતી. આ ટ્રેનનું મુખ્ય સ્ટેશન નવાબે પોતાના મહેલ પરિસરમાં બંધાવ્યું હતું. રામપુર અને મિલક ગામ વચ્ચે ૪૦ કિ.મી,ની ખાસ રેલવે લાઈન બંધાવવામાં આવી હતી. મહેલની અંદર જેવું રાચરચીલું હોય છે એવું રાચરચીલું  શાહી ટ્રેનમાં ગોઠવવામાં આવ્યું હતું. મુખ્ય કોચ જેમાં નવાબ૬ સાહેબ બેસતા તેની સિલિંગમાં સુંદર ઝુમ્મર ટીંગાડવામાં આવ્યું હતું. અંદર ઈરાનના ગાલીચા પથરાયા હતા અને સાગવાનના લાકડામાંથી ફર્નિચર તૈયાર કરી ગોઠવાયું હતું. નવાબ સાહેબ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે શાનથી આ પ્રાઈવેટ ટ્રેનમાં સફર કરતા ત્યારે સહુ જોઈ રહેતા હતા. મહેલમાં જે ભવ્ય સ્ટેશન બાંધવામાં આવ્યું હતું તેની આજના જમાનામાં કિંમત ૧૧૩ કરોડ રૂપિયા થાય.રાજાશાહી અને નવાબશાહીના કાળમાં અનેક સ્ટેટ પાસે પોતાની ખાનગી ટ્રેન હતી. દેશ આઝાદ થયા પછી રાજાશાહી અને નવાબશાહી ગઈ અને લોકશાહી આવી. એટલે આ બધી ખાનગી ટ્રેનો ધીરે ધીરે ભારતીય રેલવે તંત્રમાં સામેલ થઈ ગઈ.

જેલરના માજી કેદી સાથે લગ્ન

પ્યાર કે ઈસ ખેલ મેં... દો દિલોં  કે મેલ મેં... આ ફિલ્મી ગીત જરા ફેરવીને ગાવું પડે કે પ્યાર કે ઈસ ખેલ  મેં મિલ ગયે થે જેલમેં... કારણ મધ્ય પ્રદેશના સતના શહેરની સેન્ટ્રલ જેલના આસિસ્ટન્ટ જેલ સુપરિન્ટેન્ડન્ટ ફિરોઝા ખાતૂને જન્મટીપ ભોગવીને છૂટેલા ભૂતપૂર્વ કેદી ધર્મેન્દ્રસિંહ સાથે પ્રેમલગ્ન કરી લીધા છે. એવું અનુમાન છે કે મર્ડર કેસમાં ધર્મેન્દ્ર સિંહને આજીવન કારાવાસની સજા થઈ ત્યારે જેલ અધિકારી ફિરોઝા ખાતૂન સાથે જેલમાં જ પ્રેમ પાંગર્યો હશે.૧૪ વર્ષની સજા ભોગવી ચાર વર્ષ પહેલાં છૂટેલા ધર્મેન્દ્ર સિંહ સાથેમહિલા જેલ અધિકારીના લગ્નની ઘટના સોશ્યલ મિડિયા પર જબરજસ્ત વાઈરલ થયો હતો. કહે છે ને કે સાચો પ્રેમ હોય ત્યાં જેલ હોય કે મહેલ, કેદી હોય કે જેલર એવાં કોઈ ભેદભાવ નથી હોતા. એક ફિલ્મ આવી હતી 'ખેલ ખેલ મેં' યાદ છે ને? હવે જેલમાં પાંગરેલા પ્રણય પર આધારિત ફિલ્મ બનાવી ટાઈટલ આપી શકાય 'જેલ જેલ મેં'.

તાડના ત્રીજા ભાઈને તકલીફ

'પુષ્પા' ફિલ્મનો ડોયલોગ છે ને કે ઝૂકેગા નહીં સા... પણ તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં તાડના ત્રીજા ભાઈ જેવાં લંબુજી કંડકટરને માથું અને ગરદન ઝૂકાવીને  જ ફરજ બજાવવી પડે છે. કારણ કે બસની છત છ ફૂટ ઊંચી છે અને અમીન અહમદ નામના કંડકટરની હાઈટ સાડા છ ફૂટ છે. ઊંચાઈને કારણે અમીનભાઈની તકલીફનો કોઈ પાર નથી. રોજ દસ કલાક ગરદન ઝૂકાવીને ટિકિટ આપવાની આકરી ડયુટી કર્યા પછી ઘરે જાય ત્યારે ગરદન અને પીઠની અસહ્ય પીડાને લીધે ઊંઘ નથી આવતી રાજ્યના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ આ લંબુજીની તકલીફ સમજીને કંડકટરને બદલે એસ.ટી.ની ઓફિસમાં કામ સોંપવાનો આદેશ આપ્યો હતો. એક વર્ષ નિરાંતે નોકરી કર્યા પછી ફરીથી તેને કંડકટરની ફરજ સોંપવામાં આવી છે.ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એક વર્ષ સુધી સ્પેશ્યલ કેસ ગણી અમીન અહમદને બીજા ખાતામાં નોકરી આપવામાં આવી હતી, પણ એ નોકરીમાં તેને કાયમ ચાલુ રાખી શકાય એમ નથી. પરિણામે ડોક વાંકી કરીને અને તકલીફ સહીને કંડકટર તરીકે ફરજ બજાવ્યા સિવાય છૂટકો નથી. એવું કહેવાય છે ને કે નમે એ સહુને ગમે પણ કાયમ જે નમે એ ક્યાં સુધી તકલીફ ખમે?

પંચ-વાણી

પ્રેમમાં આંખો નચાવે અને

પછી પરણીને પતિને 'આખો'

નચાવે.