- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરી દાંડીના દરિયા કિનારેથી ચપટી ભરી મીઠું ઉપાડીને બ્રિટિશરોને હચમચાવી નાખ્યા હતા. આજે એ જ દાંડીના બીચ ઉપર રણનાં વહાણ ગણાતા ઊંટોની હાલત જોઈને હૈયું હચમચી જાય છે. હવે તો દાંડી સત્યાગ્રહના સ્મારક અને સંગ્રહાલયને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકોનો અવિરત પ્રવાહ ચાલતો હોય છે. સ્મારક અને સંગ્રહસ્થાન જોયા પછી લોકો ગાંધીજીએ જ્યાંથી મીઠું ઉપાડેલું એ દાંડીના સાગરતટ પર અચૂક જાય છે. બીચ પર ઘોડા અને ઊંટ ઉપર બેસાડીને ટુરિસ્ટોને ફેરવવામાં આવે છે. ઊંટ એવું પ્રાણી છે જે રણની બળબળતી રેતીમાં માઈલોના માઈલો સુધી ચાલી શકે છે, પણ સાગરતટની ખારી અને ભીની રેતીમાં ચાલી. ચાલીને તેની હાલત દયાજનક થઈ જાય છે. પછી એ મુંબઈના સી-બીચ હોય કે પછી બીજા કોઈ પણ સાગરતટ હોય, જ્યાં ઊંટ પર ટુરિસ્ટોને બેસાડીને ફેરવવામાં આવે છે ત્યાં ઊંટ પગના જખમોની પીડા સહન કરીને અને બીજી બીમારીઓ ભોગવાની યાતનામય જીવન વિતાવતા હોય છે.
પ્રાણી પ્રેમીઓએ ઊંટોને આ યાતનામાંથી બચાવવા માટે અનેકવાર અવાજ ઉઠાવ્યા છતાં કેમલ-રાઈડ બંધ નથી થઈ. પ્રાણી નિષ્ણાતો અને પ્રાણીના ડોકટરોના કહેવા મુજબ, દરિયા કિનારાની ભીની રેતીમાં સતત ફરફરીને ઊંટના પગમાં રીતસર ફોલ્લા પડી જાય છે, ધારા પડી જાય છે અને વધુ ઈન્ફક્શન લાગે તો પગમાં ચેપ ફેલાઈ જાય છે. આવી દશામાં સતત દરિયાના ખારા પાણીમાં ફરવું પડે ત્યારે ઊંટને કેવી બળતરા થાય? બીજું, દરિયા કિનારે ફરતા ઊંટને જ્યારે તરસ લાગે ત્યારે સમુદ્રનું ખારૃં પાણી પી ન શકે, એટલે ઓછું પાણી પીવાથી મોટા ભાગના ઊંટો ડિહાઈડ્રેશનનો ભોગ બને છે એમ મુંબઈની જૂનામાં જૂની એનિમલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.
રણમાં જ્યારે વંટોળિયો ફૂંકાય કે ધૂળની ડમરી ઊડે ત્યારે ઊંટ ત્યારે ઊંટો પોતાના માથા રેતીમાં ખોંસીને બેસી જતા હોય છે, પરંતુ દાંડીના દરિયા કિનારે તો દુર્બળ અને બીમાર ઊંટ ટુરિસ્ટોને ફેરવી ફેરવીને થાકીને તૂટી મર્યા બાદ બીચની ભીની રેતીમાં માથું દબાવી બેઠેલા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને કોઈ પણ જીવદયા પ્રેમીને વિચાર આવે કે-
રણના વહાણની વિટંબણા જોઈ
થાય એવું સ્મરણ,
પીડા વેઠતાં ઊંટ ઝંખે
રણ કે મ-રણ?
નદીને રક્ષે નારીશક્તિ
ઓહરે તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં... એ ગીતની પંક્તિ યાદ કરીને કહી શકાય કે આડેધડ કપાતાં વૃક્ષો અને નષ્ટ થતાં જતાં જંગલોને કારણે કૈંક નદીઓ સામે જોખમ ઊભું થયું છે. એટલે જ નદીઓને લુપ્ત થતી બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓ ઝુંબેશો ચલાવી રહ્યાં છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કાવેરી નદીને બચાવવા માટે નારીશક્તિની મદદથી લીલાતરી મિશન ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે કાવેરી નદી દક્ષિણ ભારતના ૮.૪ કરોડ લોકો માટે પાણીનો મુખ્ય સ્રોત છે, જીવનધારા સમાન છે. એટલે જ સદગુરુ તરફથી કુડ્ડાલોરમાં કાવેરી કોલિંગ નર્સરી રચવામાં આવી છે. ૩૦ એકરમાં ફેલાયેલી આ નર્સરીમાં કામ કરતી બહેનો સખત પરિશ્રમ કરીને દર વર્ષે ૮૫ લાખ રોપાં (પ્લાન્ટસ) તૈયાર કરે છે. આ રોપાં કાવેરી નદીના કાંઠે વાવવામાં આવે છે. આ બહેનો ૫૪ પ્રકારનાં વૃક્ષનાં રોપાં તૈયાર કરે છે. આમ, કાવેરી નદી સદાય વહેતી જ રહે એ માટે નદીની આસપાસ ૨૪૫ કરોડ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. નારીશક્તિ આ વિરાટ પાયે વૃક્ષોરોપણના હરિયાળા સ્વપ્નને સાકાર કરવા માટે કટીબદ્ધ છે. નદીને જીવતી રાખવા મેદાને પડેલી આ મહિલાઓ એટલું સારૃં મહેનતાણું મેળવે છે કે આમાંથી કૈંક મહિલાઓના સંસારમાં પૈસાને અભાવે ઊભી થયેલી વિટંબણાઓ શમી ગઈ છે. આ જોઈને કહેવું પડે કે-
આ તો કહેવાય ચમત્કાર ભારી
નારી બચાવે નદીને,
અને નદી બચાવે નારી.
