- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મધનો સ્વાદ મીઠો હોય છે, પણ મધ ભેગું કરતી મધમાખીનો ડંખ ખૂબ તીખો હોય છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામની આંગણવાડીમાં ૨૦થી ૨૫ બાળકો બપોરે ભણતાં હતાં એ જ વખતે મધમાખીના મોટા ઝુંડે હુમલો કર્યો. જે આંગણ વાડીમાં માસૂમોની કાલીઘેલી બોલી અને ખિલખિલાટ કાને પડતા તેની જગ્યાએ તેજાબી ડંખનો ભોગ બનેલાં બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગાજી ઉઠયું. બાળકો રડતાં-ચિલ્લાતાં ભાગમભાગ કરવા માંડયાં. એ વખત આંગણવાડીની ૫૫ વર્ષની સહાયિકા જરા પણ સમય ગુમાવ્યા વગર વીજળીની ઝડપે શેતરંજી અને કંબલ ખેંચી લાવી અને બાળકોને ઓઢાડી દીધાં. તો પણ થોડા બાળકોના માથા ઉઘાડા રહી ગયા હતા તેને પોતાની સાડીના પાલવથી ઢાંકીને બીજા હાથે કપડાને પંખાની જેમ વિંઝતી મધમાખીઓ સાથે મુકાબલો કરતી રહી. એના શરીર પર મધમાખીઓએ ડંખ મારી મારીને શરીરને ચારણી જેવું કરી નાખ્યું હતું છતાં પીડા ભૂલીને બાળકોને બચાવવા માટેની મથામણ કરતી રહી. આસપાસના માણસો દોડી આવ્યા અને ગંભીર રીતે જખમી કંચનબાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડોકટરોએ મૃત ઘોષિત કર્યા ં હતાં.
ખરેખર, બાળકોને બચાવવા પોતાના પ્રાણનું બલિદાન આપનારી આંગણવાડીની સેવિકાની હિમ્મતને બિરદાવવામાં શબ્દો ઓછા પડે. આજે સમગ્ર મધ્યપ્રદેશમાં જ નહીં, દેશભરમાં સેવિકાની વીરતાના બે મોઢે વખાણ થાય છે. માસૂમોને બચાવવા મધમાખીઓનો મુકાબલો કરી મોતને વ્હાલું કરનારી મહિલાને બીરદાવતા કહી શકાય કે-
ખૂબ લડી મર્દાની વો તો નીમચવાલી કંચનબાઈ થી...
મારે તે ગામડે
એકવાર આવજો...
આજે ગામડાં તૂટતાં જાય છે અને લોકો શહેરભેગા થતા જાય છે એવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રનું સૌથી સ્વચ્છ અને સ્માર્ટ ગામડું જાહેર થયેલું આડાચીવાડી ગ્રામ જાણે શહેર ગયેલાને સાદ પાડીને જાણે બોલાવે છે કે મારે તે ગામડે એકવાર આવજો. પુણે જિલ્લાના પુરંદર તાલુકામાં આવેલા ક્લિન એન્ડ સ્માર્ટ વિલેજની વસ્તી માત્ર ૧૫૦૦ જણની છે. ગામડાનો વહીવટ ગ્રામ પંચાયત સંભાળે છે એમાં કાંઈ નવાઈ નથી, પરંતુ ગામડાના દરેક નાગરિક ગામડાને લગતા પ્રશ્નો કે સમસ્યાની સાથે બેસી ચર્ચા કરે છે અને પછી સાથે મળીને પોતપોતાને ખભે જવાબદારી ઉપાડી સમસ્યાનો ઉકેલ પણ લાવે છે અને સગવડ પણ ઊભી કરે છે. ગામડાની ઈકોનોમી અંજીરના પાક પર નિર્ભર છે. દર વીક-એન્ડમાં ગ્રામજનો શ્રમદાન કરીને ગામડાની સફાઈ કરે છે. મહારાષ્ટ્રનું પહેલું એવું ગામડું છે જેમાં બધા રસ્તા સિમેન્ટ-કોંક્રિટના છે.
