For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાડીનું લેવાય નહીં ભાડું, મફતની મુસાફરી કરે માડું

Updated: Jan 20th, 2023

Article Content Image

- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

દુનિયાનું સૌથી મોટું  રેલ-નેટવર્ક ભારતમાં છે. દરરોજ હજારો  ટ્રેનો દોડે છે અને લાખો મુસાફરો પ્રવાસ કરે છે. સસ્તુ ભાડું અને સિદ્ધપુરની યાત્રા એ કહેવત સાચી પાડે એવી સસ્તા ભાડાંવાળી પેસેન્જર ટ્રેનોથી  માંડીને જેની ઊંચા ભાવની ટિકિટ છે એવી આલિશાન પ્રિમીયમ ટ્રેનો દોડે છે. પણ તમને ખબર છે? એક ટ્રેન દાયકાઓથી દોડે છે અને એમાં રોજ સંખ્યાબંધ મુસાફરો સાવ મફતમાં  પ્રવાસ કરે છે. ટ્રેનની ટિકિટ માટે ના તો કોઈ ટિકિટબારી છે કે પ્રવાસ દરમ્યાન ના તો  કોઈ ટી.ટી. આવે છે.  આ ટ્રેન પંજાબ અને હિમાચલ પ્રદેશની સીમા ઉપર ભાખડા અને નાંગલ વચ્ચેના  ૧૩ કિલોમીટરના રૂટ પર દોડે  છે. આઝાદી પછી ભાખડા-નાંગલ ડેમ બંધાયો  એ વખતે  મજૂરો, મશીનરી, બાંધકામ સામગ્રી પહોંચાડવા  ૧૯૪૮માં  આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.  અત્યારે ભાખડા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવે  છે. ટ્રેન સતલજ નદી પરથી અને શિવાલિક પર્વતમાળા વચ્ચેથી  પસાર થાય છે. એક અજાયબી રૂપ ભાખડા-નાંગલ ડેમ જોવા  આવતા પર્યટકો, ગામડાંના લોકો અને વિદ્યાર્થીઓ ત્રણ ડબ્બાની ટ્રેનમાં  મફત મુસાફરીકરે છે. થોડા સમય પહેલાં આ ટ્રેનમાં ભાડું વસૂલ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. પછી  એવાર્નિર્ણય લેવાયો હતો કે આ ટ્રેનને આવકનું  સાધન ગણવામાં  ન આવે, પણ હેરિટેજ અને પરંપરાની જાળવણી રૂપે જોવામાં આવે. એટલે પછી  ૭૫ વર્ષથી મફતની મુસાફરીનો  સિલસિલો  ચાલુ રાખવામાં આવ્યો છે. આ જોઈને કહેવું પડે કે-

મફતની ગાડીનું ગબડે ગાડું,

એક પૈસાનું દેવાનું નહીં ભાડું,

ટિકિટ તપાસવા આવે નહીં કોઈ આડું.

મફતની મુસાફરીની મજા માણે   માડું.

