- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આપણી વાત કોઈ ન માને તો આપણે ગુસ્સામાં કહેતા હોઈએ છીએ કે તેલ પીવા જા... પણ ખરેખર કોઈ તેલ પીને જીવતો હોય એ જાણીને ખરેખર નવાઈ લાગે. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં રહેતો એક અજબ શખ્સ છેલ્લાં ૩૦ વર્ષથી એન્જિન ઓઈલ પીને જ જીવે છે. ઓઈલમેન તરીકે ઓળખાતો આ આદમી કહે છે કે તેને માથે ભગવાન અયપ્પાના આશીર્વાદ જ છે, નહીંતર ખાધાપીધા વગર માત્ર એન્જિન ઓઈલ પીને કોણ જીવી શકે?
સોશિયલ મીડિયામાં આ ઓઈલકુમારની વીડિયો ક્લિપ જબરજસ્ત વાઈરલ થઈ છે. રોજ કાંઈ ખાવાને બદલે તે ૭-૮ લીટર એન્જિન ઓઈલ ગટાવે છે, છતાં આજ સુધી કોઈ તકલીફ નથી થઈ કે હોસ્પિટલમાંદાખલ કરવાની જરૂર નથી પડી.
આ ઓઈલ મેનને જોઈને ઓલ ઈઝ વેલને બદલે એમ કહી શકાય કે, ઓઈલ ઈઝ વેલ.
મરીને જીવતો થયો મર-જીવો
છત્તીસગઢના સૂરજપુરમાં જુવાન દીકરાના મોતને લીધે પરિવારજનોના માથે જાણે આભ તૂટી પડયું હતું. દીકરાના અગ્નિસંસ્કાર પતાવ્યા પછી ઘરમાં શોકની છાયા ફરી વળી હતી.
શોકમય વાતાવરણ વચ્ચે ત્રીજે દિવસે દીકરાએ દરવાજે દસ્તક દીધી અને બારણું ખોલતા દીકરાને સામે ઊભેલો જોઈને થોડી ક્ષણો માટે ઘરવાળા હેબતાઈ ગયા હતા. પછી શોકનું વાતાવરણ આનંદમાં પલટાઈ ગયું હતું.
તપાસ કરતાં ખબર પડી કે પુરૂષોત્તમ નામનો આ જુવાન ઘરેથી ગાયબ થયો હતો એની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક બે દિવસ પછી કૂવામાંથી કોઈનું શબ મળતા પોલીસે આ એકદમ કોહવાઈ ગયેલું શબ પુરૂષોત્તમનું છે એમ જણાવ્યું અને પરિવારજનો અંતિમ-સંસ્કાર કરી આવ્યા હતા. હવે પોલીસ એ શોધી રહી છે કે જેનાં અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા એ મૃતદેહ કોનો હતો? આમ પોલીસની ગફલતને લીધે મરેલા જીવતા થાય એને જ કહેવાય મર-જીવા.
ગરીબોં કો ઢૂંઢતે રહ જાઓગે...
'ગરીબો કી સૂનો વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા...'
હિન્દી ફિલ્મોમાં આવાં માગણલક્ષી ગીતો ગાઈ ગાઈને આજ સુધી કૈંક ભીખારીઓ ભીખ મેળવીને બે પાંદડે થયા હશે. હવે જોકે કેરળમાં આ ગીત નહીં સંભળાય, કારણ કે કેરળમાં ગરીબ રહ્યા જ નથી. કેરળ સરકારનો એવો દાવો છે કે રાજ્યમાં કોઈ અત્યંત ગરીબ રહ્યાં નથી. આ આશ્ચર્યજનક દાવા સાથે કેરળ દેશનું પહેલું એવું રાજ્ય છે, જ્યાં અત્યંત ગરીબ કોઈ છે જ નહીં.
સંયુક્ત રાષ્ટ્રસંઘના માપદંડ અનુસાર જે વ્યકિતની રોજિંદી આવક ૧૫૮ રૂપિયાથી ઓછી હોય તેનો અતિ ગરીબની શ્રેણીમાં સમાવેશ થઈ શકે. જ્યારે કેરળમાં એવું કોઈ નથી જેની ડેઈલી ઈન્કમ ૧૫૮ રૂપિયાથી ઓછી હોય. ગરીબી નિર્મૂલન માટે ૨૦૨૧થી પ્લાન અમલમાં મૂકાયો હતો, જેને કારણે દરેક પરિવાર પાસે ઘર છે. જેની પાસે ઘર નહોતા તેને ઘર બાંધવા ૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. સરકાર અને સામાજિક ભાગીદારીથી ગરીબી નિર્મૂલનની યોજના સફળ થઈ હતી.