ગામમાં કુલ ૧૭૯ ઘર છે જેમાંથી ૬૮ ઘરોમાં સોલાર પાવર વપરાય છે. માર્ચ સુધીમાં ૧૦૦ ટકા ઘરોમાં સોલાર પાવર આવી જશે. ગામડાના કૂવાનું પાણી સૌરઉર્જાથી ફિલ્ટર કરવામાં આવે છે. પછી દરેકને વોટરકાર્ડ (જળ-કાર્ડ) આપવામાં આવ્યું છે. કૂવા પર જઈ આ કાર્ડ સ્વાઈપ કરી એક રૂપિયામાં પાંચ લીટર શુદ્ધ પાણી મેળવી શકાય છે. આખા ગામમાં ફ્રી ઓપન પબ્લિક વાઈ-ફાઈ સુવિધા છે. બાળકોના શિક્ષણ માટે સ્કૂલ તો છે જ, પણ સ્કૂલનો ટાઈમ પૂરો થયા પછી બાળકોના એકસ્ટ્રા કલાસ ગામડાના સ્મશાનમાં લેવાય છે, કારણ સ્મશાનમાં શાંતિ હોય છે, જગ્યાની છૂટ હોય છે અને સોલાર લાઈટના અજવાળે બાળકો ભણી શકે છે. દરેક ગામવાસીને એક જ ઘર બાંધવાની છૂટ છે, ફાજલ જગ્યા કોમ્યુનિટી ફેસિલિટી માટે વાપરવામાં આવે છે. ગામડામાં અદ્યતન જીમ છે, નાના-નાની પાર્ક છે એટલું જ નહીં, ક્યાંય ગંદકીનું નામનિશાન જોવા નથી મળતું.
મેંઘાલયનું માવલીનોન્ગ ગામડાએ એશિયાના સૌથી સ્વચ્છ ગામડાનું બિરૂદ મેળવ્યું છે, જ્યારે આડાચીવાડી ગામ મહારાષ્ટ્રના સૌથી સ્વચ્છ ઉપરાંત સ્માર્ટ ગામડા તરીકે જાણીતું થયું છે. મેં લખ્યું ેહતું ને કે જ્યાં પહોંચી મડું પણ બેઠું થઈને ગાવા માંડે એ સાચું ગા-મડું!
ભસતા હરણ કરેડ નહીં
સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભસતાં કૂતરા કરડે નહીં, પણ કોઈ વનજીવનના જાણકાર એમ કહે કે ભસતાં હરણ કરડે નહીં ત્યારે પહેલો સવાલ એ થાય કે શું હરણ ભસે પણ ખરા? બધા હરણ ન ભસે, પણ ઈન્ડિયન મુંટજેક પ્રજાતિના હરણ ભસે છે. એટલે જ સામાન્ય રીતે આ ભસતાં હરણ બાર્કિંગ ડીઅર તરીકે ઓળખાય છે.
દક્ષિણ ભારતના જંગલમાં જોવા મળતા, એકદમ નાના શિંગડાવાળા અને માંડ ૨૦-૨૫ કિલો વજન ધરાવતા હરણ ઘાસ-પત્તાં અને ફળો ઉપરાંત નાના જીવો કે પંખીઓને પણ પોતાના ધારદાર દાંતથી ખાતાં હોય છે. જ્યારે કોઈ શિકારી પ્રાણી નજીક આવતું દેખાય ત્યારે તે જોર જોરથી કૂતરાની જેમ ભસવા માંડે છે. આ રીતે ભસવાની 'ભસણકલા'નો ઉપયોગ ડીઅર સ્વરક્ષણ માટે કરે છે. એટલે હળવાશથી એમ કહી શકાય કે માણસ હસીને જીવી જાય છે અને આ હરણ ભસીને જીવી જાય છે.
