- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ગાંવવાલોં... બસંતી નહીં મિલી તો કૂદ જાઉંગા... મર જાઉંગા... 'શોલે' ફિલ્મમાં બસંતી એટલે હેમામાલિનીના પ્રેમમાં પાગલ થયેલો વીરૂ એટલે ધર્મેન્દ્ર ટાંકી ઉપર ચડીને ત્રાગું કરે છે એ સીન કોણ ભૂલી શકે?આવો જ સીન બિહારમાં ગોવાલગંજના બનકટા ગામમાં જોવા મળ્યો. ફરક એટલો હતો કે 'શોલે'માં પ્રેમી ટાંકી પર ચડી ગયો હતો જ્યારે બનકટામાં પ્રેમિકા પોતાના પ્રેમીને પામવા માટે મોબાઈલ ટાવર પર ચડી ગઈ હતી.
એમાં એવું થયું કે એક દિવસ અચાનક પ્રેમિકા ઘરેથી ગાયબ થઈ ગઈ. આથી પ્રેમિકાના પરિવારજનોએ ફરિયાદ કરી કે પ્રેમીએ જ દીકરીનું અપહરણ કર્યું છે. પોલીસે ફરિયાદને આધારે પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. એ દરમ્યાન પ્રેમિકા મોબાઈલ ટાવર પર ચડી ગઈ અને રાડો પાડવા માંડી જ્યાં સુધી મારા પ્રેમીને અહીં હાજર કરીને નહીં પરણાવો ત્યાં સુધી નીચે નહીં ઉતરું... તમાશાને તેડું ન હોય એ ઉક્તિ મુજબ સેંકડો ગ્રામજનો ભેગા થઈ ગયા. બધાએ બહુ વિનવણી કરી છતાં યુવતી નીચે ન ઉતરી. આખરે તેના પ્રેમીને પોલીસ હાથકડી પહેરાવીને લઈ આવી ત્યારે જ એ નીચે ઉતરી હતી.
આ કિસ્સો સાંભળીને કહેવાનું મન થાય કેઃ
પ્રેમીને બનાવો મારો વર
નહીંતર ચડીશ ઊંચે ટા-વર.
કરન્ટ લાગે એવું બિલ
ઐસા આયા બીજલી કા બિલ કી સબ ગયે હિલ... સાહજિક છે કે ૩૬૦ વોલ્ટનો કરન્ટ લાગ્યો હોય એવું તોતિંગ બિલ આવે ત્યારે ઝટકો જ લાગેને? આંધ્રપ્રદેશના સમરલકોટા ગામે બંધ પડેલા એક ઘરનું લાઈટનું બિલ કેટલું આવ્યું ખબર છે? ૧.૯૯ કરોડ રૂપિયા! એક ઘરનું નહીં પણ આખા ગામડાના બધા જ ઘરનું સામટું બિલ હોય એવી જંગી રકમનું બિલ જોઈને ઘરના માલિકનો પરિવાર રીતસર હેબતાઈ ગયો હતો. વીજળી ખાતામાં ફરિયાદ કરતાં તરત તપાસ કરવામાં આવી. ત્યારે ખબર પડી કે નવા વીજળીનાં મીટરો લગાવવાની કામગીરી વખતે સિસ્ટમમાં ટેકનિકલ ખામીને લીધે આ ગોટાળો થયો હતો. પછી સુધારીને બિલ આપવામાં આવ્યું જે બિલ માત્ર ૧૪૭ રૂપિયાનું હતું.
આ ગડબડ જોઈને કહેવું પડે કેઃ
કોઈ દિલ સે હિલ જાતા હૈ
કોઈ બિલ સે હિલ જાતા હૈ
પર વિશ્વાસ રખો તો
હર સવાલ કા જવાબ
મિલ જાતા હૈ.
ખાડાથી મોત નહીં
પણ જીવતદાન
મુંબઈ જેવાં શહેરોમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે થતા અકસ્માતોમાં કેટલાય લોકો જીવ ગુમાવે છે. ખાડામય સ્થિતિ જીવલેણ બની જાય છે એ સહુ જાણે છે, પણ ખાડાને કારણે મૃત વ્યક્તિને જીવતદાન મળે એવું ક્યારેય સાંભળ્યું છે?
તો આ ઘટના છે ઉત્તરપ્રદેશના બરેલી-પીલીભિત શહેરની. ત્યાંની હોસ્પિટલમાં એક મહિલાને ડોકટરોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી તેને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવામાં આવતી હતી. રસ્તામાં મોટો ખાડો આવતા એમ્બ્યુલન્સ ઊછળી હતી અને બ્રેઈન ડેડ મહિલા 'જીવતી' થઈ ગઈ હતી ને હૃદય ધબકવા માંડયું હતું.