એકલા રહેવું એ-કલા

એકલા રહેવું એ-કલા છે. સાસણ ગીરના ગાઢ જંગલમાં બાણેજ ખાતે એક જ મતદાર છે, નામ છે મહંત હરિદાસ ઉદાસીન મહારાજ. ચૂંટણી વખતે આ એક મતદાર માટે ચૂંટણી પંચ તરફથી પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી જ રીતે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં  મોનોવ્હી નામનું  ટચુકડું ગામડું છે, જેમાં એકમાત્ર મહિલા રહે છે જેનું નામ છે,એલ્સી આયલર. ૨૦૦૪માં આયલરના પતિનું  મૃત્યુ થયા બાદ આ મહિલા ગામમાં એકલી જ રહે છે. એલ્સી આયલર પોતે જ કર ભરે છે, પોતે જ મેયરની ચૂંટણીમાં  ઊભી રહે છે અને ચૂંટણી જીતીને પોતે જ મેયર તરીકે ફરજ બજાવે  છે. બીજા વિશ્વયુદ્ધ  પછી  ખેતીવાડી  અને ગ્રામીણ અર્થવ્યવસ્થા  ડામાડોળ થઈ ગયા બાદ લોકો રોજગારી માટે શહેરો ભણી વળ્યા. મોનોવ્હી  ગામ પણ ખાલી થવા માંડયું.  મોનોવ્હી  ગામની પોસ્ટ ઓફિસ અને છેલ્લી ત્રણ-ચાર દુકાનો ૧૯૭૦માં બંધ થઈ.૧૯૭૪માં  આખરી સ્કૂલ પણ બંધ થઈ. એલ્સી આયલરનાં સંતાનો પણ શહેરોમાં સેટલ થઈ ગયાં અને ગામમાં બચ્યા હુતો અને હુતી જેવાં આયલર અને તેનો પતિ. પતિ ગુજરી ગયા પછી હવે આખા ગામમાં આ મહિલા સાવ એકલી જ રહે છે અને મેયર તરીકેનો વહીવટ કરે છે. ગાંધીજીએ ગામડાં તૂટતા બચાવવાની સલાહ આપેલી. બાપુની આ સલાહ એકાકી મહિલાએ કાને ધરી હશે? એકલવીર મહિલાને જોઈને ગુરુદેવ ટાગોરનું ગીત યાદ આવેઃ તારી હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે...

બીડી વાળતો કિશોર અમેરિકામાં જજ Article Content Image

મક્કમ હોય ઈચ્છાશક્તિ એને કોઈ મુશ્કેલી પાછી પાડી નથી શકતી એ ઉક્તિ અમેરિકાના ટેક્સસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટના  જજ બનેલા સુરેન્દ્રન કે. પટેલ નામના કેરળના વતનીએ  સાચી પાડી છે.૩૫ વર્ષ પહેલાં  કેરળના કાસરગોડમાં અત્યંત ગરીબીને કારણે ભણતર છૂટી જતા  બીડી  વાળીને મજૂરી મેળવતા સુરેન્દ્રને બીડી વાળવાની સાથે મનમાં ગાંઠ  પણ વાળી હતી કે ગમે તેમ કરીને ભણીગણી આગળ વધવું છે.ગરીબ મજૂર પરિવારના આ કિશોરે દિવસે નાનું-મોટું  કામ કરી નાઈટ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. પછી હોટેલમાં હાઉસકીપિંગનો જોબ  કરી કોલેજમાં દાખલ થઈ ૧૯૯૨માં  પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજયુએટ  થયો. ત્યાર પછી ેલૉ કોલેજમાંથી  કાયદાની ડિગ્રી લીધી  અને કાસરગોડની કોર્ટમાં  વકીલાત શરૂ કરી. લગ્ન થયાં પછી  પત્ની શોભાને નર્સની નોકરી મળી. ત્યાર પછી દિલ્હી જઈને સુપ્રીમ કોર્ટમાં પણ વર્ષ વકીલાત કરી.એ દરમિયાન તેની પત્નીને અમેરિકાની  મોટી હોસ્પિટલમાં જોબ મળી અને બન્ને અમેરિકા શિફ્ટ થયા પછી કાયમી  નિવાસ માટેના વિઝા મળી ગયા પછી યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન લૉ સેન્ટરમાં એલ.એલ.એમ.નો અભ્યાસક્રમ પૂર્ણ કરી લાયસન્સ મળતા એટર્ની બની ગયા. આમ, એક પછી એક પગથિયાં ચડતાં  ચડતાં ટેકસસના બેન્ડ કાઉન્ટી ડિસ્ટ્રીકટ કોર્ટમાં  જજ બન્યા.  દરેક ભારતીયે ગર્વ લેવા જેવી બાબત એ છે કે ભગવદ્ ગીતા અને અમેરિકાના રાજ્ય બંધારણ પર હાથ મૂકી શપથ લઈ પદ ગ્રહણકર્યું. આ સિદ્ધિ જોઈને કહેવું પડે કે-

ભૂતકાળમાં ભલે

બીડી વાળી હોય,

પણ વ્યક્તિ સફળ થાય જ છે

જેણે મનમાં ગાંઠ વાળી હોય.