૫૧ લાખ રૂપિયાનું
દહેજ નકાર્યું
દહેજ વિરોધી કાયદો અમલમાં હોવા છતાં દહેજનું દૂષણ દૂર નથી થયું. આજે પણ સાસરિયા દ્વારા દહેજ માટે થતા દબાણથી થાકી મહિલાઓ મોતને વ્હાલું કરતી હોય છે. ઉત્તર ભારત બાજુ તો ઘણા કિસ્સામાં ભણેલગણેલ યુવક હોય અથવા બિઝનેસમેન હોય તો તેના પરિવાર તરફથી આજે પણ આલિશાન કાર, ફલેટ, લાખોની રકમ દહેજ પેટે માગવામાં આવે છે આવી વસમી વાસ્તવિક્તા વચ્ચે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં પુત્રના લગ્ન વખતે કન્યાપક્ષ તરફથી આપવામાં આવેલું ૫૧ લાખ રૂપિયાનું દહેજ પિતાએ પાછું વાળ્યું હતું. આકર્ષ પાઠકના લગ્ન વખતે પિતા અનોજ પાઠકે કન્યા પક્ષ તરફથી લગ્ન મંડપમાં ૫૧ લાખ રૂપિયાની રકમ સ્વીકારવાનોે ઈનકાર કરી માત્ર શુકનનો રૂપિયો અને નાળિયેર સ્વીકારીને દાખલો બેસાડયો હતો.
આ ઘટનામાંથી ધડો લઈને પુત્રને પરણાવવાનો માર્ગ અપનાવવામાં આવે તો દહેજ વિરોધી કાયદાના અમલની પણ જરૂર ન રહે. બાકી ભલે કાયદો હોય, છતાં કાંઈ-દો કહીને ઊભા રહે એને કોણ રોકી શકે?
હાથી મેરે સાથી
બર્થ-ડે ઉજવાય શાનથી
હેપ્પી બર્થડે ટુ યુ... હેપ્પી બર્થ-ડે ટું 'મોમો'... હેપ્પી બર્થ-ડે ટુ યુ... મોમો એટલે કોઈ ટેણિયાના બર્થ-ડેની ઉજવણીમાં નહીં, પણ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીના મદનિયાના પહેલાં બર્થડેની ઉજવણી વખતે ગવાયું હતું. જંગલમાં મંગલ કરવા માટે અને મદનિયાનો પહેલો જન્મદિન ઉજવવા માટે મહાવત અને વનરક્ષકોએ મોટી કેક ગોઠવી હતી. કેળા, તરબૂચ, સફરજન અન પપૈયા સહિતનાં ટોપલા ભરીને લાવવામાં આવેલાં. આકર્ષક રીતે તેને ગોઠવવામાં આવ્યા હતા.કેક કાપવામાં આવતાની સાથે જ સહુએ બેબી એલિફન્ટને હેપ્પી બર્થડે વિશ કર્યા પછી મદનિયાએ અને તેની મધર એલિફન્ટે કેક અને ફળો ઉપર રીતસર ત્રાપડ બોલાવી હતી અને ધરાઈને ખાધું હતું.
હાથી સૌથી લાગણીશીલ અને ખૂબ જ અક્કલવાળું પ્રાણી છે એટલે માણસ તરફથી હાથી પ્રત્યે લાગણીભર્યો વહેવાર રાખવામાં આવે તો એ તેને ક્યારેય ભૂલતો નથી અને સાથ છોડતો નથી. એટલે જ માણસ અને હાથી વચ્ચેના આ સંબંધનો સંદેશ ચારે તરફ ફેલાવવાના આશયથી બેબી એલિફન્ટના બર્થ-ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર વાઈરલ થયેલા આ વીડિયો જોઈને કહેવું પડે કે-
હાથી મેરે સાથી
બર્થ-ડે ઉજવે શાનથી.
પંચ-વાણી
પત્નીને ધરમપત્ની કહેવાય તો
સાળાને ધરમ-સાળા
કેમ ન કહેવાય?