આ જોઈ પરિવારજનોની ખુશીની કોઈ સીમા ન રહી. ખાડાથી મળેલા જીવતદાનનો કિસ્સો સાંભળીને કહી શકાય કે-
ખાડા આમ તો ભલભલાને
ખાડે આડા,
પણ કરી દે બેઠા
જે જીવ ગુમાવી પડયા હોય આડા.
કેરળનું કલરફુલ કમળીસ્તાન
કેરળમાં ભાજપનું કમળ ખીલવવા તનતોડ પ્રયાસ થાય છે, પરંતું અહીં કુદરતી કમળ તો એટલી મોટી સંખ્યામાં ઉગવા માંડયા છે કે કોટ્ટાયમ જિલ્લાનું મલરિક્કલ ગામ 'કમળીસ્તાન' તરીકે ઓળખાવા લાગ્યું છે.
છેલ્લાં છ-સાત વર્ષ દરમ્યાન કોટ્ટાયમ, અલપુળા અને પટ્ટણથિટ્ટા જિલ્લામાં ૫૫ હેકટર વિસ્તારમાં ચોમાસા દરમ્યાન લાલ અને ગુલાબી રંગના કમળપુષ્પો તળાવ અને છીછરા પાણીમાં ઊગી નીકળે છે. પાણીની ઉપર જાણે રંગીને ગાલીચા બિછાવવામાં આવ્યા હોય એવો ભાસ થાય છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ કમળમાંથી કમાણી કરવાની તક ઝડપી લીધી. જૂનથી ઓકટોબર દરમ્યાન કમળની સિઝન ચાલે છે. ગ્રામજનો આ કમંળથી આચ્છાદિત વિસ્તારમાં જળવિહારની સુવિધા પૂરી પાડી. ફૂલોના વેચાણમાંથી અને ફોટોગ્રાફીમાંથી સિઝન વખતે દોઢ-દોઢ લાખ રૂપિયા કમાઈ લે છે.
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ગણાતું કમળ પવિત્રતા, સૌદર્ય અને જ્ઞાાનનું પ્રતીક છે. કમળનો ઉપયોગ લક્ષ્મી પૂજામાં થાય છે. શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે? પણ આપણે તો કમળને પણ કેટલાં બધાં નામ આપ્યા છે! પદ્મ, પંકજ, સરોજ, જલજ, નીરજ, અરવિંદ, નલિન, ઉત્પલ વગેરે વગેરે. કેરળમાં કમળીસ્તાન જોઈને કહેવું પડે કેઃ
કેરળમાં કમળની કમાલ છે
મોકો ઝડપ્યો એ માલામાલ છે.
યુવતીએ કરાવ્યો ટકો સહુને લાગ્યો ઝટકો
સુંદર કેશકલાપ નારીના સૌંદર્યમાં નિખાર લાવે છે. દેશ એવો વેશ અને દેશ એવા કેશ એ ઉક્તિ મુજબ ભારતીય સ્ત્રીઓના કાળા ભમ્મર કેશ સહુની નજરને આકર્ષે છે. આવાં જ કેશવાળી યુવતી પરણવાલાયક થઈ ત્યારે પરિવારજનો લગ્ન માટે દબાણ કરવા માંડયા. સગા-સંબંધીઓ મળે એ પણ સારૂં પાત્ર જોઈ પરણી જવાની વણમાગી સલાહ આપતા.
આધુનિક વિચારવાળી અને જીવનમાં કંઈક કરી દેખાડવાની મહેચ્છા ધરાવતી આ યુવતી કંટાળી ગઈ. એટલે એણે શું કર્યું ખબર છે? લાંબા વાળ કપાવી ટકો કરાવી નાખ્યો. પછી પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો. યુવતી કહે છે કે મારા વાળ ખૂબ લાંબા અને સુંદર હતા, પરંતુ મારી જિંદગીના નિર્ણયો જાતે લેવા માટેની આઝાદી મળે એ માટે મેં 'કેશ-ભક્તિ'નો ત્યાગ કરી માથે મુંડન કરાવી નાખ્યું. યુવતીએ વડીલોને મુંડેલા માથા સાથે સંભળાવ્યું કે લો હવે કરો લગન.
આ 'કેશ-લેસ' યુવતીનો કિસ્સો સાંભળી કહેવું પડે કેઃ
આજના જમાનાની યુવતીઓને
હવે સલાહ આપતા અટકો
નહીંતર કરાવી માથે ટકો
તમને બધાને આપશે ઝ-ટકો.
પંચ-વાણી
લોકશાહીમાં બીજું શું થાય?
ખોટા ચૂંટાય અને સાચા કૂટાય.


