- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, 'હે ભગવાન અમને સાજા-નરવા રાખજો, તબિયત સારી રહે એવા આશીર્વાદ .' પણ ભક્તોને સાજા-નરવા રાખતા ભગવાન ખુદ માંદા પડે તો શું થાય? આ સવાલનો જવાબ મેળવવા રાજસ્થાનના કોટાના ઐતિહાસિક જગદીશ મંદિરમાં જવું જોઈએ.
છેલ્લાં ૩૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર જેઠ મહિનાની પૂણમાએ ભગવાનના અછો અછો વાના કરવામાં આવે છે. અસહ્ય ગરમી પડે ત્યારે ભગવાનને પાણીના ૫૧ કળશથી સ્નાન કરાવવામાં આવે છે. પછી ૨૦૦ કિલો કેરીના રસનો ભોગ ધરાવવામાં આવે છે. ગરમી અને આમરસને લીધે ભગવાન માંદા પડી જાય એટલે ભગવાનને ૧૪ દિવસ મેડિકલ લીવ (તબીબી રજા) આપવામાં આવે છે અને સંપૂર્ણ આરામ કરવા દેવામાં આવે છે.
જેઠ પૂણમાના અનુાનો પૂરા થયા પછી રાતે મંદિરના દરવાજા બંધ થાય છે, જે ૧૪ દિવસ પછી ખૂલે છે. ભગવાનને કોઈ જાતની ખલેલ ન પડે તે માટે મંદિરના ઘંટને કપડાંથી ઢાંકી દેવામાં આવે છે. મેડિકલ લીવ દરમિયાન પૂજારી તરફથી ભગવાનને દૂધ અને કાળા મરીનો ઉકાળો (કાઢો) પીવડાવવામાં આવે છે. આ કાઢો ભગવાનને સાજા થવામાં મદદરૂપ થાય છે. ૧૪ દિવસની મેડિકલ લીવ દરમિયાન પૂરતો આરામ કર્યા પછી ભગવાનની તબિયત પહેલાં હતી એવી જ ટકોરાબંધ અને ટનાટન થઈ જાય છે.
માણસ તો પોતાનામાં ભગવાનના ગુણો ઉતારી શકતો નથી, એટલે ે ભગવાનનું માનવીકરણ કરી નાખવા જાતજાતનાં ડિંડક કરતો રહે છે.
વાળની કિંમતમાં જુવાળ
ીઓ કેશકલાપ કરે ત્યારે સામાન્ય રીતે માથેથી ઊતરેલા વાળ ઊડીને ખાવામાં ન આવે તે માટે ડસ્ટબિનમાં નાખી દેવામાં આવતા હોય છે. પરંતુ જ્યારથી આ કેશના ભાવ ઝડપથી વધવા માંડયા છે ત્યારથી મહિલાઓ સાચવીને વાળ ભેગા કરવા માંડી છે.
મહારાષ્ટ્રના સાંગલી શહેરનો જ દાખલો લઈએ તો ત્યાં ટુ-વ્હીલર ઉપર સ્પીકર લગાડીને કેટલાક લોકો નીકળે છે, જે રીતસર ટહેલ નાખે છેઃ 'બોલો, સો ગ્રામ કેશના ચારસો રૂપિયા...' થોડા વખત પહેલાં વાળની કિંમત બે હજાર રૂપિયા કિલો બોલાતી હતી, જ્યારે હવે ભાવ બમણા થઈને ચાર હજાર પર પહોંચ્યા છે. એટલે જ બહેનો કેશને કચરામાં નાખવાને બદલે એનકેશ (રોકડી) કરવા માંડી છે.
અત્યારે દુનિયાભરમાં વિગની માંગમાં પ્રચંડ વધારો થયો છે. ફિલ્મ ઉદ્યોગ, ફેશન ઇન્ડસ્ટ્રી અને મોડેલિંગની દુનિયા તો ઠીક, આમ જનતમામાં પણ વિગની જબરદસ્ત ડિમાન્ડ છે. સિન્થેટિક વાળ કરતાં નેચરલ હેર (કુદરતી વાળ)માંથી બનાવેલી વિગ વધુ ટકે છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કેશની સૌથી વધુ ડિમાન્ડ છે. તિરુપતિ મંદિરમાં ભક્તો દર્શને જાય ત્યારે સામાન્યપણે વાળ ઉતરાવતા હોય છે. એ વાળનું દર વર્ષે લીલામ થાય છે અને એમાંથી કરોડો રૂપિયાની આવક થાય છે.
આજના જમાનામાં તો ઘણા મોર્ડન જુવાનિયાઓ પણ વાળ વધારવા માંડયા છે અને ચોટલીઓ વાળવા માંડયા છે, અને તે પણ પણ વર્ષને વચલે દહાડે કેશ-દાન કરીને રોકડી કરી મોજશોખ માટે વાપરવા માટે! આવી આ કેશ-ભક્તિ જોઈને કહેવું પડે કે-
જેને લાંબા કેશ છે,
તેને ખરેખર ટેસ છે.
જરૂર પડયે ઉતારીને કેશ,
એ કરે એનકેશ છે.