આમ, ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં કેરળ એક રોલ મોડેલ બની ગયું છે. દેવભૂમિ તરીકે ઓળખાતા કેરળ સ્ટેટની આ સિદ્ધિ જોઈને કહેવું પડે કે:
દેવભૂમિમાં દેખાશે નહીં
કોઈ દીન,
કેરળમાં આવ્યા છે 'એચ્છે દિન'
ભારતના બોલકા પોપટે આપી કવ્વાલીની ભેટ
'છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇ કે...'
આ કવ્વાલી કાને પડતાંની સાથે જ સંગીતના શોખીનો થનગની ઉઠે છે. આ કવ્વાલીનું સર્જન ભારતના બોલકા પોપટે કર્યું હતું એમ કોઈને કહીએ તો એ મૂંઝવણમાં મૂકાઈ જાય. આ મૂંઝવણ દૂર કરવા કહેવું પડે કે ફારસી, હિંદવી અને પંજાબી ભાષામાં અનેક કવ્વાલી, રૂબાઈ અને ગીતોનું સર્જન કરી ચૂકેલા કવિ અને સંગીતકાર અમીર ખુશરોએ આ કવ્વાલીનું સર્જન કરેલું. અમીર ખુશરોની કાવ્યપ્રતિભા અને મીઠી જબાનથી પ્રભાવિત થઈને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ તેમને તૂતી-એ-હિંદ એટલે 'હિન્દુસ્તાન કા તોતા' કે 'ભારતના બોલકા પોપટ'નું બિરૂદ આપેલું.
૧૪મી સદીમાં અમીર ખુશરોએ બ્રજ ભાષામાં આ કવ્વાલી લખેલી. આજે ૨૧મી સદીમાં પણ ફક્ત ભારત કે પાકિસ્તાનમાં જ નહીં આખી દુનિયામાં આ કવ્વાલી ધૂમ મચાવે છે.
અમીર ખુશરોએ જ કવ્વાલી ગાયન પ્રકારની શરૂઆત કરી હતી. બીજું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને તબલા અને સિતાર જેવા સાજની ભેટ પણ ખુશરોએ જ આપેલી. ગુરુ હઝરત નિઝામુદ્દીન ઔલિયા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ વ્યકત કરતા તેમણે લખેલું : છાપ-તિલક સબ છીની રે મોસે નૈના મિલાઈ કે...
પતિ પાળેલો ઉંદર
ઉંદર ગણપતિનું વાહન છે, પરંતુ છત્તીસગઢમાં એક મહિલાએ પોતાના પતિને 'પાળેલો ઉંદર' કહી સંબોધતાં અને માતા-પિતાથી દૂર કરવાની જીદને છત્તીસગઢની વડી અદાલતે ગંભીર માનસિક ક્રૂરતા ગણાવી હતી, અને આ ક્રૂરતાના આધારે પતિને છૂટાછેડા મળી ગયા હતા. આ સાથે જ વડી અદાલતે પતિને તેની પત્નીને ભરણ-પોષણ પેટે પાંચ લાખ રૂપિયા અને દીકરા માટે માસિક ખર્ચ આપવાનો આદેશ આપ્યો હતો.
લગ્ન પછી થોડો સમય પતિ-પત્નીનો સંસાર થોડો સમય ઠીક ચાલ્યો.પછી પત્નીએ સાસરિયાથી જુદા રહેવાની જીદ પકડી. આને લીધે ઘરનું વાતાવરણ કલુષિત થવા માંડયું. પતિએ કરેલા આક્ષેપ મુજબ પત્ની તેને અપમાનિત કરવા માંડી. પતિને 'પાળેલા ઉંદર' કહી અપમાન કર્યું. આથી પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. ફેમિલી કોર્ટે અરજી સ્વીકારી લીધી. એટલે પત્નીએ ફેમિલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકેાર્ટે પતિને 'પાળેલો ઉંદર' કહેવો એ માનસિક ક્રૂરતા ગણીને છૂટાછેડાને મંજૂરી આપી હતી.
આના પરથી ધડો લઈને કહેવું જોઈએ કે સંસાર બચાવવો હોય તો પહેલે જીસકો ચાહા ઉસે મત કહો ચૂહા...
પંચ-વાણી
ઝડપી દોડે બુલેટ ટ્રેન
ધીમી દોડે બહુ-લેટ ટ્રેન.