પ્લાસ્ટિકના કચરાના બદલામાં મફત ચા

પ્લાસ્ટિકના કચરાથી વધતા કચરાની સમસ્યાના નિવારણ માટે  મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોએ  પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ  મૂક્યો છે. સરકાર કે સુધરાઈ કાયદા બનાવી  તેનું પાલન કરાવે છે ત્યારે બીજી તરફ રાજસ્થાનના એક સામાન્ય ચાવાળાએ  પ્લાસ્ટિક-મુક્તિની દિશામાં નવો નુસ્ખો  અજમાવ્યો છે. ઉદયપુરમાં ચાની ટપરી ચલાવતા ભગ્ગાસિંહ નામના યુવકે ટપરી ઉપર સૂચના લખી છેઃ  પ્લાસ્ટિકનો કચરો આપો અને મફતમાં ચા પીવો. ગામના લોકો આ યુવકના પ્રયાસને બીરદાવીને  પ્લાસ્ટિકનો કચરો આપવા સામેથી આવવા માંડયા છે. ક્રિકેટર રવિ બિશ્નોઈ સહિત સેલિબ્રિટીઓ  પણ ચાની ચુસ્કી લેવા અને  યુવકની પીઠ થાબડવા  આવવા માંડી છે. આમ, કાયદા કે દંડના ભયથી જે ન થઈ શકે એ કામ ભગ્ગાસિંહે  પૈસા વિના પ્રેમથી ચા પીવડાવીને  કરી દેખાડયું છે.

આઝાદીના 75 વર્ષ બાદ ગામડામાં અજવાળુંArticle Content Image

ભારતમાં આઝાદીના અમૃત-મહોત્સવની ઉજવણીને ટાંકણે જ ભજનના આ પંક્તિ યાદ આવે છેઃ ઊંડા અંધકારેથી  પ્રભુ પરમ તેજે તું  લઈ જાય. અંધારામાંથી  પ્રકાશ તરફ લઈ જવાની પ્રાર્થના યાદ આવવાનું કારણ એ છે  કાશ્મીરના એક ગામડામાં આઝાદીનાં ૭૫ વર્ષ પછી વીજળીની બત્તીનું અજવાળું  થયું  છે. દક્ષિણ કાશ્મીરના દુર્ગમ પહાડી  વિસ્તારના તેથાન ગામના અબાલ વૃદ્ધોએઆજ સુધી વિજળીના દિવાના દર્શન જ નહોતા કર્યા. રાત્રે ફાનસ, મીણબત્તી કે તેલના દિવડાનો  ઉપયોગ કરતા. ગાડ ગાળી નાખે એવી ટાઢમાં  લાકડા બાળીને તાપણું કરે અને બહાર નીકળે  ત્યારે  ઊનના ડગલામાં કાંગડી  (નાની કાશ્મીરી સગડી) રાખીને ફરે.  અત્યંત દુર્ગમ વિસ્તારમાં રહેતા  ગ્રામજનોને  માટે  હિટર સપના જેવાં હતા. તાજેતરમાં જ્યારે ગામમાં ટ્રાન્સફોર્મર, હાઈ-ટેન્શન વાયર  માટેના ૫૭ થાંભલા  ઊભા  કરી વીજળી પૂરી પાડવામાં  આવી અને ઘરોમાં બલ્બ ઝળહળી ઉઠયા ત્યારે ગ્રામજનોએ તો જાણે દિવાળીનો તહેવાર હોય એવાં  ઊમંગભરે  ખુશાલી મનાવી હતી. કેટલાય વૃદ્ધો બોલી ઉઠયા કે મૃત્યુ પહેલાં વીજળીની બત્તી જોઈ શક્યા એ માટે અમારી જાતને નસીબદાર ગણીએ  છીએ. આ જોઈ મનમાં સવાલ થાય કે અત્યાર સુધી  જે જે સરકારો  પાવરમાં  આવી તેણે  કાશ્મીરના ગામડાને પાવર આપવામાં કેમ આટલી વાર કરી હશે?  બાકી તો આપણાં દેશમાં જે પાવરફૂલ હોય છે ે બીજાને ઘણીવાર  ફૂલ જ બનાવતા હોય છે ને?

પંચ-વાણી

બે ચીજ શાશ્વત છે -

પ્રેમ અને પ્લાસ્ટિક.

Gujarat