નોકરીવાળી કરણીમાતા મંદિર
ભારતમાં અનોખાં મંદિરોનો પાર નથી. કોઈ જગ્યાએ દુર્યોધનનું મંદિર છે, તો કોઈ જગ્યાએ રાવણ પૂજાય છે. કોઈ ધામક સ્થાનમાં નોકરી-ધંધા માટે વિદેશ જવા ઈચ્છતા લોકો રમકડાનાં પ્લેન ચડાવે છે, તો ક્યાંક સ્વામીભક્ત શ્વાનની સ્મૃતિમાં મંદિર બંધાય છે. આવું જ એક મંદિર રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું છે.
ભણી-ગણીને પછી રોજગાર કે નોકરી મેળવવા માટે પગરખાં ઘસી નાખ્યા છતાં નોકરી ન મળી હોય તેવા બેરોજગારો ખટુંદરાનાં કરણીમાતા મંદિરમાં આવે છે. આ મંદિર 'નોકરીવાળી કરણીમાતા મંદિર'ના નામે ઓળખાય છે. બેરોજગારો મંદિરમાં આવીને માતાજીને પ્રાર્થના કરે છે કે એમને નોકરી મળી જાય એવા આશીર્વાદ આપે. મહત્ત્વની બાબત એ છે કે આ બેરોજગારો પોતપોતાના બાયોડેટા કરણીમાતાના ચરણે ધરે છે. એવી માન્યતા છે કે મંદિરમાં વિનવણી કરવા આવે એનો ફેરો ફોગટ નથી જતો, વહેલા-મોડા નોકરી કે રોજગાર મળી જ જાય છે.
લો, બોલો.
ઘરકામ કરનારી પ્રધાન બની
નસીબ ચમકે ત્યારે નોકરાણી ક્યારે રાણી બની જાય એ કહેવાય નહીં. પશ્ચિમ બંગાળમાં સત્તા-પરિવર્તન થયું અને ભારતીય જનતા પક્ષની સરકાર આવી, એમાં પ્રધાનપદ મેળવનારી કલિતા માઝી પહેલાં ઘરકામ કરતી હતી. ભારતીય જનતા પક્ષે છેલ્લી ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટીને ઉખાડી નાખી, અને આ ચૂંટણીમાં ઔસગ્રામ મતદાર સંઘમાંથી કલિતા માઝીની જીત થઈ હતી. પછી એ વિધાનસભ્ય બની ગઈ હતી. ત્યાર પછી તેને રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનું પદ મળ્યું હતું. એના નસીબ આડેનું પાંદડું ખસી ગયું.
એ પહેલાં કલિતા ઘર-ઘરનાં કામ કરતી હતી અને માંડ મહિને અઢી હજાર રૂપિયા કમાતી હતી. તેનો પતિ પ્લમ્બર તરીકે કામ કરતો હતો. આમ સાવ પાંખી આવકમાં ઘરનું ગાડું જેમતેમ ગબડાવતા હતા. હવે આ મહિલાએ એવું મોભાદાર સ્થાન પ્રાપ્ત કર્યું છે કે અગાઉ જેના ઘરે ઠામ-વાસણ માંજવાનું કામ કરતી, એમણે હવે પોતાનાં કામ કરાવવા માટે કલિતા માઝી પાસે જવું પડશે!
ડાયરાની જેમ વાંદરાએ નોટો ઉડાડી
'ઉપરવાલા જબ દેતા હૈ તો દેતા છપ્પર ફાડકે...' એ વાક્ય યાદ અપાવે એવી ઘટનામાં ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બની. એક તોફાની વાંદરાએ છાપરું ફાડીને નહીં, પણ ઝાડ ઉપર ચડીને નોટોનો વરસાદ વરસાવ્યો હતો! લોકો કડકડતી નોટો વીણવા પડાપડી કરવા માંડયા હતા.
એમાં એવું થયું કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન માટે એક જણ બે લાખ રૂપિયા ભરેલી બેગ લઈને આવ્યો હતો. એણે વકીલની ચેમ્બરમાં બેગ રાખી હતી. અચાનક એક વાંદરો ધસી આવ્યો અને બેગ ઉપાડીને ઠેકડા મારતો મારતો નજીકના ઝાડ પર ચડી ગયો. બેગમાં ખાવાનું હશે એમ સમજી તેણે બેગ ખોલી તો અંદરથી નોટોની થોકડીઓ નીકળી. એટલે ગુસ્સે ભરાયેલા વાંદરાએ ઝાડ ઉપર બેસીને કડકડતી નોટો ઉડાડવા માંડી. કોર્ટ નજીકના પરિસરમાં પૈસાના વરસાદને લીધે લોકો ભેગા થઈ ગયા હતા. અંતે વાંદરાને ભગાડી બેગ પાછી મેળવવામાં આવી હતી. એવું કહેવાય છે કે લોકોએ પ્રામાણિકતા દેખાડીને વાંદરાએ ફગાવેલા પૈસા પાછા આપી દીધા હતા.
બાકી આ સીન જોવા જેવો હતો! ડાયરામાં જેમ કલાકારો ઉપર નોટો વરસાવવામાં આવે છે એવી રીતે આ વાનર પૈસા ઉડાડવા માંડયો હતો. માણસના પૂર્વજને પૈસા ઉડાડતા જોઈને અત્યારે ડાયરામાં ઉડાડવામાં આવતા પૈસાની યાદ આવી જાય.
પંચ-વાણી
આપણે ત્યાં એજ્યુકેશન મિનિસ્ટર કરતાં મિનિસ્ટરને એજ્યુકેશનની જરૂર છે.