જોઈને મોજ પડે
એવી મોજડી
ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર... પગે રૂપેરી મોજડી રાજાના કુંવર... આવી રૂડી મોજડી પહેરીને ચટકતી ચાલે રાજાના કુંવર નીકળે ત્યારે સહુ મોજડી સામે જોઈ જ રહેને? રાજસ્થાની મોજડીની ખ્યાતિ દુનિયાભરમાં ફરી વળી છે. રાજસ્થાનના જોધપુરના જ એક કસબી મોહનલાલ ગુર્જરે કેવડી મોજડી બનાવી છે ખબર છે? સાડાઆઠ ફૂટની મોજડી બનાવીને તાજેતરમાં જ દિલ્હીના પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. પગમાં પહેરવામાં આવતી મોજડી આઠ કે દસ ઈંચની હોય છે, પણ રાજસ્થાની મોજડીની કળાને પ્રદર્શિત કરવા માટે સાડાઆઠ ફૂટની અને ૧૭ કિલો વજનની આ મોજડી તૈયાર કરવામાં આવી છે. મોજડીના તળિયામાં ચામડું વપરાયું છે અને તેની ઉપર રેશમી દોરાથી ભરતકામ કરવામાં આવ્યું છે. આપણામાં કહેવાય છે ને કે મોટા માણસનાં પગરખાંમાં પગ ન નખાય, પરંતુ મોટી સાઈઝની મોજડી પર નજર તો નખાયને? આ મોજડી જોઈને કહેવું પડે કે-
જોધપુરમાં જંગી મોજડી
નજરે પડી,
જે મોટી મોજડી જોઈ
ખરેખર મોજ પડી.
પુત્રી ખાતર પિતા
બની માતા
બાબુલ કી દુઆયેં લેતી જા... જા તુઝકો સુખી સંસાર મિલે... કન્યા વિદાય વખતે બેન્ડવાજાવાળા આ ધૂન રેલાવે ત્યારે ભલભલાની આંખોમાં ઝળઝળીયા આવી જાય. કયા પિતાને પોતાની પુત્રીની વિદાયનું સ્મરણ ન થાય? દીકરી તો વ્હાલનો દરિયો કહેવાયને? પરંતુ દીકરી તરફ અપાર પ્રેમને કારણે માતા ત્રણ-ત્રણ દાયકા સુધી પિતાનું રૂપ ધારણ કરીને રહે ત્યારે કેવી નવાઈ લાગે!
આ કિસ્સો છે તામિલનાડુના પથુકડી જિલ્લાના ગામડામાં રહેતી પેચ્ચિમલ નામની મહિલાનો. લગ્નના પખવાડિયા બાદ તેનાં પતિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું. ત્યારે પેચ્ચિમલ ગર્ભવતી હતી. ૨૦ વર્ષની વિધવાએ સુંદર પુત્રીને જન્મ આપ્યો અને તેને સારી રીતે ઉછેરવા માટે મજૂરીકામ શરૂ કર્યું, પરંતુ યુવાન સ્ત્રીને લોકો પરેશાન કરવા માંડયા. એકલી રહેતી મહિલા નાની દીકરીને ઘરે મૂકી મંજૂરી કરવા જાય એ જોઈને પંચાતણી સ્ત્રીઓ મ્હેણા-ટોણાં મારતી. આથી પેચ્ચિમલે સૌથી પહેલાં તો દીકરીને લઈને ગામ છોડી બીજા ગામમાં વસવાટ કર્યો. લાંબો ચોટલો કાપી બોયકટ હેર કરાવીને પછી પુરૂષનું રૂપ ધારણ કર્યું.
લુંગી અને શર્ટ પહેરીને પોતાનું અને દીકરીનું પેટ ભરવા પરસેવો પાડી મહેનત કરવા માંડી. હોટલમાં વેઈટરનું, રંગરોગાનનું કે નાળિયેરની દુકાનમાં વજન ઉપાડવાનું કામ કરવા માંડી. કોઈને શંકા ન જાય કે એ પુરૂષ નહીં સ્ત્રી છે, એટલા માટે હંમેશા જેન્ટસ ટોઈલેટમાં જતી. આમને આમ ૩૦ વર્ષનાં વહાણા વાઈ ગયા. જે પુત્રી ખાતર પોતે પુરૂષ બનેલી એ દીકરી જુવાન થઈ ગઈ એટલે તેને ધામધમથી પરણાવી સાસરે વિદાય કરી. આમ પેચ્ચિમલમાંથી મૃત્થુ માસ્ટર બનેલી મહિલાએ દીકરી ખાતર પુરૂષ બનીને તેનું પાલન-પોષણ કરીને તેને રંગેચંગે પરણાવીને સાસરે વિદાય કરી. આ જોઈને કહેવું પડે કે-
બાપ રે બાપ
બેટી માટે માતા બની બાપ.
પંચ-વાણી
સરોવર છલકાય
સારો-વર મલકાય.


